આ વર્ષની ક્રિસમસની સંધ્યા ખરેખર વિશેષ હતી. આશ્રમનો પ્રમુખ ભજન હૉલ વિશ્વભરથી આવેલા અમ્માના ભક્તોથી ખિચોખીચ ભરેલો હતો. હૉલમાં અમ્માના આગમન પછી આજના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી. વિશ્વભરના અમ્માના ભક્તોએ જીસસ ક્રાઈસ્ટની મૂળ કથા ભજવી હતી. અમ્મા બધા ભક્તોથી ઘેરાયેલા બેઠા હતા. એક બાજું બે નાના બાળકો તેમના ખોળામાં ચડીને બેઠા હતા તો બીજી બાજું સાન્ટાના વેશમાં ફ઼્રાન્સથી આવેલ વિદેશી ભાઈ બેઠા હતા.

અમ્માએ આગળ કહ્યું હતું કે, ક્રાઈસ્ટનું પાછું ફરવું, આને બહારનું તરીકે દેખશો નહિ. અહમ્‌ અને સ્વાર્થતાને દૂર કરવા જરૂરી છે અને અંતરમાં ઈશ્વરને સ્વીકારવા, એ આપણું સાચું લક્ષ્ય છે. આપણું નિષ્કલંક હૃદય જ સાચી ગમાણ છે. અમ્માએ બધાને સ્મરણ કરાવ્યું હતું કે, સ્વર્ગ બી રૂપમાં આપણા બધાની અંદર છે. આધ્યાત્મિક પથમાં ક્યારેય નિરુત્સાહ ન થવું જોઈએ. અમ્માએ આગળ ઉમેરતા કહ્યું હતું કે, પ્રકૃતિનો પ્રત્યેક ભાવ આપણને આવા પાઠ શીખવે છે. બહાર દિવાલો બાંધતિ વખતે, એ બહુ અગત્યનું છે કે, આપણે આપણા મનની અંદર દિવાલો ન બાંધીએ. ક્રિસમસની સાચી ભેટ રૂપે, આપણે આપણી અંદરના સંમાનો ખોલવા જોઈએ અને તેમને અન્ય લોકોમાં વહેંચવા જોઈએ. ચમકતા તારાની જેમ આપણે પણ આપણા માર્ગને પ્રકાશિત કરતા આપણા લક્ષ્યને ભુલવું ન જોઈએ.અમ્માએ કહ્યું હતું કે, જ્યારે આપણે યાદ કરીને કોઈ ઉજવણી માટેની યોજના ઘડીએ, ત્યારે તે ઉજવણી પાછળના સાચા કારણને ક્યારેય ભુલવું ના જોઈએ. હકારાત્મક મન અને નિખાલસતા દ્વારા જ મહાત્માના સંદેશને આપણે જોઈ શકીએ. આપણા હૃદયને ખુલા કરી, આપણા અંતરના બાળકને જાગૃત કરવું, આ સંદેશને આપણે યાદ રાખવો જોઈએ. નિખાલસતાથી નિખાલસતા તરફ આગળ વધવું, આ જ આધ્યાત્મિક જીવનની સાચી યાત્રા છે. અમ્માએ પછી આ ઉજવણીનું સમાપન કરતા બે ભજનનું નેતૃત્વ કર્યું હતું. ભજન પુરા થયા કે બધાએ અમ્મા સાથે થોડી વાર લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ મંત્રનો જાપ કર્યો હતો.

છેવટે પછી પરંપરાનુસાર સાંટા ક્લૉસના વેશમાં એક ભક્ત અને આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે બધા ભક્તોએ ભાગ લીધો હતો તેઓ કેકના થાળ લઈ અમ્માપાસે લાવ્યા હતા અને અમ્માએ કેક કાપી, ઉપસ્થિત સહુકોઈને પ્રસાદમાં ક્રિસમસની કેક આપી હતી. આ પ્રમાણે અમ્માની મધુર ઉપસ્થિતિમાં, મધુર સ્મરણો સાથે,મધુર કેક સાથે અમૃતપુરી આશ્રમમાં ક્રિસમસ ઉજવવામાં આવી હતી. ૐ

 અમૃતપુરીમાં નવવર્ષની ઉજવણી

અમૃતપુરીમાં નવવર્ષની સંધ્યા પૂર્ણ ઉત્સાહ અને જોશથી મનાવવામાં આવી હતી. સંધ્યાના ભજન પછી અમ્માના સાનિધ્યમાં નવવર્ષનું સ્વાગત કરવા દેશવિદેશથી આવેલા હજારો ભકતો વિશાળ પ્રાર્થના મંદિરમાં ભેગા થયા હતા. તેમનું મનોરંજન કરવા ભિન્ન ભિન્ન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેમ કે વિદેશી હીપહોપ, ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને અમ્મા દ્વારા કહેવામાં આવેલી કથાઓને નાટકમાં રૂપાંતર કરી ભજવવામાં આવી હતી.

બાળકો સાથે કાર્યક્રમોનો આનંદ લેતા, અમ્મા મદ્યરાત સુધી ભક્તો વચ્ચે હૉલમાં બેઠા હતા. અમ્માની આજુબાજુ ઘણા નાના બાળકો હતા. અમ્મા દરેકને વારાફરતી ખોળામાં લેતા હતા. બધા કાર્યક્રમો પુરા થયા પછી અમ્માએ નવવર્ષ પર પોતાનો સંદેશ પાઠવ્યો હતો.

અમ્માએ કહ્યું, “આપણે ફરી એક નવવર્ષના ઉંબરે પહોંચ્યા છીએ. નવવર્ષનો વિચાર માત્ર આપણામાં આકાંક્ષાઓ, સુખ અને ઉત્સવના સ્પંદનો જાગૃત કરે છે. મારા બાળકોના હૃદયમાં શાંતિ અને ખુશીના પુષ્પો ખીલી ઊઠે. બાળકોના સદ્‌કર્મો દ્વારા આ પુષ્પોની સુવાસ સમસ્ત વિશ્વમાં પ્રસરી રહે.

ગયા વર્ષમાં અનેક એવી ઘટનાઓ ઘટી જેથી આપણને ગહરું દુઃખ થયું છે. યુદ્ધો, સંઘર્ષો, પ્રાકૃતિક દુર્ઘટનાઓ, મહિલાઓનું શોષણ… આ નોંધ અંતરહિત છે. સિરીયાનું યુદ્ધ, ફિલીપીન્સમાં હરીકેન, ઉત્તરખંડમાં વિધ્વંસ.. આ દુર્ઘટનાઓના ભયાવહ દ્રષ્યો આજે પણ આપણા મનમાં સતત ઊભરાય આવે છે. માનવજાત આજે જે પડકારોનો સામનો કરી રહી છે, તેના પર આપણે ઘણી ચર્ચાઓનું આયોજન કરીએ છીએ અને પુસ્તકો પણ લખીએ છીએ, પરંતુ આ પ્રત્યે આપણે પૂર્ણરૂપે સજાગ થવું અનિવાર્ય છે. ઘણા લોકો વાતાવરણની જાળવણી વિષે ઘણી વાતો કરે છે, પણ સાચી મહાનતા તો આ સિદ્ધાંતોને આચરણમાં મૂકવામાં, તે વિશે ખરેખર કંઈક કરવામાં છે. ગયા વર્ષે આપણે ૧૨.૫ અબજ એકરો જંગલો ખલાસ કર્યા. આ જંગલોને ફરી ઉગાડવા માટે કેટલો સમય લાગશે વિચારી જૂઓ? આ શક્ય પણ છે શું? વિજ્ઞાનીઓ જંગલોને “આ ગ્રહના ફેફસાં” (લંગસ્‌ ઑફ ધી પ્લેનેટ) કહે છે. આપણામાં આ જાગરૂકતા હોવી જોઈએ કે, નદીઓ, સમુદ્રો અને જંગલોને દુષિત કરવા, એ  તો પોતાના રક્તમાં ઝેર ઘોળવા જેવું છે.

મનુષ્ય, જે પ્રકૃતિના સંરક્ષણ માટે જવાબદાર હતો, આજે તે જ તેના વિનાશનું કારણ બની ગયો છે.

અમ્માની એક વિનંતી છે. જ્યારે નવવર્ષ માટેના નિર્ણયો લો, ત્યારે પ્રકૃતિ પ્રત્યે કરુણાનો ભાવ પ્રકટ કરવાનો નિર્ણય પણ ચોક્કસ લેશો. પ્રકૃતિની જાળવણી માટે કરેલ પ્રત્યેક નાનો પ્રયત્ન અમૂલ્ય છે. કારણ કે, વાસ્તવમાં તે જીવન જાળવવા તરફનો પ્રયત્ન છે. તે કોઈ પણ ભૌતિક સંપત્તિ કરતાં ક્યાંય વધારે મૂલ્યવાન છે.

જેમ આપણે બાળકોમાં સંપત્તિ સંગ્રહ કરવાનો શોખ જગાડયો છે, તે જ પ્રમાણે સ્કૂલો દ્વારા આપણે બાળકોમાં પ્રકૃતિ સંરક્ષણ માટે રસ જગાડી શકીએ.

ફક્ત કેલેન્ડરના પાના ફેરવવાથી ક્યાંય કોઈ પરિવર્તન નથી થવાનું. એ તો આપણી અંદર રહેલ ક્રોધ, મોહ અને ઇર્ષા જેવી મલિનતા છે, જે આપણા “સારા સમય”ને “ખરાબ સમય”માં પરિવર્તિત કરે છે. જીવનમાં એક ઉચ્ચતર લક્ષ્ય હોવું જરૂરી છે.

કલ્પના કરો કે, એક જહાજ સમુદ્રમાં જઈ રહ્યું છે અને તેની સઢ પણ સહી દિશામાં ચઢાવેલી છે, પરંતુ જહાજના કપ્તાનને જો આ વાતની જાણ ન હોય કે કયા બંદરમાં જહાજ લંગારવાનું છે, તો જહાજ તરતું જ રહેશે.

પ્રવાસ ભલે ગમે તેટલો સરળ હશે, પરંતુ લક્ષ્ય જો નિશ્ચિત ના હોય, તો બધું વ્યર્થ હશે. એ તો આપણા લક્ષ્યાંકો છે જે આપણામાં ઉત્સાહ, હિમ્મત અને શક્તિ પૂરે છે. તે આપણને જીવંત કરે છે.

નિર્ધારિત લક્ષ્ય તરફ આગળ વધવા આપણી સહાય કરવા નિશ્ચિત દિનચર્યા આવશ્યક છે. જો આધ્યાત્મિકતા આપણું લક્ષ્ય હોય, તો આપણે સારા વિચારોને પોષિત કરીશું. આપણે સારા કાર્યો કરવા પ્રયત્ન કરીશું. અનાવશ્યક વિચારો પર મનન નહિ કરીએ. અન્ય વ્યક્તિની સફળતા પર આપણને ઈર્ષા નહિ થાય.
આપણી આજુબાજુ બનતી વિવિધ બાબતોની પરવા પણ નહિ કરીએ. આપણાથી જે શક્ય હોય, તે કરવાનો પ્રયત્ન કરીશું. આપણે આધ્યાત્મિક ગ્રંથો વાંચીશું અને સત્‌સંગ પ્રવચનોમાં ભાગ લેશું.

મૃત્યુ  હંમેશા આપણી આગળ અને પાછળ પડછાયાની જેમ છે. આપણું આ શરીર ભાડે લીધેલ ઘર જેવું છે. કોઈ પણ ક્ષણે તેને ખાલી કરી દેવાનું કહેવામાં આવશે. ધમપછાડા કે બૂમબરાડા મારી નીકળવા કરતા, હસતા આનંદ કિલ્લોલ કરતા નીકળવાને આપણે તૈયાર રહેવું જોઈએ. મૃત્યુ આપણને સ્વાધિન કરે તે પહેલાં ઘણા મહત્વના કાર્યો આપણે પૂરા કરવાના છે.

જીવન તો પાછળ ફરી, આપણે કેટલી પ્રગતિ કરી તે જોવા અને આ સાથે આગળ નજર કરી, આપણા કાર્યમાં કેંદ્રિત થવા માટેનો અવસર છે.

આપણે શા માટે આ જીવન યાત્રાનો સાહસ ખેડ્યો છે? આપણું લક્ષ્ય શું છે? શું આપણે સાચા માર્ગ પર આગળ વધી રહ્યાં છીએ? કે પછી આપણે આપણો માર્ગ ભુલી ગયા છીએ?

નવવર્ષનો ઉદય, આત્મ—નિરીક્ષણ અને દ્રઢ સંકંલ્પો માટેનો સમય છે.

આપણે પ્રતિદિન સ્વચ્છ રહેવા સ્નાન કરીએ છીએ. ઉત્સાહ એ તો મનને સ્નાન કરાવવા જેવું છે. ફક્ત નવવર્ષના દિવસે જ ઉત્સાહિત અને આનંદિત હોવું પર્યાપ્ત નથી. વર્ષભર આ ભાવનાને જાળવી રાખવી જરૂરી છે. સવારના આપણે ઊઠીએ છીએ, ત્યારે આપણે ચહેરો ધોઈ, સ્વયંને તે દિવસ માટે તૈયાર કરીએ છીએ. કોઈની સામે ગંદુ કે કદરૂપુ દેખાવું કોઈને પસંદ નથી.સામાન્યતઃ આપણા દિવસનો આ જ પ્રથમ વિચાર હોય છે. પરંતુ, આ સાથે આપણા મનને પણ સ્વચ્છ રાખવું જરૂરી છે. આપણી નકારાત્મકતાની ધૂળને સાફ કરવી જરૂરી છે. ત્યારે, આપણા જીવન જ નહિ, આપણી આજુબાજુના લોકોના જીવન પણ સુંદર બની જશે. આ જો આપણો મનોભાવ હશે તો જાણે સમસ્ત વિશ્વ સમૃદ્ધીના એક નવા ઝરણાની જેમ જાગી ઊઠશે.

અમ્માના બાળકો શાંતિ અને પ્રેમના દૂત બને. અમ્માની પ્રાર્થના છે કે, તેમના બધા જ બાળકોના જીવન સુખ અને શાંતિથી ભરપૂર રહે. બધા પર ઈશ્વરકૃપા રહે. આપણે બધા ભેગા મળી, “લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ,”નો જાપ કરીએ. અંધકાર દૂર કરવો કઠિન છે. પરંતુ પ્રકાશની ઉપસ્થિતિમાં અંધકાર સહજ જ અદ્રશ્ય
થાય છે. આ જ પ્રમાણે, અમ્માના બધા જ બાળકોના હૃદયમાં પ્રેમ અને કરુણાના દીપક પ્રજ્વલિત રહે. ઈશ્વરકૃપા બધાને શક્તમાન બનાવે.”

“લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ…” પ્રાર્થના સાથે અમ્માનો સંદેશ પૂરો થયો કે અમ્માએ, “ખુશીયોં કી બહાર ચલતી રહે, જગમેં શાંતિ બનાયે રહે…” ભજન ઉપાડ્યું હતું. આ ભજનના અંતમાં બધાએ અમ્માની સાથે, “લોકોઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ…” મંત્રનો જાપ કરી નવવર્ષ માટે પ્રાર્થના કરી હતી.

ત્યાર પછી નવવર્ષના આગમનના ઉત્સાહની લહેરો જેમ વાતાવરણમાં પ્રસરવા લાગી, કે અમ્માએ “મારી ઝૂપડીના ભાગ આજ ખુલી જશે રે, રામ આવશે…” ભજન ઉપાડયું હતું. ભજનના તાળ સાથે ઉપસ્થિત હજારો વિદેશી ભક્તો પોત પોતાના સ્થાન પર ઊભા થઈ ગયા અને તાળી પાડતા નૃત્ય કરવા લાગ્યા. આ ગીત હજુ પૂરું થયું કે અમ્માએ “તન્નાના તાયે તન્નાના….” ભજન ઉપાડયું. પછી તો કહેવાનું જ શું. હર્ષ અને આનંદનું જાણે વંટોળિયુ ફરી વળ્યું. સમસ્ત ભજન હૉલ આ ભજનના તાળમાં તાળ મિલાવી જાણે આનંદ નૃત્ય કરી રહ્યો. અમ્માએ પછી છેલ્લે જ્યારે “માતારાની કી જય” બોલાવી ત્યારે પાયસન્નથી ભરેલા મોટા મોટા પાત્રો પ્રાર્થના મંદિરમાં લાવવામાં આવ્યા હતા અને સહુકોઈને પ્રસાદમાં પાયસન્ન વહેંચવામાં આવ્યું હતું. આ પ્રમાણે અમૃતપુરીમાં નવવર્ષનું સ્વાગત પ્રેમ, પ્રાર્થના અને પાયસન્નના પ્રસાદથી થયું હતું.

અમ્મા  ઓટૂર નામબુદિરીપાદની રૂમની બહાર, દરવાજાની પાછળ થોડીવાર ઊભા રહ્યાં. અંધારી ઓરડીની અંદરથી કાંપતા સ્વરમાં ભગવાન શ્રીકૃષ્ણના નામનો જાપ સંભળાતો હતો. “નારાયણ… નારાયણ… નારાયણ….”

અમ્માના મોહનરૂપને પોતાની સામે જોઈ, ઓટૂર ઊછળીને ઊભા થયા અને મનાઈ કરવા છતાં તેઓ અમ્માના ચરણોમાં ઢળી પડયા. અમ્મા હજી પલંગ પર બેઠા જ હતા, તે પહેલાં જ ઑટુરે, એક બાળકની સ્વતંત્રતા સાથે પોતાનું મસ્તક અમ્માના ખોળામાં રાખી દીધું.
અમ્મા : “પુત્ર, તને ભકિતપૂર્વક પ્રભુનું નામ લેતા સાંભળી, અમ્મા ત્યાં ઊભા રહી ગયા!”

ઓટૂર : “મને નથી લાગતું કે, મને ખરેખર પ્રભુની સ્હેજેય ભક્તિ હોય. જો એમ હોત તો શું, કરુણાશીલ કૃષ્ણે મને દર્શન ન આપ્યા હોત?”
એક બ્રહ્મચારી જે આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો, તેણે કહ્યું, “અત્યારે તમે અમ્માને તો જોઈ રહ્યાં છો. નથી શું?”
ઓટૂર : “શારદા દેવીએ એક વખત રામકૃષ્ણને કહ્યું હતું, “તમે જાણો છો, તમારી જેમ હું લાંબા સમય સુધી રાહ ન જોઈ શકું. મારાં બાળકોને દુઃખી થતા હું ન જોઈ શકું.” અત્યારે તે જ વ્યક્તિ મને દર્શન દેવાને આવ્યા છે, એમ હું માનું છું. શારદાદેવીની જેમ જ, અમ્મા પણ હંમેશા ભક્તિ વિષે જ કહે છે.”

અમ્મા : “અમ્મા શા માટે ભક્તિ વિષે કહે છે, કારણ કે, આ તેમનો પોતાનો અનુભવ છે. આજે અસંખ્ય પંડિતો અને સંન્યાસીઓ છે. તેઓ અદ્વૈત વિષે કહે છે,  પણ તેમના જીવનમાં તે નથી દેખાતું. તેમના મન રાગદ્વેષથી ભરેલા છે. અદ્વૈત કહેવા માટે નથી, તે તો અનુભવવા માટે છે.

“ઉપનિષદમાં એક કથા આવે છે. એક પિતાએ પોતાના પુત્રને શાસ્ત્રોનો અભ્યાસ કરવા મોકલ્યો. શાસ્ત્રોનો અભ્યાસ કરી પાછા ફરેલા પુત્રનું અભિમાન જોઈ, પિતા સમજી ગયા કે, પુત્ર જે કંઈ ભણ્યો છે, તેને યોગ્ય રીતે ગ્રહણ નથી કર્યું. બધું સાંભળ્યા પછી, પિતાએ પુત્રને યથાર્થ તત્વ શીખવવાનું નક્કી કર્યું. પુત્રને દૂધ અને ખાંડ લઈ આવવાનું કહ્યું. પુત્ર તે લઈ આવ્યો. પછી પિતાના કહેવાનુસાર, દૂધમાં ખાંડ ભેળવી. પિતાએ પછી, તે મિશ્રણના ચાર જુદા જુદા ભાગોમાંથી થોડું દૂધ લઈ, પુત્રને ચાખવા માટે આપ્યું, અને તેના સ્વાદ વિષે પૂછયું. તે મધુર છે. કેટલું મધુર છે? પુત્ર સ્વાદનું વર્ણન કરી શક્યો નહિ. મૌન ધારણ કરી ઊભો રહ્યો. ત્યારે પુત્રને સત્ય સમજાયું. બ્રહ્મ અનુભૂતિ છે. શબ્દો દ્વારા તેનું વર્ણન થઈ શકે નહિ. ત્યાં સુધી આત્મા વિષે મોટી મોટી વાતો કરી, શોર મચાવનાર તે યુવકને સમજાયું કે, તે શબ્દો દ્વારા વર્ણવી શકાય એવી વસ્તુ  ન  હતી. તેને બોધ થયો કે,  તે તો માત્ર એક અનુભવ છે.

“બ્રહ્મનું વર્ણન કોઈ કરી શકે નહિ. બુદ્ધિ દ્વારા તેને જાણી શકાય નહિ. તે તો એક અનુભવ છે.  “અહમ્‌ બ્રહ્માસ્મિ,” એમ આપણે  કહીએ છીએ. પરંતુ, આપણને પણ  સુખ—દુઃખ છે. પરંતુ જેણે તેનો અનુભવ કર્યો છે, તેઓ તેમ નથી. આગ હોય કે પાણી હોય, તેમને આંચ નહિ આવે. સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કર્યો, શું તેમને કઈ થયું? કંઈ જ નહિ. કેટલાક લોકો કહેશે કે, તેઓ બ્રહ્મ છે, પરંતુ તે “બ્રહ્મ”ને પકડીને પાણીમાં ડૂબાડવામાં આવે, ત્યારે શ્વાસ લેવા માટે તે તરફડીયા મારશે. અને અગ્નિમાં નાખશો તો ફોડલા પડશે. સુખદુઃખોથી પર એવા બ્રહ્મની તેમણે અનુભૂતિ નથી કરી. “હું બ્રહ્મ છું,” ની અનુભૂતિ, નિષ્ઠાપૂર્વકની સાધના વિના શક્ય નથી.”

પાસેના મેદાનમાં ઘાસ ચરતી ગાય તરફ આંગળી ચીંધતા અમ્માએ કહ્યું, “તે ગાયને જુઓ છો? તેના કાન દબાવવાથી શું તમને દૂધ મળશે? તેના શરીરના બધા જ ભાગમાં દૂધ રહેલું છે, શું એમ કહેવું યોગ્ય છે? તેના આંચળમાં રહેલું  દૂધ માત્ર જ આપણે પી શકીએ,  અને  તે પણ  ગાયને  દોહવાથી જ મળે છે.

“ઈશ્વર સર્વવ્યાપી છે, પરંતુ તેમને અનુભવના સ્તરપર જાણવા હોય તો, ગુરુના માર્ગદર્શન નીચે, લક્ષ્યબોધ સાથે, એકાગ્રતાથી સાધનાનુષ્ઠાન કરવું જ જોઈએ.”
બ્રહ્મચારી  : “અમ્માએ શાસ્ત્રોનો અભ્યાસ નથી કર્યો, એમ કહો છો. પરંતુ શાસ્ત્રોમાં જે છે, તે જ તો અમ્મા તમે કહો છો?”

અમ્મા : “પુત્ર, શાસ્ત્રો અનુભવથી લખવામાં આવ્યા હતા, નહિ શું? અમ્મા જે કંઈ કહે છે, તે અનુભવના આધાર પર કહે છે. જે કંઈ જોયું, જાણ્યું અને અનુભવ્યું, તેમાંથી કહે છે. માટે, તે શાસ્ત્રોમાં ન હોય એ બની શકે જ નહિ.”

બ્રહ્મચારી : “અમ્મા, શું ફરી રામરાજ્ય આવશે?”

અમ્મા : “રામરાજ્ય આવશે, પણ ત્યારે એક રાવણ પણ હશે. દ્વારકા આવશે, પણ સાથે કંસ અને જરાસંઘ પણ હશે.”

બ્રહ્મચારી. : “અમ્મા, કેટલાક લોકો પૂનર્જન્મ છે, એમ કહે છે. શું આ સત્ય છે?”

અમ્મા : “ગયા મહિને, થોડા બાળકો સાથે મળી, એક ભજન આપણે શીખ્યાં હતા. અત્યારે તે યાદ નથી. તો શું આપણે એમ કહી શકીએ કે, આપણે તે ગીત શીખ્યા જ  નથી? તે ગીત શીખ્યાં હતાના ઘણા સાક્ષીઓ છે. પૂર્વજન્મના કાર્યોને યાદ કરવા, આપણા માટે અશક્ય હશે. પરંતુ, એક તપસ્વી માટે તે શક્ય છે. સાધના દ્વારા આપણા મનને સૂક્ષ્મ કરીએ, તો આપણા માટે પણ તે શક્ય હશે.”

રાવ : “અમ્મા, શું આપ નથી કહેતા કે, ઈશ્વરદર્શન માટે વ્યાકુળ હોવું જોઈએ? પરંતુ, અમ્માના રૂપ પર ધ્યાન કરતી વખતે, અમને કેવી રીતે વ્યાકુળતા આવે? તમે તો અમારી પાસે જ છો?”

અમ્મા : “આ બહુ સરસ! ઈશ્વરથી વિખુટા પડ્યાનો વિરહ આવવો જોઈએ. તે દુઃખ અનુભવવું જોઈએ.!”

રાવ : “ઉત્તમગુરુ મળ્યા પછી, તેઓ જ તે વ્યાકુળતા ન આપે શું?”

અમ્મા : “નમઃ શિવાયા! ગુરુ માત્ર જ ઉત્તમ હોય એ પૂરતું નથી, શિષ્યે પણ ઉત્તમ હોવું જોઈએ.”

કુંજુમોન : “અમ્મા પાસે પહોંચી ગયા, હવે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી! આપણે બચી ગયા!”

અમ્મા (હસતા) : “તે વિશ્વાસ સારો છે. પરંતુ, બાળકો તમારે, આ શરીરમાં દેખાતા બહારી અમ્મા સુધી જ સ્વયંને સીમિત ન રાખવા જોઈએ. આમ તમે તમારી શક્તિ અને આત્મ-વિશ્વાસ ગુમાવશો. તત્વમાં અમ્માને જાણવાનો પ્રયત્ન કરો. બધામાં આ અમ્માને જોવાનો પ્રયત્ન કરો. તે જ તો જરૂરી છે. તે માટે તમને સહાય કરવાને જ તો અમ્મા આવ્યા છે.”

કુંજુમોન : “ગઈકાલે સ્રાયકાડથી કોઈ આવ્યું હતું. તેણે અમને આશ્રમ વિષે પૂછયું. આશ્રમની સ્થાપના કરવા પાછળનો, અમ્માનો ઉદે્‌શ શું છે?”

અમ્મા : “લોકોમાં ઈશ્વરવિશ્વાસ વિકસાવવો. લોકોમાં ઈશ્વર વિશ્વાસની સ્થાપના કરી, તેમના થકી સારાં કર્મો કરવા, તેમને સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવા પ્રેરિત કરવા — આ આપણું લક્ષ્ય છે.”

એક મહિલા ભક્ત : “અમ્મા, ઈશ્વરને પોકારતા બધા લોકો જીવનમાં ઘણા દુઃખ અનુભવતા દેખાય છે.”

અમ્મા : “બાળકો, પ્રેમપૂર્વક ઈશ્વરને બોલાવતી વખતે, લોકો જે પ્રેમાશ્રુ સારે છે, તે દુઃખને કારણે નથી. તે તો આનંદના અશ્રુ છે. પરંતુ આજે, દુઃખ આવે ત્યારે જ બધા ઈશ્વરને યાદ કરે છે. આથી વિપરીત, સુખમાં કે દુઃખમાં, હંમેશા જો ઈશ્વરનું સ્મરણ કરવાને તૈયાર હોઈએ, તો પછી ક્યારેય દુઃખી થવાનો વારો નહિ આવે. દુઃખ આવે તો પણ તે દુઃખ જેવું લાગશે નહિ. ઈશ્વર દરેક વસ્તુની સંભાળ લેશે. ઈશ્વર સમક્ષ તમારું હૃદય ખોલીને પ્રાર્થના કરો, તેના માટે બે અશ્રુબિંદુ વહાવી શકો, તો આપણે બચી ગયા સમજવું.”

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)

યુવક : “અમ્મા, આજે લોકો ગુરુનું અનુસરણ કરવામાં ઘણી હીનતા અનુભવે છે. જે લોકો મહાત્માઓને નમે છે, તેમનાપર તેઓ આક્ષેપો મુકે છે.”

અમ્મા : “પુત્ર, પહેલાંના દિવસોમાં, ઘરના પ્રવેશદ્વારની ઉંચાઈ ઘણી ઓછી રાખવામાં આવતી. તે પાછળનો ઉદે્‌શ, આપણામાં વિનય કેળવવાનો હતો. બારણા સાથે આપણું માથું ભટકાય નહિ, માટે તમે વાંકા વળીને જ, વિનયપૂર્વક  ઘરમાં પ્રવેશ કરો. આ જ પ્રમાણે, એક ગુરુ પાસે મસ્તક નમાવવાનો ઉદ્દેશેશ, આપણા અહમ્‌ના કારણે ઉદ્‌ભવતા ખતરાઓને દૂર કરી, આત્માને જાગ્રત કરવાનો છે.

“આજે આપણામાંનાં હરએક અષ્ટઅહંકારના પ્રતિરૂપ છીએ. આમાં પરિવર્તન લાવી, આપણા યથાર્થ સ્વરૂપને બહાર લાવવું હોય, તો એક ગુરુની નીચે  શિષ્યત્વ સ્વીકારી,  વિનયપૂર્વક તેઓશ્રીના વચનોનું પાલન કરવું જોઈએ. આજે આપણે ગુરુના વચનોનું પાલન કરી, આગળ વધીશું, તો આવતીકાલે સમસ્ત વિશ્વને અભય પ્રદાન કરનારમાં પરિવર્તિત થશું. ગુરુના સામિપ્યથી આપણી શક્તિને જાગૃત કરી, સાધના દ્વારા તેને વિકસાવવી જોઈએ.”

યુવક : “અમ્મા, શું શાસ્ત્રો એમ નથી કહેતા કે, ઈશ્વર આપણી અંદરજ છે,  તે આપણાથી ભિન્ન નથી? તો પછી ગુરુની શું જરૂર છે?”

અમ્મા : “હા પુત્ર, ઈશ્વર આપણી અંદર જ છે. રત્નો અને જે પેટીમાં તેને સાચવીને રાખ્યા છે, તેની ચાવી આપણી અંદર જ છે. પરંતુ, આથી સભાન ન હોવાથી, આપણે તેને બહાર શોધીએ છીએ. તે ચાવીને આટલા દિવસો ન વાપરવાથી, તેમાં કાટ લાગેલ છે. તેના પર ગ્રીસ લગાવી, કાટને કાઢવાનો છે. આ માટે આપણે ગુરુ પાસે આવીએ છીએ. ઈશ્વરને જાણવા હોય, તો ગુરુમાં આશ્રય લઈ, આપણી અંદરના અહમ્‌ને દૂર કરવો જોઈએ. આ માટે, વિનય અને સમર્પણના ભાવ સાથે ગુરુનું અનુસરણ કરવું જોઈએ.

“એક વૃક્ષમાં અસંખ્ય લોકોને ફળ આપવાની ક્ષમતા છે. ત્યારે આપણે  હજુ બીજ છીએ. વૃક્ષ નથી બન્યા. ગુરુ તો તપ કરી, પૂર્ણ થયા છે. માટે જ, ગુરુનું સામિપ્ય પ્રાપ્ત કરી, તેમના નિર્દેશાનુસાર સાધના કરવી જોઈએ.

“પર્વતના ટોચ પર તમે કૂવો ખોદો, તો કેટલાય ફૂટ ઊંડો ખોદો પછી તમને કદાચ પાણી મળે. ત્યારે નદી કિનારે એક નાનો ખાડો ખોદો તો પણ પાણી મળી જશે. આ જ પ્રમાણે છે, ગુરુના  સામિપ્યથી  આપણને થતું પ્રયોજન. ગુરુના સામિપ્યમાં આપણી અંદર સદ્‌ગુણો ઝડપથી વિકસે છે. સાધનાનું ત્વરિત ફળ મળે છે.  આજે  આપણે  ઈંદ્રિયોને સ્વાધીન છીએ. પરંતુ ગુરુની ઇચ્છાનુસાર જો આગળ વધીએ,  તો ઇંદ્રિયો આપણને સ્વાધીન થશે.

“જે પોતાના ગુરુ સાથે જીવન વિતાવે છે, તેઓ ગુરુની કૃપા માટે પ્રયત્ન કરે, તો તે પર્યાપ્ત છે. તેમની શક્તિ આપણામાં પ્રસરશે. જે સ્થળપર કરંટ હોય, ત્યાં હાથ લાગે તો શોક નથી લાગતો શું? આ જ પ્રમાણે, ગુરુમાં આશ્રય લેવાથી, તે શક્તિ આપણામાં વહે છે.

“ગુરુ ત્યાગી છે. સત્ય, ધર્મ,દયા, પ્રેમ વગેરે સદ્‌ગુણોની નિધિ છે. આપણે જ્યારે  સત્ય, ધર્મ વગેરે  શબ્દોને ઉચ્ચારીએ છીએ, ત્યારે તેમને પોતાનું કોઈ અસ્તિત્વ હોતું નથી. તે નીર્જીવ છે. પરંતુ, સદ્‌ગુરુ તો આ સદ્‌ગુણોના સાક્ષાત સ્વરૂપ છે. તેમની પાસેથી  આ જગતને બધું સારું જ મળે છે. આપણે કોઈ દુઃસ્વભાવવાળી વ્યક્તિ સાથે મૈત્રી કરીએ, તો આપણે પણ દુઃસ્વભાવવાળા બની જશું. આપણો મિત્ર, સદ્‌સ્વભાવવાળો હશે, તો આપણા સ્વભાવમાં પણ તેને અનુસરીને પરિવર્તન આવશે. આ જ પ્રમાણે, જે ગુરુની સાથે જીવે છે, તેઓ તો ફળદ્રુપ ખેતરો છે, જ્યાં ફકત સદ્‌ગુણોની જ ખેતી થાય છે.
“ખેતરમાંથી ઘાસ, ખડ વગેરે ન કાઢો અને ત્યાં બીજ વાવો, તો તે તમે વાવેલા બીજનો ખાઈને નાશ કરે છે. અહમ્‌નો ત્યાગ કર્યા વિના, સાધના કરીએ તો સાધનાના બધા ફળ તે ખાઈ જશે. કોંકરેટ તૈયાર કરતી વખતે, તેમાં ધોઈને સાફ કરેલી કાપચીનો ઉપયોગ કરીએ, તો તે વધુ દ્રઢ હશે. આ જ પ્રમાણે, શુદ્ધ મનમાં જ ઈશ્વરસ્મરણ દ્રઢ બને છે. સ્વાર્થ અને અહમ્‌નો ત્યાગ કરી, સાધના કરીએ, તો આ સત્યની અનુભૂતિ થશે કે, તમો સ્વયં ઈશ્વર છો.”

મહાન ગુરુઓ કેવળ ઉપદેશ નહિ, પરંતુ ઉદાહરણ દ્વારા પાઠ શીખવે છે!  અમ્માના જીવનનો પ્રત્યેક દિવસ, પ્રત્યેક ક્ષણ, આ વાતનું દ્રષ્ટાંત છે. અમ્મા, પોતાના બાળકો પાસેથી જેની પ્રતીક્ષા કરે છે,  તેઓ સ્વયં તે માટેનો દાખલો બેસાડે છે.
“સ્વયં આચરતેયસ્માત્‌, તસ્માદાચાર્ય ઉચ્યતે.”

આનું અનિર્વચનીય ઉદાહરણ છે, અમ્મા.

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)