વિશ્વમાતૃત્વની જાગૃતિ

વાસ્તવમાં તો બધાજ પુરુષો સ્ત્રીનો અંશ છે. બધાજ બાળકો માઁના શરીરના ભાગ છે, તેના ગર્ભમાં તેઓ શયન કરે છે. એક નવીન સૃષ્ટિની રચનામાં, પુરુષ તો ફક્ત બીજ જ આપે છે. તેના માટે તો આ માત્ર એક જ મિનીટનું આનંદ ભરેલું કાર્ય છે. ત્યારે સ્ત્રી તે જીવને સ્વીકારે છે, પોતાના દેહનો ભાગ તેને બનાવે છે. તે જીવને વિકસવા આવશ્યક એવા આંતરિક્ષનું સર્જન તે પોતાના દેહમાં કરે છે. પછી તેને જન્મ આપી, તેનું પાલન પોષણ કરી, તેનું રક્ષણ કરી, તે જીવને તે મોટો કરે છે, તેને વિકસાવે છે. સ્ત્રી તો સાચા સ્વરૂપમાં માઁ છે. જનની છે, જનેતા છે.

માતૃત્વની સામે શું કોઇ પ્રશ્ન ઉઠાવી શકે કે? વ્યક્તિ, મનના સંકુચિત લોકમાં રહી, બહાર આવવાની ઇચ્છા ન કરતા પ્રશ્ન કરે છે. આ તો એમ થયું કે જે હંમેશા અંધકારમાં રહે છે, જેને માત્ર અંધકારનો પરિચય છે, તે પ્રકાશ વિશે કંઇ કહી શકે શું? વિશ્વ જેટલી વિશાળ છે માતૃત્વની શક્તિ. જેનામાં મનની સંકુચિત મર્યાદાઓને પાર કરવાની હિમ્મત છે, તે વિશ્વ માતૃત્વની સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. સામાન્યતઃ માતાઓ માત્ર પોતાના બાળકોને જ પ્રેમ અને વાત્સલ્ય આપે છે. માતૃત્વનો આ ભાવ જો સર્વ ચરાચર પ્રતિ વિકસે તો સમગ્ર વિશ્વમાં શાંતિ અને સ્નેહ પ્રસારવાની મહાશક્તિ સ્ત્રી વિકસાવી શકે છે. આ સ્ત્રીનો જન્માધિકાર છે. આ શક્તિ દ્વારા તે આ સમગ્ર પ્રપંચને પોતાને આધીન કરી શકે છે.

“ઇશ્વર સ્ત્રી છે કે પુરુષ?” આ પ્રશ્નનો સાચો જવાબ હશે, “બંને નહિ. ઇશ્વરને કોઇ લિંગભેદ નથી.” તેમ છતાં જો ઇશ્વરના લિંગની કલ્પના કરવી હોય તો તે પુરુષ કરતાં સ્ત્રી ઉચિત હશે; કારણ કે સ્ત્રીમાં પુરુષ સમાયેલો છે. વિશ્વમાં ૫૦ ટકાથી વધુ સ્ત્રીઓ છે. સ્ત્રીને આવશ્યક એવું સ્વાતંત્ર્ય અને સ્થાન આપવામાં ન આવે તો તે આ વિશ્વ માટે મહા અનર્થ હશે. સમૂહને જે સંભાવના હાંસલ થવી જોઇએ તે નાશ પામશે. ગણતરીમાં પુરુષ કરતા સ્ત્રી વધારે છે. આજે જનાધિપત્ય વ્યવસ્થા અનુસાર જોઇએ તો, સ્ત્રી આજે જે અનુભવે છે તેનાથી કયાંય અધિક સ્વાતંત્ર્ય અને બહુમાન તેઓને પ્રાપ્ત થવું જોઇએ.

પુરુષ જે કંઇ કરી શકે છે તે બધું જ સ્ત્રી પણ કરી શકે છે અને આથી પણ વધુ કરવાની ક્ષમતા સ્ત્રી ધરાવે છે. બુદ્ધિશક્તિ અને કુશળતામાં સ્ત્રી પુરુષથી પછાત નથી. કોઇપણ ક્ષેત્રમાં સ્ત્રી અસાધારણ વિજય હાંસલ કરી શકે છે. આ માટેની ઇચ્છાશક્તિ અને કર્મ કરવાની યોગ્યતા સ્ત્રીમાં છે. હૃદયશુધ્ધિ અને બુદ્ધિનો વૈભવ, બંને સ્ત્રીમાં છે. પરંતુ સ્ત્રી જે કંઇપણ કરે, માતૃત્વનો ભાવ તેમાં સમાયેલો હોવો જોઇએ. માતૃત્વના ભાવમાં સ્થિર રહીને સ્ત્રીએ કાર્ય આરંભવું જોઇએ.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ ૪

 

વિશ્વમાતૃત્વની જાગૃતિ

સ્ત્રીએ ધીર બનવાનું છે. તેને વિકસવાને અનૂકુળતા ન આપતા એવા સમૂહના નિયમો અને નિયંત્રણથી બહાર આવવાની શક્તિ સ્ત્રી ધરાવે છે. આ અમ્માનો પોતાનો અનુભવ રહ્યો છે. મંદિરોમાં પ્રતિષ્ઠાકર્મ કરવાને, મંદિરોમાં પૂજા વિધી, વેદોના મંત્રોચ્ચાર કરવાને સ્ત્રીઓને અનુમતિ ન હતી. તેમ છતાં, અમ્મા સ્ત્રીઓ પાસે આ બધાજ કર્મો કરાવે છે. આશ્રમ દ્વારા સ્થાપિત મંદિરોમાં અમ્મા સ્વયં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરે છે. કેટલાક લોકોએ આ બાબતનો વિરોધ કર્યો હતો. કારણ કે, આજે પેઢી દર પેઢીથી આ કાર્ય માત્ર પુરુષો જ કરતા આવ્યા છે. જે કોઇએ પ્રશ્ન ઉઠાવ્યો, તેઓને જવાબમાં અમ્માએ કહ્યું કે, “સ્ત્રી પુરુષમાં જે ભેદભાવ ન રાખે, જે બધાજ પ્રકારના ભેદભાવથી પર છે, એવા ઇશ્વરની અમે આરાધના કરીએ છીએ”. સમૂહના મોટાભાગના લોકોએ, ક્રાંતિકારી એવા આ પરિવર્તનને સ્વીકૃતિ આપી હતી. હિંદુ સંસ્કૃતિમાં સ્ત્રીપર કયાંય કોઇ પ્રતિબંધ મુકવામાં આવ્યા નથી. આ કયારેય ભારતની સંસ્કૃતિના ભાગ હતા નહિ. સ્ત્રીને પોતાને આધીન કરવી, તેનું શોષણ કરવું, આધુનિક સમુદાયના પુરુષોએ બનાવેલા આ નિયમો છે. આ નજીકના સમયમાં આવેલું પરિવર્તન છે; પ્રાચિન ભારતમાં આવા કોઇ પ્રતિબંધો હતા નહિ.

સમાજમાં સ્ત્રીને આદરણીય સ્થાન આપતી ભારતની આ શ્રેષ્ઠ પરંપરા રહી છે. ભારતમાં સ્ત્રીને પત્નીનું સ્થાન અપાય છે, (પતિનું માર્ગદર્શન કરનારી), ધર્મ પત્ની (પતિને ધર્મના માર્ગપર દોરનારી), સહધર્મિણી (પતિ સાથે ધર્મના પથપર ચાલનારી), ભારતની સંસ્કૃતિમાં સ્ત્રી માટે આવા આદર યુક્ત પદોનો ઉપયોગ થાય છે.

ભારતમાં ઇશ્વરને માત્ર પુરુષના રૂપમાં જ આરાધવામાં નથી આવતા; સ્ત્રીરૂપમાં માઁ તરીકે, દેવી તરીકે, સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, નિર્વાહ કરનારી, ભિન્ન ભિન્ન રૂપમાં અને ભાવમાં આરાધના કરવામાં આવે છે. જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતી, સંપત્ત્તિ અને ઐશ્વર્યની દેવી લક્ષ્મી, શક્તિ અને ધીરતાની દેવી દુર્ગા, આજે પણ ભારતમાં સર્વત્ર દેવીની આરાધના થાય છે. એક જ શક્તિ, સંતાનલક્ષ્મી બની સંતાન આપે છે, ભાગ્યલક્ષ્મી તરીકે ભાગ્ય ઊઘાડે છે,  આ પ્રમાણે નાનારૂપે તેની આરાધના થાય છે. સ્ત્રીને, જન્મદેનારી માઁ તરીકે, જગદ્ જનની જગદંબા તરીકે, મહામાતા તરીકે આરાધના કરવી, આ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ઠ પરંપરા રહી છે. સમસ્ત પ્રકૃતિને ભારતના લોકો માતા તરીકે નિહાળે છે. સ્ત્રીને પુરુષ સમો વડું સ્થાન અને આથી પણ ઉચ્ચતર સ્થાન ભારતીય સમાજમાં હતું, આ ઉદાહરણો, આ સત્યને સાબિત કરે છે.

સ્ત્રીને બહુજ ઓછી સ્વતંત્રતા આપતા એવા ઇસ્લામ ધર્મમાં અનેક પ્રતિબંધો છે. તેમ છતાં, કરૂણા, દયા અને જ્ઞાન  ઈશ્વરીય સત્વ ગુણોને સૂચવે છે. સ્ત્રીત્વને સંબંધિત એવા આ વચનનો ઉલ્લેખ અને પ્રયોગ કુરાનમાં છે.

ઈસાઈધર્મ ઇશ્વરને પિતા તરીકે, પુત્ર તરીકે, પરિશુદ્ધ આત્મા તરીકે ઓળખે છે. ઈશુને સ્ત્રી અને પુરુષ સમાન હતા. પરંતુ, ઇશ્વરની માતાના રૂપમાં આરાધના કરવાની પ્રથાને ઈસાઈ મતમાં ખાસ પ્રચાર મળ્યો ન હતો. મેરીએ પરિશુદ્ધ ગર્ભ ધારણ કર્યો અને ઈશુને જન્મ આપ્યો, એમ બાઇબલમાં કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે જોતા, ઈશુને, કૃષ્ણને, બુધ્ધને બધાજને જન્મ લેવા માટે એક સ્ત્રીની જરૂર પડી હતી. પ્રસવ વેદના અને પ્રયાસો સહી, પ્રવચકોને અને ઇશ્વરાવતારોને જન્મ લેવા સ્ત્રીની આવશ્યકતા પડે છે. તેમ છતાં જીવનભર તેને પુરુષને આધીન રહી, વગોવાયેલું જીવન વિતાવવું પડે છે, કેટલું વિરોધાભાસી વલણ છે આ. અધિક લોકો તેમની ચિંતા નથી કરતા, કેવા દૂર્ભાગી છે તેઓ.

કોઇપણ યથાર્થ ધર્મ સ્ત્રીની અવગણના નથી કરતો. જે લોકોએ ઇશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે તેઓ સ્ત્રી અને પુરુષને, ભેદબુદ્ધિથી ન જોઇ શકે. તેઓ સમદર્શી હોય છે. વિશ્વમાં એવા કોઇ સમૂહમાં કે જ્યાં સ્ત્રીને પોતાની સ્વાતંત્રતા માણવા વિરુદ્ધ નિયમો અને પ્રતિબંધો લાદવામાં આવે છે, તે પુરુષના સ્વાર્થમાંથી નીતરતા નિયમો છે, તે ઇશ્વરના વચનો નથી.

જો પૂછવામાં આવે કે જમણી આંખ મહત્વની છે કે ડાબી આંખ. તો તેનો જવાબ હશે, બંને આંખનું મહત્વ સમાન છે. આ જ પ્રમાણે છે સમૂહમાં સ્ત્રી અને પુરુષનું સ્થાન. જે સ્ત્રીથી ન થાય તે પુરુષ કરી શકે છે. એવા અનેક કાર્યો છે જે પુરુષથી અસાધ્ય છે, પરંતુ સ્ત્રી તેને સાધ્ય કરી શકે છે. આ પ્રમાણે સમૂહમાં સ્ત્રીએ અને પુરુષે, પોતપોતાનું સ્થાન સ્વયં સમજી લેવું જોઇએ. પરસ્પર સહાયરૂપ બનવું જોઇએ. જયારે આમ થશે માત્ર ત્યારેજ પ્રકૃતિનો તાલમેળ સચવાશે. સ્ત્રી અને પુરુષ, જયારે પરસ્પર શક્તિના પૂરક તરીકે પ્રવર્તશે, માત્ર ત્યારેજ તેઓ પૂર્ણત્વને પ્રાપ્ત થશે.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ ૩


વિશ્વમાતૃત્વની જાગૃતિ

પુરુષ તો સામાન્યતઃ મસલ પાવરમાં વિશ્વાસ રાખે છે. બાહ્યરૂપે પરુષો  સ્ત્રીને, માઁ, પત્ની કે બેન તરીકે જૂએ છે. પરંતુ સચ્ચાઇને છૂપાવવાનો કોઇ અર્થ નથી, આંતરિક રીતે, સ્ત્રીને સમજવી, સ્વીકારવી અને ઓળખવી, પુરુષ માટે મુશ્કેલ છે.

અમ્માને એક કથા યાદ આવે છે.

એક સ્ત્રી હતી જે નિષ્કામ સેવાને ઇશ્વર સેવા માનતી હતી અને આમાં તેને ઘણો જ સંતોષ મળતો હતો. તે ગામના ધર્મગુરુએ તેની પુરોહિત તરીકે નિમણૂંક કરી. આ વિસ્તારમાં તે પ્રથમ મહિલા હતી કે જેને પૂરોહિતની પદવી પ્રાપ્ત થઇ હતી. અન્ય પુરુષ પૂરોહિતોને આ બિલકુલ ગમ્યું નહિ. એટલું જ નહિ, તેઓને આ પુરોહિત પ્રત્યે સારો એવો ક્રોધ અને ઇર્ષા પણ હતી. વિનયશીલ, નિષ્ઠાવાન અને આધ્યાત્મિક જ્ઞાનને લઇ, તે પુરોહિત બહુજ જલ્દી પ્રસિદ્ધ થઇ. બધાજ લોકો તેની પ્રશંસા કરતા હતા.

આ સાથે પુરોહિતો અદેખાઇ કરવા લાગ્યા. એક દિવસ પાસેના દ્વીપપર કોઇ સભાયાગમાં ભાગ લેવાનું થયું. બધાજ પુરોહિતો આ યાગમાં ભાગ લેવા રવાના થયા. આ પુરોહિતોએ જાણીજોઇને પેલી પુરોહિતને બોલાવી નહિ. પરંતુ જયારે તેઓ બોટમાં બેઠા તો પેલી ત્યાં પહેલેથી જ બેઠી હતી. “અહીં પણ આ મુસિબત આવી પહોંચી કે,” તેઓ બડબડાટ કરવા લાગ્યા. દ્વિપ સુધી પહોંચવાને બે ત્રણ કલાકનો પ્રવાસ હતો. માંડ એકાદ કલાક થયો હશે કે બોટ થંભી ગઇ. આકુળ વ્યાકુળ થતા બોટનો ડ્રાઇવર બોલી ઉઠ્યો, “અરે, આપણે તો હવે ફસાઇ ગયા. ડીઝલ ખલાસ થઇ ગયું છે. જરૂર પૂરતું ડીઝલ લેતા હું ભૂલી ગયો. પાસે બીજી કોઇ બોટ પણ દેખાતી નથી. હાય, હવે આપણે શું કરીશું?” બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું. ત્યારે પેલી પુરોહિત આગળ આવી અને કહ્યું, “ભાઇઓ, ચિંતા કરશો મા. હું હમણાં જ ડીઝલ લઈને પાછી ફરું છું.” આટલું કહી તે બોટમાંથી ઉતરી અને પાણીપર ચાલતી સામે કિનારે ગઇ. એક ક્ષણ માટે  બધા અવાક બની જોઈ રહ્યાં. પરંતુ બીજીજ ક્ષણે પરિહાસ કરતા તેઓ બોલ્યા, “જોયું કે, પેલીને તો તરતાય નથી આવડતું.”

કેટલાક પુરુષોનો મનોભાવ આવો હોય છે. સ્ત્રીને ઉતારી પાડવી, તેઓને વખોડવી, ઠપકો આપવો, દોષિત ઠરાવવી એ પુરુષની પ્રકૃતિ છે. સ્ત્રી, કોઇ પુરુષના હાથની અલંકારની વસ્તુ નથી. પુરુષે સ્ત્રીને કૂંડામાં વાવેલા છોડના જેવી બનાવી મુકી છે. સ્ત્રી, પુરુષોની સેવા ચાકરી કરવા માટે નથી. તેણીના વિકાસમાં અવરોધો મૂકી, પોતાની ઇચ્છા મુજબ, ટેપરેકોર્ડરની જેમ, તેણીનું વર્તન કરાવવા માટે પુરુષ સદા પ્રયત્નશીલ રહેતો હોય છે.

શરીરથી અને બુદ્ધિથી, સ્ત્રી અબળા છે એવી ધારણા પુરુષની છે. આ બંને કાર્યોમાં સ્ત્રી કરતાં તેઓ ઘણા ઘણા ઉચ્ચ છે, ઉત્તમ છે, એવી તેઓની માન્યતા છે. તેઓના આશ્રય સિવાય સમૂહમાં સ્ત્રી આગળ ન આવી શકે. અહીં આપણે પુરુષોનું દૂરઅભિમાન અને અહંકારને પ્રત્યક્ષ જોઇ શકીએ છીએ.

ભૌતિક રીતે વિકસિત એવા દેશોમાં પણ આ વ્યવહાર જોવા મળે છે. વિકસિત દેશોમાંના આગળની પંકતના રાષ્ટ્રોમાં પણ, જયારે રાજ્યભરણની વાત આવે છે ત્યારે સ્ત્રીને પાછળનું સ્થાન અપાય છે. આ ઘણું રસપ્રદ છે કે, કહેવાતા એવા વિકસિત દેશો કરતાં વિકસતા દેશોમાં સ્ત્રીને રાજનીતિમાં આગળ આવવા માટે વધુ અવસરો પ્રાપ્ત છે. વિરલ એવી અમુક મહિલાઓના નામ સિવાય વિશ્વ રાજનીતિમાં કેટલી મહિલાઓ છે? આ માટેનું કારણ શું સ્ત્રીની અયોગ્યતા કે પછી તેઓની અવગણના કરનાર પુરુષવર્ગનું અભિમાન?

બાહ્ય સંજોગો, સ્ત્રીને જાગૃત થવા તેમજ તેમનું પુનરુત્થાન કરવા ચોક્કસ સહાયરૂપ હોય છે. પરંતુ, સંજોગોમાંથી સ્ત્રીએ સ્વયં પ્રોત્સાહન મેળવવું જોઇએ. સ્વયં પોતાની અંદર રહેલી શક્તિને સ્ત્રીએ ઓળખવી જોઇએ. યથાર્થ શક્તિ અને વીરતા, તે બાહરથી પ્રાપ્ત નથી થતા. આ તો અંતરમાંથી પ્રાપ્ત થાય છે. ધીરતા એ મનની ભાવના છે; તે શરીરનો ગુણ નથી.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ ૨

 

 

 

પ્રેમસ્વરુપી તેમજ આત્મસ્વરુપી, એવા ઉપસ્થિત અહીં સહુને પ્રણામ.

મહાત્મા ગાંધી અને માર્ટીન લૂથર કીંગ, આ બંને મહાન વ્યક્તિઓની સ્મૃતિ છે આ ઍવાર્ડ. અમ્મા આ અવસરપર પ્રાર્થના કરે છે કે, વિશ્વમાં શાંતિ અને સમાધાન સ્થાપવા માટે આગ્રહ રાખનારાઓને, આ પુરસ્કાર પ્રચુર માત્રામાં પ્રોત્સાહન અર્પે. તેઓની પ્રવૃત્તિઓને અધિક ને અધિક જાગૃતતા અને બળ પ્રાપ્ત થાય. આ લોકો વતી અમ્મા આ ઍવાર્ડને સ્વીકારે છે. વિશ્વમાં શાંતિ અને સમાધાન સ્થાપિત કરવા વધુ ને વધુ લોકો પ્રવૃત્ત થાય. અમ્માનું જીવન તો આ વિશ્વને સમર્પિત છે માટે અમ્મા કોઇ હક કે દાવો કરતા નથી.
કાળા ધોળાનો ભેદભાવ રાખ્યા વિના, મનુષ્યને મનુષ્યની જેમ નીરખી, પ્રેમ કરી, અંગીકાર કરવો, એવા એક વિશ્વનું સ્વપ્ન – મહાત્મા ગાંધીએ અને રેવરેન્ડ માર્ટીન લૂથર કીંગે જોયું હતું. તેઓ બંનેને યાદ કરી, અમ્મા પણ, એક એવા સમાજને નિહાળી રહ્યાં છે કે જયાં પક્ષીની બંને પાંખોની જેમ, સ્ત્રી અને પુરુષ, સમાનરૂપે સમૂહમાં પ્રવૃત્તે. આમાં જ માનવજાતિની ઉન્નતિ અને વિકાસ સમાયેલા છે.

 ડાઁ.કીંગ લૂથર, સિંહ જેવા ધીર હતા. તેમ છતાં તેમનું હૃદય પુષ્પની સમાન કોમળ હતું. સમાજમાં સ્નેહ અને સમાનતાને પુનઃ સ્થાપિત કરવા, પોતાના દેશ સાથે, જીવના જોખમે તેઓએ યુદ્ધ કર્યું હતું.

ગાંધીજી, ભાષણમાં નહિ પણ પ્રવૃત્તિમાં વિશ્વાસ ધરાવતા હતા. ગાંધીજીનું જીવન શાંતિ અને સમાધાન માટે સમર્પિત હતું.  ભારતના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ બનવાને, જો તેઓએ ધાર્યું હોત તો બની શક્યા હોત. પરંતુ, તેઓને સ્થાન, માન કે પ્રતિષ્ઠાની કોઇ ઇચ્છા ન હતી. ભારતને જે દિવસે સ્વતંત્રતા મળી, તે દિવસે પણ તેઓએ કોઇ ઉજવણીમાં ભાગ લીધો ન હતો. આ સમયે, ગાંધીજી કોમી હુલ્લડથી ગ્રસિત સ્થળોનું સંદર્શન કરી, લોકોને આશ્વાસન આપી રહ્યાં હતા.

ઊંઘી રહેલાઓને જગાડવા આસાન છે, ત્યારે જે ઊંધવાનો ઢોંગ કરે છે તેમને જગાડવા, ઘણું જ કઠિન છે. આજે સમૂહમાં ઊંધી રહેલાઓની સંખ્યા અધિક છે. ઊંઘવાની આ ક્રિયાનો હવે અંત આણવો જોઇએ. જયારે આપણે જાગશું, ઊભા થશું અને પ્રવૃત્ત થશું, માત્ર ત્યારે જ આપણા સ્વપ્નોને સાક્ષાત કરી શકીશું. શાંતિ અને સમાધાનથી સભર એવી એક સુંદર આવતીકાલનું સ્વપ્ન આપણે બધા જ સેવીએ છીએ. આ સ્વપ્નને સાક્ષાત કરવા માટે, આધ્યાત્મિક અભ્યાસ દ્વારા આવશ્યક ધૈર્ય અને દ્રઢનિશ્ચય આપણે કેળવવાના છે, કે જેથી કરીને વિશ્વમાં યોગ્ય પરિવર્તન આપણે લાવી શકીએ. આ માટેનો પ્રયત્ન આપણે અહીંથી, આ ક્ષણથી, શ્રદ્ધા અને સમર્પણબુદ્ધિ સાથે આરંભ કરવાનો છે.

અમ્મા માટે સ્ત્રી અને પુરુષ, બંને સમાન છે. આ વિષયની સત્યતા અમ્મા વ્યકત કરશે. અહીં કહેવામાં આવતા હરકોઇ કાર્ય બધાજ પુરુષો કે સ્ત્રીઓને સમાનરૂપે લાગુ ન પણ પડે. માટે, સામાન્યતઃ જે જોવામાં આવે છે તે કાર્યો વિશે અમ્મા કંઇક કહેશે.

આજે મોટા ભાગની સ્ત્રીઓ નિદ્રામાં  છે. સ્ત્રીએ જાગૃત થવાનું છે. તેનું પુનરુત્થાન થવું જોઇએ. આ જ તો  આજના યુગની મહત્વની અગત્યતા છે. તેમ છતાં આ જાગૃતિ, અવિકસિત રાષ્ટ્રોની સ્ત્રીઓમાં આવવી જરૂરી છે. ભૌતિક ચિંતા ધરાવતા દેશોની સ્ત્રીઓએ આધ્યાત્મિકતામાં જાગૃત થવાનું છે. સ્ત્રી કે જે ધાર્મિક રૂઢિઓની સંકુચિત ચાર દિવાલો વચ્ચે બંધિત છે, તેણે આધૂનિક વિચારમાં જાગૃત થવાનું છે. આપણી આવી માન્યતા રહી છે કે, વિદ્યાભ્યાસ અને ભૌતિક વિચાર દ્વારા, સ્ત્રી, તેની આસપાસનો સમૂહ અને સંસ્કાર જાગૃત થાય છે. પરંતુ, સમયે આપણને આ પાઠ શીખવ્યો છે કે, આપણો આ વિશ્વાસ ખોટો છે. કેવળ ધાર્મિક ગ્રંથો વાંચવાથી કે શીખવાથી આપણામાં આ જાગૃતિ નથી આવતી. સ્ત્રીશક્તિને જાગૃત કરી, પ્રવૃત થવા માટે આધુનિક વિદ્યાભ્યાસ સાથે  સનાતન આત્મજ્ઞાન, બંને જરૂરી છે. સ્ત્રીઓને જાગૃત કોણ કરશે? તેની જાગૃતિમાં શું બાધક છે? વાસ્તવમાં તો કોઇપણ બાહ્યશક્તિ તેના જન્મસિદ્ધ માતૃત્વની લાગણીઓ જેમ કે, પ્રેમ, સહાનુભતિ અને ધૈર્ય, બાધક બની શકે નહિ. સ્ત્રીએ જ સ્વયંને જાગૃત કરવાની છે. તેનું બાધક તેનું મન છે.

નિયમો અને અંધવિશ્વાસો કે જે સ્ત્રીનું અધઃપતન કરતા રહ્યા છે, આજે પણ તે ધારણાઓ કેટલાક રાષ્ટ્રોમાં પ્રચલિત છે. સ્ત્રીઓનું શોષણ કરતી એવી પુરુષોએ રચેલી તે પ્રાચીન રીતભાત અને રૂઢિઓ આજે પણ જીવીત છે. તે રૂઢીઓ અને અંધવિશ્વાસના તાંતણામાં આજે પણ સ્ત્રીઓનું મન ગૂંચવાયેલું છે. આટલા લાંબા સમયના અનુભવના ભીષણ સ્વપ્નથી આજે પણ સ્ત્રીઓ ભ્રમિત છે. સ્ત્રી સાથે થયેલા ભયાનક કૃત્યોનો ઇતિહાસ ઘણો ઊંડો છે. સ્ત્રીએ સ્વયં પોતાના મનને હિપ્નોટાઇઝ કરી મુક્યું છે. આ અંધકારમાંથી બહાર આવવા, સ્ત્રીએ સ્વયંને મદદરૂપ થવાનું છે.

મોટા મોટા વૃક્ષોને મૂળથી ઉખેડી નાખવાની શક્તિ ધરાવતા હાથીનો જ દાખલો લઇએ. હાથી જયારે નાનો હોય છે, ત્યારે તેને મોટી સાંકળ વડે, મોટા વૃક્ષો સાથે બાંધવામાં આવે છે. આ સમયે વૃક્ષોને ઉખેડવા કે તેમને તોડી પાડી, સ્વતંત્ર બનવાની શક્તિ બાળહાથીમાં નથી હોતી. જંગલોમાં સ્વતંત્ર રૂપે ફરવાને આદી, બાળહાથી બંધન તોડવાને અનેક પ્રયત્ન કરે છે. જયારે તે આ જાણી લ્યે છે કે તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ છે, વ્યર્થ છે, ત્યારે તે પ્રયત્નો બધા સ્થગિત કરી શાંત બને છે. પણ જયારે હાથી મોટો થાય છે, ત્યારે તેને નાના એવા વૃક્ષ સાથે પણ બાંધી શકાય. આ નાના વૃક્ષને વિના પ્રયાસે ઉખેડી, સ્વતંત્ર થવું હાથી માટે કોઇ મોટી વાત નથી. પણ તે આમ નથી કરતો. આ પહેલાંના અનુભવે તેના મનને બાધ્ય કરી મુક્યું છે. તેના મનની આ ધારણાને કારણે તે સ્વતંત્ર થવાનો પ્રયત્ન નથી કરતો.

સ્ત્રીઓ સાથે પણ આમ જ બન્યું છે. આપણે તેનામાં આત્મશક્તિને જાગૃત થવા દેતા નથી. તે મહામાતાની શક્તિને, બાળહાથીની શક્તિની જેમ આજના સમૂહે સ્થગિત કરી મુકી છે.

આ પ્રકૃતિદત્ત અનંત શક્તિ, સ્ત્રી અને પુરુષમાં સમાન છે. સ્ત્રી જો ચાહે તો સમાજે તેનાપર લાદેલા નિયમો અને પૂર્વાગ્રહોની સાંકળને તોડવી તેને માટે અશક્ય નથી. સૃષ્ટિ કરવી અને તેનું પાલન કરવાની શક્તિ, માતૃત્વની પરિશુદ્ધતા હંમેશા સ્ત્રી સાથે રહેલી છે. આ શક્તિ, સ્ત્રીને સમૂહમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા, પુરુષ કરતાં કયાંય વધુ સહાયરૂપ નીવડે છે.

જે નિયંત્રણો  સ્ત્રીપર લાદવામાં આવ્યા છે, તે સત્ય નથી, મિથ્યા છે. સ્ત્રીએ પોતાની શક્તિ એકત્રિત કરી, ધારણાઓના આ ભ્રામિક નિયંત્રણોથી પાર આવવાનું છે. સ્ત્રી પાસે આ માટેની શક્તિ અને સામર્થ્ય બંને છે. જયારે આ શક્તિ જાગૃત થશે, ત્યારે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સ્ત્રી અસાધ્ય પ્રગતિ કરી શકશે. તેમની આ સશકત આગેકૂચમાં બાધક બનવાની હિમ્મત કે સામર્થ્ય કોઇનામાં નથી.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ ૧


 

માટી એક છે, ઘડા અનેક છે.દૂધ એક છે, ગાય અનેક છે.સોનું એક છે, આભુષણ અનેક છે.
આ જ પ્રમાણે, ઈશ્વર એક છે, તેના રૂપ અનેક છે.   – અમ્મા