ગમે તેટલા વર્ષો સુધી આશ્રમ આવો, ગમે તેટલીવાર અમ્માના દર્શન કરો, ગમે તેટલીવાર પ્રાર્થના કરો, પરંતુ આ બધાથી લાભ મેળવવો હોય તો આ સાથે સત્કર્મો પણ કરવા  જોઈએ. તમે અહીં આવો ત્યારે તમારા મનનો બધો જ ભાર અહીં હળવો કરી શકો. પરંતુ, ઘણા લોકો અહીં આવ્યા પછી તરત પાછા જવાનો જ વિચાર કરતા હોય છે. આ કેવા પ્રકારનું સમર્પણ છે? સામાન્યતઃ બાળકોનું દુઃખ જોઈ અમ્મા વ્યથિત થાય છે. પરંતુ, કેટલાક બાળકોના કાર્યોથી અમ્માનું મન પિગળતું નથી. મન કહે છે કે, “તે સ્વાર્થી છે. જૂઓ, મિથ્યા કાર્યો પાછળ તે કેટલી શક્તિ અને પૈસા ખર્ચ કરે છે. પોતાના એક સ્વાર્થનો પણ ત્યાગ કરવા જે તૈયાર ન હોય, તેવા લોકો ખાતર શા માટે અમ્માએ સંકલ્પ કરવાનો ?” આ જ કારણસર અમુક બાળકોના કાર્યો ધાર્યા પ્રમાણે પૂરા થતા નથી. જે સ્વાર્થ પૂર્ણ જીવન જીવતા હોય, તેમના પ્રતિ કેવી રીતે કૃપાવૃષ્ટિ થઈ શકે? એ તો બાળકોના સારા કર્મો અને પ્રાર્થના જ છે, જે અમ્માના સંકલ્પને ફળદ્રુપ કરે છે. અન્યથા, અમ્મા સંકલ્પ કરે તો પણ  બાળકોને તે કૃપાવૃષ્ટિ પ્રાપ્ત થતી નથી. ટી વી સ્ટેશનમાંથી કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. પરંતુ, આપણું ટી વી  તેને અનુસરીને ટ્યૂન કરીએ, તો જ આપણે તે કાર્યક્રમોને જોઈ શકીએ અને સાંભળી શકીએ. બાળકો, આ જ પ્રમાણે, જો કોઈ લાભ મેળવવો હોય તો આપણા મનને ઈશ્વરના જગત સાથે ટ્યૂન કરવું જોઈએ. પરમાત્માના લોક તરફ એક પગલું ભરવાનો તમે પ્રયત્ન કરો, તો પરમાત્મા હજારો હજારો ડગલા તમારી નજીક આવશે. જેઓ  સ્વાર્થતાનો ત્યાગ કરી, સદ્કર્મો કરી, યોગ્ય રીતે પ્રાર્થના કરે  છે, તેમને કોઈ દુઃખ નહિ આવે. શું તમે સુદામાની કહાણી નથી સાંભળી? આ ફક્ત કહાણીઓ નથી, અનુભવ છે. આવા કેટ કેટલા અસંખ્ય અનુભવો છે!
 

 
બાળકો, પ્રેમ અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના કરતી વખતે, તમારા હૃદય પિગળે  એ રીતે પ્રાર્થના કરવી જોઈએ. કેટલાક કહેશે કે, રડવું એ દુર્બળતા છે. પ્રભુ દર્શન માટે આંસુ સારવા એ દુર્બળતા નથી. મીણ-બત્તીનું મીણ જેમ જેમ ઓગળે છે, તેમ તેનો પ્રકાશ વધુ ને વધુ તેજસ્વી જ બને છે. આતો મનને વિશાળ કરવાનો એક સરળ માર્ગ છે. તે મનના માલિન્યને સાફ કરે છે. આથી આપણે શક્તિ જ પ્રાપ્ત કરીએ છીએ. આથી વિપરીત, મિથ્યા કાર્યો માટે રડવું, એ દુર્બળતા છે. તેથી તો આપણી શક્તિનો વ્યય જ થાય છે. આવતી કાલે કરવાના કાર્યો વિશે વિચારી, આજે બેસીને રડવું એ દુર્બળતા છે. અને પછી જયારે તે કાર્ય કરવાનું આવે,  ત્યાં સુધીમાં આપણે રડીને ભાંગી ગયા હશું. અને પછી બીમાર બની પથારીમાં પડયાં રહેવું પડશે.

હાથમાં ઘાવ થયો હોય તો ત્યારે તેના પર દવા લગાડવી જોઈએ. આમ ન કરી, ઘાવને જોઈ રડતા બેસીએ, તો તે દુર્બળતા છે. એવા પણ કેટલાક માતાપિતા છે, જે બાળકોના વિવાહની ચિંતાથી વ્યથિત થઈ, ઊંઘ ન આવતા ઊંઘની ગોળીઓ ખાય છે. છેવટે પછી બાળકોના વિવાહ સમયે તેઓ  હોસ્પિટલમાં હોય છે. અમ્મા આવા ઘણા નબળા મનના લોકોને મળ્યા છે.  કેટલાક એવા પણ લોકો છે ,જેમને પોતાનું મકાન બાંધવાનું દુઃખ  હોય છે. આખરે જયારે ઘર બંધાયને તૈયાર થાય છે, ત્યારે આવી વ્યક્તિ તે ઘરને ફરીને જોઈ પણ નથી શકતા – કારણ કે હાર્ટ એટેક આવ્યો હોય છે! મોટાભાગના લોકો આજે આ પ્રમાણે અનેક બાબતોનો વિચાર કરી, આતુરતા અને આવેશના કારણે તેમનું સ્વાસ્થ્ય નાશ પામે છે. આ દુર્બળતા છે. આથી વિપરીત જયારે આપણે ઈશ્વર ખાતર આંસુ સારીએ છીએ, ત્યારે ઉત્સાહ, ઉન્મેશ જાગે છે અને શાંતિ પ્રાપ્ત થાય છે.

ઈશ્વર વિશ્વાસ અને પ્રાર્થના મૃત્યુ પછી પ્રાપ્ત થતા કોઈ સ્વર્ગ માટે નથી. કેટલાકનું કહેવું છે કે, “ગુરુ અને ગુરુકુળો અંધવિશ્વાસનો પ્રચાર કરે છે. તે ફક્ત મગજના ચસકેલ માટે જ છે.” સચ્ચાઈ શું છે, તે તેઓ જાણતા નથી. તે સમજવાની સમજશક્તિ પણ તેમનામાં નાશ પામી છે. વાસ્તવમાં, એ તો તેમના મન છે , જે વિકૃત છે. ગુરુ તો આપણને, કેવી રીતે મનની નબળાઈઓથી પાર આવવું, જીવનમાં કેવી રીતે સંવાદિતા જાળવી રાખવી, એ શીખવે છે. ગુરુકુળ તો આ શિક્ષણના કેંદ્ર છે.

સ્ટીલના સળિયા વિના બાંધવામાં આવેલ મકાન બહુ જ જલ્દી ધરાશયી થશે. મકાનને જે સુદ્રઢ બનાવે છે, તે આ સ્ટીલના સળિયા છે. ઈશ્વર વિશ્વાસ આ સળિયા જેવો છે. તે આપણા નબળા મનને કઠણ બનાવે છે. તેમાં શક્તિ પૂરે છે. ઈશ્વર વિશ્વાસ હશે, તો મિથ્યાવસ્તુઓ કે બાબતો પાછળ રડીને પાગલ નહિ થઈએ. વર્તમાનપત્રોમાં નજર કરીએ તો જાણવા મળશે કે,  રોજ કેટલા લોકો આત્મહત્યા કરે છે. મોટાભાગના મરણનું કારણ સ્વાસ્થ્ય કે સંપત્તિને સંબંધીત કોઈ ખામી નથી પણ મનની દુર્બળતા માત્ર જ છે. યથાર્થ ઈશ્વર વિશ્વાસ દ્વારા આપણે મનની આ દુર્બળતાથી પર આવીએ છીએ. મન શાંત થાય છે. નજીવી બાબતો પાછળ ભાંગી ન પડતા, આપણે તો તેનાથી ઉપર ઊઠવાની શક્તિ પ્રાપ્ત કરીએ છીએ.

માટે જ મારાં બાળકો, પરમાત્મામાં પૂર્ણ શરણું લો. એક સારાં મનના માલિક બનો અને પછી કયારેય દુઃખી થવાનો વારો નહિ આવે. જે કંઈની જરૂર હશે, તે આવી પહોંચશે. આમ જો ન બને તો અમ્માને કહો. આમ બન્યા વિના નહિ રહે.  અમ્મા આટલા વખતના તેમના અનુભવના આધાર પર આ કહે છે.

( ૧૯૯૦- અમ્માના ૩૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)

અહીં આવતા મોટાભાગના બાળકોને અહીં પહોંચ્યા પછી જલ્દી પાછા  જવાની જ  ચિંતા હોય છે. પાછા ફરવા વળતી બસના વિચાર હોય છે. અમ્માને જોઈ, જેમ તેમ દંડવત કરી પાછા ફરવાની ઉતાવળમાં હોય છે. “અમ્મા, ઘરે કોઈ નથી. જલ્દી પાછું  ફરવું છે. બસનો સમય થઈ ગયો.” મોટાભાગના લોકોને કહેવાને આ જ હોય છે. સમર્પણ, એ મૂખેથી કહેવાનું નથી; આપણા કાર્યમાં તે પ્રકટ થવું જોઈએ. અહીં આવી, એક દિવસ માટે પણ પૂર્ણરૂપે તે તત્વને સમર્પિત થવાને તેમનાથી થતું નથી. અમ્માને જોઈ, તેમની સામે પોતાની આવશ્યકતાઓ અને ફરિયાદો મુકવી, આથી અતિરીકત ઈશ્વરદર્શન માટેનો ઉપાય શોધનારા બહુ જ વિરલ છે. આનો અર્થ એમ નથી થતો કે, ભૌતિક કાર્યો  વિષે પૂછવું નહિ. બાળકોએ સમજવું જોઈએ કે તે શાશ્વત નથી. આહાર નિદ્રાનો ત્યાગ કરી ભૌતિક વિષયો પાછળ આટલા દિવસો દોડી, તેમને માત્ર દુઃખ જ પ્રાપ્ત થયું, આ બાબત બાળકોએ ભુલવી ન જોઈએ. માટે જ, હવે પછી પણ જયારે કયારે આશ્રમોમાં કે મંદિરોમાં જાવ ત્યારે થોડો સમય પૂર્ણરૂપે ઈશ્વર માટે સમર્પિત કરશો. ઓછામાં ઓછું તે સમયે બંધુઓ અને બંધનોને દૂર રાખશો.

એક રાજા હતા. તેઓ વાનપ્રસ્થ માટે તૈયાર થયા. તેમણે પોતાની બધી જ સંપત્તિ પ્રજાને આપી દેવાનું નક્કી કર્યું. જેણે જેણે જે કંઈની માગણી કરી , તે બધું જ તેમને આપ્યું. એક યુવક તેમની પાસે આવ્યો અને પોતાની સમસ્યાઓ રાજાને કહી સંભળાવી. રાજાએ ઘણી સંપત્તિ તે યુવકને આપી. તેમછતાં યુવકને તેથી સંતોષ ન થયો. કારણ કે, રાજમહેલ માટે નીકળતા પહેલાં તેની પત્નીએ કહ્યું હતું, “જે કંઈ મળે તે બધું જ લઈને ઘરે પાછા આવવાનું છે.” યુવકના અત્યાગ્રહને જોઈ તેને સંતુષ્ટ કરવા રાજાએ કહ્યું, “અહીં એક નદી છે. તેમાં બહુમૂલ્ય પરવાળાં ઊગે છે. તું તેને ચાહે તો તારી પોતાની કરી શકે છે.” રાજાના વચનો સાંભળી યુવક રાજી રાજી થઈ ગયો. રાજાએ આગળ કહ્યું, “પણ એક શરત છે. તને બાર કલાકનો સમય આપવામાં આવશે. એક નાવ લઈ, તું ચાહે એટલો દૂર જઈ શકે છે, પરંતુ નિશ્ચિત સમયમાં તારે પાછું આવવું જોઈએ. આમ જો તું કરી શકે, તો જેટલી નદી તું પાર કરીશ, તે તારી હશે અને તેમાં પ્રાપ્ત બધા પરવાળાં પણ તને મળશે. પરંતુ, એક સેકેંડ પણ તું જો મોડો પડીશ તો તને કંઈ જ નહિ મળે.”

યુવક સંમત થયો. નિશ્ચિત દિવસે યુવકને નદીમાં નાવ દોડાવતી જોવા, નદીની બંને બાજુ લોકોના ટોળાને ટોળા ભેગા થયા. તેની પત્ની અને મિત્રોએ તેને આખી નદી પોતાની કરવા પ્રોત્સાહિત કર્યો. ભલે પછી તે માટે તેને ગમે તેટલો શ્રમ કરવો પડે. આટલી બધી સંપત્તિનું માલિક બનવું કેટલું  મહાભાગ્ય કહેવાય. આ પ્રમાણે  શીખામણ આપી. યુવક ઘણો ઉશ્કેરાયો. જોશમાં ને જોશમાં તે હલેસા મારી નાવ હંકારવા લાગ્યો. છ કલાક સુધી તે નાવ હંકારતો રહ્યો. પછી, લાલચ વશ તેણે વધુ આગળ જવાનું નક્કી કર્યું. બે કલાક પસાર થયા. શરૂઆતના બિંદુ પર પહોંચવા ફક્ત ચાર કલાક જ બાકી હતા. જેટલો વિસ્તાર તેણે આઠ કલાકમાં કાપ્યો હતો, તેટલો જ તેના અડધા સમયમાં કાપવાનો હતો. ઝડપથી તે હલેસા મારવા લાગ્યો. પત્ની અને મિત્રો પ્રોત્સાહિત કરતા મોટેથી કહેવા લાગ્યા, “એક સેકેંડ પણ મોડો પડીશ તો તારો આ બધો જ પ્રયત્ન વ્યર્થ જશે. માટે જલ્દી કર! ઝડપથી હલેસા માર!” સમય પૂરો થવા આવ્યો. જયાંથી શરૂઆત કરી હતી, તે કયાંય દૂર હતુ! પોતાની બધી જ શક્તિ ભેગી કરી, તે હલેસા મારવા લાગ્યો.

હલેસા મારતા મારતા તેને છાતીનો દુઃખાવો ઉપડ્યો. છતાં, તેણે  હલેસા મારવાનું બંધ ન કર્યું. એક હાથે છાતી દબાવી, બીજા હાથે જોરથી તે  હલેસા મારવા લાગ્યો. અધિક શ્રમ કરવાથી, તેણે લોહીની ઉલ્ટી કરી, છતાં તેણે હલેસા મારવાનું બંધ કર્યું નહિ. સંપત્તિની લાલચમાં તે હલેસા મારતો રહ્યો. છેવટે, નિશ્ચિત સમયની એક સેકેંડ પહેલાં  તે શરૂઆતના બિંદુ પર પહોંચી ગયો. તેની પત્ની, સગા સંબંધી, મિત્રો બધા જ આનંદથી નાચવા લાગ્યા. પરંતુ, તે યુવક તે જ ક્ષણે, ત્યાં ને ત્યાં જ ઢળી પડયો અને તેણે  છેલ્લા શ્વાસ લીધા.

પતિનું મૃત્યુ થતા, તેના મડદાંને ઘરે લઈ જવાનો પ્રશ્ન ઊભો થયો.  ઘર ત્યાંથી ઘણું  દૂર હતું. મડદાંને લઈ જવા કોઈ વાહન જોઈએ. પત્ની બોલી, “તે તો હવે મરી ગયો છે. તેના મડદાંને ઘરે લઈ જવો હોય તો મારે ભાડે વાહન કરવું પડે. મારે  હજૂ આ બાળકોને મોટા કરવાના છે. વાહન કરવા માટે મારી પાસે પૈસા નથી. અહીં જ આસપાસ કયાંય માટીમાં તેને દાટી દ્યો તો ચાલશે.” આમ ત્યાં માટીમાં છ ફૂટના ખાડામાં બધું સમાપ્ત થયું. કોઈએ તેનો સાથ આપ્યો નહિ. અવિહિત સંપત્તિ મેળવવા જેણે પ્રેરિત કર્યો હતો, તે પત્ની, મિત્ર, સગા સંબંધી, બાળકો કે સંપત્તિ કોઈ તેની સાથે ગયું નહિ.

બાળકો, આ છે જીવન. એક સેકેંડ માટે પણ મનને એકાંત ન આપતા, આહાર ને ઊંઘનો ત્યાગ કરી, સગાસંબંધીઓની, સંપત્તિની  ચિંતા કરે છે. તે પ્રાપ્ત કરવા માટે કોઈ દુષ્ટ કાર્ય કરવાને પણ ન અચકાતા જીવન જીવે છે. પણ છેવટે આમાંનું કંઈ જ સાથે આવે છે શું? નહિ. ભૌતિક આવશ્યકતાઓ માટેની ઇચ્છા જયારે જાગે છે, ત્યારે પછી દુઃખ જ છે. આ ઇચ્છાઓની પૂર્તિ થાય, તો પણ દુઃખ રાહ જોઈને ઊભું રહેશે. કારણ કે, આમાંનું કંઈ જ  શાશ્વત નથી. આજે નહિ તો કાલે, તે નાશ પામવાની જ છે.  એક ઈશ્વર જ શાશ્વત શાંતિના સ્રોત છે. ભૌતિક વિષયો શાશ્વત નથી, આ જ્ઞાન સાથે, તે અનુસાર જો જીવન જીવીએ, તો દુઃખ ટાળી શકાય.

સંપત્તિ ન જોઈએ, કે ભૌતિકતા ન જોઈએ, એમ અમ્મા નથી કહેતા. તે બધું જરૂર પૂરતું – જીવન જીવવા પૂરતું રાખવું સારું છે. નિત્ય શું છે તે સમજી, એ શું છે જે સમાધાન આપે છે, તે જાણી, તે માટે પ્રયત્ન કરો.

સ્વર્ગ અને નરક, બંને આ ભૂમિ પર જ છે. એ તો મનુષ્યમન જ છે, જે તેમનું સર્જન કરે છે. માટે, તે મનને નિયંત્રિત કરવાને શીખવું જોઈએ. પછી દુઃખી થવાનો વારો નહિ આવે. આનંદ… આનંદ… અને આનંદ માત્ર જ રહે છે.

( ૧૯૯૦- અમ્માના ૩૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)

બાળકોને જો અમ્મા માટે પ્રેમ હોય, અમ્માના સંતોષની ઇચ્છા રાખતા હો, તો અમ્માના પ્રત્યેક જન્મદિવસ પર આવો ત્યારે એક બૂરી આદતનો ત્યાગ કરવા માટેની પ્રતિજ્ઞા લેશો. આ જ તમારો અમ્મા પ્રત્યેનો સાચો પ્રેમ હશે.

સિગરેટમાં જો આનંદ રહેલો હોય તો સર્વકોઈને તેમાંથી આનંદ મળવો જોઈએ, ખરું ને? પણ આમ નથી. કેટલાક સિગરેટની વાસ પણ સહન નથી કરી શકતા. અસ્વસ્થતા અનુભવે છે. આનંદ વસ્તુમાં નથી. તે તો મન પર નિર્ભર કરે છે. મનને જો  નિયંત્રિત કરવામાં આવે, તો કોઈ બાહ્ય વસ્તુની  સહાય વિના આનંદ અનુભવી શકાય. પછી શા માટે અનાવશ્યક ખરચ કરવો અને સ્વાસ્થ્ય પણ બગાડવું? માટે જે બાળકો સિગરેટ પીવે છે, તેમણે આ જન્મદિવસ પછી તેનો ત્યાગ કરવા માટેની પ્રતિજ્ઞા લેવી જોઈએ. તે કુટેવ દૂર કરી,  તેની પાછળ ખરચ થતી રકમથી આપણે કોઈ ગરીબ બાળકને વિદ્યા-ભ્યાસ મેળવવા સહાય કરી શકીએ. જે બાળકો મદ્યપાન કરે છે, તેમણે તેમ નહિ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. આપણે વસ્ત્રો પાછળ રૂા.સોથી પાંચસો સુધી ખરચ કરીએ છીએ. એક વર્ષમાં ઓછામાં ઓછી દસ સાડીઓ ખરીદતા બાળકો છે. તે નવ કરી શકાય. આથી જે બચત થાય, તે રકમથી રોગથી પીડાતા કોઈ ગરીબને દવા ખરીદવા માટે સહાય કરી શકાય.
જો અમ્મા માટે તમને પ્રેમ હોય, પરમાત્મા માટે પ્રેમ હોય, તો આ પ્રકારના ત્યાગમનોભાવને કેળવવા બાળકોએ તત્પર રહેવું જોઈએ.

બાળકો, ત્યાગ વિના ઈશ્વર સાક્ષાત્કાર શકય નથી. “ત્યાગેનૈકે અમૃતત્વમાનશુઃ ” ત્યાગ દ્વારા જ અમૃતત્વને પ્રાપ્ત કરી શકાય. કંઈ પણ મેળવવા ત્યાગ જરૂરી છે. પરીક્ષામાં પાસ થવા માટે, લક્ષ્ય પર કેંદ્રિત રહી ભણવું જોઈએ. એક પૂલ બાંધવો હોય તો અત્યંત જાગરૂકતા અને ધીરજ સાથે પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ પ્રયત્નની સફળતાનો આધાર ત્યાગ છે. ત્યાગ ન હોય તો સંસાર સમુદ્રને પાર કરવો શકય નથી. ત્યાગ વિના, કેવળ મંત્રજાપ કરવાથી કોઈ ફળ મળતુ નથી. ત્યાગ વિના કોઈ ગમે તેટલા મંત્રજાપ કરે, મંત્રના દેવતાનો સાક્ષાત્કાર કરી શકે નહિ. જેનામાં ત્યાગનો મનોભાવ છે, તે પછી ભલે મંત્રજાપ ન કરે છતાં દેવતા તેની સામે આવી ઊભા રહેશે. તેના કાર્યમાં સહાય કરવા બધા જ દેવતાઓ આવી પહોંચશે. આનો અર્થ એમ નથી થતો કે મંત્રજાપ ન કરવો. મંત્રજાપની સાથે તેના આધારમાં રહેલા તત્વ અનુસાર જીવન જીવવું જોઈએ. બીજને માટીમાં દાટવા માત્રથી કાર્ય પૂરું થતું નથી. ત્યાગમનોભાવ સાથે જો સત્કર્મ કરવામાં આવે તો તે પૂર્ણ બને છે. આપણે જે સત્કર્મ કરીએ છીએ, તે આપણા વિકાસને સૂચવે છે.

 

( ૧૯૯૦- અમ્માના ૩૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)

અમ્માએ આ અનેકવાર કહ્યું છે, આપણે મંદિરમાં જઈ કૃષ્ણ..કૃષ્ણ… કૃષ્ણ… એમ પોકાર કરી, મંદિરની ત્રણવાર પ્રદક્ષિણા કરીશું. પરંતુ, મંદિરના દ્વાર પર ઊભેલો ભિખારી, “ભૂખ લાગી છે, કંઈક ખાવાને આપો…” એમ કહીં પોકારતો હશે, તેના તરફ ધ્યાન ન આપતા, “હટ… છેટો ઊભો રે…” એમ કહેશું, તેના તરફ દયાભરી એક દ્ર્શ્ટિ કરવાને પણ આપણે તૈયાર નહિ હોઈએ.

 

 

એક ગુરુને એક શિષ્ય હતો. તે શિષ્યને કંઈ પણ દાન ધર્મ કરવું સ્હેજેય ગમતું નહિ. આ જાણતા ગુરુ એક દિવસ ભીખારીનો વેશ ધારણ કરી, શિષ્યના ઘરે આવ્યા. આ સમયે શિષ્ય ગુરુની છબિ સામે દૂધ અને કેળાનો નૈવેદ્ય ધરી રહ્યો હતો. ગુરુએ પોકાર કર્યો, “માઇબાપ, ભિક્ષામાં કંઈક આપો”. “અહીં દેવાને કંઈ જ નથી.” એમ કહી શિષ્યે ભિખારીના વેશમાં તેના દ્વાર સામે ઊભા રહેલા ગુરુને ત્યાંથી ભગાડયા. ગુરુએ ધારણ કરેલો ભીખારીનો વેશ ઉતારી દીધો. પોતાના ગુરુને સામે ઊભેલા જોઈ, શિષ્યથી રહેવાયું નહિ. તે ગુરુના ચરણકમળોમાં દંડવત કરતો ઢળી પડયો. બાળકો, આપણામાંનું હર કોઈ તે શિષ્ય જેવું છે. આપણે છાયાને પ્રેમ કરીએ છીએ, ચૈતન્યને પ્રેમ નથી કરતા. છબિની સામે દૂધ કેળા ને દૂધપાક ધરીશું. પણ ભીખારીને પાંચ પૈસા પણ નહિ આપીએ. તેમને ખોબા ભરી ભરીને પૈસા દેવાને અમ્મા નથી કહેતા. ધર્મ કરતી વખતે, વિવેક જરૂરી છે. ભીખારીને પૈસા આપશો, તો મોટાભાગના ભીખારીઓ તેને મદ્યપાનમાં, ગાંજો સેવવામાં ખરચ કરશે. માટે, તેમને ખોરાક આપો, વસ્ત્રો આપો, સારા બે વચનો કહો. આ જ ઈશ્વર પ્રત્યેનું આપણું કર્તવ્ય છે. માટે બાળકો, જે ભૂખ્યા છે, તેને ખોરાક આપો.  દુઃખી અને પીડિતોની સહાય કરો.

ઈશ્વર તો સર્વત્ર છે. તે સર્વકાંઈમાં વ્યાપ્ત છે. આપણે તેને શું આપી શકીએ? ગરીબ પ્રત્યેની કરુણા, એ જ તો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ છે. બાળકો, અમ્માનો સંદેશ તો દુઃખીઓને આશ્વાસન આપવું અને ગરીબોને દાન ધર્મ કરવું, એ છે. ગરીબોના મોંઢા પર તેમની હાંસી ઉડાવવી, એ ભક્તિ નથી. અન્ય લોકોને દુઃખી કરી, બીજા લોકોનું બૂરું બોલી, ગમે તેટલી પ્રાર્થના કરો છતાં કોઈ લાભ નહિ મળે. કોઈ તમારી પાસે પોતાનું દુઃખ કહે, તો તેમને સાંત્વન મળે એવા વચનો કહેશો; તેમને જોઈ સ્મિત કરશો. ગર્વનો ભાવ છોડી, વિનય પ્રકટ કરશો. તેમના હાથે જો કોઈ ભૂલ થાય તો બને ત્યાં સુધી ક્ષમા કરવા પ્રયત્ન કરશો. આ બધું, પ્રાર્થનાના વિવિધ ભાવ છે. આ પ્રકારની પ્રાર્થના ઈશ્વર સ્વીકારશે. આથી વિપરીત, બીજા લોકો પર ક્રોધ કરી, અન્યને કચડી દૂર કરી, કોઈ કરોડો મંત્ર જાપ કરે, ગમે તેટલી જાત્રાઓ કરે, ઈશ્વર નહિ મળે. પાત્રને સાફ કર્યા વિના તેમાં દૂધ રેડવામાં આવે, તો તે બગડી જશે. એ તો સત્કર્મ જ છે, જે મનને શુદ્ધ કરે છે.

માટે મારા બાળકો, મારી તમને આ વિનંતી છે. આ મારી આજ્ઞા નથી. તમને આજ્ઞાકિંત કરવાને અમ્મા શક્તિમાન નથી. કોઈ પણ એક ખરાબ આદત અથવા આડંબરનો ત્યાગ કરવા માટે તમારે પ્રતિજ્ઞા લેવી જોઈએ. જે પ્રાર્થના આપણે કરીએ છીએ, તેને ફળદ્રુપ કરવા આ સિવાય અન્ય કોઈ માર્ગ નથી.

આપણા સઘળા પ્રયત્નો એવું એક હૃદય કેળવવા માટે હોવા જોઈએ જે,  પીડિતોની સહાય કરવા તેમજ દુઃખીઓને આશ્વાસન આપવા તત્પર હોય. “ભૂખ્યાને ખોરાક આપવો જોઈએ, નહિ કે અપમાનભર્યા શબ્દો.” આ આપણા મનને વિશાળ કરવા માટે છે.  સંકટના સમયે જે આપણી સહાય કરે છે, આપણે  તેમનો ચહેરો હંમેશા યાદ કરીશું. આપણા હાથે જ આપણને  આંખમાં વાગે, તો  આપણે આપણો હાથ કાપીને ફેંકી નથી દેતા. તે જ હાથેથી આપણે ઘાયલ આંખને પંપાળીશું. કારણ કે, “તે આંખ મારી છે, તે હાથ મારો છે.”

બાળકો, આ જ પ્રમાણે અન્ય લોકોની ભૂલોને ક્ષમા કરો. તેમને શક્ય તેટલો પ્રેમ કરી શકે એવું એક મન આપણે કેળવવું જોઈએ.  આપણા માટે આ જ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ છે. તેમના માટે તે ઈશ્વર કૃપા છે.

કેટલાક બાળકો અમ્મા પાસે આવીને કહેતા હોય છે,  “અમ્મા, મારે અમુક અમુક કષ્ટ છે. અમ્મા મારા માટે સંકલ્પ કરશો.” આ કહેનારાઓ દારૂના પીઠા તરફ જતાં જોવા મળશે. તો કેટલાક પીને પાછા ફરતા જોવા મળશે. અમ્માને તેમના તરફ કોઈ દ્વેષ નથી. અમ્મા તેમના અધિકારને કોઈ પ્રશ્ન કરતા નથી. તેમના માટે પણ અમ્મા સંકલ્પ કરે છે. પરંતુ, તેનું ફળ સ્વીકારવાને તેઓ અસમર્થ છે. તેમના મન પથ્થર જેવા છે. તેમના જીવન સ્વાર્થથી ભરેલા છે.

 

( ૧૯૯૦- અમ્માના ૩૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)

બાળકો, આજે આપણા મન ભૌતિક વિષયોમાં ચીટકેલા છે. આપણા મન સ્વાર્થતાથી ભરેલા છે. આ જ કારણ સર ઈશ્વરને આપણામાં  વાસ કરવાને કોઈ સ્થળ નથી. આસ્થિતિમાંથી મુક્તિ મેળવી, મનને શુદ્ધ કરી, ઈશ્વરને ફરી હૃદયમાં પ્રતિષ્ઠત કરવા આપણે આશ્રમોમાં જઈએ છીએ અને ગુરુમાં શરણું લઈએ છીએ. પરંતુ આજે આપણે ત્યાં જઈએ તો પણ સંપત્તિ માટે જ પ્રાર્થના કરીએ છીએ. “મને ઈશ્વર માટે ખૂબ પ્રેમ છે,” વગેરે બધું કહેશું. પરંતુ, મન જે વસ્તુ સાથે બંધાયેલું છે, તેને સમર્પિત કરવા આપણે તૈયાર હોવું જોઈએ. ત્યારે જ આપણે યથાર્થ સમર્પણ  અને ઈશ્વર માટેના યથાર્થ પ્રેમ વિષે  જાણી શકીશું.

એક બાલિકાએ પોતાની બહેનપણીને તેના જન્મદિવસના અવસર પર  એક પત્ર લખ્યો, “તારા જન્મદિવસ વિષે જાણી મને ખૂબ જ આનંદ થયો. હું એટલી ખુશ હતી કે, હું સ્વયંને ભુલી ગઈ. તારાં જન્મદિવસ પર બહુ જ સુંદર ભેટ દેવા માટે, કયાં કયાં હું તેને શોધતી ફરી હતી? છેવટે એક દુકાનમાં મેં તે જોઈ. પણ તેની કિંમત રૂા.૧૦/- હોવાથી, મેં તે ખરીદી નહિ. ફરી કયારેય કોઈ બીજા અવસર પર તે આપીશ, એમ વિચાર્યું”. બહેનપણી માટે તેને કેટલો પ્રેમ હતો. પોતાનું જીવન સુધ્ધા આપી દેવાને તૈયાર છે, એમ તે કહેતી હતી. પરંતુ તેના માટે ફક્ત દસ રૂપિયા ખરચ કરવાને તે અચકાતી હતી. ઈશ્વર માટેનો આપણો પ્રેમ અને ભક્તિ પણ આવા જ છે. મોઢેથી કહેશું, “મેં તો બધું  ઈશ્વરને સમર્પિત કરી દીધું છે.”

આપણું કામ સિદ્ધ કરવા આપણે મંદિરમાં નારિયેળ ધરવાની માનતા લેશું. જેવું કામ પુરું થાય કે, મંદિરમાં ચડાવવા સહુંથી નાનું અને સસ્તામાં સસ્તા નાળિયેરની શોધમાં નીકળશું. બાળકો, આ સાચી ભક્તિ કે પ્રેમ નથી. આપણે તો આપણું જીવન સુધ્ધા સમર્પિત કરવાને તૈયાર રહેવું જોઈએ. ઈશ્વરને જે ભાવથી આપણે અર્પિત કરીએ છીએ, તેથી આપણને જ લાભ થાય છે. આ તો નાળાનું પાણી લઈ, નદીને અર્પિત કરતા કહેવાનું કે, “હે નદી. તને બહુ જ પ્યાસ લાગી છે. આ પી અને તૃપ્ત થા.” એના જેવું થયું. ઈશ્વરને આપણી પાસેથી કશાની જરૂર નથી. તેઓ આપણી આવશ્યકતાઓ પૂરી પાડે છે. તેઓ જ આપણને શુદ્ધ કરે છે. ઈશ્વરના સંપર્કમાં રહેવાથી આપણે શુદ્ધ થઈએ છીએ.

બાળકો, જયાં ધર્મનો બોધ છે, તે મન જ ઈશ્વરનું સામિપ્ય પ્રાપ્ત કરે છે. પહેલાંના દિવસોમાં લોકો કેવા હતા? પક્ષીના એક બચ્ચા માટે તેઓ પોતાના જીવનની બલિ આપવા તૈયાર રહેતા. ધર્મનો આ બોધ આપણને ઈશ્વર સાથે, પરમાત્મા સાથે જોડે છે. એ તો મનની વિશાળતા જ છે, જે આપણને ઈશ્વર સામિપ્ય માટે યોગ્ય બનાવે છે.  ઈશ્વરીય ગુણોને આપણામાં પ્રતિફલિત કરે છે. આ મન જ આપણી અંદર રહેલા દિવ્ય ગુણોને પોષિત કરે છે. આપણા સત્કર્મો અને સદ્ગુણો તો બીજને વૃક્ષમાં વિકસવા સહાય કરતા ખાતર જેવા છે . સ્વાર્થતામાં ડૂબેલા મનમાં ઈશ્વર કૃપા ઉતરતી નથી. ઈશ્વરકૃપા માટે પાત્ર  બનવા સ્વાર્થતાનો ત્યાગ કરવો જ રહ્યો. આ માટેનું સાધન છે, ધર્મનું આચરણ. જેમ એક બીજને વાવવાથી દસ બીજ પ્રાપ્ત થાય છે, તેની જેમ ઈશ્વરને એક આપવાથી હજારગણું પ્રાપ્ત થાય છે. સ્વયંને જયારે ઈશ્વરમાં સમર્પિત કરીએ છીએ, ત્યારે  આપણને હજારો ગણુ પ્રાપ્ત થાય છે.  ઈશ્વર તો તે શક્તિ છે, જે આપણી રક્ષા કરે છે. આથી વિપરીત તેને આપણી રક્ષાની આવશ્યકતા નથી.  આ આપણે યાદ રાખવું જોઈએ.

શરીર કે મન જો ઈશ્વરને સમર્પિત ન કરી શકીએ, પણ આપણી  ઇચ્છાઓ ઈશ્વરને સમર્પિત ન કરી શકીએ શું? સર્વપ્રથમ, આમાં જે બાધા બને છે, તે સ્વાર્થતાની બલિ ઈશ્વરને ચઢાવવી જોઈએ. શું ટ્રેઈનમાં ચડ્યા પછી પણ, સામાનને માથા પર ઉંચકીને રહેવાની જરૂર છે? તેને ઉતારી નીચે મુકીએ છીએ. તેનો ભાર ટ્રેઇન સહન  કરી, મુકામ પર પહોંચાડી દેશે. ઉંચકેલા ભારને જો નીચે મૂકવાને ન થાય, તો પછી સ્વયં ભાર સહન કરવો પડશે. ઈશ્વર વિશ્વાસની સાથે સમર્પણનો ભાવ પણ આપણી અંદર વિકસવો જોઈએ. તો જ આપણને શાંતિ અને સમધાન પ્રાપ્ત થાય છે. જયાં સુધી સ્વાર્થતા છે, પોતપોતાનો  ભાર સ્વયં વહન કરવો પડશે. આ માટે ઈશ્વર જવાબદાર નથી. ફક્ત ડૉકટરનો વિશ્વાસ કરવો, એ માત્ર જ પર્યાપ્ત નથી. ડૉકટરના કહેવા પ્રમાણે દવા પણ લેવી જોઈએ અને તેમના નિર્દેશોનું પાલન પણ કરવું જોઈએ. કેવળ ઈશ્વર વિશ્વાસ માત્ર જ પર્યાપ્ત નથી. તેના તત્વને જાણી તે અનુસાર જીવન જીવવાથી આપણો ભવરોગ દૂર થાય છે અને આપણે લક્ષ્ય પ્રાપ્ત કરીશું.

બાળકો, સઘળા ભાર તેના ચરણોમાં અર્પિત કરી, શાંતિ અને સમાધાન સાથે જીવો.