એક આશ્રમમાં એક ગુરુ, ઘણા શિષ્યો સાથે વાસ કરતા હતા. ગુરુની સમાધિ પછી થોડો સમય ગુરુના સ્મરણમાં પસાર થયો. ત્યાર પછી શિષ્યોની સાધનામાં ઘટાડો થયો. જપ ધ્યાન રહ્યાં નહિ. પરપસ્પર ઇર્ષા અને અદેખાઇમાં વૃદ્ધિ થઈ. દરેકનું લક્ષ્ય ફક્ત સ્થાનમાન બની ગયા. આ સાથે આશ્રમના અંતરીક્ષમાં પણ પરિવર્તન આવ્યું. ત્યાં આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો. આશ્રમમાં જાણે સન્નાટો છવાઈ ગયો હતો. સ્થાન માનનો મોહ લાગે પછી મનુષ્યની મતિ મારી જાય.પછી શું કરવું અને શું ન કરવુંનો કોઈ વિવેક રહેતો નથી. આશ્રમનું આ અંતરીક્ષ જોઈ, ત્યાંના એક શિષ્યને બહુ દુઃખ થયું. તે નજીકમાં રહેતા એક વૃદ્ધ મહાત્માને મળવા ગયો અને આશ્રમની પરિસ્થિતિ વિષે બધુ જણાવ્યું. જયાં રોજ સેંકડો લોકો આવતા હતા, પ્રતિદિન ઉત્સવ જેવો પ્રતીત થતો હતો, તે આશ્રમ આજે સ્મશાન જેવો વિજન બની ગયો હતો. શિષ્યે જે બધું કહ્યું, તે સાંભળ્યા પછી તે મહાત્માએ કહ્યું, “તમારી વચ્ચે એક મહાત્મા છે. બીજા લોકો તેમને ન જાણે, તે માટે વેશપલટો કરી તે ત્યાં રહે છે. તમે જો તેમનું અનુસરણ કરો તો તમારો આશ્રમ પહેલાં કરતાં પણ ક્યાંય વધારે પ્રગતિ કરશે. ક્યાંય વધુ પ્રશસ્તિ મેળવશે.” તે શિષ્ય કોણ છે, એમ પૂછે તે પહેલાં જ તે મહાત્મા સમાધિસ્થ થયા.

શિષ્ય આશ્રમ પાછો ફર્યો અને સહપાઠી સાથે વિચારવા લાગ્યો. પોતાનામાં કોણ છે તે મહાત્મા. શું બધા માટે જે રસોઈ તૈયાર કરે છે, તે છે? તે તો ન હોય શકે. તેને તો એક રસોઈ પણ ઠીકથી બનાવતા નથી આવડતી. તેના કારણે, પહેલાં જે સ્વાદિષ્ટ ભોજન ખાવાને મળતુ હતું, તેનો સ્વાદ સુધ્ધા હવે યાદ નથી રહ્યો. તે કેવી રીતે મહાત્મા હોય શકે? શું બગીચાની જે સંભાળ લે છે, તે હશે? તેના તો એક કામમાં પણ ભલીવાર નથી હોતી. કોઈ વાત કરીશું કે તે ક્રોધથી લાલપીળો થશે. તો પછી, જે ગાયોની સંભાળ લે છે તે? તે ન હોય શકે. તે તો વાત વાતમાં ક્રોધ કરશે. આ પ્રમાણે જયારે તે દરેકમાં કોઈ ને કોઈ દોષ જોતો હતો, ત્યારે તેની પાસે ઊભેલા શિષ્યે કહ્યું, “આપણે શા માટે તેમની પ્રવૃત્તિઓનું વિશ્વ્લેષણ કરવાનું. મહાત્માઓના વર્તન પરથી તેમનું મૂલ્યાંકન થઈ શકે નહિ. તેમની દરેક પ્રવૃત્તિ આપણા ભલા માટે જ હોય છે. તેમની સામે વિનયપૂર્વક ઊભા રહીએ, તો જ આપણને લાભ થાય. આપણે તેમનામાં કોઈ દોષ ન જોવો જોઈએ. માટે આપણે એક કામ કરીએ,  આપણે આશ્રમના બધા લોકો સાથે વિનયપૂર્વક વર્તન કરીશું. બીજા લોકોના દોષ શોધવા કરતાં બધામાં સારું જ જોવાનો પ્રયત્ન કરીશું.  પહેલાંની જેમ નિયમોનું પાલન કરીશું”.

આ પ્રમાણે તેમણે બધા સાથે પ્રેમભર્યું વર્તન કરવાની શરૂઆત કરી. બધા સાથે વિનયપૂર્વક વર્તન કરવા લાગ્યા. આ બંનેને પરસ્પર પ્રેમથી, વિનયથી,  તેમજ બધા સાથે પણ આ પ્રમાણે વર્તન કરતા જોઈ, બીજા લોકો પણ તેમનું અનુકરણ  કરવા લાગ્યા. બધાને પછી આનંદ થયો. આશ્રમમાં ફરી ઉત્સવનું વાતાવરણ બની ગયું. પહેલાં કરતાં પણ  કયાંય વધું ઐશ્વર્ય ત્યાં હતું. આ પ્રમાણે તેઓ બધા સાક્ષાત્કાર માટે યોગ્ય થયા.

બાળકો, સર્વકાંઈનો આધાર પ્રેમ છે.  અન્ય લોકો પ્રત્યેની કરુણા, એ તો ઈશ્વરમાં આપણું સમર્પણ છે.

બાળકો, ઈશ્વર તો આપણી અંદર જ છે. પરંતુ, અત્યારે તે બીજ રૂપમાં છે. તે બીજને અંકુરિત કરવું હોય તો કરુણાનું પાણી જોઈએ, સ્વાર્થતાના પ્રવાહીમાં તો તે નાશ જ પામે છે. એમાં કોઈ સંશય નથી. પોતાના માટે નહિ, પણ બીજા માટે કાર્ય કરવું તે જ કરુણા કહેવાય છે. તે કરુણાના નીરમાં જ તે વિકસે છે.

બાળકો, ધ્યાન માત્ર જ પર્યાપ્ત નથી. કરુણા પણ જરૂરી છે. સાબુથી ધોઈએ તો કપડા સ્વચ્છ થશે. પણ કપડામાં જો ડાધ હોય તો બ્લીચીંગ પાવડર જોઈએ. આ જ પ્રમાણે ધ્યાનની સાથે, અન્ય લોકો માટે કરુણા પણ આવશ્યક છે. જે દુઃખી છે, તેમની સહાય કરવાનું મન પણ આપણામાં હોવું જોઈએ. આ જ યથાર્થ સેવા છે. આવા કરુણાભર્યા હૃદયમાં જ ઈશ્વરકૃપા ઉતરે છે.

આંતરિક સાધના

અમ્મા હંમેશા કહેતા આવ્યા છે, ધ્યાન તો સ્વર્ણ સમાન બહુમૂલ્ય છે. ભૌતિક તેમજ આધ્યાત્મિક પુરોગતિ માટે ધ્યાન ઉત્તમ છે. એક દેશની ચલણી નોટ, ફક્ત તે દેશમાં જ સ્વીકારવામાં આવશે. અન્ય દેશમાં તેની કોઈ કિંમત  નથી. તેના પરની ક્રમાંક સંખ્યા જો ભૂસાઈ જાય, તો તે દેશમાં પણ તેની કોઈ કિંમત નથી રહેતી. પરંતુ, સોનાના સિક્કાનું આવું નથી. તેના પરની મહોર ઘસાઈ જાય તો પણ, કોઈ પણ દેશમાં તેની કિંમત ઓછી નહિ થાય. ધ્યાન પણ આવું જ છે. જે સમય આપણે ધ્યાનમાં વિતાવીએ છીએ, તે સમયનો બગાડ નથી. સોનામાં જો સુગંધ ભળે, તો તે અમૂલ્ય બની જાય. આ જ પ્રમાણે જયારે ધ્યાનની સાથે આપણામાં કરુણા આવી મળે છે. ત્યારે તે સોનામાં સુંગંધ જેવું છે. ત્યારે ઈશ્વર કૃપા પણ આપણામાં વહેવા લાગે છે. અને આ પ્રવાહમાં જે અવરોધો હોય છે, તેને દૂર કરે છે.

કેટલાક બાળકો અમ્મા પાસે આવીને કહેતા હોય છે, “તેણે મારાં પર જાદુટોણાંનો પ્રયોગ કરી,  મંત્ર તંત્ર કરાવે છે.”  બાળકો, આમાં વિશ્વાસ કરશો નહિ. પૂર્વે કરેલા કર્મનું ફળ જ આપણે અત્યારે અનુભવીએ છીએ. આ માટે કોઈને દોષ દેવાનો કોઈ અર્થ નથી. જીવન તો સુખ અને દુઃખથી ભરેલું છે. આ વચ્ચે સંતુલન રાખી આગળ વધવું જોઈએ. આ જ આધ્યાત્મિક્તા આપણને શીખવે છે. જેને આપણે વિધિ કહીએ છીએ, તે તો પૂર્વે કરેલાં કર્મનું ફળ જ નથી શું? આનો અર્થ થયો કે કર્મનું ઘણું મહત્વ છે. માટે બાળકો, મંત્રવાદ કે જાદુટોણાંમાં પૈસા ખરચ ન કરતા, એકાગ્રતા સાથે પ્રાર્થના કરવા પ્રયત્ન કરો. જરૂરતમંદ લોકોને દાન કરો. આ પ્રકારના સત્કર્મ દ્વારા ધાર્યુ ફળ મળે છે.

શકીએ. આપણા પ્રયત્ન થકી આવી પરિસ્થિતિમાં ૯૦% પરિવર્તન આપણે લાવી શકીએ.

મદ્યપાન કરી, પાગલ બનેલી વ્યક્તિ, શું બોલતો હોય છે, તેને સ્વયંને તેની જાણ નથી હોતી. આ કારણ સર બીજા લોકોના હાથે તેને માર પણ મળશે. આ જ પ્રમાણે વ્યક્તિના જન્મ સમયને અનુસરી જીવનમાં કઠિનાઈઓનો સમય આવે છે. સમયના આ ગાળાને જ મંગળ, શનિ, રાહુ દશા કહે છે. આ ગ્રહદોષના સમયે સંપત્તિનો નાશ થવો, અકસ્માત થવો, ઘરમાં ક્લેશ થવો, રોગ થવો, સગાસંબંધીઓને દુઃખ થવું, ન કરેલા ગુના માટે ખોટો આરોપ મુકવામાં આવે,  આ બધું બને છે. આ કોઈએ કરેલું જાદુટોણાં નથી. આના નામે જે ખરચ કરો, તેનાથી બાળકો પર જે દેવું હોય તે દૂર કરી શકો. પરંતુ, આ સમયે આપણે આળસું બનીને ન બેઠું રહેવું જોઈએ. એકાગ્રતાથી ઈશ્વરનું ધ્યાન કરવા પ્રયત્ન કરવો જોઈએ. સહસ્રનામની અર્ચના અચૂક કરવી જોઈએ. મંત્રજાપ પણ સતત ચાલું રહેવો જોઈએ. આ પ્રમાણે આ દુઃખોની તીવ્રતામાં આપણે ઘટાડો કરી શકીએ. આપણા પ્રયત્ન થકી આવી પરિસ્થતિમાં ૯૦% પરિવર્તન આપણે લાવી શકીએ.

ત્યારબાદ, એક બીજી બાબત બાળકો યાદ રાખશો. તમારા હાથે એવું કોઈ કાર્ય ન થવું જોઈએ, કે જેથી બીજાને કોઈ દુઃખ પહોંચે. આ અત્યંત દોષ કારક છે. આપણે જયારે બીજાને દુઃખ પહોંચાડીએ છીએ, ત્યારે એમ પણ બની શકે કે, તેઓ નિર્દોષ હોય. ત્યારે તેઓ આ પ્રમાણે શોક કરશે, “હે ભગવાન! તું તો જાણે છે કે સત્ય શું છે, છતાં આ લોકો આ પ્રમાણે બોલે છે.” આ પ્રમાણે જયારે ભારી હૃદયે તેઓ કહે છે, ત્યારે તે સંકલ્પ સૂક્ષ્મરૂપે આપણામાં પ્રવેશ કરે છે. ભવિષ્યમાં તે આપણા માટે હાનીકારક બની રહેશે. માટે જ કહેવામાં આવે છે કે, મનથી, વચનથી, કર્મથી કયારેય કોઈને વેદના પહોંચાડશો નહિ. આપણે ભલે કોઈને સુખ ન આપી શકીએ, પણ ઓછામાં ઓછું  એટલું તો ધ્યાન રહે કે આપણાથી કોઈને દુઃખ ન પહોંચે. આ ઈશ્વર કૃપાને લઈ આવે છે. વર્તમાનપત્રોમાં જાહેરાત દ્વારા નોકરી માટે અરજીઓ મંગાવવામાં આવે છે, ટેસ્ટ થાય છે, ઈંટરવ્યુ ચાલે છે, તેમછતાં જેણે બધા જ પ્રશ્નોના સાચા જવાબ ન આપ્યા હોય, તેને નોકરી માટે પસંદ કરવામાં આવે છે. માટે, આપણી ઇચ્છાનુસાર કંઈ જ નથી ચાલતું. જો આપણી ઇચ્છાનુસાર બધું બનતું હોય તો જેના ઉત્તર શ્રેષ્ઠ હતા, તેને જ નોકરી મળવી જોઈએ, ખરું ને? પણ હંમેશા આમ નથી બનતું.  માટે, બધાનો આધાર, એક ઈશ્વરેચ્છા જ છે. એક ઈશ્વરેચ્છાને સમર્પિત થઈ, આગળ વધવું જોઈએ.

ઈંટરવ્યુ કરનારે તે બીજા લોકો માટે એટલી કરુણા નહોતી અનુભવી, માટે જ જેણે બધા પ્રશ્નોના સાચા જવાબ લખ્યા ન હતા, તેને નોકરી મળી હતી. તેના પ્રતિ કરુણા અનુભવવાનું કારણ, આ પહેલાં તેણે કરેલા સતકર્મો હતા. આ જ ઈશ્વરકૃપા છે. આપણને પ્રાપ્ત અવસરો જો નાશ પામે તો તેથી દુઃખી થશો નહિ. ઇશ્વરની કૃપા માટે, સમયનો બગાડ ન કરતા, સારા કર્મો કરવા પ્રયત્ન કરવો જોઈએ.બીજા લોકો માટે આપણે કરુણા અનુભવવી જોઈએ. એ જ ઈશ્વર કૃપા છે. આ માટે આપણે સારા કાર્યો કરવા જોઈએ.

બીજને વાવી, જોઈતા પ્રમાણમાં ખાતર નાખી,  ઉનાળાના સમયમાં  બોરવેલ ખોદી પાણીના પંપથી ખેતરમાં પાણી પહોંચાડીએ છીએ. નિયમિત તેમાંથી ખળને કાઢીએ છીએ. પરંતુ, લણણી સમયે પૂર આવતા બધો જ પાક નાશ પામ્યો હોય, એવા કેટલાય બનાવો આપણે જોયા છે. તેમાં પ્રયત્ન હોવા છતાં ઈશ્વરકૃપા ન હોય તો કોઈ ફાયદો  નથી. પ્રયત્ન અને કૃપા પરસ્પર એકબીજા પર નિર્ભર કરે છે. આપણે જો સારા કર્મો કર્યા હશે તો જ આપણે ઈશ્વરકૃપાના પાત્ર બનીશું. આ માટે બાળકોના મનમાં સદ્વિચારોને જ સ્થાન હોવું જોઈએ. કારણ કે, વિચારોને અનુસરીને કર્મ હોય છે. આપણામાં હંમેશા સદ્વિચાર રહે, હંમેશા સારા કર્મ કરીએ, તે માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ.

 

અમૃતપુરીમાં ઓણમની ઉજવણી પર અમ્માનો સંદેશ ૧૯૯૫

 

અમૃતપુરીના ઈતિહાસમાં ઘણા અસાધારણ પ્રાણીઓની રોચક કથાઓ સામેલ છે. અમ્માના સાધના કાળ દરમ્યાન અનેક સહાયક જનાવરોએ ઉલ્લેખનીય ભૂમિકા ભજવી હતી. જેમ કે, એક ગરુડ પક્ષી જે ધ્યાનમાં ડૂબેલા અમ્માની સામે આહાર રાખતું, એક કૂતરો અમ્મા માટે વણબોટયા આહારના પડીકા મોંમાં રાખી લઈ આવતો, એક ગાય અમ્માને દૂધ પાવા માટે પોતાને બાંધેલા દોરડા તોડીને દોડી આવતી. આ ઉપરાંત વીતી ગયેલા વર્ષો દરમ્યાન અન્ય અનેક અસાધારણ જનાવરો અમૃતપુરીમાં દેખાયા છે. મંદિરમાં જતા મોર, ભજનમાં આવતા કાગડા, મૈત્રીભાવ ધરાવતા સાપ, બાળહાથી, વાનરો, વેજ્જી બર્ગર પ્રિય ગરુડ પક્ષી, અસાધારણ ઉંદરો તેમજ વિવિધ પ્રકારના કૂતરા અને બિલાડા.

આજે વર્ષોથી, એક લાલ રંગનો કૈસર નામનો કૂતરો દુષ્ટજનોથી આશ્રમની રક્ષા કરતો આવ્યો હતો. ભલે પછી તે બે પગ વાળો મનુષ્ય હોય કે ચાર પગુ કોઈ જનાવર! જો કોઈ મદ્યપી અથવા કોઈ દુષ્ટ ઈરાદાથી કોઈ માણસ આશ્રમની સરહદમાં પ્રવેશ કરે, તો તેનું આવી જ બન્યું. હજારોની ભીડમાં કૈસર તેમને શોધી કાઢતો અને તેમનો રસ્તો રોકી, તેમની સામે ભસવા લાગતો.

કૈસરના મૃત્યુ પછી થોડા વર્ષો સુધી આ સ્થાન ખાલી હતું. એક દિવસ એક નાનો બહુ રંગી કૂતરો કે જે થોડા સમયથી આશ્રમની આસપાસ દેખાતો હતો, અચાનક કોઈના અગ્નિસંસ્કાર સમયે અમ્માની સામે આવી ઊભો રહ્યો. તેના તરફ અમ્માનું ધ્યાન જતાં, અમ્માએ તેને પોતાની પાસે બોલાવ્યો. આજ્ઞાંકિત કૂતરાની જેમ તે અમ્માની પાસે આવીને બેસી ગયો. અમ્માને જણાવવામાં આવ્યું કે તેનું નામ તુમ્બન(વિપુલ) હતું અને અમ્મા તેને તે નામથી બોલાવવા લાગ્યા. ત્યારપછી તે જાણીતો થઈ ગયો. તે હવે ઔપચારિક રૂપે આશ્રમનો કૂતરો હતો. તેને કોલર – ગળાનો પટ્ટો મળ્યો. નિયમિત સ્નાન આપી, ચાંચડનો પાવડર પણ તેના પર છાંટવામાં આવતો.

તુમ્બન તેની ફરજો ગંભીરતાથી નિભાવે છે અને કૈસરની જેમ આશ્રમની સરહદ પર પહેરો આપે છે. કોઈ સંશયાત્મક મનુષ્ય કે જનાવરને તે રોકે છે. રાત્રે આવતા વાહનોનું નીરિક્ષણ કરે છે. મોડી રાત્રે આવતા ભક્તોને આવકાર આપતો, તે તેમની સાથે એકોમોડેશનના કાર્યાલય સુધી ચાલીને જાય છે અને પછી તે તેમના ઓરડા સુધી તેમને મુકીને આવે છે. તે ફકત તેમનો સર સામાન માત્ર જ નથી ઉંચકતો…..

તુમ્બન અનેકવાર ધ્યાન સમયે દરિયા કિનારે દેખાય છે. હાથના પંજાને આગળ પસારી, પ્રાર્થનાના ભાવમાં તે નિશ્ચલ બની અમ્માની સામે પડયો રહે છે. કયારેક અમ્મા તેને પૂછે પણ છે કે, શું તે ધ્યાન માટે આવ્યો છે. અને તેને પોતાની નજીક આવીને બેસવાને કહે છે. આ પ્રમાણે અમ્માની બાજુમાં પીઠિકા પર બેસી તેણે ધ્યાન કરવાની શરૂઆત કરી. તેની પાસે બેસવા માટે પોતાનું એક આસન – કપડાનો એક ટુકડો પણ છે.

દર્શન દરમ્યાન તુમ્બન અનેકવાર અમ્મા પાસે આવે છે. અમ્મા તેને આવકારે છે, અને તેને ખાવાને ખોરાક પણ આપે છે. પછી થોડીવાર સુધી તે તેમની બાજુમાં પડયો રહે છે. આશ્ચર્યની વાત તો એ કે, તુમ્બન કોઈ પાસેથી ખોરાક સ્વીકારતો નથી સિવાય કે અમ્મા અથવા તે વ્યક્તિ જેને તેને ખોરાક આપવાનું કાર્ય સોંપવવામાં આવ્યું હોય.  અને જાણો છો તેનો પ્રિય ખોરાક શું છે? માખણ અને રોટલી!

ખરેખર, તુમ્બનનું અમ્મા સાથે એક વિશેષ બંધન છે. દર્શન પૂરા થાય અને જેવા અમ્મા ઊભા થાય કે, તુમ્બન ભીડને કાપી અમ્મા પાસે આગળ ધપી જતો, તમને જોવા મળશે. જેથી અમ્માની સાથે તે તેમના રૂમ સુધી ચાલીને જઈ શકે. એમ પણ કહેવાય છે કે, અમ્મા જો તેમની આસપાસ ભેગા થતાં બાળકો પ્રત્યે વધુ ધ્યાન આપે તો તુમ્બનને તેમની ઈર્ષા પણ થાય છે…

એક દિવસ સંધ્યાના ભજન સમયે તુમ્બન સ્ટેજની સામેની રેમ્પ પર દેખાયો. પૂંછ પટપટાવતો તે અમ્માની સામે આગળ પાછળ ચાલવા લાગ્યો. છેવટે તે અટક્યો અને આશાભરી દ્રષ્ટિએ અમ્માને નિહાળતો ઊભો રહ્યો. તેની પૂંછ હજુય ઝડપથી આમ તેમ પટપટી રહી હતી. તેના તરફ સ્મિત કરતા, અમ્માએ તેને સ્ટેજ પર આવવા માટે ઈશારો કર્યો. એક જ છટાદાર છલાંગમાં તે અમ્માના ચરણો પાસે પહોંચી ગયો અને ત્યાં પગવાળીને બેસી ગયો. અમ્માએ ઉપસ્થિત સહુકોઈને કહ્યું કે, તે કેટલો શિસ્તબદ્ધ હતો, તેની વર્તણુંક કેટલી ઉચિત હતી. સ્ટેજ પર આવવા માટે તેણે અમ્માની અનુમતિની રાહ જોઈ હતી.

સ્વામીજીએ જયારે અમ્માની ભજનની ચોપડી તેની નજીકના સ્ટેંડ પર મુકી, ત્યારે અસ્વસ્થ થતા, તેણે આજુબાજુ નજર કરી, અને ફરી છલાંગ મારી સ્ટેજ પરથી નીચે આવી ગયો હતો. બધાએ ઊંડો નિશ્વાસ લીધો. તેને ત્યાં અમ્માની પાસે જોવો, તે દ્રષ્ય કેટલું સુંદર હતું!

તુમ્બન ફરી પાછળથી ભજનમાં આવ્યો અને છલાંગ મારી સ્ટેજ પર તેણે પોતાનું સ્થાન લીધું. આ વખતે તે છેવટ સુધી ત્યાં રહ્યો હતો. આરતી દરમ્યાન પણ તે ત્યાંથી ખસ્યો નહિ. વર્તુળમાં ઉતારવામાં આરતીથી તેને કોઈ ખલેલ પડી નહિ. અમ્માએ જયારે આરતી ઉતારતા બ્રહ્મચારી પર ફૂલની પાંખડીઓ વરસાવી, ત્યારે થોડી તુમ્બન પર પણ પડી. પણ તે તો ત્યાં અમ્માના ચરણોમાં પગવાળીને બેઠો રહ્યો. તેની સુંવાળી કાયા પર આરતીની જ્યોત પ્રતિબિંબિત થતી હતી. શું તે જાગતો હતો કે પછી કોઈ સુંદર સ્વપ્નમાં હતો? અમ્માની જયારે આરતી કરવામાં આવે છે, ત્યારે વાસ્તવમાં  સમસ્ત સૃષ્ઠીની, પરમ તત્વની આરતી કરવામાં આવે છે. સામાન્યતઃ કોઈ કૂતરાની આરતી કરતું નથી. પણ સૃષ્ટીના એક અન્ય સ્વરૂપને અમ્માની સાથે આરતી મેળવતા જોવામાં કંઈ ખોટું લાગતું ન હતું!

આશ્રમની દૈનિક આધ્યાત્મિક દિનચર્યામાં પ્રમાણિકતા અને નિયમિતતાની સાથે, ગુરુભક્તિ અને આજ્ઞાકિંકતાનો આદર્શ બેસાડતો, તુમ્બન એક ઉત્તમ આશ્રમવાસી છે. તે નિયમિત સવારની અર્ચનામાં હાજર રહે છે. એક દિવસ મહિલાઓના ભાગમાં તો બીજે દિવસે પુરુષોના ભાગમાં, આમ વારા ફરતી તે અર્ચનામાં ભાગ લે છે. મંદિરમાં ચાલતા ઉપનિષદ અને રામાયણના વર્ગોમાં તે અચૂક હાજર રહે છે. દરેક મંગળવારના ધ્યાનમાં ભાગ લે છે. કયારેક પ્રસાદમાં ભોજન લેવા તે અમ્મા પાસે પણ આવે છે. અમ્મા જયારે વિદેશ યાત્રા પર હોય ત્યારે વેબ કેસ્ટ દ્વારા દેખડવામાં આવતા દેવીભાવ દર્શન નિહાળવા તુમ્બન અચૂક હાજર રહે છે. આ બધા અવસરો માટે તેને તેનું પોતાનું એક આસન પણ આપવામાં આવ્યું છે. અમ્મા તુમ્બનની અનાસક્તિ અને આશ્રમ ધર્મ પ્રત્યેની તેની ભક્તિની ખૂબ પ્રશંસા કરે છે.

એક બ્રહ્મચારીએ આ ઘટના કહી હતી. ઓણમના દિવસે તુમ્બને કોઈ કારણવશ એક ભક્તને સ્ટેજ પર અમ્માની પાદપૂજા ન કરવા દેતા, તે અમ્માની સામે સાષ્ટાંગ પ્રણામ કરતો આડો પડયો રહ્યો હતો. ત્યાંથી ખસવાનો સાફ ઈન્કાર કરતા તે પૂજાની સામગ્રી સામે, તે ભક્તને પૂજા કરવા કોઈ સ્થળ ન આપતા, શરીર પસારીને ત્યાં આડો પડયો હતો. પણ જયારે અમ્માએ તેને બાજુ પર ખસી જવાને કહ્યું તો તરત તેણે અમ્માની આજ્ઞાનું પાલન કર્યું હતું!

એક દિવસ આશ્રમના વિશાળ ભજન હૉલમાં એક બીજો મોટો કૂતરો દેખાયો. તુમ્બનની ભસાભસ તરફ કોઈ ધ્યાન ન આપતા તે સ્ટેજની બાજુમાં થોડા આસનો પર આડો પડયો. તુમ્બન ચોંકી ગયો. પરંતુ, ઘુસી આવેલ કૂતરો તેનાથી વધુ શક્તિશાળી અને ધીર હોવાથી તે ભયભીત થયો. તેણે એક યુક્તિનો વિચાર કર્યો અને તરત તેને અમલમાં મુકવા તે તૈયાર થયો. ધીમા પગલે તે પેલા મોટા કૂતરા પાસે ગયો અને કોઈ અવાજ ન કરતા, તેના કાનમાં તેણે પેશાબ કર્યો!  અને પછી પોતાના કાર્યથી સંતુષ્ટ તે ત્યાંથી ભાગી ગયો. અહીં ઘર બનાવવાની ઘુસણખોરની યોજનાનો ભંગ કરવા આ જરૂર કરતા વધારે પડતુ હતું. જે બન્યું હતું તેથી થોડો અસ્થવ્યસ્થ થતા તે મોટો કૂતરો હૉલ છોડીને ચાલ્યો ગયો.  બીજે દિવસે તે ફરી આવ્યો, ફરી તે આસનો પર આડો પડયો અને ફરી તેને તુમ્બનની વિશેષ આગતા સ્વાગતા મળી. પછી તે ફરી પાછો આવ્યો નહિ.

તુમ્બનની ઘણી કથાઓ છે. એક લેખમાં તે પૂરી થાય નહિ. દરેક આશ્રમવાસીઓની પોતપોતાની કહાણી છે. જેમ કે, તમે જો થોડા સમય માટે બહાર ગયા હો અને પાછા ફર્યા જ હો તો તે તમને મળવા આવશે અને વહાલ કરશે; તમે જો નિયમિત અર્ચનામાં આવતા હશો અને એક દિવસ તમે તમારા સ્થાનમાં ન દેખાવ તો તે તમને જગાડવા તમારા ઓરડાના દરવાજા પર  પોતાના પંજા ઘસશે. વગેરે.,

ઘણાને તુમ્બનના પૂર્વજન્મનું આશ્ચર્ય થતું હોય છે. આશ્રમમાં આવું અગત્યનું સ્થાન મેળવવા તેણે એવા તે શું પુણ્ય કર્યા હશે. પરંતુ, આપણું કામ “તુમ્બન કોણ છે”ની ચીંતા કરવાનું નથી પરંતુ આપણે કોણ છીએ, તે જાણવાનું છે!  આ જ આપણા મનુષ્ય જન્મનું કારણ અને ઉદ્દેશ છે. જનાવરો પણ આપણી આ શોધ અને અમ્મા સાથેના આપણા સંબંધને દ્રઢ કરવા પ્રોત્સાહન પૂરે છે.

 

-સાક્ષી

 

ગમે તેટલા વર્ષો સુધી આશ્રમ આવો, ગમે તેટલીવાર અમ્માના દર્શન કરો, ગમે તેટલીવાર પ્રાર્થના કરો, પરંતુ આ બધાથી લાભ મેળવવો હોય તો આ સાથે સત્કર્મો પણ કરવા  જોઈએ. તમે અહીં આવો ત્યારે તમારા મનનો બધો જ ભાર અહીં હળવો કરી શકો. પરંતુ, ઘણા લોકો અહીં આવ્યા પછી તરત પાછા જવાનો જ વિચાર કરતા હોય છે. આ કેવા પ્રકારનું સમર્પણ છે? સામાન્યતઃ બાળકોનું દુઃખ જોઈ અમ્મા વ્યથિત થાય છે. પરંતુ, કેટલાક બાળકોના કાર્યોથી અમ્માનું મન પિગળતું નથી. મન કહે છે કે, “તે સ્વાર્થી છે. જૂઓ, મિથ્યા કાર્યો પાછળ તે કેટલી શક્તિ અને પૈસા ખર્ચ કરે છે. પોતાના એક સ્વાર્થનો પણ ત્યાગ કરવા જે તૈયાર ન હોય, તેવા લોકો ખાતર શા માટે અમ્માએ સંકલ્પ કરવાનો ?” આ જ કારણસર અમુક બાળકોના કાર્યો ધાર્યા પ્રમાણે પૂરા થતા નથી. જે સ્વાર્થ પૂર્ણ જીવન જીવતા હોય, તેમના પ્રતિ કેવી રીતે કૃપાવૃષ્ટિ થઈ શકે? એ તો બાળકોના સારા કર્મો અને પ્રાર્થના જ છે, જે અમ્માના સંકલ્પને ફળદ્રુપ કરે છે. અન્યથા, અમ્મા સંકલ્પ કરે તો પણ  બાળકોને તે કૃપાવૃષ્ટિ પ્રાપ્ત થતી નથી. ટી વી સ્ટેશનમાંથી કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. પરંતુ, આપણું ટી વી  તેને અનુસરીને ટ્યૂન કરીએ, તો જ આપણે તે કાર્યક્રમોને જોઈ શકીએ અને સાંભળી શકીએ. બાળકો, આ જ પ્રમાણે, જો કોઈ લાભ મેળવવો હોય તો આપણા મનને ઈશ્વરના જગત સાથે ટ્યૂન કરવું જોઈએ. પરમાત્માના લોક તરફ એક પગલું ભરવાનો તમે પ્રયત્ન કરો, તો પરમાત્મા હજારો હજારો ડગલા તમારી નજીક આવશે. જેઓ  સ્વાર્થતાનો ત્યાગ કરી, સદ્કર્મો કરી, યોગ્ય રીતે પ્રાર્થના કરે  છે, તેમને કોઈ દુઃખ નહિ આવે. શું તમે સુદામાની કહાણી નથી સાંભળી? આ ફક્ત કહાણીઓ નથી, અનુભવ છે. આવા કેટ કેટલા અસંખ્ય અનુભવો છે!
 

 
બાળકો, પ્રેમ અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના કરતી વખતે, તમારા હૃદય પિગળે  એ રીતે પ્રાર્થના કરવી જોઈએ. કેટલાક કહેશે કે, રડવું એ દુર્બળતા છે. પ્રભુ દર્શન માટે આંસુ સારવા એ દુર્બળતા નથી. મીણ-બત્તીનું મીણ જેમ જેમ ઓગળે છે, તેમ તેનો પ્રકાશ વધુ ને વધુ તેજસ્વી જ બને છે. આતો મનને વિશાળ કરવાનો એક સરળ માર્ગ છે. તે મનના માલિન્યને સાફ કરે છે. આથી આપણે શક્તિ જ પ્રાપ્ત કરીએ છીએ. આથી વિપરીત, મિથ્યા કાર્યો માટે રડવું, એ દુર્બળતા છે. તેથી તો આપણી શક્તિનો વ્યય જ થાય છે. આવતી કાલે કરવાના કાર્યો વિશે વિચારી, આજે બેસીને રડવું એ દુર્બળતા છે. અને પછી જયારે તે કાર્ય કરવાનું આવે,  ત્યાં સુધીમાં આપણે રડીને ભાંગી ગયા હશું. અને પછી બીમાર બની પથારીમાં પડયાં રહેવું પડશે.

હાથમાં ઘાવ થયો હોય તો ત્યારે તેના પર દવા લગાડવી જોઈએ. આમ ન કરી, ઘાવને જોઈ રડતા બેસીએ, તો તે દુર્બળતા છે. એવા પણ કેટલાક માતાપિતા છે, જે બાળકોના વિવાહની ચિંતાથી વ્યથિત થઈ, ઊંઘ ન આવતા ઊંઘની ગોળીઓ ખાય છે. છેવટે પછી બાળકોના વિવાહ સમયે તેઓ  હોસ્પિટલમાં હોય છે. અમ્મા આવા ઘણા નબળા મનના લોકોને મળ્યા છે.  કેટલાક એવા પણ લોકો છે ,જેમને પોતાનું મકાન બાંધવાનું દુઃખ  હોય છે. આખરે જયારે ઘર બંધાયને તૈયાર થાય છે, ત્યારે આવી વ્યક્તિ તે ઘરને ફરીને જોઈ પણ નથી શકતા – કારણ કે હાર્ટ એટેક આવ્યો હોય છે! મોટાભાગના લોકો આજે આ પ્રમાણે અનેક બાબતોનો વિચાર કરી, આતુરતા અને આવેશના કારણે તેમનું સ્વાસ્થ્ય નાશ પામે છે. આ દુર્બળતા છે. આથી વિપરીત જયારે આપણે ઈશ્વર ખાતર આંસુ સારીએ છીએ, ત્યારે ઉત્સાહ, ઉન્મેશ જાગે છે અને શાંતિ પ્રાપ્ત થાય છે.

ઈશ્વર વિશ્વાસ અને પ્રાર્થના મૃત્યુ પછી પ્રાપ્ત થતા કોઈ સ્વર્ગ માટે નથી. કેટલાકનું કહેવું છે કે, “ગુરુ અને ગુરુકુળો અંધવિશ્વાસનો પ્રચાર કરે છે. તે ફક્ત મગજના ચસકેલ માટે જ છે.” સચ્ચાઈ શું છે, તે તેઓ જાણતા નથી. તે સમજવાની સમજશક્તિ પણ તેમનામાં નાશ પામી છે. વાસ્તવમાં, એ તો તેમના મન છે , જે વિકૃત છે. ગુરુ તો આપણને, કેવી રીતે મનની નબળાઈઓથી પાર આવવું, જીવનમાં કેવી રીતે સંવાદિતા જાળવી રાખવી, એ શીખવે છે. ગુરુકુળ તો આ શિક્ષણના કેંદ્ર છે.

સ્ટીલના સળિયા વિના બાંધવામાં આવેલ મકાન બહુ જ જલ્દી ધરાશયી થશે. મકાનને જે સુદ્રઢ બનાવે છે, તે આ સ્ટીલના સળિયા છે. ઈશ્વર વિશ્વાસ આ સળિયા જેવો છે. તે આપણા નબળા મનને કઠણ બનાવે છે. તેમાં શક્તિ પૂરે છે. ઈશ્વર વિશ્વાસ હશે, તો મિથ્યાવસ્તુઓ કે બાબતો પાછળ રડીને પાગલ નહિ થઈએ. વર્તમાનપત્રોમાં નજર કરીએ તો જાણવા મળશે કે,  રોજ કેટલા લોકો આત્મહત્યા કરે છે. મોટાભાગના મરણનું કારણ સ્વાસ્થ્ય કે સંપત્તિને સંબંધીત કોઈ ખામી નથી પણ મનની દુર્બળતા માત્ર જ છે. યથાર્થ ઈશ્વર વિશ્વાસ દ્વારા આપણે મનની આ દુર્બળતાથી પર આવીએ છીએ. મન શાંત થાય છે. નજીવી બાબતો પાછળ ભાંગી ન પડતા, આપણે તો તેનાથી ઉપર ઊઠવાની શક્તિ પ્રાપ્ત કરીએ છીએ.

માટે જ મારાં બાળકો, પરમાત્મામાં પૂર્ણ શરણું લો. એક સારાં મનના માલિક બનો અને પછી કયારેય દુઃખી થવાનો વારો નહિ આવે. જે કંઈની જરૂર હશે, તે આવી પહોંચશે. આમ જો ન બને તો અમ્માને કહો. આમ બન્યા વિના નહિ રહે.  અમ્મા આટલા વખતના તેમના અનુભવના આધાર પર આ કહે છે.

( ૧૯૯૦- અમ્માના ૩૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)

અહીં આવતા મોટાભાગના બાળકોને અહીં પહોંચ્યા પછી જલ્દી પાછા  જવાની જ  ચિંતા હોય છે. પાછા ફરવા વળતી બસના વિચાર હોય છે. અમ્માને જોઈ, જેમ તેમ દંડવત કરી પાછા ફરવાની ઉતાવળમાં હોય છે. “અમ્મા, ઘરે કોઈ નથી. જલ્દી પાછું  ફરવું છે. બસનો સમય થઈ ગયો.” મોટાભાગના લોકોને કહેવાને આ જ હોય છે. સમર્પણ, એ મૂખેથી કહેવાનું નથી; આપણા કાર્યમાં તે પ્રકટ થવું જોઈએ. અહીં આવી, એક દિવસ માટે પણ પૂર્ણરૂપે તે તત્વને સમર્પિત થવાને તેમનાથી થતું નથી. અમ્માને જોઈ, તેમની સામે પોતાની આવશ્યકતાઓ અને ફરિયાદો મુકવી, આથી અતિરીકત ઈશ્વરદર્શન માટેનો ઉપાય શોધનારા બહુ જ વિરલ છે. આનો અર્થ એમ નથી થતો કે, ભૌતિક કાર્યો  વિષે પૂછવું નહિ. બાળકોએ સમજવું જોઈએ કે તે શાશ્વત નથી. આહાર નિદ્રાનો ત્યાગ કરી ભૌતિક વિષયો પાછળ આટલા દિવસો દોડી, તેમને માત્ર દુઃખ જ પ્રાપ્ત થયું, આ બાબત બાળકોએ ભુલવી ન જોઈએ. માટે જ, હવે પછી પણ જયારે કયારે આશ્રમોમાં કે મંદિરોમાં જાવ ત્યારે થોડો સમય પૂર્ણરૂપે ઈશ્વર માટે સમર્પિત કરશો. ઓછામાં ઓછું તે સમયે બંધુઓ અને બંધનોને દૂર રાખશો.

એક રાજા હતા. તેઓ વાનપ્રસ્થ માટે તૈયાર થયા. તેમણે પોતાની બધી જ સંપત્તિ પ્રજાને આપી દેવાનું નક્કી કર્યું. જેણે જેણે જે કંઈની માગણી કરી , તે બધું જ તેમને આપ્યું. એક યુવક તેમની પાસે આવ્યો અને પોતાની સમસ્યાઓ રાજાને કહી સંભળાવી. રાજાએ ઘણી સંપત્તિ તે યુવકને આપી. તેમછતાં યુવકને તેથી સંતોષ ન થયો. કારણ કે, રાજમહેલ માટે નીકળતા પહેલાં તેની પત્નીએ કહ્યું હતું, “જે કંઈ મળે તે બધું જ લઈને ઘરે પાછા આવવાનું છે.” યુવકના અત્યાગ્રહને જોઈ તેને સંતુષ્ટ કરવા રાજાએ કહ્યું, “અહીં એક નદી છે. તેમાં બહુમૂલ્ય પરવાળાં ઊગે છે. તું તેને ચાહે તો તારી પોતાની કરી શકે છે.” રાજાના વચનો સાંભળી યુવક રાજી રાજી થઈ ગયો. રાજાએ આગળ કહ્યું, “પણ એક શરત છે. તને બાર કલાકનો સમય આપવામાં આવશે. એક નાવ લઈ, તું ચાહે એટલો દૂર જઈ શકે છે, પરંતુ નિશ્ચિત સમયમાં તારે પાછું આવવું જોઈએ. આમ જો તું કરી શકે, તો જેટલી નદી તું પાર કરીશ, તે તારી હશે અને તેમાં પ્રાપ્ત બધા પરવાળાં પણ તને મળશે. પરંતુ, એક સેકેંડ પણ તું જો મોડો પડીશ તો તને કંઈ જ નહિ મળે.”

યુવક સંમત થયો. નિશ્ચિત દિવસે યુવકને નદીમાં નાવ દોડાવતી જોવા, નદીની બંને બાજુ લોકોના ટોળાને ટોળા ભેગા થયા. તેની પત્ની અને મિત્રોએ તેને આખી નદી પોતાની કરવા પ્રોત્સાહિત કર્યો. ભલે પછી તે માટે તેને ગમે તેટલો શ્રમ કરવો પડે. આટલી બધી સંપત્તિનું માલિક બનવું કેટલું  મહાભાગ્ય કહેવાય. આ પ્રમાણે  શીખામણ આપી. યુવક ઘણો ઉશ્કેરાયો. જોશમાં ને જોશમાં તે હલેસા મારી નાવ હંકારવા લાગ્યો. છ કલાક સુધી તે નાવ હંકારતો રહ્યો. પછી, લાલચ વશ તેણે વધુ આગળ જવાનું નક્કી કર્યું. બે કલાક પસાર થયા. શરૂઆતના બિંદુ પર પહોંચવા ફક્ત ચાર કલાક જ બાકી હતા. જેટલો વિસ્તાર તેણે આઠ કલાકમાં કાપ્યો હતો, તેટલો જ તેના અડધા સમયમાં કાપવાનો હતો. ઝડપથી તે હલેસા મારવા લાગ્યો. પત્ની અને મિત્રો પ્રોત્સાહિત કરતા મોટેથી કહેવા લાગ્યા, “એક સેકેંડ પણ મોડો પડીશ તો તારો આ બધો જ પ્રયત્ન વ્યર્થ જશે. માટે જલ્દી કર! ઝડપથી હલેસા માર!” સમય પૂરો થવા આવ્યો. જયાંથી શરૂઆત કરી હતી, તે કયાંય દૂર હતુ! પોતાની બધી જ શક્તિ ભેગી કરી, તે હલેસા મારવા લાગ્યો.

હલેસા મારતા મારતા તેને છાતીનો દુઃખાવો ઉપડ્યો. છતાં, તેણે  હલેસા મારવાનું બંધ ન કર્યું. એક હાથે છાતી દબાવી, બીજા હાથે જોરથી તે  હલેસા મારવા લાગ્યો. અધિક શ્રમ કરવાથી, તેણે લોહીની ઉલ્ટી કરી, છતાં તેણે હલેસા મારવાનું બંધ કર્યું નહિ. સંપત્તિની લાલચમાં તે હલેસા મારતો રહ્યો. છેવટે, નિશ્ચિત સમયની એક સેકેંડ પહેલાં  તે શરૂઆતના બિંદુ પર પહોંચી ગયો. તેની પત્ની, સગા સંબંધી, મિત્રો બધા જ આનંદથી નાચવા લાગ્યા. પરંતુ, તે યુવક તે જ ક્ષણે, ત્યાં ને ત્યાં જ ઢળી પડયો અને તેણે  છેલ્લા શ્વાસ લીધા.

પતિનું મૃત્યુ થતા, તેના મડદાંને ઘરે લઈ જવાનો પ્રશ્ન ઊભો થયો.  ઘર ત્યાંથી ઘણું  દૂર હતું. મડદાંને લઈ જવા કોઈ વાહન જોઈએ. પત્ની બોલી, “તે તો હવે મરી ગયો છે. તેના મડદાંને ઘરે લઈ જવો હોય તો મારે ભાડે વાહન કરવું પડે. મારે  હજૂ આ બાળકોને મોટા કરવાના છે. વાહન કરવા માટે મારી પાસે પૈસા નથી. અહીં જ આસપાસ કયાંય માટીમાં તેને દાટી દ્યો તો ચાલશે.” આમ ત્યાં માટીમાં છ ફૂટના ખાડામાં બધું સમાપ્ત થયું. કોઈએ તેનો સાથ આપ્યો નહિ. અવિહિત સંપત્તિ મેળવવા જેણે પ્રેરિત કર્યો હતો, તે પત્ની, મિત્ર, સગા સંબંધી, બાળકો કે સંપત્તિ કોઈ તેની સાથે ગયું નહિ.

બાળકો, આ છે જીવન. એક સેકેંડ માટે પણ મનને એકાંત ન આપતા, આહાર ને ઊંઘનો ત્યાગ કરી, સગાસંબંધીઓની, સંપત્તિની  ચિંતા કરે છે. તે પ્રાપ્ત કરવા માટે કોઈ દુષ્ટ કાર્ય કરવાને પણ ન અચકાતા જીવન જીવે છે. પણ છેવટે આમાંનું કંઈ જ સાથે આવે છે શું? નહિ. ભૌતિક આવશ્યકતાઓ માટેની ઇચ્છા જયારે જાગે છે, ત્યારે પછી દુઃખ જ છે. આ ઇચ્છાઓની પૂર્તિ થાય, તો પણ દુઃખ રાહ જોઈને ઊભું રહેશે. કારણ કે, આમાંનું કંઈ જ  શાશ્વત નથી. આજે નહિ તો કાલે, તે નાશ પામવાની જ છે.  એક ઈશ્વર જ શાશ્વત શાંતિના સ્રોત છે. ભૌતિક વિષયો શાશ્વત નથી, આ જ્ઞાન સાથે, તે અનુસાર જો જીવન જીવીએ, તો દુઃખ ટાળી શકાય.

સંપત્તિ ન જોઈએ, કે ભૌતિકતા ન જોઈએ, એમ અમ્મા નથી કહેતા. તે બધું જરૂર પૂરતું – જીવન જીવવા પૂરતું રાખવું સારું છે. નિત્ય શું છે તે સમજી, એ શું છે જે સમાધાન આપે છે, તે જાણી, તે માટે પ્રયત્ન કરો.

સ્વર્ગ અને નરક, બંને આ ભૂમિ પર જ છે. એ તો મનુષ્યમન જ છે, જે તેમનું સર્જન કરે છે. માટે, તે મનને નિયંત્રિત કરવાને શીખવું જોઈએ. પછી દુઃખી થવાનો વારો નહિ આવે. આનંદ… આનંદ… અને આનંદ માત્ર જ રહે છે.

( ૧૯૯૦- અમ્માના ૩૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)

બાળકોને જો અમ્મા માટે પ્રેમ હોય, અમ્માના સંતોષની ઇચ્છા રાખતા હો, તો અમ્માના પ્રત્યેક જન્મદિવસ પર આવો ત્યારે એક બૂરી આદતનો ત્યાગ કરવા માટેની પ્રતિજ્ઞા લેશો. આ જ તમારો અમ્મા પ્રત્યેનો સાચો પ્રેમ હશે.

સિગરેટમાં જો આનંદ રહેલો હોય તો સર્વકોઈને તેમાંથી આનંદ મળવો જોઈએ, ખરું ને? પણ આમ નથી. કેટલાક સિગરેટની વાસ પણ સહન નથી કરી શકતા. અસ્વસ્થતા અનુભવે છે. આનંદ વસ્તુમાં નથી. તે તો મન પર નિર્ભર કરે છે. મનને જો  નિયંત્રિત કરવામાં આવે, તો કોઈ બાહ્ય વસ્તુની  સહાય વિના આનંદ અનુભવી શકાય. પછી શા માટે અનાવશ્યક ખરચ કરવો અને સ્વાસ્થ્ય પણ બગાડવું? માટે જે બાળકો સિગરેટ પીવે છે, તેમણે આ જન્મદિવસ પછી તેનો ત્યાગ કરવા માટેની પ્રતિજ્ઞા લેવી જોઈએ. તે કુટેવ દૂર કરી,  તેની પાછળ ખરચ થતી રકમથી આપણે કોઈ ગરીબ બાળકને વિદ્યા-ભ્યાસ મેળવવા સહાય કરી શકીએ. જે બાળકો મદ્યપાન કરે છે, તેમણે તેમ નહિ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. આપણે વસ્ત્રો પાછળ રૂા.સોથી પાંચસો સુધી ખરચ કરીએ છીએ. એક વર્ષમાં ઓછામાં ઓછી દસ સાડીઓ ખરીદતા બાળકો છે. તે નવ કરી શકાય. આથી જે બચત થાય, તે રકમથી રોગથી પીડાતા કોઈ ગરીબને દવા ખરીદવા માટે સહાય કરી શકાય.
જો અમ્મા માટે તમને પ્રેમ હોય, પરમાત્મા માટે પ્રેમ હોય, તો આ પ્રકારના ત્યાગમનોભાવને કેળવવા બાળકોએ તત્પર રહેવું જોઈએ.

બાળકો, ત્યાગ વિના ઈશ્વર સાક્ષાત્કાર શકય નથી. “ત્યાગેનૈકે અમૃતત્વમાનશુઃ ” ત્યાગ દ્વારા જ અમૃતત્વને પ્રાપ્ત કરી શકાય. કંઈ પણ મેળવવા ત્યાગ જરૂરી છે. પરીક્ષામાં પાસ થવા માટે, લક્ષ્ય પર કેંદ્રિત રહી ભણવું જોઈએ. એક પૂલ બાંધવો હોય તો અત્યંત જાગરૂકતા અને ધીરજ સાથે પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ પ્રયત્નની સફળતાનો આધાર ત્યાગ છે. ત્યાગ ન હોય તો સંસાર સમુદ્રને પાર કરવો શકય નથી. ત્યાગ વિના, કેવળ મંત્રજાપ કરવાથી કોઈ ફળ મળતુ નથી. ત્યાગ વિના કોઈ ગમે તેટલા મંત્રજાપ કરે, મંત્રના દેવતાનો સાક્ષાત્કાર કરી શકે નહિ. જેનામાં ત્યાગનો મનોભાવ છે, તે પછી ભલે મંત્રજાપ ન કરે છતાં દેવતા તેની સામે આવી ઊભા રહેશે. તેના કાર્યમાં સહાય કરવા બધા જ દેવતાઓ આવી પહોંચશે. આનો અર્થ એમ નથી થતો કે મંત્રજાપ ન કરવો. મંત્રજાપની સાથે તેના આધારમાં રહેલા તત્વ અનુસાર જીવન જીવવું જોઈએ. બીજને માટીમાં દાટવા માત્રથી કાર્ય પૂરું થતું નથી. ત્યાગમનોભાવ સાથે જો સત્કર્મ કરવામાં આવે તો તે પૂર્ણ બને છે. આપણે જે સત્કર્મ કરીએ છીએ, તે આપણા વિકાસને સૂચવે છે.

 

( ૧૯૯૦- અમ્માના ૩૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)