બાળકો, “ત્યાગૈનૈકે અમૃતત્વમાનશુઃ” અનેકવાર આપણે આ મંત્રને સાંભળ્યો છે. ત્યાગ દ્વારા અમૃત તત્વને પ્રાપ્ત કરી શકાય. આ મંત્ર ફ઼ક્ત જાપ કરવાને કે સાંભળવાને નથી. આ તો જીવનમાં ઉતારવાનું તત્વ છે. આ મંત્રના જાપથી પણ ક્યાંય અધિક મહત્વનું, આ તત્વને જીવનમાં ઉતારવાનું છે.

આપણું પોતાનું બાળક બીમાર પડે તો આપણે તેને ઉંચકીને હોસ્પિટલ લઈ જશું. જો કોઈ વાહન ન મળે અને હોસ્પિટલ બહુ દૂર હશે,  તો ચાલીને આપણે ત્યાં જશું. બાળકને દાખલ કરવા, કેટલાય લોકોના પગ પકડવાને તૈયાર હશું. જો સ્પેશ્યલ વાર્ડ ન મળે તો, ભલે ગમે તેટલી મોટી વ્યક્તિ હશે, સામાન્ય વાર્ડમાં બાળકની સાથે ગંદી ફર્શ પર સૂવાને તૈયાર હશે. બાળકની સંભાળ લેવા માટે ઑફિસમાંથી ઘણા દિવસોની રજા લેશે.પરંતુ,આ બધું કષ્ટ ફક્ત પોતાના બાળક માટે ઊઠાવશે. આને ત્યાગ ન કહેવાય. એક સેંટ જમીન માટે અનેકવાર ન્યાયાલયના દાદરા ચડ-ઉતર કરવા તૈયાર હશું. આ પોતાની જગ્યા માટે કરીશું. ઊંઘનો ત્યાગ કરી રાતપાળી કરીશું. પરંતુ આ આપણે સ્વયં માટે કરીશું.આમાંનું કંઈજ ત્યાગ ન કહેવાય.

જે પોતાના સુખ આરામનો ત્યાગ કરી, અન્ય કોઈની સહાય કરે તો તેને ત્યાગ કહી શકાય. પોતે મહેનત કરી, કષ્ટ સહન કરી મેળવેલી રકમથી જો કોઈ ગરીબની સહાય કરે, તો તે ત્યાગ કહેવાય. પાડોશીનું બાળક બીમાર પડે અને જો કોઈ તેને જોવાવાળું ન હોય, ત્યારે કોઈ પણ પ્રકારના વળતરની ઇચ્છા વિના, એક સ્મિતની પણ આશા કર્યા વિના હોસ્પિટલમાં બાળક સાથે રાત રહેવાને તૈયાર થાય તો તેને ત્યાગ કહી શકાય.

વ્યક્તિગત જીવનમાં કોઈ સુખ સુવિધામાં ઘટાડો કરી, તે દ્વારા બચત કરેલી રકમનો ઉપયોગ દાન ધર્મ માટે કરો, તો તે ત્યાગ બને છે. આ પ્રકારના ત્યાગપૂર્ણ કર્મ, આત્મલોકના દ્વાર પર ટકોરા મારવા જેવું છે. આ પ્રકારના કાર્યો તે દ્વારને ખોલે છે. આ પ્રકારના કર્મ જ કર્મયોગ બને છે. ત્યાગપૂર્ણ કર્મ જો જીવને આત્મલોક તરફ પહોંચાડે છે, તો અન્ય કર્મ મરણ તરફ દોરી જાય છે. “હું” અને “મારું”ના ભાવથી કરેલું કર્મ ક્યારેય આપણી સાથે, આપણી સહાય કરવા નથી આવતું.

ઘણા દિવસો સુધી ન મળ્યા હો, તે મિત્રને મળવા જશું, ત્યારે પ્રેમથી તેને પુષ્પગુચ્છ ભેટ આપીશું. પરંતુ, આ પુષ્પગુચ્છનું સૌંદર્ય અને તેની સુંગંધનો આનંદ સર્વપ્રથમ આપણે માણીએ છીએ. તેને આપવાથી તેમાં રહેલો સંતોષ પણ આપણે જ અનુભવીએ છીએ. આ જ પ્રમાણે, નિષ્કામ કર્મ દ્વારા આપણી જાણબહાર જ આપણને સંતૃપ્ત અને આનંદ પ્રાપ્ત થાય છે.

આપણી શરીરની ફરતી એક “આભા” (ઓરા) છે. આપણે જે કંઈ કરીએ, તેને ટેપમાં ઉતારવાની જેમ, આ આભામાં આપણું  એક એક કર્મ અંકિત થાય છે. જો સારા કર્મ કરીશું તો તે અનુસાર આભાનો રંગ સ્વર્ણીય કિરણો જેવો બની જશે. તેઓ જે કાર્ય હાથ ધરશે, તે કોઈ પ્રકારના પ્રતિબંધો વિના પાર પડશે. તેમનું દરેક કર્મ ઐશ્વર્યપૂર્ણ હશે. સોડાની બોટલ ખોલીએ ત્યારે જેમ તેનો ગેસ અંતરીક્ષમાં એક થઈ જાય છે, તેમ તેઓ બ્રહ્માનંદમાં લીન થાય છે.

જે લોકો બૂરા કર્મ કરે છે, તેમની આભામાં અંધકાર છવાય છે. તેઓ ક્યારેય સમસ્યાઓ અને પ્રતિબંધોમાંથી ઊભા નથી થતા. મરણાંતર પછી પણ તેમની આભા ધરતીના સ્તર પર જ રહે છે અને કીડાઓનો આહાર બને છે. ફરી તેમણે અહીં જ જન્મ લેવો પડે છે.

બાળકો, ત્યાગપૂર્ણ કર્મ કરનાર સમયના અભાવના કારણે જપ નહિ કરી શકે તેમ છતાં તેઓ અમૃતત્વને પ્રાપ્ત થાય છે. તેઓ અમૃતની જેમ બીજા માટે ઉપકારી બની રહે છે. જેને જોઈ પોતાના જીવનમાં તેનું અનુકરણ કરી શકે, તે સર્વશ્રેષ્ઠ સત્સંગ છે, ત્યાગપૂર્ણ જીવન.

 

ઓણમ, એક ભક્તનું પરમાત્મામાં વિલીન થયાનું સ્મરણ કરાવતો  દિવસ છે. આપણા મન જો પૂર્ણરૂપે ઈશ્વરને સમર્પિત કરીએ, તો જ આપણે તે શ્રીચરણોમાં વિલીન થઈ શકીએ. પરંતુ, મનને કેવી રીતે સમર્પિત કરી શકાય? આપણું મન આજે જેની સાથે અત્યાધિક બંધાયેલું છે, તેનું સમર્પણ કરવાથી, તે મનનું સમર્પણ કરવા બરાબર છે. આજે આપણા બધાના મન સહુથી વધારે આપણી સંપત્તિ સાથે બંધાયેલા છે. કોઈ નિસાર વસ્તુનું સમર્પણ કરવાને પણ મન નહિ થાય. જાત્રામાં જઈશું ત્યારે ભીખારીને દાનમાં પૈસા આપવા માટે થોડા સિક્કા હાથમાં રાખીશું. આ માટે બને ત્યાં સુધી એક પૈસો કે બે પૈસા ભેગા કરીને રાખીશું.પાંચથી વધે નહિ તેનું ખાસ ધ્યાન રાખીશું. દાનનો ઉદ્દેશ સ્વાર્થભર્યા મનને નિઃસ્વાર્થ કરવાનો છે. આ સાથે ગરીબોને પણ જેની જરૂર હોય, તે મળી રહે છે. અહીં પણ આપણે કંજુસાઈ કરીએ છીએ. મંદિરમાં ભગવાનને ભેટ ધરીએ છીએ, ત્યાંય આપણે કન્જુસાઇ કરીએ છીએ. ઈશ્વર પ્રત્યેનું સમર્પણ  ફક્ત શબ્દોમાં સીમિત ન રાખતા, તેણે આપણા કાર્યમાં પ્રકટ કરવું જોઈએ. જેને ઈશ્વરમાં પૂર્ણ સમર્પણ છે, તે જ યથાર્થ ભક્ત છે. આજે ભક્ત શબ્દ ઉચ્ચારવા માટેની લાયકાત પણ આપણામાં નથી. પરંતુ, મહાબલિ જુદો હતો. તેણે પોતાનું સર્વકાંઈ એક ઈશ્વરને સમર્પિત કર્યું હતું. પછી પરમપદમાં લીન થવા માટે કોઈ કઠણાઈ ન હતી. કહેવાય છે કે, મહાબલિને કચડીને પાતાળમાં પહોંચ્ડયો હતો. પરંતુ, વાસ્તવમાં આ કથા આ પ્રમાણે નથી. ભગવાને મહાબલિના આત્માને પોતાનામાં વિલીન કર્યો હતો. અજ્ઞાનમાંથી ઉત્પન થયેલ શરીરને તેને યોગ્ય લોક મળ્યો હતો.

મહાબલિ અસુર વંશમાં જન્મેલ હોવા છતાં, તેનામાં ઘણા સારા ગુણ હતા. તે ભક્ત પણ હતો. પણ, “હું રાજા છું. દાનમાં કંઈ પણ દેવાને હું સંપન્ન છું.”  આ અહંકારનો ભાવ પણ તેનામાં હતો. આ અહંકારના કારણે, પોતાને જે કંઈ પ્રાપ્ત છે, તે બધું નાશ પામશે, આ તે જાણતો ન હતો. પોતે દાનવીર હોવા છતાં, આ અહંકારના ભાવના કારણે તેને તે પ્રાપ્ત થયું નહિ, કે જે માટે તે યોગ્ય હતો.

ભક્તોનો અહંકાર દૂર કરવો, એ ભગવાનનું કર્તવ્ય છે. ભગવાન વામન રૂપમાં મહાબલિ પાસે આવ્યા. તેમણે મહાબલિ પાસે ફક્ત ત્રણ ડગલા જમીન માગી. મહાબલિએ ત્રણ ડગલા જમીનને નિસાર વાત માની. પણ વામન ભગવાને હજુ બે ડગલા ભર્યા કે જે કંઈ  મહાબલિ તેનું પોતાનું કહેતો હતો, તે બધું જ ચાલ્યું  ગયું. કારણ કે, તે બે ડગલામાં તેનું આખું રાજય આવી ગયું હતું. આ સમયે તેને બોધ થયો કે, “ભગવાનની સામે મારી સંપત્તિ કેટલી નિસાર છે. તેની સામે હું કંઈ જ નથી.” આમ જયારે તેનું અભિમાન દૂર થયું, મહાબલિમાં યોગ્ય વિનય ભાવ જાગૃત થયો. “મારામાં હવે કોઈ લાયકાત રહી નથી. જે કંઈ છે, તે બધું હવે તેમનું છે.” ભગવાનની સામે મસ્તક નમાવી અહંભાવ નાશ પામેલ મહાબલિ પૂર્ણરૂપે આ સમયે પરમાત્મામાં વિલીન થયો. ભગવાનની કરુણાથી “હું અને મારું”નો ભાવ દૂર થયો,  મહાબલિ પરમાત્માના ચરણોમાં લીન થયો. અને નહિં કે ભગવાને તેને પગેથી કચડી નીચે પાતાળમાં નાખ્યો હતો.

છેવટે ભગવાને મહાબલિને પૂછયું, “તારી કોઈ ઇચ્છા છે?”  મહાબલિએ જવાબ આપ્યો, “મારી એક જ ઇચ્છા છે કે, પેટભરીને ભોજન કરી, નવા વસ્ત્રો ધારણ કરી, આબાલવૃદ્ધ બધા જ પ્રજાજનો સાથે મળી આનંદથી નૃત્ય કરે. સર્વત્ર સંતોષ અને સમાધાન રહે.” આ હોય છે, એક સાચા ભક્તની ઇચ્છા. ભક્ત સાક્ષાત્કાર કે મોક્ષની ઇચ્છા કરતો નથી. વિશ્વના બધા જ જીવો સુખેથી રહે. આ જ એક તેની ઇચ્છા હોય છે. આધ્યાત્મિકતાના માર્ગ પર વળનાર લોકો માટે ઘણા આ પ્રમાણે ફરિયાદ કરશે કે, મુક્તિ માટે, સ્વર્ગ માટે  તેમણે બધાનો ત્યાગ કર્યો છે. શું આ સ્વાર્થતા નથી? એક ભક્ત સંસારની સેવા કરવા, બધા જ જીવોને પ્રેમ કરવા ઈશ્વરમાં આશ્રય લે છે. આ માટે તે તપ કરે છે. પ્રભુના ગુણ ગાઈ બધા આનંદ કરે એવાં એક જગતનું સર્જન – આ જ એક ભક્ત ઇચ્છે  છે.

આજનો આ દિવસ તો પૂર્ણ સમર્પણનો  દિવસ છે. જયાં સુધી “હું”નો ભાવ છે, પ્રભુ ચરણમાં લીન થવાય નહિ. સ્વાર્થતા પૂર્ણરૂપે દૂર થવી જોઈએ.
એક કહાણી છે. મગધરાજ્યમાં જયદેવન નામના એક રાજા હતા. તેમને ત્રણ પુત્રો હતા. વૃદ્ધાવસ્થા આવતા રાજાએ વાનપ્રસ્થમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું. પ્રજાજનોને જે નિષ્કામભાવથી પ્રેમ કરી શકે, તે પુત્રને રાજા બનાવવો જોઈએ. આ હતી તેમની ઇચ્છા. સામાન્યતઃ રાજા બનવાનો અધિકાર જ્યેષ્ઠ પુત્રનો છે. પણ તેમણે ત્રણેય પુત્રોને બોલાવ્યા અને પૂછયું, “તમારામાંના કોઈએ હાલમાં કોઈ સારું કામ કર્યું છે?”.

જ્યેષ્ઠ પુત્રે કહ્યું, “મેં એક ઘણું સારું કામ કર્યું છે. મારા એક મિત્રે મને ઘણા બહુમૂલ્ય રત્નો સંભાળીને રાખવા માટે સોંપ્યા હતા. પછી જ્યારે તે પાછો આવ્યો અને તે રત્નો માગ્યા, ત્યારે તેમાંથી એક પણ ઓછું ન કરતા, મેં તે બધા જ પાછા આપ્યા હતા.” રાજાએ પૂછયું,
“તેમાં શું મહાન?”
“હું તેમાંથી ચાહુ તો થોડા ચોરી કરી શક્યો હોત.”
“તો પછી શા માટે ન ચોર્યા?”
“જો ચોરી કરું તો  મેં કરેલા ખોટા કાર્યનું મારું મન સાક્ષી હોત. જેથી પછી મને દુઃખ જ મળ્યું હોત.”
“આનો અર્થ થયો કે, દુઃખથી બચવા માટે તેં ચોરી કરી નહિ.”.

રાજાએ બીજા પુત્રને પૂછયું, “તેં કોઈ સારું કાર્ય કર્યું છે?”
“નદીના પ્રવાહમાં એક બાળકને તણાઈ જતા મેં જોયો હતો. તે નદીમાં ઘણા મગર હતા. ત્યાં ઘણા લોકો હોવા છતાં મગરના ભયથી કોઈ તે યુવકની રક્ષા કરવાને તૈયાર ન હતું. પણ મેં તે નદીમાં કુદકો માર્યો, અને તે યુવકના પ્રાણ બચાવ્યા હતા.”
“તે યુવકની રક્ષા કરવા, શા માટે તું તારી પોતાની બલિ આપવાને તૈયાર થયો?”
“હું જો તેમ ન કરું અને ત્યાંથી ચાલ્યો જાઉં, તો લોકો નહિ કહે કે, રાજાનો પુત્ર હોવા છતાં ભયનો માર્યો હું ત્યાંથી ભાગી ગયો. તેઓ પછી મને ભીરૂ નહિ કહે?”
“આનો અર્થ થયો કે, લોકોની પ્રશંસા અને કીર્તિ માટે તે યુવકના પ્રાણ બચાવ્યા હતા.”.

રાજાએ ત્રીજા પુત્રને બોલાવ્યો અને પૂછયું, “તેં કોઈ સારું કાર્ય કર્યું છે શું?”
નાના રાજકુમારે કહ્યું, “મેં જો કંઈ કર્યું હોય, તો મને તે યાદ નથી.”
આ સાંભળતા રાજાને બહુ દુઃખ થયું. શંકા થતા રાજાએ પ્રજાજનોને બોલાવ્યા અને તેમને પૂછયું, “નાના રાજકુમારે કોઈ સારું કાર્ય કર્યું હોય, તેની તમને કોઈ જાણ છે?”
તેમનામાના હરેકે કહ્યું, “તે અવારનવાર અમારા કુશળક્ષેમ પૂછે છે. જયારે કોઈ પૈસાની જરૂર પડે તો પૈસા આપી અમારી મદદ કરે છે. ભૂખ્યા હશું તો ખોરાક પહોંચાડશે, રહેવાને જેને ઘર ન હોય તેને ઘર બાંધી આપશે. તે જે સારા કાર્યો કરે છે, તેને જો કહેવાને બેસીએ, તો કયારેય ખૂટશે નહિ. આ સાથે તેની સ્પષ્ટ સૂચના રહેતી કે, તેણે કરેલા કાર્યો વિષે ક્યારેય કોઈને કહેવાનું નહિ.”

રાજાને સમજાયું કે તેના ત્રણેય પુત્રમાં, નાનો પુત્ર જ ઉત્તમ હતો.  રાજાએ નાનાપુત્રને રાજ્યનો ભાર સોંપતા કહ્યું,  “તું જ મારો ઉત્તમ પુત્ર છે.”
બાળકો, આપણે કોઈ પણ કાર્ય કરીએ, “મેં કર્યું”નો ભાવ રાખશો નહિ. આપણે જે કર્મ કરીએ તે બીજાને દેખાડવા માટે ન હોવું જોઈએ. આપણા કર્મને ઈશ્વરપૂજા તરીકે જોવું જોઈએ. એ તો તેની જ શક્તિ છે, જેથી આપણે કંઈ કરી શકીએ છીએ. કૂવો કહેશે, “જોયું ને, લોકો મારું પાણી પીવે છે. મારા પાણીથી ન્હાય છે, વાસણ માંજે છે, કેટલા બધા કાર્યો માટે તેઓ મારા પાણીનો ઉપયોગ કરે છે.” પણ પોતાને પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે, તેનો વિચાર કૂવો નથી કરતો.

બાળકો, આપણે તો ફક્ત એક ઉપકરણ માત્ર જ છીએ. સર્વકાંઈ તેની જ શક્તિ છે. આ કયારેય ભૂલશો નહિ. ઈશ્વરમાં પૂર્ણ સમર્પણ સાથે આગળ વધો. તે આપણી સંભાળ લેશે.

બાળકો, આપણે એક ઈશ્વર સાથે બંધન અને પ્રેમ વિકસાવવા જોઈએ. આજે જેને આપણે પોતાના માનીએ છીએ, આપણા બંધુ માનીએ છીએ, કોઈ નિસાર સંજોગો ઊભા થતા તેઓ આપણી ઉપેક્ષા કરી ચાલ્યા જશે. આપણા સાચા સગા સંબંધી અને સખા તો એક ઈશ્વર માત્ર જ છે. તે એક જ શાશ્વત છે. હંમેશા આપણામાં આ બોધ હોવો જોઈએ. પરંતુ, કયારેય દુઃખી થશું નહિ.
અમ્મા, હું જો તારો હાથ પકડીને ચાલું, તો કોઈ રમકડુ દેખતા, શક્ય છે હું તારો હાથ છોડી તે વસ્તુની પાછળ ચાલ્યો જાઉં. આ સંસારના સુખ દુઃખના કળણમાં પડી જાઉં અને આ જન્મમાં ફરી કયારેય ઊભો ન થઈ શકું. પણ તું જો મારો હાથ થામે, તો આવું કંઈ જ નહિ બને. કારણ કે, તું હંમેશા મારી સાથે હશે.  તારા હાથમાં હું સુરક્ષિત છું.”  બાળકો, આ પ્રમાણે કહી પ્રાર્થના કરો. એક ક્ષણ માટે પણ ઈશ્વર સ્મરણ ન છુટે, તે યાદ રાખશો. એક ઈશ્વરમાં સમર્પિત થાઓ. ચોક્કસ તે પરમાત્માના શ્રીચરણોને તમે પ્રાપ્ત કરશો.

અમૃતપુરીમાં ઓણમના અવસર પર અમ્માનો સંદેશ

બાળકો, આજનો આ દિવસ પરસ્પર સમર્પણનો દિવસ છે, ઐક્યનો દિવસ છે. તે દ્વારા જ યથાર્થ આનંદ પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં આજનો દિવસ આનંદ માણવાનો દિવસ છે. આ જ કારણ છે કે, ઓણમના તહેવાર પર લોકો કહેતા હોય છે કે, “ઓણમ મનાવો, આ માટે ભલે પછી તમારી જમીન વેચવી પડે.” આ પાછળ એક મહાન તત્વ રહેલું છે. જીવનમાં આપણે ફક્ત સંઘરવામાં જ રસ રાખીએ છીએ. આહાર અને નિદ્રાનો ત્યાગ કરી, પરસ્પર મત્સર કરી, ઘરનાઓ અને મિત્રોને પ્રેમ ન કરતા, આપણે ફક્ત સંપત્તિ જ ભેગી કરીએ છીએ. કામ અને પૈસાનો જ વિચાર કરીએ છીએ. પરંતુ, જે બધું આપણે સંઘરીને રાખ્યું છે, તેમાંનું કંઈ જ અંત સમયે આપણી સાથે નહિ આવે. જે લોકોના વિચાર ફક્ત સ્વાર્થના જ છે, તેમના જીવન પર નજર કરો તો જોવા મળશે કે તેઓ વાસ્તવમાં નરકમાં જીવે છે. અને મૃત્યુ પછી પણ તેઓ નરક જ પ્રાપ્ત કરે છે.  માટે મારા બાળકો, જે બધાથી સર્વોત્તમ છે, જે સ્થાન, માન, ધન અને સત્તાથી શ્રેષ્ઠ છે, શાશ્વત છે, તે છે પ્રેમ.

એક વખત એક પતિ પત્ની પરસ્પર વાતચીત કરી રહ્યાં હતા. પતિએ કહ્યું, “હું એક મોટો ઉદ્યોગ શરૂ કરવાનો છું. ભવિષ્યમાં આપણે ખૂબ પૈસાદાર બનીશું.”
આ સાંભળતા પત્ની બોલી, “શું અત્યારે જ આપણે ધનિક નથી કે?”
“એ કેમ, અત્યારે આપણી પાસે જે છે, તેનાથી  મુશ્કેલથી ગુજારો કરીએ છીએ?”
પતિનો ઉત્તર સાંભળી પત્ની ફરી બોલી, “પ્રિયે, તમે મારી સાથે છો, અને હું તમારી સાથે, આપણને પછી  શેની અછત હોઈ શકે.” પત્નીના પ્રેમભર્યા વચનો સાંભળી તે બધું ભૂલી ગયો અને પ્રેમના આંસુ સારતા પત્નીને આલિંગન આપ્યું. બાળકો, પ્રેમ જ યથાર્થ સંપત્તિ છે, યથાર્થ જીવન છે.

આજે લોકો પાસે ભલે ગમે તેટલી સંપત્તિ હોય, પણ તેઓ નરકમાં જ જીવે છે. કારણ કે, પરસ્પર પ્રેમ નથી. તેમની વચ્ચે ફક્ત સ્વાર્થ જ વિકસે છે.આનો અર્થ એમ નથી થતો કે, ધન ભેગું કરવા પ્રયત્ન ન કરવો કે સંપત્તિ ન જોઈએ, એવું નથી. પરંતુ, હંમેશા આ યાદ રાખશો કે આમાંનું કંઈ જ આપણી સાથે નહિ રહે, કંઈ જ આપણી સાથે નહિ આવે. આ સમજ જો આપણામાં હશે, તો પછી અત્યાધિક સંપત્તિ મળતા આનંદથી ઉછળશું નહિ અને તે નાશ પામે ત્યારે જહાજની જેમ તૂટી પડશું નહિ. ભૌતિક સંપત્તિ નાશ પામે તો પણ પ્રેમની અનશ્વર સંપત્તિ આપણા જીવનમાં હંમેશા શાંતિ અને સમાધાન પ્રસારતી રહેશે.

ઓણમનો વિચાર કરતા ઘણાનો આ અભિપ્રાય હોય છે કે, મહાબલિ સાથે અન્યાય થયો હતો. તેમનું કહેવું છે કે, “શું ભગવાનને સર્વકાંઈ સમર્પિત કરનાર મહાબલિને ભગવાને પગેથી કચડી પાતાળમાં ધકેલ્યો ન હતો?” એ સાચું છે કે, મહાબલિએ જે કંઈ ભૌતિક હતું, તેનું સમર્પણ કર્યું હતું. પરંતુ, તેમ કરતી વખતે  “હું આ કરું છું,”નો ભાવ તેનામાં હતો. તેણે તેનો ત્યાગ કર્યો ન હતો. અને તે “હું”ને ભગવાને દાનમાં માગ્યું હતું. ભક્તોની રક્ષા કરવી એ ભગવાનનું કર્તવ્ય છે. કહેવાય છે કે, અહંકારનું સ્થાન મસ્તકમાં છે. બીજા લોકોની સામે જયારે આપણે મસ્તક નમાવીએ છીએ, ત્યારે તેનો અર્થ થાય છે કે, આપણા અહંકારનો આપણે નાશ કરી રહ્યાં છીએ. આ ભાવ તરત કોઈનામાં આવતો નથી. મહાબલિએ ભગવાનની સામે મસ્તક નમાવવાની સાથે શરીર બોધનો ત્યાગ કરી, આત્મલોક તરફ ગમન કર્યું હતું. આ કથામાંથી આ આદર્શને આપણે ગ્રહણ કરવાનો છે.

એક વખત એક ધનિકને સંન્યાસ લેવાની ઇચ્છા થઈ. તેણે પોતાની બધી જ સંપત્તિ દાનમાં આપી દીધી. પછી એક પર્વતની ચોટ પર તપ કરવા માટે એક ઝૂંપડી બાંધી અને ત્યાં તે રહેવા લાગ્યો. પર્વતની ચોટ પર એક નવા સંન્યાસિ વાસ કરી રહ્યાં છે, આ સાંભળી ઘણા લોકો તેમને મળવા માટે આવ્યા. તે બધાને સંન્યાસિ આ પ્રમાણે કહેતા, “તમે જાણો છો, હું કોણ છું? મારી પાસે કેટલી સંપત્તિ હતી, જાણો છો? ત્યાં જે બધું દેખાય છે, તે બધું જ મેં દાનમાં આપેલું છે.” તે બધું આપીને આવ્યા છતાં, મનમાંથી “હું” ગયો ન હતો! મહાબલિનું પણ આમ જ હતું. પરંતુ, ભક્તની રક્ષા કરવી એ ભગવાનનું કર્તવ્ય બને છે. વિશાળ મન ધરાવતા, દાનશીલ પોતાના ભક્તની લક્ષ્યપ્રાપ્તિમાં  જે બાધા નાખતું હતું, તે “હું”નો ભાવ હતો. તેમાંથી મુક્ત થવું અને અહંકારનો ત્યાગ કરવો હોય તો વિનય અને મહાત્માના  આશીર્વાદ વિના શક્ય નથી.

બાળકો, કોઈ પણ કહાણી હશે, પરંતુ તે બધાનો આધાર પ્રેમ માત્ર જ છે. એકબીજાને પ્રેમ કરો, હૃદય ખોલીને પ્રેમ કરો. કોઈપણ પ્રકારની પ્રતીક્ષા વિના, આશા વિના પરસ્પર પ્રેમ રાખો. યથાર્થ સ્વર્ગ પ્રાપ્ત કરવા, પછી અન્ય કયાંય ભટકવાની જરૂર નથી.

અમૃતપુરીમાં ઓણમની ઉજવણી પર અમ્માનો સંદેશ ૧૯૯૫

એક આશ્રમમાં એક ગુરુ, ઘણા શિષ્યો સાથે વાસ કરતા હતા. ગુરુની સમાધિ પછી થોડો સમય ગુરુના સ્મરણમાં પસાર થયો. ત્યાર પછી શિષ્યોની સાધનામાં ઘટાડો થયો. જપ ધ્યાન રહ્યાં નહિ. પરપસ્પર ઇર્ષા અને અદેખાઇમાં વૃદ્ધિ થઈ. દરેકનું લક્ષ્ય ફક્ત સ્થાનમાન બની ગયા. આ સાથે આશ્રમના અંતરીક્ષમાં પણ પરિવર્તન આવ્યું. ત્યાં આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો. આશ્રમમાં જાણે સન્નાટો છવાઈ ગયો હતો. સ્થાન માનનો મોહ લાગે પછી મનુષ્યની મતિ મારી જાય.પછી શું કરવું અને શું ન કરવુંનો કોઈ વિવેક રહેતો નથી. આશ્રમનું આ અંતરીક્ષ જોઈ, ત્યાંના એક શિષ્યને બહુ દુઃખ થયું. તે નજીકમાં રહેતા એક વૃદ્ધ મહાત્માને મળવા ગયો અને આશ્રમની પરિસ્થિતિ વિષે બધુ જણાવ્યું. જયાં રોજ સેંકડો લોકો આવતા હતા, પ્રતિદિન ઉત્સવ જેવો પ્રતીત થતો હતો, તે આશ્રમ આજે સ્મશાન જેવો વિજન બની ગયો હતો. શિષ્યે જે બધું કહ્યું, તે સાંભળ્યા પછી તે મહાત્માએ કહ્યું, “તમારી વચ્ચે એક મહાત્મા છે. બીજા લોકો તેમને ન જાણે, તે માટે વેશપલટો કરી તે ત્યાં રહે છે. તમે જો તેમનું અનુસરણ કરો તો તમારો આશ્રમ પહેલાં કરતાં પણ ક્યાંય વધારે પ્રગતિ કરશે. ક્યાંય વધુ પ્રશસ્તિ મેળવશે.” તે શિષ્ય કોણ છે, એમ પૂછે તે પહેલાં જ તે મહાત્મા સમાધિસ્થ થયા.

શિષ્ય આશ્રમ પાછો ફર્યો અને સહપાઠી સાથે વિચારવા લાગ્યો. પોતાનામાં કોણ છે તે મહાત્મા. શું બધા માટે જે રસોઈ તૈયાર કરે છે, તે છે? તે તો ન હોય શકે. તેને તો એક રસોઈ પણ ઠીકથી બનાવતા નથી આવડતી. તેના કારણે, પહેલાં જે સ્વાદિષ્ટ ભોજન ખાવાને મળતુ હતું, તેનો સ્વાદ સુધ્ધા હવે યાદ નથી રહ્યો. તે કેવી રીતે મહાત્મા હોય શકે? શું બગીચાની જે સંભાળ લે છે, તે હશે? તેના તો એક કામમાં પણ ભલીવાર નથી હોતી. કોઈ વાત કરીશું કે તે ક્રોધથી લાલપીળો થશે. તો પછી, જે ગાયોની સંભાળ લે છે તે? તે ન હોય શકે. તે તો વાત વાતમાં ક્રોધ કરશે. આ પ્રમાણે જયારે તે દરેકમાં કોઈ ને કોઈ દોષ જોતો હતો, ત્યારે તેની પાસે ઊભેલા શિષ્યે કહ્યું, “આપણે શા માટે તેમની પ્રવૃત્તિઓનું વિશ્વ્લેષણ કરવાનું. મહાત્માઓના વર્તન પરથી તેમનું મૂલ્યાંકન થઈ શકે નહિ. તેમની દરેક પ્રવૃત્તિ આપણા ભલા માટે જ હોય છે. તેમની સામે વિનયપૂર્વક ઊભા રહીએ, તો જ આપણને લાભ થાય. આપણે તેમનામાં કોઈ દોષ ન જોવો જોઈએ. માટે આપણે એક કામ કરીએ,  આપણે આશ્રમના બધા લોકો સાથે વિનયપૂર્વક વર્તન કરીશું. બીજા લોકોના દોષ શોધવા કરતાં બધામાં સારું જ જોવાનો પ્રયત્ન કરીશું.  પહેલાંની જેમ નિયમોનું પાલન કરીશું”.

આ પ્રમાણે તેમણે બધા સાથે પ્રેમભર્યું વર્તન કરવાની શરૂઆત કરી. બધા સાથે વિનયપૂર્વક વર્તન કરવા લાગ્યા. આ બંનેને પરસ્પર પ્રેમથી, વિનયથી,  તેમજ બધા સાથે પણ આ પ્રમાણે વર્તન કરતા જોઈ, બીજા લોકો પણ તેમનું અનુકરણ  કરવા લાગ્યા. બધાને પછી આનંદ થયો. આશ્રમમાં ફરી ઉત્સવનું વાતાવરણ બની ગયું. પહેલાં કરતાં પણ  કયાંય વધું ઐશ્વર્ય ત્યાં હતું. આ પ્રમાણે તેઓ બધા સાક્ષાત્કાર માટે યોગ્ય થયા.

બાળકો, સર્વકાંઈનો આધાર પ્રેમ છે.  અન્ય લોકો પ્રત્યેની કરુણા, એ તો ઈશ્વરમાં આપણું સમર્પણ છે.

બાળકો, ઈશ્વર તો આપણી અંદર જ છે. પરંતુ, અત્યારે તે બીજ રૂપમાં છે. તે બીજને અંકુરિત કરવું હોય તો કરુણાનું પાણી જોઈએ, સ્વાર્થતાના પ્રવાહીમાં તો તે નાશ જ પામે છે. એમાં કોઈ સંશય નથી. પોતાના માટે નહિ, પણ બીજા માટે કાર્ય કરવું તે જ કરુણા કહેવાય છે. તે કરુણાના નીરમાં જ તે વિકસે છે.

બાળકો, ધ્યાન માત્ર જ પર્યાપ્ત નથી. કરુણા પણ જરૂરી છે. સાબુથી ધોઈએ તો કપડા સ્વચ્છ થશે. પણ કપડામાં જો ડાધ હોય તો બ્લીચીંગ પાવડર જોઈએ. આ જ પ્રમાણે ધ્યાનની સાથે, અન્ય લોકો માટે કરુણા પણ આવશ્યક છે. જે દુઃખી છે, તેમની સહાય કરવાનું મન પણ આપણામાં હોવું જોઈએ. આ જ યથાર્થ સેવા છે. આવા કરુણાભર્યા હૃદયમાં જ ઈશ્વરકૃપા ઉતરે છે.

આંતરિક સાધના

અમ્મા હંમેશા કહેતા આવ્યા છે, ધ્યાન તો સ્વર્ણ સમાન બહુમૂલ્ય છે. ભૌતિક તેમજ આધ્યાત્મિક પુરોગતિ માટે ધ્યાન ઉત્તમ છે. એક દેશની ચલણી નોટ, ફક્ત તે દેશમાં જ સ્વીકારવામાં આવશે. અન્ય દેશમાં તેની કોઈ કિંમત  નથી. તેના પરની ક્રમાંક સંખ્યા જો ભૂસાઈ જાય, તો તે દેશમાં પણ તેની કોઈ કિંમત નથી રહેતી. પરંતુ, સોનાના સિક્કાનું આવું નથી. તેના પરની મહોર ઘસાઈ જાય તો પણ, કોઈ પણ દેશમાં તેની કિંમત ઓછી નહિ થાય. ધ્યાન પણ આવું જ છે. જે સમય આપણે ધ્યાનમાં વિતાવીએ છીએ, તે સમયનો બગાડ નથી. સોનામાં જો સુગંધ ભળે, તો તે અમૂલ્ય બની જાય. આ જ પ્રમાણે જયારે ધ્યાનની સાથે આપણામાં કરુણા આવી મળે છે. ત્યારે તે સોનામાં સુંગંધ જેવું છે. ત્યારે ઈશ્વર કૃપા પણ આપણામાં વહેવા લાગે છે. અને આ પ્રવાહમાં જે અવરોધો હોય છે, તેને દૂર કરે છે.

કેટલાક બાળકો અમ્મા પાસે આવીને કહેતા હોય છે, “તેણે મારાં પર જાદુટોણાંનો પ્રયોગ કરી,  મંત્ર તંત્ર કરાવે છે.”  બાળકો, આમાં વિશ્વાસ કરશો નહિ. પૂર્વે કરેલા કર્મનું ફળ જ આપણે અત્યારે અનુભવીએ છીએ. આ માટે કોઈને દોષ દેવાનો કોઈ અર્થ નથી. જીવન તો સુખ અને દુઃખથી ભરેલું છે. આ વચ્ચે સંતુલન રાખી આગળ વધવું જોઈએ. આ જ આધ્યાત્મિક્તા આપણને શીખવે છે. જેને આપણે વિધિ કહીએ છીએ, તે તો પૂર્વે કરેલાં કર્મનું ફળ જ નથી શું? આનો અર્થ થયો કે કર્મનું ઘણું મહત્વ છે. માટે બાળકો, મંત્રવાદ કે જાદુટોણાંમાં પૈસા ખરચ ન કરતા, એકાગ્રતા સાથે પ્રાર્થના કરવા પ્રયત્ન કરો. જરૂરતમંદ લોકોને દાન કરો. આ પ્રકારના સત્કર્મ દ્વારા ધાર્યુ ફળ મળે છે.

શકીએ. આપણા પ્રયત્ન થકી આવી પરિસ્થિતિમાં ૯૦% પરિવર્તન આપણે લાવી શકીએ.

મદ્યપાન કરી, પાગલ બનેલી વ્યક્તિ, શું બોલતો હોય છે, તેને સ્વયંને તેની જાણ નથી હોતી. આ કારણ સર બીજા લોકોના હાથે તેને માર પણ મળશે. આ જ પ્રમાણે વ્યક્તિના જન્મ સમયને અનુસરી જીવનમાં કઠિનાઈઓનો સમય આવે છે. સમયના આ ગાળાને જ મંગળ, શનિ, રાહુ દશા કહે છે. આ ગ્રહદોષના સમયે સંપત્તિનો નાશ થવો, અકસ્માત થવો, ઘરમાં ક્લેશ થવો, રોગ થવો, સગાસંબંધીઓને દુઃખ થવું, ન કરેલા ગુના માટે ખોટો આરોપ મુકવામાં આવે,  આ બધું બને છે. આ કોઈએ કરેલું જાદુટોણાં નથી. આના નામે જે ખરચ કરો, તેનાથી બાળકો પર જે દેવું હોય તે દૂર કરી શકો. પરંતુ, આ સમયે આપણે આળસું બનીને ન બેઠું રહેવું જોઈએ. એકાગ્રતાથી ઈશ્વરનું ધ્યાન કરવા પ્રયત્ન કરવો જોઈએ. સહસ્રનામની અર્ચના અચૂક કરવી જોઈએ. મંત્રજાપ પણ સતત ચાલું રહેવો જોઈએ. આ પ્રમાણે આ દુઃખોની તીવ્રતામાં આપણે ઘટાડો કરી શકીએ. આપણા પ્રયત્ન થકી આવી પરિસ્થતિમાં ૯૦% પરિવર્તન આપણે લાવી શકીએ.

ત્યારબાદ, એક બીજી બાબત બાળકો યાદ રાખશો. તમારા હાથે એવું કોઈ કાર્ય ન થવું જોઈએ, કે જેથી બીજાને કોઈ દુઃખ પહોંચે. આ અત્યંત દોષ કારક છે. આપણે જયારે બીજાને દુઃખ પહોંચાડીએ છીએ, ત્યારે એમ પણ બની શકે કે, તેઓ નિર્દોષ હોય. ત્યારે તેઓ આ પ્રમાણે શોક કરશે, “હે ભગવાન! તું તો જાણે છે કે સત્ય શું છે, છતાં આ લોકો આ પ્રમાણે બોલે છે.” આ પ્રમાણે જયારે ભારી હૃદયે તેઓ કહે છે, ત્યારે તે સંકલ્પ સૂક્ષ્મરૂપે આપણામાં પ્રવેશ કરે છે. ભવિષ્યમાં તે આપણા માટે હાનીકારક બની રહેશે. માટે જ કહેવામાં આવે છે કે, મનથી, વચનથી, કર્મથી કયારેય કોઈને વેદના પહોંચાડશો નહિ. આપણે ભલે કોઈને સુખ ન આપી શકીએ, પણ ઓછામાં ઓછું  એટલું તો ધ્યાન રહે કે આપણાથી કોઈને દુઃખ ન પહોંચે. આ ઈશ્વર કૃપાને લઈ આવે છે. વર્તમાનપત્રોમાં જાહેરાત દ્વારા નોકરી માટે અરજીઓ મંગાવવામાં આવે છે, ટેસ્ટ થાય છે, ઈંટરવ્યુ ચાલે છે, તેમછતાં જેણે બધા જ પ્રશ્નોના સાચા જવાબ ન આપ્યા હોય, તેને નોકરી માટે પસંદ કરવામાં આવે છે. માટે, આપણી ઇચ્છાનુસાર કંઈ જ નથી ચાલતું. જો આપણી ઇચ્છાનુસાર બધું બનતું હોય તો જેના ઉત્તર શ્રેષ્ઠ હતા, તેને જ નોકરી મળવી જોઈએ, ખરું ને? પણ હંમેશા આમ નથી બનતું.  માટે, બધાનો આધાર, એક ઈશ્વરેચ્છા જ છે. એક ઈશ્વરેચ્છાને સમર્પિત થઈ, આગળ વધવું જોઈએ.

ઈંટરવ્યુ કરનારે તે બીજા લોકો માટે એટલી કરુણા નહોતી અનુભવી, માટે જ જેણે બધા પ્રશ્નોના સાચા જવાબ લખ્યા ન હતા, તેને નોકરી મળી હતી. તેના પ્રતિ કરુણા અનુભવવાનું કારણ, આ પહેલાં તેણે કરેલા સતકર્મો હતા. આ જ ઈશ્વરકૃપા છે. આપણને પ્રાપ્ત અવસરો જો નાશ પામે તો તેથી દુઃખી થશો નહિ. ઇશ્વરની કૃપા માટે, સમયનો બગાડ ન કરતા, સારા કર્મો કરવા પ્રયત્ન કરવો જોઈએ.બીજા લોકો માટે આપણે કરુણા અનુભવવી જોઈએ. એ જ ઈશ્વર કૃપા છે. આ માટે આપણે સારા કાર્યો કરવા જોઈએ.

બીજને વાવી, જોઈતા પ્રમાણમાં ખાતર નાખી,  ઉનાળાના સમયમાં  બોરવેલ ખોદી પાણીના પંપથી ખેતરમાં પાણી પહોંચાડીએ છીએ. નિયમિત તેમાંથી ખળને કાઢીએ છીએ. પરંતુ, લણણી સમયે પૂર આવતા બધો જ પાક નાશ પામ્યો હોય, એવા કેટલાય બનાવો આપણે જોયા છે. તેમાં પ્રયત્ન હોવા છતાં ઈશ્વરકૃપા ન હોય તો કોઈ ફાયદો  નથી. પ્રયત્ન અને કૃપા પરસ્પર એકબીજા પર નિર્ભર કરે છે. આપણે જો સારા કર્મો કર્યા હશે તો જ આપણે ઈશ્વરકૃપાના પાત્ર બનીશું. આ માટે બાળકોના મનમાં સદ્વિચારોને જ સ્થાન હોવું જોઈએ. કારણ કે, વિચારોને અનુસરીને કર્મ હોય છે. આપણામાં હંમેશા સદ્વિચાર રહે, હંમેશા સારા કર્મ કરીએ, તે માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ.

 

અમૃતપુરીમાં ઓણમની ઉજવણી પર અમ્માનો સંદેશ ૧૯૯૫

 

અમૃતપુરીના ઈતિહાસમાં ઘણા અસાધારણ પ્રાણીઓની રોચક કથાઓ સામેલ છે. અમ્માના સાધના કાળ દરમ્યાન અનેક સહાયક જનાવરોએ ઉલ્લેખનીય ભૂમિકા ભજવી હતી. જેમ કે, એક ગરુડ પક્ષી જે ધ્યાનમાં ડૂબેલા અમ્માની સામે આહાર રાખતું, એક કૂતરો અમ્મા માટે વણબોટયા આહારના પડીકા મોંમાં રાખી લઈ આવતો, એક ગાય અમ્માને દૂધ પાવા માટે પોતાને બાંધેલા દોરડા તોડીને દોડી આવતી. આ ઉપરાંત વીતી ગયેલા વર્ષો દરમ્યાન અન્ય અનેક અસાધારણ જનાવરો અમૃતપુરીમાં દેખાયા છે. મંદિરમાં જતા મોર, ભજનમાં આવતા કાગડા, મૈત્રીભાવ ધરાવતા સાપ, બાળહાથી, વાનરો, વેજ્જી બર્ગર પ્રિય ગરુડ પક્ષી, અસાધારણ ઉંદરો તેમજ વિવિધ પ્રકારના કૂતરા અને બિલાડા.

આજે વર્ષોથી, એક લાલ રંગનો કૈસર નામનો કૂતરો દુષ્ટજનોથી આશ્રમની રક્ષા કરતો આવ્યો હતો. ભલે પછી તે બે પગ વાળો મનુષ્ય હોય કે ચાર પગુ કોઈ જનાવર! જો કોઈ મદ્યપી અથવા કોઈ દુષ્ટ ઈરાદાથી કોઈ માણસ આશ્રમની સરહદમાં પ્રવેશ કરે, તો તેનું આવી જ બન્યું. હજારોની ભીડમાં કૈસર તેમને શોધી કાઢતો અને તેમનો રસ્તો રોકી, તેમની સામે ભસવા લાગતો.

કૈસરના મૃત્યુ પછી થોડા વર્ષો સુધી આ સ્થાન ખાલી હતું. એક દિવસ એક નાનો બહુ રંગી કૂતરો કે જે થોડા સમયથી આશ્રમની આસપાસ દેખાતો હતો, અચાનક કોઈના અગ્નિસંસ્કાર સમયે અમ્માની સામે આવી ઊભો રહ્યો. તેના તરફ અમ્માનું ધ્યાન જતાં, અમ્માએ તેને પોતાની પાસે બોલાવ્યો. આજ્ઞાંકિત કૂતરાની જેમ તે અમ્માની પાસે આવીને બેસી ગયો. અમ્માને જણાવવામાં આવ્યું કે તેનું નામ તુમ્બન(વિપુલ) હતું અને અમ્મા તેને તે નામથી બોલાવવા લાગ્યા. ત્યારપછી તે જાણીતો થઈ ગયો. તે હવે ઔપચારિક રૂપે આશ્રમનો કૂતરો હતો. તેને કોલર – ગળાનો પટ્ટો મળ્યો. નિયમિત સ્નાન આપી, ચાંચડનો પાવડર પણ તેના પર છાંટવામાં આવતો.

તુમ્બન તેની ફરજો ગંભીરતાથી નિભાવે છે અને કૈસરની જેમ આશ્રમની સરહદ પર પહેરો આપે છે. કોઈ સંશયાત્મક મનુષ્ય કે જનાવરને તે રોકે છે. રાત્રે આવતા વાહનોનું નીરિક્ષણ કરે છે. મોડી રાત્રે આવતા ભક્તોને આવકાર આપતો, તે તેમની સાથે એકોમોડેશનના કાર્યાલય સુધી ચાલીને જાય છે અને પછી તે તેમના ઓરડા સુધી તેમને મુકીને આવે છે. તે ફકત તેમનો સર સામાન માત્ર જ નથી ઉંચકતો…..

તુમ્બન અનેકવાર ધ્યાન સમયે દરિયા કિનારે દેખાય છે. હાથના પંજાને આગળ પસારી, પ્રાર્થનાના ભાવમાં તે નિશ્ચલ બની અમ્માની સામે પડયો રહે છે. કયારેક અમ્મા તેને પૂછે પણ છે કે, શું તે ધ્યાન માટે આવ્યો છે. અને તેને પોતાની નજીક આવીને બેસવાને કહે છે. આ પ્રમાણે અમ્માની બાજુમાં પીઠિકા પર બેસી તેણે ધ્યાન કરવાની શરૂઆત કરી. તેની પાસે બેસવા માટે પોતાનું એક આસન – કપડાનો એક ટુકડો પણ છે.

દર્શન દરમ્યાન તુમ્બન અનેકવાર અમ્મા પાસે આવે છે. અમ્મા તેને આવકારે છે, અને તેને ખાવાને ખોરાક પણ આપે છે. પછી થોડીવાર સુધી તે તેમની બાજુમાં પડયો રહે છે. આશ્ચર્યની વાત તો એ કે, તુમ્બન કોઈ પાસેથી ખોરાક સ્વીકારતો નથી સિવાય કે અમ્મા અથવા તે વ્યક્તિ જેને તેને ખોરાક આપવાનું કાર્ય સોંપવવામાં આવ્યું હોય.  અને જાણો છો તેનો પ્રિય ખોરાક શું છે? માખણ અને રોટલી!

ખરેખર, તુમ્બનનું અમ્મા સાથે એક વિશેષ બંધન છે. દર્શન પૂરા થાય અને જેવા અમ્મા ઊભા થાય કે, તુમ્બન ભીડને કાપી અમ્મા પાસે આગળ ધપી જતો, તમને જોવા મળશે. જેથી અમ્માની સાથે તે તેમના રૂમ સુધી ચાલીને જઈ શકે. એમ પણ કહેવાય છે કે, અમ્મા જો તેમની આસપાસ ભેગા થતાં બાળકો પ્રત્યે વધુ ધ્યાન આપે તો તુમ્બનને તેમની ઈર્ષા પણ થાય છે…

એક દિવસ સંધ્યાના ભજન સમયે તુમ્બન સ્ટેજની સામેની રેમ્પ પર દેખાયો. પૂંછ પટપટાવતો તે અમ્માની સામે આગળ પાછળ ચાલવા લાગ્યો. છેવટે તે અટક્યો અને આશાભરી દ્રષ્ટિએ અમ્માને નિહાળતો ઊભો રહ્યો. તેની પૂંછ હજુય ઝડપથી આમ તેમ પટપટી રહી હતી. તેના તરફ સ્મિત કરતા, અમ્માએ તેને સ્ટેજ પર આવવા માટે ઈશારો કર્યો. એક જ છટાદાર છલાંગમાં તે અમ્માના ચરણો પાસે પહોંચી ગયો અને ત્યાં પગવાળીને બેસી ગયો. અમ્માએ ઉપસ્થિત સહુકોઈને કહ્યું કે, તે કેટલો શિસ્તબદ્ધ હતો, તેની વર્તણુંક કેટલી ઉચિત હતી. સ્ટેજ પર આવવા માટે તેણે અમ્માની અનુમતિની રાહ જોઈ હતી.

સ્વામીજીએ જયારે અમ્માની ભજનની ચોપડી તેની નજીકના સ્ટેંડ પર મુકી, ત્યારે અસ્વસ્થ થતા, તેણે આજુબાજુ નજર કરી, અને ફરી છલાંગ મારી સ્ટેજ પરથી નીચે આવી ગયો હતો. બધાએ ઊંડો નિશ્વાસ લીધો. તેને ત્યાં અમ્માની પાસે જોવો, તે દ્રષ્ય કેટલું સુંદર હતું!

તુમ્બન ફરી પાછળથી ભજનમાં આવ્યો અને છલાંગ મારી સ્ટેજ પર તેણે પોતાનું સ્થાન લીધું. આ વખતે તે છેવટ સુધી ત્યાં રહ્યો હતો. આરતી દરમ્યાન પણ તે ત્યાંથી ખસ્યો નહિ. વર્તુળમાં ઉતારવામાં આરતીથી તેને કોઈ ખલેલ પડી નહિ. અમ્માએ જયારે આરતી ઉતારતા બ્રહ્મચારી પર ફૂલની પાંખડીઓ વરસાવી, ત્યારે થોડી તુમ્બન પર પણ પડી. પણ તે તો ત્યાં અમ્માના ચરણોમાં પગવાળીને બેઠો રહ્યો. તેની સુંવાળી કાયા પર આરતીની જ્યોત પ્રતિબિંબિત થતી હતી. શું તે જાગતો હતો કે પછી કોઈ સુંદર સ્વપ્નમાં હતો? અમ્માની જયારે આરતી કરવામાં આવે છે, ત્યારે વાસ્તવમાં  સમસ્ત સૃષ્ઠીની, પરમ તત્વની આરતી કરવામાં આવે છે. સામાન્યતઃ કોઈ કૂતરાની આરતી કરતું નથી. પણ સૃષ્ટીના એક અન્ય સ્વરૂપને અમ્માની સાથે આરતી મેળવતા જોવામાં કંઈ ખોટું લાગતું ન હતું!

આશ્રમની દૈનિક આધ્યાત્મિક દિનચર્યામાં પ્રમાણિકતા અને નિયમિતતાની સાથે, ગુરુભક્તિ અને આજ્ઞાકિંકતાનો આદર્શ બેસાડતો, તુમ્બન એક ઉત્તમ આશ્રમવાસી છે. તે નિયમિત સવારની અર્ચનામાં હાજર રહે છે. એક દિવસ મહિલાઓના ભાગમાં તો બીજે દિવસે પુરુષોના ભાગમાં, આમ વારા ફરતી તે અર્ચનામાં ભાગ લે છે. મંદિરમાં ચાલતા ઉપનિષદ અને રામાયણના વર્ગોમાં તે અચૂક હાજર રહે છે. દરેક મંગળવારના ધ્યાનમાં ભાગ લે છે. કયારેક પ્રસાદમાં ભોજન લેવા તે અમ્મા પાસે પણ આવે છે. અમ્મા જયારે વિદેશ યાત્રા પર હોય ત્યારે વેબ કેસ્ટ દ્વારા દેખડવામાં આવતા દેવીભાવ દર્શન નિહાળવા તુમ્બન અચૂક હાજર રહે છે. આ બધા અવસરો માટે તેને તેનું પોતાનું એક આસન પણ આપવામાં આવ્યું છે. અમ્મા તુમ્બનની અનાસક્તિ અને આશ્રમ ધર્મ પ્રત્યેની તેની ભક્તિની ખૂબ પ્રશંસા કરે છે.

એક બ્રહ્મચારીએ આ ઘટના કહી હતી. ઓણમના દિવસે તુમ્બને કોઈ કારણવશ એક ભક્તને સ્ટેજ પર અમ્માની પાદપૂજા ન કરવા દેતા, તે અમ્માની સામે સાષ્ટાંગ પ્રણામ કરતો આડો પડયો રહ્યો હતો. ત્યાંથી ખસવાનો સાફ ઈન્કાર કરતા તે પૂજાની સામગ્રી સામે, તે ભક્તને પૂજા કરવા કોઈ સ્થળ ન આપતા, શરીર પસારીને ત્યાં આડો પડયો હતો. પણ જયારે અમ્માએ તેને બાજુ પર ખસી જવાને કહ્યું તો તરત તેણે અમ્માની આજ્ઞાનું પાલન કર્યું હતું!

એક દિવસ આશ્રમના વિશાળ ભજન હૉલમાં એક બીજો મોટો કૂતરો દેખાયો. તુમ્બનની ભસાભસ તરફ કોઈ ધ્યાન ન આપતા તે સ્ટેજની બાજુમાં થોડા આસનો પર આડો પડયો. તુમ્બન ચોંકી ગયો. પરંતુ, ઘુસી આવેલ કૂતરો તેનાથી વધુ શક્તિશાળી અને ધીર હોવાથી તે ભયભીત થયો. તેણે એક યુક્તિનો વિચાર કર્યો અને તરત તેને અમલમાં મુકવા તે તૈયાર થયો. ધીમા પગલે તે પેલા મોટા કૂતરા પાસે ગયો અને કોઈ અવાજ ન કરતા, તેના કાનમાં તેણે પેશાબ કર્યો!  અને પછી પોતાના કાર્યથી સંતુષ્ટ તે ત્યાંથી ભાગી ગયો. અહીં ઘર બનાવવાની ઘુસણખોરની યોજનાનો ભંગ કરવા આ જરૂર કરતા વધારે પડતુ હતું. જે બન્યું હતું તેથી થોડો અસ્થવ્યસ્થ થતા તે મોટો કૂતરો હૉલ છોડીને ચાલ્યો ગયો.  બીજે દિવસે તે ફરી આવ્યો, ફરી તે આસનો પર આડો પડયો અને ફરી તેને તુમ્બનની વિશેષ આગતા સ્વાગતા મળી. પછી તે ફરી પાછો આવ્યો નહિ.

તુમ્બનની ઘણી કથાઓ છે. એક લેખમાં તે પૂરી થાય નહિ. દરેક આશ્રમવાસીઓની પોતપોતાની કહાણી છે. જેમ કે, તમે જો થોડા સમય માટે બહાર ગયા હો અને પાછા ફર્યા જ હો તો તે તમને મળવા આવશે અને વહાલ કરશે; તમે જો નિયમિત અર્ચનામાં આવતા હશો અને એક દિવસ તમે તમારા સ્થાનમાં ન દેખાવ તો તે તમને જગાડવા તમારા ઓરડાના દરવાજા પર  પોતાના પંજા ઘસશે. વગેરે.,

ઘણાને તુમ્બનના પૂર્વજન્મનું આશ્ચર્ય થતું હોય છે. આશ્રમમાં આવું અગત્યનું સ્થાન મેળવવા તેણે એવા તે શું પુણ્ય કર્યા હશે. પરંતુ, આપણું કામ “તુમ્બન કોણ છે”ની ચીંતા કરવાનું નથી પરંતુ આપણે કોણ છીએ, તે જાણવાનું છે!  આ જ આપણા મનુષ્ય જન્મનું કારણ અને ઉદ્દેશ છે. જનાવરો પણ આપણી આ શોધ અને અમ્મા સાથેના આપણા સંબંધને દ્રઢ કરવા પ્રોત્સાહન પૂરે છે.

 

-સાક્ષી