અમ્માએ આ અનેકવાર કહ્યું છે, આપણે મંદિરમાં જઈ કૃષ્ણ..કૃષ્ણ… કૃષ્ણ… એમ પોકાર કરી, મંદિરની ત્રણવાર પ્રદક્ષિણા કરીશું. પરંતુ, મંદિરના દ્વાર પર ઊભેલો ભિખારી, “ભૂખ લાગી છે, કંઈક ખાવાને આપો…” એમ કહીં પોકારતો હશે, તેના તરફ ધ્યાન ન આપતા, “હટ… છેટો ઊભો રે…” એમ કહેશું, તેના તરફ દયાભરી એક દ્ર્શ્ટિ કરવાને પણ આપણે તૈયાર નહિ હોઈએ.

 

 

એક ગુરુને એક શિષ્ય હતો. તે શિષ્યને કંઈ પણ દાન ધર્મ કરવું સ્હેજેય ગમતું નહિ. આ જાણતા ગુરુ એક દિવસ ભીખારીનો વેશ ધારણ કરી, શિષ્યના ઘરે આવ્યા. આ સમયે શિષ્ય ગુરુની છબિ સામે દૂધ અને કેળાનો નૈવેદ્ય ધરી રહ્યો હતો. ગુરુએ પોકાર કર્યો, “માઇબાપ, ભિક્ષામાં કંઈક આપો”. “અહીં દેવાને કંઈ જ નથી.” એમ કહી શિષ્યે ભિખારીના વેશમાં તેના દ્વાર સામે ઊભા રહેલા ગુરુને ત્યાંથી ભગાડયા. ગુરુએ ધારણ કરેલો ભીખારીનો વેશ ઉતારી દીધો. પોતાના ગુરુને સામે ઊભેલા જોઈ, શિષ્યથી રહેવાયું નહિ. તે ગુરુના ચરણકમળોમાં દંડવત કરતો ઢળી પડયો. બાળકો, આપણામાંનું હર કોઈ તે શિષ્ય જેવું છે. આપણે છાયાને પ્રેમ કરીએ છીએ, ચૈતન્યને પ્રેમ નથી કરતા. છબિની સામે દૂધ કેળા ને દૂધપાક ધરીશું. પણ ભીખારીને પાંચ પૈસા પણ નહિ આપીએ. તેમને ખોબા ભરી ભરીને પૈસા દેવાને અમ્મા નથી કહેતા. ધર્મ કરતી વખતે, વિવેક જરૂરી છે. ભીખારીને પૈસા આપશો, તો મોટાભાગના ભીખારીઓ તેને મદ્યપાનમાં, ગાંજો સેવવામાં ખરચ કરશે. માટે, તેમને ખોરાક આપો, વસ્ત્રો આપો, સારા બે વચનો કહો. આ જ ઈશ્વર પ્રત્યેનું આપણું કર્તવ્ય છે. માટે બાળકો, જે ભૂખ્યા છે, તેને ખોરાક આપો.  દુઃખી અને પીડિતોની સહાય કરો.

ઈશ્વર તો સર્વત્ર છે. તે સર્વકાંઈમાં વ્યાપ્ત છે. આપણે તેને શું આપી શકીએ? ગરીબ પ્રત્યેની કરુણા, એ જ તો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ છે. બાળકો, અમ્માનો સંદેશ તો દુઃખીઓને આશ્વાસન આપવું અને ગરીબોને દાન ધર્મ કરવું, એ છે. ગરીબોના મોંઢા પર તેમની હાંસી ઉડાવવી, એ ભક્તિ નથી. અન્ય લોકોને દુઃખી કરી, બીજા લોકોનું બૂરું બોલી, ગમે તેટલી પ્રાર્થના કરો છતાં કોઈ લાભ નહિ મળે. કોઈ તમારી પાસે પોતાનું દુઃખ કહે, તો તેમને સાંત્વન મળે એવા વચનો કહેશો; તેમને જોઈ સ્મિત કરશો. ગર્વનો ભાવ છોડી, વિનય પ્રકટ કરશો. તેમના હાથે જો કોઈ ભૂલ થાય તો બને ત્યાં સુધી ક્ષમા કરવા પ્રયત્ન કરશો. આ બધું, પ્રાર્થનાના વિવિધ ભાવ છે. આ પ્રકારની પ્રાર્થના ઈશ્વર સ્વીકારશે. આથી વિપરીત, બીજા લોકો પર ક્રોધ કરી, અન્યને કચડી દૂર કરી, કોઈ કરોડો મંત્ર જાપ કરે, ગમે તેટલી જાત્રાઓ કરે, ઈશ્વર નહિ મળે. પાત્રને સાફ કર્યા વિના તેમાં દૂધ રેડવામાં આવે, તો તે બગડી જશે. એ તો સત્કર્મ જ છે, જે મનને શુદ્ધ કરે છે.

માટે મારા બાળકો, મારી તમને આ વિનંતી છે. આ મારી આજ્ઞા નથી. તમને આજ્ઞાકિંત કરવાને અમ્મા શક્તિમાન નથી. કોઈ પણ એક ખરાબ આદત અથવા આડંબરનો ત્યાગ કરવા માટે તમારે પ્રતિજ્ઞા લેવી જોઈએ. જે પ્રાર્થના આપણે કરીએ છીએ, તેને ફળદ્રુપ કરવા આ સિવાય અન્ય કોઈ માર્ગ નથી.

આપણા સઘળા પ્રયત્નો એવું એક હૃદય કેળવવા માટે હોવા જોઈએ જે,  પીડિતોની સહાય કરવા તેમજ દુઃખીઓને આશ્વાસન આપવા તત્પર હોય. “ભૂખ્યાને ખોરાક આપવો જોઈએ, નહિ કે અપમાનભર્યા શબ્દો.” આ આપણા મનને વિશાળ કરવા માટે છે.  સંકટના સમયે જે આપણી સહાય કરે છે, આપણે  તેમનો ચહેરો હંમેશા યાદ કરીશું. આપણા હાથે જ આપણને  આંખમાં વાગે, તો  આપણે આપણો હાથ કાપીને ફેંકી નથી દેતા. તે જ હાથેથી આપણે ઘાયલ આંખને પંપાળીશું. કારણ કે, “તે આંખ મારી છે, તે હાથ મારો છે.”

બાળકો, આ જ પ્રમાણે અન્ય લોકોની ભૂલોને ક્ષમા કરો. તેમને શક્ય તેટલો પ્રેમ કરી શકે એવું એક મન આપણે કેળવવું જોઈએ.  આપણા માટે આ જ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ છે. તેમના માટે તે ઈશ્વર કૃપા છે.

કેટલાક બાળકો અમ્મા પાસે આવીને કહેતા હોય છે,  “અમ્મા, મારે અમુક અમુક કષ્ટ છે. અમ્મા મારા માટે સંકલ્પ કરશો.” આ કહેનારાઓ દારૂના પીઠા તરફ જતાં જોવા મળશે. તો કેટલાક પીને પાછા ફરતા જોવા મળશે. અમ્માને તેમના તરફ કોઈ દ્વેષ નથી. અમ્મા તેમના અધિકારને કોઈ પ્રશ્ન કરતા નથી. તેમના માટે પણ અમ્મા સંકલ્પ કરે છે. પરંતુ, તેનું ફળ સ્વીકારવાને તેઓ અસમર્થ છે. તેમના મન પથ્થર જેવા છે. તેમના જીવન સ્વાર્થથી ભરેલા છે.

 

( ૧૯૯૦- અમ્માના ૩૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)

બાળકો, આજે આપણા મન ભૌતિક વિષયોમાં ચીટકેલા છે. આપણા મન સ્વાર્થતાથી ભરેલા છે. આ જ કારણ સર ઈશ્વરને આપણામાં  વાસ કરવાને કોઈ સ્થળ નથી. આસ્થિતિમાંથી મુક્તિ મેળવી, મનને શુદ્ધ કરી, ઈશ્વરને ફરી હૃદયમાં પ્રતિષ્ઠત કરવા આપણે આશ્રમોમાં જઈએ છીએ અને ગુરુમાં શરણું લઈએ છીએ. પરંતુ આજે આપણે ત્યાં જઈએ તો પણ સંપત્તિ માટે જ પ્રાર્થના કરીએ છીએ. “મને ઈશ્વર માટે ખૂબ પ્રેમ છે,” વગેરે બધું કહેશું. પરંતુ, મન જે વસ્તુ સાથે બંધાયેલું છે, તેને સમર્પિત કરવા આપણે તૈયાર હોવું જોઈએ. ત્યારે જ આપણે યથાર્થ સમર્પણ  અને ઈશ્વર માટેના યથાર્થ પ્રેમ વિષે  જાણી શકીશું.

એક બાલિકાએ પોતાની બહેનપણીને તેના જન્મદિવસના અવસર પર  એક પત્ર લખ્યો, “તારા જન્મદિવસ વિષે જાણી મને ખૂબ જ આનંદ થયો. હું એટલી ખુશ હતી કે, હું સ્વયંને ભુલી ગઈ. તારાં જન્મદિવસ પર બહુ જ સુંદર ભેટ દેવા માટે, કયાં કયાં હું તેને શોધતી ફરી હતી? છેવટે એક દુકાનમાં મેં તે જોઈ. પણ તેની કિંમત રૂા.૧૦/- હોવાથી, મેં તે ખરીદી નહિ. ફરી કયારેય કોઈ બીજા અવસર પર તે આપીશ, એમ વિચાર્યું”. બહેનપણી માટે તેને કેટલો પ્રેમ હતો. પોતાનું જીવન સુધ્ધા આપી દેવાને તૈયાર છે, એમ તે કહેતી હતી. પરંતુ તેના માટે ફક્ત દસ રૂપિયા ખરચ કરવાને તે અચકાતી હતી. ઈશ્વર માટેનો આપણો પ્રેમ અને ભક્તિ પણ આવા જ છે. મોઢેથી કહેશું, “મેં તો બધું  ઈશ્વરને સમર્પિત કરી દીધું છે.”

આપણું કામ સિદ્ધ કરવા આપણે મંદિરમાં નારિયેળ ધરવાની માનતા લેશું. જેવું કામ પુરું થાય કે, મંદિરમાં ચડાવવા સહુંથી નાનું અને સસ્તામાં સસ્તા નાળિયેરની શોધમાં નીકળશું. બાળકો, આ સાચી ભક્તિ કે પ્રેમ નથી. આપણે તો આપણું જીવન સુધ્ધા સમર્પિત કરવાને તૈયાર રહેવું જોઈએ. ઈશ્વરને જે ભાવથી આપણે અર્પિત કરીએ છીએ, તેથી આપણને જ લાભ થાય છે. આ તો નાળાનું પાણી લઈ, નદીને અર્પિત કરતા કહેવાનું કે, “હે નદી. તને બહુ જ પ્યાસ લાગી છે. આ પી અને તૃપ્ત થા.” એના જેવું થયું. ઈશ્વરને આપણી પાસેથી કશાની જરૂર નથી. તેઓ આપણી આવશ્યકતાઓ પૂરી પાડે છે. તેઓ જ આપણને શુદ્ધ કરે છે. ઈશ્વરના સંપર્કમાં રહેવાથી આપણે શુદ્ધ થઈએ છીએ.

બાળકો, જયાં ધર્મનો બોધ છે, તે મન જ ઈશ્વરનું સામિપ્ય પ્રાપ્ત કરે છે. પહેલાંના દિવસોમાં લોકો કેવા હતા? પક્ષીના એક બચ્ચા માટે તેઓ પોતાના જીવનની બલિ આપવા તૈયાર રહેતા. ધર્મનો આ બોધ આપણને ઈશ્વર સાથે, પરમાત્મા સાથે જોડે છે. એ તો મનની વિશાળતા જ છે, જે આપણને ઈશ્વર સામિપ્ય માટે યોગ્ય બનાવે છે.  ઈશ્વરીય ગુણોને આપણામાં પ્રતિફલિત કરે છે. આ મન જ આપણી અંદર રહેલા દિવ્ય ગુણોને પોષિત કરે છે. આપણા સત્કર્મો અને સદ્ગુણો તો બીજને વૃક્ષમાં વિકસવા સહાય કરતા ખાતર જેવા છે . સ્વાર્થતામાં ડૂબેલા મનમાં ઈશ્વર કૃપા ઉતરતી નથી. ઈશ્વરકૃપા માટે પાત્ર  બનવા સ્વાર્થતાનો ત્યાગ કરવો જ રહ્યો. આ માટેનું સાધન છે, ધર્મનું આચરણ. જેમ એક બીજને વાવવાથી દસ બીજ પ્રાપ્ત થાય છે, તેની જેમ ઈશ્વરને એક આપવાથી હજારગણું પ્રાપ્ત થાય છે. સ્વયંને જયારે ઈશ્વરમાં સમર્પિત કરીએ છીએ, ત્યારે  આપણને હજારો ગણુ પ્રાપ્ત થાય છે.  ઈશ્વર તો તે શક્તિ છે, જે આપણી રક્ષા કરે છે. આથી વિપરીત તેને આપણી રક્ષાની આવશ્યકતા નથી.  આ આપણે યાદ રાખવું જોઈએ.

શરીર કે મન જો ઈશ્વરને સમર્પિત ન કરી શકીએ, પણ આપણી  ઇચ્છાઓ ઈશ્વરને સમર્પિત ન કરી શકીએ શું? સર્વપ્રથમ, આમાં જે બાધા બને છે, તે સ્વાર્થતાની બલિ ઈશ્વરને ચઢાવવી જોઈએ. શું ટ્રેઈનમાં ચડ્યા પછી પણ, સામાનને માથા પર ઉંચકીને રહેવાની જરૂર છે? તેને ઉતારી નીચે મુકીએ છીએ. તેનો ભાર ટ્રેઇન સહન  કરી, મુકામ પર પહોંચાડી દેશે. ઉંચકેલા ભારને જો નીચે મૂકવાને ન થાય, તો પછી સ્વયં ભાર સહન કરવો પડશે. ઈશ્વર વિશ્વાસની સાથે સમર્પણનો ભાવ પણ આપણી અંદર વિકસવો જોઈએ. તો જ આપણને શાંતિ અને સમધાન પ્રાપ્ત થાય છે. જયાં સુધી સ્વાર્થતા છે, પોતપોતાનો  ભાર સ્વયં વહન કરવો પડશે. આ માટે ઈશ્વર જવાબદાર નથી. ફક્ત ડૉકટરનો વિશ્વાસ કરવો, એ માત્ર જ પર્યાપ્ત નથી. ડૉકટરના કહેવા પ્રમાણે દવા પણ લેવી જોઈએ અને તેમના નિર્દેશોનું પાલન પણ કરવું જોઈએ. કેવળ ઈશ્વર વિશ્વાસ માત્ર જ પર્યાપ્ત નથી. તેના તત્વને જાણી તે અનુસાર જીવન જીવવાથી આપણો ભવરોગ દૂર થાય છે અને આપણે લક્ષ્ય પ્રાપ્ત કરીશું.

બાળકો, સઘળા ભાર તેના ચરણોમાં અર્પિત કરી, શાંતિ અને સમાધાન સાથે જીવો.

બાળકો, કોઈ પણ પરિસ્થતિનો આપણે કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ, તેમાં તપનો ગુણ પ્રકાશિત થાય છે. પ્રતિકૂળ પરિસ્થતિમાં પણ હિમ્મત હાર્યા વિના કે અચકાયા વિના આગળ વધવું જોઈએ. અહીં જ સાચી મહાનતા રહેલી છે. ધ્યાનમાં બેસો ત્યાં સુધી શાંતિ અને ધ્યાનમાંથી બહાર આવો કે અશાંતિ, આ સાધક સાથે સુસંગત નથી. કોઈ પણ હાર્મોનિયમ વિના એકલા ગાઈ શકે છે. પરંતુ, હાર્મોનિયમની  સાથે તાલને અનુસરીને ગાઈએ, ત્યારે વ્યક્તિની શ્રુતિ નિશ્ચય કરવાની ક્ષમતાને જાણી શકાય. આજ પ્રમાણે, કોઈ પણ સંજોગોમાં મનનો તાળ-લય ન ગુમાવતા જે તેની શ્રુતિને જાળવી રાખે છે, તે સાધકની સાચી શ્રુતિ નિશ્ચયાત્મકતા સૂચવે છે.  તે જ યથાર્થ તપ છે. ક્રોધ આવે એવા સંજોગોમાં, ક્રોધને આધીન ન થતા, તેને નિયંત્રણમાં રાખવો જોઈએ. આથી વિપરીત સંજોગોને આધીન થઈ ક્રોધ કરવો, એ આધ્યાત્મિક લોકોને કયારેય છાજે નહિ.

હિમાલયની નજીક એક ગામમાં એક લુહાર રહેતો હતો. તે લોઢાના સળિયાને પોતાની દુકાન પાસે આવેલા પથ્થર પર મારી, વાળતો હતો. એક દિવસ તે જયારે આ પથ્થર પાસે ગયો, ત્યારે ત્યાં તેણે એક અજગરને જોયો. બીજે  દિવસે પણ તે અજગર ત્યાં જ હતો. ઠંડીના કારણે હલ્યા વિના ત્યાં સ્થિર બની સૂતો હતો. તેના શરીરનો સ્પર્શ કર્યો, છતાં તે હલ્યો નહિ.  તેના પર દયા આવતા લુહાર તે અજગરને ઉપાડી પોતાની દુકાનની અંદર લઈ આવ્યો. તેને ખાવાને દૂધ અને ફળ આપ્યા. થોડીવાર પછી તે લુહાર પોતાના કામે લાગી ગયો. લોઢાના સળિયાને ભઠ્ઠીની આગમાં ગરમ કરી, તેને આકાર આપવા માટે, પથ્થર પર મારવા બહાર લઈ જઈ રહ્યો હતો કે, તે સળિયો પેલા અજગરને અડી ગયો. અજગરે માથું ઉંચુ કર્યુ,  ફેણ ફેલાવી તે લુહારનને ડંખ મારવા તૈયાર થયો. લુહારે વિચાર્યું હતું  કે, “એ તો બહુ શાંત છે, કોઈને ડંખ નહિ મારે.” પરંતુ, ભઠ્ઠીના તાપમાં ટાઢ દૂર થતા, તેના સ્વભાવમાં પરિવર્તન આવ્યું. આ જ પ્રમાણે તપ કરતી વખતે મનને સંવેદના રહિત કરવામાં આવે છે. જો ધ્યાન ન રાખીએ, તો અનુકૂળ સ્તિથિઓમાં વાસનાઓ  તેમની ફેણ ઉંચી કરશે. માટે જ, કોઈ પણ પરિસ્થતિમાં તૂટ્યા વિના, તેથી પર ઊઠવા મનને શક્તિમાન બનાવવું જોઈએ. શિષ્યને તે અવસ્થા પર ઉપર ઊઠાવવા ગુરુ પ્રયત્ન કરે છે. કોઈ પણ સંજોગોમાં સર્વને ઈશ્વર તરીકે જોવા, એક આત્માના જ દર્શન કરી શકે એવું એક મન આપણે વિકસાવવું જોઈએ. તો જ આપણે સ્વયંને શક્તિમાન કહી શકીએ.

જેમ એક મધમાખી ફૂલમાં મધ શોધતી, ફક્ત મધ જ લે છે, તેની જેમ બધામાં ફક્ત સારું જોવાને, સર્વમાં એક જ ઈશ્વરચૈતન્યના દર્શન કરવા અને આત્માનંદ માણી શકે એવું એક મન આપણે કેળવવું જોઈએ. શિષ્યની અંદર કયાંય કોઈ ક્રોધ, દ્વેષ, અહંકાર છુપાયેલો  હશે, તો તેને બહાર કાઢી, તેને નહિવત્ કરવો, એ ગુરુનું કર્તવ્ય છે. લાંબા સમય સુધી સાધના કરી, જે પકવતા પ્રાપ્ત થાય છે, તે ગુરુના સામિપ્યમાં શિષ્ય થોડા જ દિવસોમાં પ્રાપ્ત કરી લે છે. કોઈ પણ કાર્ય શિષ્યને સોંપતી વખતે, ભલે પછી તે ગમે તેટલું કઠિન હોય કે સરળ, ગુરુનું લક્ષ્ય તો શિષ્યના અહંકારને દૂર કરી, શિષ્યને આત્મદર્શન માટે  પાત્ર બનાવવાનું જ હોય છે.  શિષ્યને જેની જરૂર છે, તે છે ગુરુના સર્ટિફિકેટની. આ માટે, શિષ્યે ગુરુના હરેક વચનનું અનુસરણ કરવું જ જોઈએ, આ શિષ્યનું કર્તવ્ય છે. એક લુહારના હાથની હથોડીની જેમ શિષ્યે, ગુરુના હાથના ઉપકરણમાં પરિવર્તિત થવું જોઈએ. ગુરુની આજ્ઞામાં રહેવાથી જ શિષ્ય પ્રગતિ કરે છે.

એક ગુરુકુળમાં એક શિષ્યને છોડી બાકી બધાને ગુરુએ ભગવાં વસ્ત્ર આપ્યા. જે શિષ્યને ભગવાં વસ્ત્ર મળ્યા ન હતા, તેને ગુરુ પ્રત્યે ખૂબ ક્રોધ આવ્યો. “આ ગુરુ પક્ષપાત કરે છે. બધાને ભગવાં વસ્ત્રો આપ્યા. મારાં પછી જે આશ્રમમાં જોડાયા હતા તેમને પણ તે આપ્યા. ફક્ત મને જ ન આપ્યા. આ ગુરુ કંઈ સદ્ગુરુ નથી. અહીં રહેવા કરતાં બીજે કયાંય જવું સારું.” શિષ્ય મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો, પછી તેને ગુરુમાં દોષ જ દેખાતા. એટલું જ નહિ, બીજા લોકોને તે કહેતા અચકાતો  નહિ. આ દરમ્યાન ગુરુએ એક મોટો યજ્ઞ કરવાનું નક્કી કર્યું. યાગ માટે આવશ્યક સામગ્રી ગુરુકુળની નજીક આવેલ એક ઘરમાં સાચવીને રાખવામાં આવી હતી. યાગ માટે આવશ્યક વસ્તુઓને લેવા ગુરુએ તે શિષ્યને નજીકના તે ઘરે મોકલ્યો. ત્યાં રહેતી એક સ્ત્રી, જે કોઈ તે વસ્તુઓે લેવા આવતું, તેમને તે કાઢી આપતી. બીજે  દિવસે પણ ગુરુએ શિષ્યને પાસેના તે ઘરમાંથી વસ્તુઓ લેવા મોકલ્યો. ત્યાર પછી યાગ માટે આવશ્યક સામગ્રી લઈ આવવા ગુરુ તે શિષ્યને જ મોકલતા. હંમેશા તે સ્ત્રીને જ જોતા રહેવા શિષ્ય તેના પ્રત્યે આકર્ષણ અનુભવવા લાગ્યો. આશ્રમ પાછા આવ્યા પછી પણ, તે શિષ્યના મનમાંથી તે સ્ત્રીનું રૂપ હટતું  નહિ. ત્યાર પછી કંઈ પણ જરૂર પડતા ગુરુ તે શિષ્યને પ્રતિદિન તે ઘરમાં મોકલવા લાગ્યા. દિવસ જતાં તે સ્ત્રી પ્રત્યેના શિષ્યના આકર્ષણમાં પણ વૃદ્ધિ થઈ. તેને જોયા વિના ચેન મળતું નહિ. એક દિવસ તે શિષ્યે પેલી સ્ત્રીના ઘરે રહેવા માટે ઇચ્છા પ્રકટ કરી. તે સ્ત્રીએ ઘણી શરતો મૂકી. શિષ્ય તે બધું કરી આપવા માટે સંમત થયો. નિયમવિરૂદ્ધ કાર્યો માટે પણ વિના સંકોચે શિષ્ય સંમત થયો. છેવટે તે બોલી, “મને ઉંચકીને લઈ જા.” તે માટે પણ શિષ્ય સંમત થયો. શિષ્ય તે સ્ત્રીને ઉંચકવા માટે આગળ વધ્યો કે, તે સ્ત્રીએ ત્યાં પડેલી લાકડી હાથમાં લીધી અને તેનાથી શિષ્યને સારો માર માર્યો. શિષ્ય તો ત્યાંથી ભાગ્યો. ગુરુકુળમાં પહોંચતા, શિષ્ય વિષે બધુ જાણનારા ગુરુએ પૂછયું, “પુત્ર, હવે તને સમજાયું, શા માટે તને ભગવાં વસ્ત્રો આપ્યા નહિ? તારા પ્રત્યેના વિદ્વેષના કારણે નહિ, પરંતુ તારી અંદર આ સંસ્કાર સુષુપ્ત હોવાથી તને સન્યાસ વસ્ત્રો આપ્યા ન હતા. તારાંમાંથી વાસનાઓ પૂર્ણરૂપે દૂર થઈ નથી. તને જો સંન્યાસ આપું અને તું સંસારમાં જાય, તો તેં લોકોને છેતર્યા જ હોત.” પોતાની ત્રુટીઓ જાણનાર ગુરુના ચરણકમળોમાં શિષ્ય નમ્રતાથી ઢળી પડયો. શિષ્યની વાસનાને બહાર કાઢી, તેને દૂર કરવા માટે ગુરુએ તે પરિસ્થતિનું સર્જન કર્યું હતું.

એક વિદ્યાર્થી દરેક ક્લાસમાં ચાર પાંચવાર નપાસ થતો. આમ તે છેવટે દસમાં ધોરણમાં પહોંચ્યો. તેને ખાતરી હતી કે,  તે દસમાં ધોરણનીં દસ વાર પરીક્ષા લખે તો પણ પાસ નહિ થાય. પરંતુ તેના કલાસ ટીચરે કેમ પણ કરીને તે વર્ષે જ તેની પાસે દસમું ધોરણ પાસ કરાવવાનું નક્કી કર્યું. રાત દિવસ વિશ્રામ લીધા વિના તેઓ તેને ભણાવવા લાગ્યા. વિદ્યાભ્યાસ સિવાય અન્ય કયાંય તેનું ધ્યાન જાય નહિ, તે માટેની ખાસ કાળજી લીધી. છેવટે પરીક્ષા નજીક આવી. વિદ્યાર્થીએ પરીક્ષા લખી. અને પ્રથમ પ્રયત્નમાં જ તે સફળ થયો હતો. દસમીમાં દસ વાર પરીક્ષા લખે તો પણ પાસ નહિ થાય એમ બધાએ કહ્યું હતું. તેમછતાં તેને પ્રથમ પ્રયત્નમાં જ પરીક્ષામાં પાસ કરાવનાર અધ્યાપકની જેમ છે, ગુરુ. હજારો જન્મો પ્રયત્ન કરવા છતાં આત્મલોકનો સાક્ષાત્કાર કરવો કઠિન છે. પરંતુ ગુરુની સહાય જો મળી જાય, તો એક જ જન્મમાં તે પ્રાપ્ત કરી શકાય.

ગુરુની સાથે રહેવાને અનુમતિ મળવા માત્રથી એમ ન માની લેવાય કે ગુરુએ તેને શિષ્ય તરીકે સ્વીકાર્યો છે. આવશ્યક પરીક્ષાઓ કરી, નિરીક્ષણ પછી જ ગુરુ શિષ્યને સ્વીકારે છે. જેને ગુરુના વચનોમાં પુર્ણ વિશ્વાસ, શ્રદ્ધા અને સમર્પણ હોય, તે જ શિષ્ય છે. તે પછી સ્વયં જ્ઞાનના શિખરો સર કરે છે.

બાળકો, કેવળ ઈશ્વરની સ્તુતિ કરનારા કરતાં તે તત્વને જાણી, તે અનુસાર જીવનારા ઈશ્વરકૃપાને પાત્ર છે. તેમના જીવનમાં જ પ્રાપ્તિ છે.

એક ધનિકને બે સેવકો હતા. એક હંમેશા તેમની પાછળ, “શેઠ… શેઠ…” કહી ફરતો રહેતો. તે હંમેશા શેઠના ગુણગાન ગાતો. પણ કયારેય કોઈ કામ કરતો નહિ. ત્યારે બીજો સેવક, કયારેય માલિકની નજીક આવતો નહિ. તે તો હંમેશા શેઠે સોંપેલું કામ કરવામાં જ વ્યસ્ત રહેતો. તેનું બધું ધ્યાન તેને સોંપેલા કામમાં જ રહેતું. આહાર અને નિદ્રાનો ત્યાગ કરી તે પોતાના માલિકનું કામ કરતો. અહીં શેઠને કોના પર પ્રેમ હશે. રામ… રામ… એમ સતત પોકાર કરનાર કરતાં રામના નિર્દેશાનુસાર જે જીવન જીવે છે, તેને રામની કૃપા પ્રાપ્ત થાય છે. ઈશ્વર તો તેમને જ વધુ પ્રેમ કરે છે, જે તપ અને નિષ્કામ સેવા કરે છે. આનો અર્થ એમ નથી થતો કે, ઈશ્વરને પોકારવા નહિ.  સારા કર્મો કરી ઈશ્વરને પોકારવા, ફળદાયી હશે. આથી વિપરીત ભલે ગમે તેટલો નામજાપ કરીએ, પરંતુ જો દુષ્કર્મ જ કરતા હશું, તો નામજાપ દ્વારા જે સારું ફળ પ્રાપ્ત થાય છે, તે નાશ પામે છે. તે આપણા સારા સંસ્કારનો નાશ કરે છે.
લોકો  મંદિરમાં જશે, ત્રણવાર પ્રદક્ષિણા કરશે. જે પગથી મંદિરની પ્રદક્ષિણા કરે છે, તે જ પગેથી પ્રવેશદ્વાર પર ઊભેલા યાચકને  “હટ અહીંથી..” કહી લાત મારી ભગાડે છે. બાળકો, આ ભક્તિ નથી થતી. ગરીબો માટેની કરુણા, એ જ ઈશ્વર પ્રત્યેનું આપણું કર્તવ્ય છે.

બાળકો, તમે સારા કર્મો કરો અને સાથે દુષ્કર્મ પણ. આથી સત્કર્મ દ્વારા પ્રાપ્ત ફળ નાશ પામે છે. એક બાજું ખાંડની ઢગલી રાખો અને બીજી બાજુ કીડીનું દર, ખાંડનો નાશ કરવા આથી વધુ બીજું શું જોઈએ? સત્કર્મ સાથે જો થોડો નામજાપ કરો, તો એ પર્યાપ્ત છે. તેનું ફળ ચોક્કસ મળશે. આ દિવસભર નામજાપ કરવાને તુલ્ય છે.

સદ્ વિચાર અને સત્કર્મ દ્વારા આપણું જીવન ધન્ય બને છે. આ એટલું કઠિન કાર્ય નથી. બધામાં સારું જ જોવાનો પ્રયત્ન કરો. કોઈની ઈર્ષા કરવી નહિ, સાદગીભર્યું જીવન જીવવું. વર્ષમાં દસ સાડી ખરીદતા હો, તો તેમાં ત્રણ ઓછી કરો. પછી પાંચ આ પ્રમાણે અનાવશ્યક જે કંઈ ખરીદતા હો, તેમાં ઘટાડો કરી ફકત જરૂર પૂરતું જ ખરીદો. જરૂર કરતાં વધું ખરીદવા પાછળ જે રકમ ખરચ કરતા હતા, તે રકમનો ઉપયોગ સારા કાર્યો માટે કરી શકો. ફીસ ભરવાને ન થતા, કેટલાક વિદ્યાર્થીઓએ સ્કૂલે જવાનું બંધ કરવું પડે છે. આવા વિદ્યાર્થીઓને સહાય કરી શકો. સમાજ માટે એટલો તો ઉપકાર આપણે કરી શકીએ. આવા લોકોનો મંત્રજાપ ઈશ્વરને અતિપ્રિય છે. કારણ કે, એ તો સારા કર્મો જ ઈશ્વર તરફનો માર્ગ છે.

તમે પૂછી શકો કે, અજામિલે એક જ વાર, “નારાયણ” એમ પોકારતાની સાથે તેને મોક્ષ મળ્યો ન હતો? તે એક પોકારથી અજામિલ ભગવાનને પામ્યા ન હતા. તેમણે કયારેય કરેલું કોઈ સારા કર્મનું તે ફળ હતું. જીવનમાં કયારેય કોઈ સત્કર્મ ન કરતા, બીજાને ત્રાસ આપવા માટે જીવતો એક દુકાનદાર હતો. અજામિલની કથા વાંચી તેણે પોતાના બધા બાળકોને ભગવાનના નામો આપ્યા હતા.જેથી મરણ સમયે બાળકોના નામ પોકારી તે મોક્ષ પ્રાપ્ત કરી શકે. તેની છેવટની ઘડીએ બધા જ બાળકો તેની પથારીને વિંટળાયને ઊભા હતા. તેણે આંખ ખોલી બધા પર નજર કરી. બધા બાળકો તેની પાસે હતા. દુકાને જનારા બાળકો પણ ત્યાં હતા. તેમને જોઈ ચિંતા થતા. તે બોલી ઊઠયો, “આ શું, દુકાનમાં કોણ છે?” આટલું કહેતા તેણે પ્રાણ છોડી દીધા. જીવનમાં કયારેય તેણે એકવાર પણ ઈશ્વરનું સ્મરણ કર્યું ન હતું. જે આમ વિચારે કે, છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લઈ, મોક્ષ પ્રાપ્ત કરીશ, તેની ગતિ આ જ હોય છે. જીવનભર જે કર્મ કર્યા હોય, તે અનુસાર હોય છે  મરણ સમયે હરેકના વિચાર. આ કર્મો જ તેના અંત સમયના વિચારના કારણ હોય છે. સત્કર્મ કરી જીવન જીવીએ તો અંતિમ સમયે મનમાં સદ્ વિચાર જ હોય છે.

ગૃહસ્થાશ્રમી મંત્રજાપ સાથે જે નિઃસ્વાર્થ સેવા કરે છે, તેનું ફળ તપસ્વીઓના તપને તુલ્ય છે. તપસ્વી વિધ વિધ દિશાઓમાં ભટકતા મનને ધ્યાન દ્વારા એકાગ્ર કરે છે. જે લોકો તત્વને જાણી જીવન જીવે છે, આ પ્રમાણે પ્રાપ્ત કરેલી શક્તિ સંસારને સમર્પિત કરે છે. દિવસભર ધ્યાન જપ વગેરે.. માટે જેને સમય નથી મળતો, તેવા ગૃહસ્થાશ્રમીઓને ગુરુ લોક સેવાનો માર્ગ નિર્દેશિત કરે છે.  તેમની સેવા જોઈ, હૃદય પિગળતા ગુરુની કૃપા તેમના પર થાય છે અને તેઓ મુક્તિ પ્રાપ્ત કરે છે.

સદ્ગુરુ કાચબા જેવા છે. કાચબો પોતાની વિચાર શક્તિથી તેના ઈંડા સેવે છે. આ જ પ્રમાણે, ગુરુ પોતાના વિચાર થકી શિષ્યને સાક્ષત્કાર પ્રદાન કરે છે. નિષ્કામ સેવા દ્વારા, જે પ્રાપ્ત થાય છે, તે તપ દ્વારા થતી પ્રાપ્તિથી સ્હેજેય ઉતરતી નથી હોતી. આનો અર્થ એમ નથી થતો કે, આપણે ઈશ્વરને પ્રાર્થના નહિ કરવાની. આનો અર્થ છે કે, આપણી પ્રાર્થના સત્કર્મ સાથેની હોવી જોઈએ. ખોખલી પ્રાર્થના ઈશ્વરના કાનમાં નથી પડતી. તેની કરુણા નથી મળતી.

ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને યુદ્ધ કરવાને કહ્યું હતું. તેમણે એમ નહોતું કહ્યું કે, “હું આ બધાનો સંહાર કરી, તારી રક્ષા કરીશ. તારે કંઈ કરવાની જરૂર નથી. તું એમનેમ બેઠો રહે,”  એમ ભગવાને નહોતું કહ્યું. ભગવાને તો કહ્યું હતું કે, “અજુન તું યુદ્ધ કર, હું તારી સાથે જ છું.” આપણા પ્રયત્નની આવશ્યકતાનું મહત્વ અહીં સ્પષ્ટ થાય છે.

મૂલ્યો અને પ્રૌદ્યોગિક વિદ્યાનો સમન્વય – આ શતાબ્દી માટે સહુથી મોટો પડકાર છે  – શ્રી માતા અમૃતાનંદમયી દેવી

૫૭માં જન્મદિનોત્સવ અનુગ્રહ સંબોધન
૨૭ સપ્ટેમ્બર ૨૦૧૦, અમૃતપુરી

૫૭માં જન્મદિનોત્સવની ઉજવણીને સંબંધિત પોતાના અનુગ્રહ સંબોધનમાં અમ્માએ કહ્યું હતું,

વૈશ્વિક લક્ષ્યોને હાંસલ કરવામાં આપણે સફળ નથી થયા. એટલું જ નહિ, અનેક વિભાગોમાંની સ્થિતિ અત્યંત દયનીય છે.

બધાને એવી આશા હતી કે, ગ્લોબલાઇસેશન થકી ભિન્ન રાષ્ટ્રો વધુ નજીક આવશે, દારિદ્રયની પકડમાં રહેલા રાષ્ટ્રો, તેમાંથી મુક્ત થશે. લોકોનું સ્વાસ્થ્ય અને વિદ્યાભ્યાસના સ્તરમાં વૃદ્ધી થશે. પ્રકૃતિસંરક્ષણમાં સુધારો થશે, પરંતુ આમાંનું કંઈ જ હાથ આવ્યું નહિ.

બાહ્ય ઘટકોને એક કરી આપણે આ વિશ્વને એક ગ્રામમાં સંકુચિત કર્યું. પરંતુ, આંતરિક ઘટકો, જેમ કે આપણી બુદ્ધી અને હૃદયને એક કરવા પ્રત્યે આપણે ખાસ ધ્યાન આપ્યું નહિ.આ જ આપણા પરાજયનું કારણ છે.

જન સંખ્યામાં વૃદ્ધી થવા માત્રથી તે સંસાર નથી થતો, સમૂહ નથી બનતો. તે માટે સદ્ભાવના અને કરુણા ધરાવતા મનુષ્યો પણ તેમાં હોવા જોઈએ. મનુષ્યે મનુષ્યને પ્રેમ કરવાને થવું જોઈએ. આ સાથે પ્રકૃતિને પણ પ્રેમ કરવાને થવું જોઈએ.

સગી માની જેમ પ્રકૃતિની રક્ષા કરવી, આપણી ફરજ છે. આ યથાર્થ્ય પ્રત્યે આપણે આંખ મિચામણાં ન કરી શકીએ. આપણા પૂર્વજો પાસેથી ભેટમાં મળેલો આ લોક કેટલો મનોહર છે.શું તેને તદ્ન અસ્ત વ્યસ્ત કરી, આપણે તે ભાવિ પેઢીને આપવા જઈ રહ્યાં છીએ?

આપણામાં આ બોધ હોવો જોઈએ કે, નદી અને સમુદ્રને મલિન કરવા, એ તો આપણા પોતાના લોહીમાં વિષ ઘોળવા જેવું છે. પૃથ્વી, આકાશ અને પાણીને આપણે મલિન કરીશું, તો તેથી આપણી જ વેદનામાં વૃદ્ધિ થશે.

આજે કેટલા યુવકો મદીરા અને નશીલી દવાઓના ગુલામ બની ગયા છે. આ કારણસર, આજે જીવનમાં કહેવાતો એવો “યૌવન” કાળ, નાશ પામી રહ્યો છે. મનુષ્ય બાલ્યાવસ્થામાંથી સીધો વૃદ્ધાવસ્થામાં વિકસી રહ્યો છે. ઈશ્વરમાં પરિવર્તિત થવાની ક્ષમતા ધરાવતા મનુષ્યને, મદ્યપાન અને નશીલી દવાઓ શૈતાનમાં પરિવર્તિત કરે છે. આથી ભયાનક અન્ય કોઈ વિષ નથી. બાળકો, આ સત્યને કયારેય ભૂલશો નહિ.

આજે ટેકનોલોજી (પ્રૌદ્યોગિક વિજ્ઞાન)માં આપણે ઘણો વિકાસ કર્યો હોવાથી આપણા જીવનનું સ્તર પણ વધું ઉંચુ થયું છે, એમ આપણે માનીએ છીએ. પરંતુ, તે વિદ્યાનો ઉચિત રીતે ઉપયોગ કરવા માટે આવશ્યક માનસિક પરિપકવતા પણ આપણે પ્રાપ્ત કરવી જોઈએ. અન્યથા તે ખતરનાક પૂરવાર થશે.

આપણે વ્યક્તિને પ્રેમ કરી, વસ્તુનો ઉપયોગ કરવાનો હતો.આમ ન કરતા, આપણે વ્યક્તિનો ઉપયોગ કરીએ છીએ અને વસ્તુને પ્રેમ કરીએ છીએ. આથી કુટુંબો તૂટવા લાગ્યા છે, સમૂહના તાલ-લય નાશ પામી રહ્યાં છે.

આધ્યત્મિકતા તો જીવનમાં ઉતારવાના મૂલ્યો છે. આ મૂલ્યો અને પ્રૌદ્યોગિક વિદ્યાના સમન્વય દ્વારા જ મનુષ્ય યોગ્ય વિકાસ અને પ્રગતિ કરી શકે. આને કેવી રીતે સિદ્ધ કરવું, તે જ આ શતાબ્દિનો સહુથી મોટો પડકાર છે.

આધ્યાત્મિકતા કયારેય વિજ્ઞાન વિરૂદ્ધ નથી. આથી વિપરીત, એ તો આત્યંતિક વિજ્ઞાન છે.
આધ્યાત્મિકતા વિનાનું વિજ્ઞાન અંધ છે. વિજ્ઞાન વિનાની આધ્યાત્મિકતા અપંગ છે.
ભારતના ઋષિઓએ જ્ઞાનને વેદ કહ્યાં હતા. તેમણે આ આત્મતત્વને જ્ઞાનનો અંત, એ અર્થમાં વેદાંત, એમ કહ્યું હતું. પરંતુ, આ જ્ઞાન સંસાર કે સાંસારિક જીવનનો નિષેધ કરતું નથીં. આથી વિપરીત, એ તો સંસારમાં સુખદુઃખ મધ્યે રહી, સર્વથી અતીત એવી શાંતિ અને આનંદ અનુભવવાનો માર્ગ ઉપદેશિત કરે છે.

પૈસો, નામ, પ્રશસ્ત પ્રાપ્ત કરવા આપણે કંઈ પણ કરવાને તૈયાર હશું. કેટલાક લોકોનું માનવું છે કે, આધ્યાત્મિકતા આની વિરૂદ્ધ છે. ઘણા લોકો આધ્યત્મિકતાને આ પ્રમાણે મુદ્રાંકિત કરે છે કે, આધ્યાત્મિકતા તો આ બધાથી દૂર રહેવાનું છે. આધ્યાત્મિકતા ધન કે કીર્તિની વિરૂદ્ધ નથી. તેની પ્રાપ્તિ અવરોધ પણ નથી. પરંતુ, તે માટે અપનાવવાનો માર્ગ ધાર્મિક હોવો જોઈએ, એમ આધ્યાત્મિક આચાર્યોએ કહ્યું છે.

આ સંસારનું ભૌતિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન, તેમજ વિજ્ઞાનને ભેગા કરી, તેને એક મહાનદીમાં પરિવર્તિત કરીએ. માનવજાતિને જીવન જળ પ્રદાન કરતી તે એક ઉત્કૃષ્ટ સંસ્કારની પુષ્પવાટિકાનું સર્જન કરે.

એમ અમ્માએ તેમના અનુગ્રહ સંબોધનમાં કહ્યું હતું.

(૨૦૧૦ – અમ્માના ૫૭માં જન્મદિવસ સંદેશ પર આધારિત)