લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ

આજે માનવસમૂહ, તાવથી પીડિત રોગી જેવો બની ગયો છે. રોગીનો તાવ જેમ ચડે,  તેમ તે અર્થહીન વાતો કરતો હોય છે. જમીન ઉપર પડેલી ખૂરસીને ચીંધી, તે કહશે, “તે ખુરસી શા માટે ઊડી રહી છે…” તેનો શું જવાબ આપવો? તેને કેમ કરીને સમજાવો કે, ખુરસી ક્યારેય ઊડતી નથી?

તાવથી પીડિત વ્યક્તિને સહાય કરવા માટેનો એક જ માર્ગ છે. અને તે છે, તાવ માટેની ઔષધિ આપી તેનો તાવ દૂર કરવા માટે પ્રયત્ન કરવો. જેવો તાવ ઉતરે કે, બધુ પાછું પહેલાની જેમ સામાન્ય ગતીએ ચાલશે. આજે મનુષ્ય સ્વાર્થ, લોભ અને દુરાગ્રહ જેવા તાવથી પીડાઇ રહ્યો છે.

આપણી અંદર રહેલા ક્રોધને કરૂણામય, વિદ્વેષને પ્રેમમય, કામચિંતાઓને દિવ્ય ચિંતાઓમાં, ઇર્ષાને સદ્ભાવમાં પરિવર્તિત કરવાના માર્ગો, ધર્મ અને આધ્યાત્મિકતામાંથી જ પ્રાપ્ત થાય છે. પરંતુ, આજે આ માટેની આપણી વિવેકબુદ્ધિ નાશ પામી રહી છે.

વ્યક્તિમાંથી જ સમાજ બને છે. વ્યક્તિના મનમાં રહેલા સંઘર્ષો, યુદ્ધનું રૂપ ધારણ કરી બહાર આવે છે. વ્યક્તિમાં જયારે પરિવર્તન આવશે, ત્યારે સમાજમાં પણ આપોઆપ પરિવર્તન આવી જશે. જે રીતે પ્રતિકાર અને વિદ્વેષની ભાવના મનમાં વિકસે છે, તે જ પ્રમાણે, શાંતિ અને સ્નેહની લાગણી પણ મનમાં વિકસવી જોઇએ. તે માટેનો પ્રયત્ન જો કરવામાં આવે તો તે પણ ઘણું કહેવાય.

યુદ્ધને માટે આપણે કરોડોનો ખર્ચ કરીએ છીએ. આ કાર્ય માટે આપણે કેટલાંક લોકોને નિયુકત કરીએ છીએ. યુદ્ધ માટે, આપણે કેટલી જાગૃતતા અને તીવ્રતા દાખવીએ છે. આમાંની એક અંશ જેટલી રકમ, કે તીવ્રતા, કે માનવપ્રયત્નનો ઉપયોગ, જો લોક શાંતિ માટે થાય, તો શાંતિ અને સમાધાન ચોક્કસ પ્રાપ્ત થાય.

આ જ પ્રમાણે, રાષ્ટ્રિય સુરક્ષા માટે, બધા રાષ્ટ્રો કેટલો ખર્ચ કરે છે. સુરક્ષા આવશ્યક  છે. પરંતુ, સૌથી મહાન સુરક્ષા તો જીવનમાં આત્મીય મૂલ્યોનો વિકાસ છે. આપણે આ ભૂલિ રહ્યાં છીએ.

માત્ર આયુધશક્તિ વધારવાથી આપણી અંદર અને બહારથી આક્રમણ કરતા આપણા શત્રુઓનો સામનો કરવો શક્ય નથી. માનવમનમાં અંતરલીન એવી આત્મીયતા અતિ શક્તિશાળી આયુધ છે. આ આયુધનો ઉપયોગ કરવા તેમજ  સશકત કરવાના માર્ગો પ્રત્યે ગંભીરતાથી વિચાર કરવામાં હવે આપણે ઢીલ ન કરી શકીએ.

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૫

 

લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ

યથાર્થ ધર્મ પ્રણેતાઓ સમગ્ર સંસારને ઇશ્વરમય જોઇ, તેની  આરાધના ને પ્રેમ કરતા હતા. “વિવિધતામાં ઐક્ય”ને તેઓ નિહાળતા હતા. ત્યારે આજે, કેટલાંક લોકો આ ધર્મ પ્રણેતાઓના અનુભવોની વિપરિત વ્યાખ્યા કરી, નબળા   મનવાળા લોકોનું શોષણ કરે છે.

ધર્મ  અને આધ્યાત્મિકતા તો મનુષ્યના હૃદયને ખોલવાની, કરૂણાથી બધાને જોવા માટેની કૂંચી છે. પરંતુ, સ્વાર્થમાં અંધ બની, તેમના મન અને દ્રષ્ટિની વિવેકતા નાશ પામી છે. જે કૂંચીથી આપણે  હૃદય ખોલવાનું  હતું, તે જ કૂંચીથી આપણે હૃદયને બંધ કરી દીધું  છે. આજે લોકોનો જે મનોભાવ છે, તે તો માત્ર વધુ ને વધુ અંધકાર જ સર્જવામાં સહાય કરે  છે.

કોઇ એક ધર્મ સંમેલનમાં ભાગ લેવાને નીકળેલા લોકોના એક સમૂહમાંથી, ચાર જણાને એક દ્વીપ ઉપર રાત વિતાવવાનું થયું. થીજી જવાય એવી ટાઢ હતી. તે ચારેય પાસે આગ કરવા માચીસ અને બળતણ માટેના લાકડાના ટૂકડાનો નાનો ભારો પણ હતો. પરંતુ, તેઓ દરેક એમ માનતા હતા, કે ફક્ત તેમના એક પાસે જ બળતણ માટેનું લાકડું ને માચીસ છે.

બીજાએ વિચાર્યું, “આ મારાં શત્રુ રાજ્યનો છે. તેઓ હંમેશા અમારી સાથે યુદ્ધ જ કરતા હોય છે. મારાં લાકડા અને માચીસથી, શા માટે મારે તેને તાપ આપવો જોઇએ. હું કંઇ તે સહન કરવાનો નથી.”

ત્રીજાએ બીજા તરફ નજર કરી અને વિચાર્યું,  “આને  તો  હું જાણું છું. તે તો મારા ધર્મમાં હંમેશા સંઘર્ષ ઊભો કરનાર ટોળકીમાંનો એક છે. મારું લાકડુ અને માચીસ બાળી, આને તાપ આપવો,  હ.. સ્વપ્નમાં પણ તેને સહાય કરવાનો હું વિચાર ન કરી શકું.”

ચોથાએ વિચાર્યું, “હ..પેલો તો જૂદા વર્ણનો છે. તે વર્ણના લોકો તો મને દીઠા ન ગમે. મારું લાકડુ બાળી  તેને તાપ આપવાનો સવાલ જ ઊભો નથી થતો.”

આ પ્રમાણે, કોઇએ પોતાનું બળતણનું લાકડુ કે માચીસનો ઉપયોગ કર્યો નહિ અને ટાઢમાં થીજીને ચારેય મૃત્યુ પામ્યા. વાસ્તવામાં, આ લોકોનું મૃત્યુ બહારની ટાઢને કારણે નહિ, પરંતુ, ટાઢા થીજેલા તેમના મનોભાવને કારણે થયું હતું. આપણે પણ આ લોકો જેવા બની રહ્યાં છીએ. રાજ્યના નામે, જાતિના નામે, ધર્મના નામે, વર્ગ અને વર્ણના નામે, આપણે પરસ્પર સંઘર્ષ કરીએ છીએ.

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ

 

 

 

 

 

 

લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ

આપણે જયારે ધર્મને બહારથી નિહાળીશું, ત્યારે તેમાં વધુ ને વધુ વિભાજનો જ દેખાશે. આત્મદ્રષ્ટિથી ધર્મને નિહાળવાની અને જાણવાની જરૂર છે. અને માત્ર ત્યારે જ વિભાજનો નહિવત્ બનશે. જયાં વિભાજન છે, ત્યાં કોઇ આધ્યાત્મિક અનુભૂતિ નથી. અને જયાં અનુભૂતિ છે, ત્યાં કોઇ વિભાજન નથી. ત્યાં તો માત્ર, ઐક્ય અને પ્રેમ જ હોય છે. આ જ્ઞાનના આધારપર, આજે ધર્મ પ્રણેતાઓએ પ્રવૃત્ત થવું જોઇએ. તેમના અનુયાયીઓને પણ આ બાબત વિષે બોધિત કરવા જોઇએ.

“મારો ધર્મ સાચો ને તારો ધર્મ ખોટો”, આમ જયારે કહીએ છીએ ત્યારે સમસ્યામાં વૃદ્ધિ જ થાય છે. આ તો, “મારી મા સારી અને તારી મા વેશ્યા,” કહેવા જેવું થયું. બધા ધર્મોનો સાર તો પ્રેમ અને કરૂણા છે. પછી શા માટે આ મત્સર?

બધા ધર્મોનો સાર પ્રેમ છે. માનવજાતિના પુનરુત્થાન માટેનો એક જ ઉપાય છે, અને તે છે, પ્રેમ. આપણે બધા, પ્રેમના તાંતણે પરોવાયેલા મોતી છીએ. પ્રેમના તાંતણે આપણે બધા ધર્મો અને તત્વશાસ્ત્રોને પરોવવાના છે. હૃદયનું મિલન, એ તો સમાજનું સાચું સૌદર્ય છે.

સનાતન ધર્મમાં નાનત્વ નથી – એકત્વ માત્ર જ છે. ઈશ્વર પ્રાપ્તિ માટે વિવિધ માર્ગો નિર્દેશવામાં આવ્યા છે. તેની પાછળ પણ એક કારણ છે. બધા મનુષ્યો એક સરખા તો નથી હોતા. પ્રત્યેકના મનનું ઘટન અલગ અલગ છે. આપણા ઋષિમુનિઓએ પ્રત્યેક મનને અનુરુપ માર્ગો બતાવ્યા છે. દા.ત. એક જ ચાવીથી તો બધા તાળા ખોલી શકાય નહિ. આ જ પ્રમાણે, વસ્ત્રાલંકાર હોય કે ખોરાકની બાબત હોય, દરેક વ્યક્તિને પોતપોતાની રુચી  હોય છે. આત્મીય માર્ગોનું પણ આમ જ છે. એક જ માર્ગ બધાને અનુરૂપ ન બની શકે. માટે જ, અલગ અલગ માર્ગો જરૂરી છે.

આ જ કારણસર, આ પ્રકારના સંમેલનોમાં, બધા ધર્મોના આધારમાં રહેલી તાત્વિક આધ્યાત્મિકતાને વધુ મહત્વ આપવામાં આવવું જોઇએ. આ એક માર્ગ જ છે જે દ્વારા ઐક્ય અને શાંતિ હાથ આવી શકે. માત્ર શારીરિક રૂપે મળવાને “મીટીંગ” ન કહેવાય. આ પ્રકારના સંદર્ભોમાં, સાચી “મીટીંગ” તો પરસ્પર એકબીજાના હૃદયને સમજવામાં છે.

યંત્રના માર્ગે જયારે આપણે દૂરના લોકો સાથે સંપર્ક સાધીએ છીએ, ત્યારે, દૂર રહેતા લોકો, આપણી નજીક રહી વાત કરતા હોય તેમ જણાય છે. પરંતુ, જયારે હૃદય વચ્ચે કોઇ કમ્યુનીકેશન નથી હોતું ત્યારે, જે પાસે છે, તે આપણી નજીક હોવા છતાં ઘણે દૂર હોય એમ જણાય છે. આ એવું કોઇ સામાન્ય સંમેલન ન બનવું જોઇએ કે જયાં બધા લોકો બોલે છે, કોઇ સાંભળતું નથી અને અંતે બધા બેમત બને છે.

અન્ય લોકો જે કહે, ધ્યાનથી તેનું શ્રવણ કરવું અને તેને ગણતરીમાં લેવું, તે પ્રધાન કાર્ય છે. દુનિયામાં આપણને કેટલીય વાતો સાંભળવા અને જોવા મળશે. તેમછતાં, બીજાના કાર્યોમાં અનાવશ્યક માથું મારવું, ઘણીવાર ખતરનાક પુરવાર થાય છે. માટે, શું જાણવા યોગ્ય છે અને શું  નથી, તેનો વિવેક આપણામાં હોવો જરૂરી છે.

આ કહેતી વખતે, અમ્માને એક કથા યાદ આવે છે. એક ભાઇ રસ્તા ઉપરથી જઇ રહ્યાં હતા, ત્યારે તેમને, “તેરમો… તેરમો…તેરમો…” એમ સતત કોઇના બોલવાનો અવાજ સંભળાયો. તેમની પાસેની દિવાલની પેલી બાજુએથી આ અવાજ  આવી રહ્યો હતો. મામલો શું છે, તે જાણવાના કૌતુકથી, તેઓ દીવાલની નજીક ગયા. જયારે તે દીવાલ પાસે પહોંચ્યા, કે ત્યાં તેમને દિવાલમાં એક બાકોરું દેખાયું. અવાજ તે બાકોરામાંથી આવી રહ્યો હતો. આ અવાજને વધુ સ્પષ્ટપણે સાંભળવા, તેણે દીવાલના બાકોરાને આડા કાન દીધા, કે તરત જ કોઇએ તેમને એક ભારે માર માર્યો. વેદનાને  લઇ  તેઓ, “ઓ બાપ રે..!” બોલી  ઉઠ્યાં  અને  ત્યાંથી  દૂર ખસી ગયા. જેવા તેઓ દૂર ખસ્યા કે, પેલો અવાજ હવે, “ચૌદમો.. ચૌદમો.. ચૌદમો.” એમ બોલવા લાગ્યો. વાસ્તવમાં, તે એક પાગલ લોકોની હોસ્પટલની ફરતી દીવાલ હતી.

 

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૩

લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ

ટૂંકમાં કહીએ તો, આજે વિશ્વની સઘળી સમસ્યાઓના બાહ્ય કારણોને શોધી, તેના નિવારણ માટેનો પ્રયત્ન આપણે કરી રહ્યાં છીએ. આપણી અધીરાઇને કારણે, આપણે તે મહાન સત્યને ભૂલી ગયા છીએ કે, આપણી બધી સમસ્યાઓનું મૂળ સ્રોત, એવું મનુષ્ય મન જો સારું થાય તો આ સંસાર પણ  સુધરી જાય.

માટે, બાહ્ય સંસારની સમજ સાથે, મનુષ્યને અંતરના જગતનું જ્ઞાન પણ હોવું જરૂરી  છે.

અમ્માને એક કથા યાદ આવે છે. સુપર કમ્પ્યુટરનો સ્થાપન સમારોહ ચાલી રહ્યો હતો. ત્યાં ઉપસ્થિત  સદસ્યોને સંગઠકોએ કહ્યું, “તમારે જે પણ પ્રશ્ન પૂછવા હોય તે પૂછી શકો છો. આ કમ્પ્યુટર તમારા બધા પ્રશ્નોના જવાબ આપશે.” કોઇપણ પ્રશ્નનો ઉત્તર તે કમ્પ્યુટર સેકેંડોમાં આપતું હતું. વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, વગેરે., ને લાગતા શક્ય તેટલા ગૂંચવાડા ભર્યા પ્રશ્નો, ત્યાં ઉપસ્થિત લોકોએ પૂછ્યાં અને ક્ષણવારમાં તેમના પ્રશ્નોના જવાબ કમ્પ્યુટરના પડદાપર પ્રકાશિત થવા લાગ્યા. એવામાં, તે સમૂહમાં ઉપસ્થિત એક નાનો બાળક આગળ આવ્યો અને એક પ્રશ્ન પૂછયો, “હલ્લો, સુપરકમ્પ્યુટર, કેમ છો? મજામાં ને!” લાંબા સમય સુધી કમ્પ્યુટરનો પડદો કોરો ને કોરો રહ્યો. પડદાપર  કંઇ  જ  દેખાયું  નહિ. કમ્પ્યુટર પાસે તેનો  કોઇ જવાબ હતો નહિ. તે સુપર કમ્પ્યુટરને સંસારના બધા વિષયોનું જ્ઞાન હતું. પરંતુ, પોતાને સંબંધિત એક નાના એવા પ્રશ્નનો જવાબ તે આપી શક્યું નહિ. આજે, આપણામાંના ઘણાખરાની સ્થિતિ પણ આ કમ્પ્યુટર જેવી છે.

ટેલિફોન ખરાબ થાય, તો ટેલિફોન એક્સચેંજવાળા આવી, તેને સરખો કરી આપે છે. કમ્પ્યુટરમાં કોઇ ખરાબી જણાય, તો તેની કંપનીવાળા આવી તેને સરખું કરી આપે છે. તેની જેમ, કેબલ ટી.વી.ના કાર્યમાં પણ બને છે. આ જ પ્રમાણે, મનના કનેક્શનને જે સરખું કરે છે, તે છે આધ્યાત્મિકતા. તે મનના રીમોટ કંટ્રોલને આપણા નિયંત્રણમાં લાવનારું તત્વ છે.

જીવિકા માટેનો વિદ્યાભ્યાસ અને જીવન તત્વ જાણવા માટેનો વિદ્યાભ્યાસ, બંને અલગ અલગ છે. ડૉકટર બનવું, વકીલાત કરવી, અથવા ઈંજીનીયર બનવું, વિદ્યાભ્યાસ મેળવવા કોલેજ જવું, તે જીવિકા માટેનો વિદ્યાભ્યાસ છે. ત્યારે જીવનતત્વના વિદ્યાભ્યાસ માટે આધ્યાત્મિક જ્ઞાન  જરૂરી  છે.

વિદ્યાભ્યાસનું લક્ષ્ય, તેવા લોકોની રચના કરવાનું નથી કે જે ફક્ત યંત્રની ભાષા સમજતા હોય. વિદ્યાભ્યાસ દ્વારા તો અર્થપૂર્ણ સંસ્કારને અર્જીત કરવાના છે.

પરિષ્કાર માટે વિદ્યાભ્યાસ જરૂરી નથી. જંગલમાં નિવાસ કરતા લોકોને પણ વસ્ત્ર ધારણ કરવા તેમજ ખોરાકની બાબત મહત્વની હોય છે.

 

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૨

વિશ્વમાતૃત્વની જાગૃતિ

માનવ સંસ્કૃતિને આજે હજારોને હજારો વર્ષો વીતી ગયા છે, તેમ છતાં આજે પણ આપણે સ્ત્રીને દ્વિતીય સ્થાન આપીએ છીએ. સમૂહની વ્યવસ્થાની સાંકળમાં અનેકવાર સ્ત્રી જન્મથી જ બંધાયેલી હોય છે. પુરુષે સર્જેલા નિયંત્રણની કાંટાળી વાડ મધ્યે, સ્ત્રીની કુશળતાની કળીઓ ખિલતા પહેલાં જ કરમાય જાય છે.

સ્ત્રી દુર્બળ બને તો તે તેના સંતાનને પણ તે બાધક બને છે. તેના સંતાનમાં તેજસ અને શક્તિ નાશ પામે છે. તે નિવીર્ય બને છે. સ્ત્રીને જયારે યોગ્ય ગૌરવ તેમજ આદર પ્રાપ્ત થાય માત્ર ત્યારેજ પ્રતિભાશાળી જનતા અને રાષ્ટ્રની રચના આપણે કરી શકીશું.

સમૂહના નિયમો અને ધાર્મિક રૂઢીઓનું રૂપાતંર પ્રાચીન કાળમાં, તે સમયના સંજોગોને અનુસરીને થયું હતું. તે સમયમાં સ્ત્રીની યોગ્ય ઉન્નતિ માટે બનાવેલા તે નિયમો, આજે પણ છે. એટલું જ નહિ, આજના યુગને અનુસરીને તેના વિકાસમાં તે નિયમો અવરોધો ઉત્પન્ન કરે છે. ધાર્મિક પરંપરાને પોતાનું મહત્વ હોય છે. આચારોને પ્રાધન્ય આપવું જોઇએ. તેમછતાં, તેના ઔચિત્યને સમજી, સમયને અનુસરી તેમાં ઉચિત પરિવર્તન લાવવા માટે આપણે તૈયાર રહેવું જોઇએ. બીજા અનેક કાર્યોમાં આપણે શું આમ નથી કરતા કે?

પુરુષોએ પુરુષો માટે રચેલી દુનિયામાં આજે સ્ત્રી જીવી રહી છે. આ લોકમાંથી બહાર આવી તેણે પોતાના એક સ્વતંત્ર વ્યક્તિત્વની સ્થાપના, તેણે કરવાની છે. તેમછતાં, ઇચ્છા મુજબ જીવવામાં, ધાર્યા મુજબ કરવા માટેની સ્વતંત્રતા સ્ત્રીને નથી.  કૌટુંબિક જીવનની જવાબદારીઓમાંથી છટકવું એ સ્ત્રી સ્વાતંત્ર્ય નથી. સ્ત્રીની ઉન્નતિ તેણે સ્વયંમાં રહીને હાંસલ કરવાની છે, અને આ પુરુષનું અનુકરણ કરવાથી પ્રાપ્ત થતી નથી. સ્ત્રીમાં રહેલી શક્તિને જાગૃત કરવા, સર્વપ્રથમ તો તે પોતાની નબળાઇઓને સ્પષ્ટ જાણી લેવી જોઇએ. ઇચ્છાશક્તિ અને આત્મીય સાધના થકી તેણે આ નબળાઇઓથી પર થવાનું છે. સ્ત્રી સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી, તે પોતાના સ્ત્રીત્વનો નાશ કરી રહી છે. સ્ત્રીના વ્યક્તિત્વનો આવો સ્વભાવ આજે  સામાન્ય રૂપે જોવામાં આવે છે. આ યથાર્થ સ્ત્રી સ્વાતંત્ર્ય નથી. આથી વિપરીત, આમાં તો તેનો અને સમાજનો પરાજય જ છે. સ્ત્રી પણ જો પુરુષ જેવી બનવાનો પ્રયત્ન કરે તો સમાજમાં   પ્રશ્નોની વૃદ્ધિ જ થવાની. નૂતન સહસ્રકની આવશ્યકતા – સ્ત્રીએ પુરુષત્વ પ્રાપ્ત કરવાનું નથી. પરંતુ, પોતાનામાં માતૃત્વને વિકસાવી, આ સાથે પુરુષ ગુણોને પણ કેળવવાના છે. આ જ તો તેની સાચી પૂંજી છે. એક અન્ય દ્રષ્ટિએ જોઇએ તો, સ્ત્રીની સંકુચિત દુનિયા માટેનું કારણ સ્વયં સ્ત્રી જ છે. વેશભૂષા, બાહ્યસૌંદર્યને જરૂર કરતાં વધુ પ્રાધન્ય સ્ત્રી આપે છે. આમ કરી તે, પુરુષે રચેલી જાળમાં સ્વયં ફસાય છે. સ્ત્રીને, આ સંસાર અને સ્વયં પ્રતિ પણ એક ધર્મ છે. સમાજમાં ઉન્નતિ કરવા, પુરુષ તુલ્ય સ્થાન હાંસલ કરવા તેણે સ્વયં પ્રયત્ન કરવાનો છે.

ગૃહની ચાર દિવલોની વચ્ચે સ્ત્રીનું જીવન કટાઇને નાશ પામે તે કરતાં સમૂહમાં ઉતરી, પોતે આ વિશ્વને શું આપી શકે તેનો વિવેક વિચાર તેણે કરવાનો છે. પોતે આ સંસારમાંથી શું મેળવી શકે, આ ચિંતા કરતાં પોતે શું આપી શકે તે માટે તેણે પ્રયત્ન કરવો જોઇએ. જયારે આવો મનોભાવ તે કેળવશે ત્યારે ચોક્કસ તે આગળ આવી શકશે. તેણે કોઇ પ્રકારની ખેંચતાણ કરવાની આવશ્યકતા નથી. તેણે તો માત્ર જાગૃત થવાનું છે. ત્યારે સમૂહને આપવાને કે સમૂહ પાસેથી જે કાંઇ મેળવવાનું હોય, તે તેને સહજજ પ્રાપ્ત થશે.

સ્ત્રીની ઉન્નતિ માટે પુરુષ આવશ્યક છે, કારણ કે, સ્ત્રીનો નાશ તે પુરુષનો નાશ છે ; માનવજાતિનો નાશ છે. સ્ત્રી જયારે પોતાના અધિકાર મેળવવા, વિશ્વને તેની સેવા અર્પિત કરે છે, ત્યારે પુરુષે તેના માર્ગમાં બાધારૂપ ન બનવું  જોઇએ. પુરુષે  સ્ત્રીનો માર્ગ સરળ કરી તેનું માર્ગદર્શન કરવું જોઈએ.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ  ૮