ગઈકાલે ભાવદર્શન હોવાથી, લોકોની ભારે ભીડ હતી. બપોરનું ભોજન પિરસવા, એક બ્રહ્મચારીએ તેની કુટીરમાં, તેની સાથે રહેતા એક અન્ય બ્રહ્મચારીને મદદ કરવા માટે બોલાવ્યો. પણ તે બ્રહ્મચારી ધ્યાન કરતો હતો, માટે તે મદદ કરવા આવ્યો નહિ. આ વાત અમ્માને પહોંચી. આની જાણ થતાં, પેલો બ્રહ્મચારી આજ સવારથી અમ્માથી મોં છીપાવતો ફરતો હતો. અત્યારે તે અમ્માની પાછળ જ બેઠો હતો. અચાનક અમ્માએ પાછું ફરી તે બ્રહ્મચારી તરફ નજર કરી. અમ્માનું મુખ જોવાને અસમર્થ તે બ્રહ્મચારી માથું નીચું કરી બેઠો હતો. બ્રહ્મચારીના મનના વિચારથી પરિચિત, અમ્માએ કહ્યું,
અમ્મા : “બાળકો, તમે જાણો છો, તમારી પાસેથી અમ્માને શું શું અપેક્ષાઓ છે? તમારે તો સૂરજ જેવા બનવાનું છે. તમારે કોઈ આગીયા જેવું નથી બનવાનું. આગીયા તો ફક્ત પોતાની આવશ્યકતા માટે પ્રકાશ આપે છે. તમે એવા બનશો નહિ. તમારે તો ફક્ત નિઃસ્વાર્થતા માટે જ ઇચ્છા કરવી જોઈએ. મૃત્યુની ઘડીમાં પણ, તમે બીજાને સહાય કરવા હાથ લંબાવી શકો એવા બનવાનું છે.
“બાળકો, હંમેશા આ વાતની કાળજી રાખવી જોઈએ કે, તમે જે કાર્ય કરો તે અન્યની સહાય માટે, તેમને સંતોષ આપવા ખાતર હોવું જોઈએ. તે જો શક્ય ન હોય, તો ઓછામાં ઓછું આ બાબતની તો ચોકસાઈ રાખવી જ જોઈએ કે આપણા કાર્યથી બીજાને કોઈ અસુવિધા કે દુઃખ ન થાય. વિચાર, વચન કે કાર્યોથી કોઈને હાની ન પહોંચે, પણ હંમેશા તે અન્ય માટે હિતકારક રહે, આ પ્રકારની પ્રાર્થના જ યથાર્થ પ્રાર્થના છે. આપણી પ્રગતિ કરતાં, બીજાની પ્રગતિ માટે પ્રાર્થના કરવાની ક્ષમતા આપણામાં હોવી જોઈએ. આ પ્રકારનું મન પ્રાપ્ત કરવું, એ જ મારાં બાળકો, આપણી સૌથી મહાન પ્રાપ્તિ છે. અન્યના દુઃખમાં દુઃખી અને અન્યના સુખમાં સુખી, આ જ યથાર્થ ઈશ્વર આરાધના છે. તેઓ અન્યમાં સ્વયંને જુએ છે. શાંતિ અને સમાધાનયુક્ત જગત તેમના માટે જ તો છે.”
કાદીનૂ કાદાય, મનસ્સિન્ન મનસાઈ, કન્નીનૂ કાણાય, વિલસુનોર્મ્મે…. કાનોના કાન, મનનું રે મન નયનોના નયન બની, વિલસો તમો મા પ્રાણોના પ્રાણ તમે એક અમ્મા જીવનનું જીવન તું ને તું મા આત્માના આત્મા, સમુદ્રના મોજાં જેમ વિદ્યામૃતના અમૃત તમો હો અમ્મા અમૃત તણા મોતિ આનંદના સત્વ તમો જ મહામાયા બ્રહ્મ તમે જ છો નયનો ન દેખે, મન ના ગ્રહણ કરે શબ્દો બને મૂક તારી સામે ઓ અમ્મા જોયાં છતાં જોયા ના તને અમમા બુદ્ધિથી પર, મા તું મહેશ્વરી સૂર્ય, ચંદ્ર ને તારાઓ, સ્વયં ન પ્રકાશે તારાં તેજસમાં સર્વ પ્રકાશ પામે વીર જ એક, વિવેક દ્વારા તે પરમ તત્વના માર્ગે ગમન કરે……. કાનોના કાન
ભજન પૂરા થયા. બધાએ થોડો સમય ધ્યાન કર્યું. એટલામાં રાત્રિના ભોજનનો સમય થઈ ગયો. અમ્માની આંગળીઓ નીચે, તંબૂરાના તારનો મીઠો ધ્વનિ, હજુ પણ બધાના મનમાં આનંદ પાથરતો ગુંજતો હતો.
અનંત આનંદ તરફના માર્ગ પર, પરમ સત્યના પથ પર વિવેક મહીં, એક ધીર જ આગળ વધી શકે!
શું એક ધીર જ કૈવલ્ય ધામને પ્રાપ્ત કરી શકે? હે અમ્મા, કાગડાઓ હંસનું અનુકરણ કરી ઊડવાનો પ્રયત્ન કરે, તેવો વ્યર્થ જશે શું અધ્યાત્મનો અમારો આ પ્રયત્ન? અંતરમાંથી અમ્માના સુનિશ્ચિત સ્વરે સાંત્વના પ્રદાન કરી, “બાળકો, શું અમ્મા તમારી સાથે નથી….?”
“અમ્મા જાણે છે કે, આજે ગુરુપૂર્ણિમાના અવસર પર અહીં ન પહોંચી શકવાથી ઘણા ભક્તો ઉદાસ છે. આપણે સરકારના નિયમોનું પાલન કરવું જ રહ્યું. આશ્રમમાં આટલા બધા લોકો વાસ કરતા હોવાથી, અમ્મા માટે તેમની સુરક્ષાની ખાતરી પણ કરવી જરૂરી છે. આપણે જ્યારે આદર્શ નાગરિક તરીકે વર્તન કરીએ, તયારે બીજા લોકો પણ યોગ્ય રીતે વ્યવહાર કરશે. ભલે તમારામાંના ઘણાખરા આશ્રમની બહાર છો, તેમછતાં તમો અમ્માના હૃદયમાં જ છો. અમ્મા જાણે છે કે, તમો અમ્માના હૃદયમાં છો અને અમ્મા પણ તમારામાં છે. કેટલાક દેશોમાં કરોનાથી મૃત્યુ પામનારનું પ્રમાણ ઘટી રહ્યું છે. ત્યારે અન્ય દેશોમાં તેમાં વધારો થતો જોવા મળે છે. ભારતમાં આ વાયરસ હવે ઝડપથી પ્રસરવા લાગ્યો છે. મારા બાળકો, આપ સહું હૃદયથી બધા માટે પ્રાર્થના કરશો કે, સંયમ રાખવા જેટલો વિવેક તેમનામાં હોય અને વાયરસને પ્રસરતા અટકાવવા આવશ્યક પ્રતિબંધોનું પાલન કરે. આપણે જ્યાં સુધી સ્વયંને પ્રતિબંધિત નહિ કરીએ, સરકાર દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોની કોઈ અસર નહિ રહે. આ સંયમની આવશ્યકતા માટેની જાગરૂકતા હરકોઈમાં ઉદિત થાય.
સમાજની આજની સ્થિતિ જોઈ, અમ્માને લાગે છે કે, જો આપણે જીવિત હશું તો જ જીવન હશે. પરંતુ જીવિત રહેવા માટે કેટલિક પ્રાથમિક આવશ્યકતાઓ પૂરી કરવાની છે. ખોરાક આવશ્યક છે. જો વેપાર ચાલે અને વ્યવસાયિક લેવડ દેવડ થાય તો આપણને ખોરાક મળી શકે. આધ્યાત્મિક જીવનમાં પણ ખોરાકનું મહત્વ બતાવવામાં આવેલ છે. ગીતામાં પણ આનો ઉલ્લેખ છે. એવા પણ લોકો છે, જેઓ આધ્યાત્મિક ઉત્થાનના અમુક સ્તર પછી હવા પર જીવી શકે છે. પરંતુ એક વાત તો સાચી કે, બધા જ લોકોના, આધ્યાત્મિક સાધકો સમેત બધાના શરીર પંચભૂતોના બનેલા છે. આધ્યાત્મિકતામાં શરીર કરતા મનનું મહત્વ વધારે હોવા છતાં, હૈયાત રહેવા ખોરાક જરૂરી છે. હવે જ્યારે દુકાનો ફરી ખુલવા લાગી છે અને લોકો ચીજ વસ્તુ ખરીદવા બહાર જવા લાગ્યા છે, આ રોગ પ્રસારણની શક્યતામાં પણ અતિશય વધારો થયો છે.
જો રાષ્ટ્રનો નિકાસ બંધ કરવામાં આવે, તો ઘણા દેશોમાં મહા ગંભીર આર્થિક સ્થિતિ ઊભી થાય. નાના ઉદ્યોગવાળા, ઑટો રીક્સા ચાલકો, ટેક્સી ડ્રાઈવરો, ચણતરનું કામ કરતા મજુરો અને અન્ય વ્યવસાય કરતા લોકો, બધા જ અત્યારે અત્યંત કઠણાઈ અનુભવી રહ્યાં છે. તેમની આ બધા જ પ્રકારની કઠણાઈથી આપણે સભાન રહેવું જોઈએ. કેટલાક રાષ્ટ્રોમાં એમ કહેવાય છે કે, જે વસ્તુ ર્સવપ્રથમ સહુંથી વધું વહેંચાઈ હતી, તે હતી – બંદુક. લોકોને બંદુક જોઈતી હતી. તેઓ આ વાતની ખાતરી કરવા માગતા હતા કે, તેમને ખાવાને પર્યાપ્ત ખોરાક મળી રહે. ભલે પછી આ માટે કોઈને હાનિ પહોંચાવડી પડે! આ સાથે દુકાનોમાં અનાજ અને અન્ય પદાર્થો જડપથી ખાલી થઈ ગયા. કારણ કે, લોકો મહિનાઓ સુધી ચાલે તેટલું અનાજ સંઘરવા લાગ્યા. ભયના માર્યા તેમણે આમ કર્યું હતું પણ આ કારણસર ઘણા લોકોને પર્યાપ્ત અનાજ મળ્યું નહિ. કારણ કે, થોડા લોકોએ દુકાનોમાંની બધી જ વસ્તુઓ ખરીદી લીધી. આ બધા આપણને શીખવાના પાઠો છે. આ આપણને સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે તે બતાવે છે.
સમસ્ત વિશ્વ કરુણાના કેંદ્ર બિંદુની ગોળ ફરે છે. કેવળ આ જ તેને જાળવીને છે. પ્રકૃતિમાં આ જોવા મળે છે, જ્યાં બધા જ જીવો સહ – અસ્તિત્વ ધરાવે છે અને પરસ્પર એકબીજાને હૈયાત રહેવા સૂક્ષ્મ અને સ્થૂળ રીતે સહાય કરે છે. જેમ જેમ વધુ વૃક્ષો અને જનાવરોનો નાશ કરવામાં આવે છે, તેમ તેમનો વિલય થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે,આ સાથે આપણને શુદ્ધ વાયુ મળવો મુશ્કેલ થયો છે. જેથી પછી આપણા શરીર અશુદ્ધ બને છે, આપણો ખોરાક પ્રદુષીત થાય છે, વગેરે…
મનુષ્ય પ્રયત્ન સીમિત છે. તમે જોઈ શકો છો કે, આપણે ચાહીએ તેમ કંઈ બનતું નથી. જે બને છે, તે ઈશ્વરની ઇચ્છા અનુસાર જ બને છે. કદાચ આ પ્રકૃતિની સાજા થવાની પ્રક્રિયા હશે. અમ્માને લાગે છે કે, પ્રકૃતિ સ્વયંને સ્વસ્થ કરી રહી છે. કારણ કે, કર્મનો સિદ્ધાંત સ્પષ્ટ જણાવે છે કે, જે આપણે આપીએ તે જ આપણને પાછું મળે છે. જેવું કરીએ તેવું ભરીએ! સારા કર્મોનું સારું પરિણામ આવે છે. ત્યારે ખરાબ કર્મો ખરાબ પરિણામ લાવે છે. કદાચ આ જ તો પ્રકૃતિ આપણને બતાવી રહી છે. આપણી પાસે કોઈ પસંદગી નથી. આપણે તો ફક્ત ઉચિત પ્રયત્ન કરવાનો છે અને પ્રયત્ન સાથે પ્રાર્થના કરવાની છે. આપણે ઘણા સહી કાર્યો કરી રહ્યાં છીએ. જેમ કે વૃક્ષારોપણ વગેરે… પરંતુ, આ સાથે આપણે દિવ્ય ઇચ્છાને પણ તાલબદ્ધ થવું જોઈએ. અમ્માને આશ્રમમાં અને આશ્રમની બહાર ઘણા બાળકો છે. જેઓ કરુણા અને પ્રેમથી કાર્ય કરી રહ્યાં છે. આ સાથે આપણે તે ડૉક્ટરો, નર્સો, હૉસ્પિટલોના કાર્યકરો, પોલિસ લોકો અને અન્ય લોકોને કૃતજ્ઞતા સાથે યાદ કરવા જોઈએ જેઓ અગ્રિમ હરોળમાં કાર્ય કરે છે. પ્રતિદિન તેઓ પોતાના જીવના જોખમે આ બીમારીથી પીડિત લોકોની સેવા કરી રહ્યાં છે. ઘણા લોકો કરુણા વશ બીજાની સહાય કરે છે. અત્યારે પરિસ્થિતી ઘણી ગંભીર છે. માટે મારા બાળકો, કૃપા કરી તીવ્રતાથી બધા લોકો માટે પ્રાર્થના કરશો.
બધાએ આંખ બંધ કરી અત્યંત તીવ્રતાથી પ્રાર્થના કરવાની છે. અઢાર વખત પ્રમાણિકતાથી, નિષ્ઠાથી, પિગળતા, વ્યગ્રતા સાથે – “લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ”, આ મંત્રનો જાપ કરો. આપણે તો ફક્ત આટલું જ કરી શકીએ.
“ગુરુપૂર્ણિમા”, આ પદ ગુરુની તુલના પૂર્ણિમાના ચંદ્ર સાથે કરે છે. રાતના જે જાગે છે, તેમને પૂર્ણ ચંદ્રના પ્રકાશનો લાભ મળે છે. ફક્ત “પૂનમનો ચંદ્ર“ એમ સાંભળતા જ આપણા હૃદય આનંદથી ભરાઈ જાય છે. શા માટે આમ થાય છે, તેનો વિચાર સુદ્ધા ન કરતા, તેને જોવા માટે ખેંચાણ અનુભવિએ છીએ અને તેની ભવ્યતા નિહાળતા તેનો આનંદ લઈએ છીએ. એમ પણ બને કે, બધું વિસરી આપણે નાચવા લાગીએ. ઘોર અંધારી રાત્રીના મધ્યે જો પ્રકાશ જોવા મળે, ત્યારે જેમ તરસ કોઈ વ્યક્તિને પીવાને પાણી મળે, તેના જેવી રાહત વ્યક્તિ અનુભવે છે. પૂર્ણિમાના સમયે ભરતી તેની પરાકાષ્ટા પર હોય છે. પૂર્ણ ચંદ્રમામાં આકર્ષણ અને લોહચુંબકત્વ, બંને હોય છે. જે આપણા મનનો ઉદ્ધાર કરે છે. તાત્વિક રીતે કે વૈજ્ઞાનિક રીતે અન્ય અનેક વ્યાખ્યાઓ પણ હશે, તેમ છતાં કારણ ભલે ગમે તે હોય, ચંદ્રની ચાંદની બધાને આનંદ આપે છે.
ગુરુ પણ આવા જ છે. એક સદ્ગુરુ સમસ્ત વિશ્વને શુભતાથી અનુગ્રહિત કરે છે. ગુરુ સાથેનો કોઈ પણ પ્રકારનો સમાગમ ફક્ત સારપ અને ભવ્યતા જ આપી શકે. સૂર્યોદય સમયે અંધકારનું કોઈ અસ્તિત્વ નથી રહેતું. આ જ પ્રમાણે, આપણા શિક્ષકો કે જેઓ આપણને વિધ વિધ વિશયોમાં શિક્ષિત કરે છે, તેઓ આપણી અંદર રહેલા અંજ્ઞાનના અંધકારને દૂર કરે છે. પરંતુ, એક વિજ્ઞાન એવું છે, જે અન્ય બધા જ વિજ્ઞાનો કરતાં ક્યાંય મહાન અને ઉમદા છે. આ આત્મવિદ્યા છે, આત્માનું વિજ્ઞાન છે. આ ભૌતિક જગતને સંબંધિત બધું જ જ્ઞાન દ્વૈત પર આધારિત છે. પરંતુ, આધ્યાત્મિકતા તે વિજ્ઞાન છે, આપણામાંના હરેકમાં “હું” રૂપે પ્રકાશમાન સત્યને પ્રકટ કરે છે. સદ્ગુરુ આપણને અદ્વૈતના આ જ્ઞાન તરફ દોરી જાય છે. શિષ્યે ગુરુ પ્રતિ હર ક્ષણ, હર હંમેશ આદર અને ભક્તિ જાળવવા જોઈએ. તેમછતાં મહર્ષિ વેદવ્યાસની વર્ષગાંઠને ગુરુપૂર્ણિમા તરીકે જુદી રાખવામાં આવી છે. ગુરુ પ્રત્યેના આ આદરને, સંમાનને ઉજવવા માટેનો આ એક વિશેષ દિવસ છે. કેટલાક લોકોનું કહેવું છે કે, “ઈશ્વર અને ગુરુ બંને આપણામાંના હરેકની અંદર વાસ કરે છે. તો પછી બહારી ગુરુની શું જરૂર છે?” ઈશ્વર અને ગુરુ બંને આપણી અંદર વાસ કરે છે, પરંતુ આપણી માનસિક સ્થિતિ તેમની ઉપસ્થિતિને ગ્રહણ કરવાને સમર્થ નથી. અત્યારે આપણે બહિર્મુખી છીએ. માટે, આંતરિક ગુરુને આપણે જાગૃત કરવાના છે. આંતરિક ગુરુ જાગૃત ન થાય ત્યાં સુધી એક આધ્યાત્મિક સાધકને બહારી ગુરુનું માર્ગદર્શન અનિવાર્ય છે.
અત્યારે શિષ્ય પોતાના દેહ સાથે એકરૂપ છે. પરંતુ તે પોતાના શરીર સાથેની એકરૂપતાથી ઉપર ઊઠી, પોતે જ સાચો આત્મા છે, આનો સાક્ષાત્કાર કરવાને ચાહે છે. સદ્ગુરુ તે વ્યક્તિ છે, જે શિષ્યમાંથી અજ્ઞાનના અંધકારને દૂર કરે છે.
ગુરુ તેલના દીવાની પ્રકાશમાન જ્યોત જેવા છે. શિષ્યની અંદરના અંધકારને દૂર કરવા તેની અંદર રહેલા આંતરિક દીપને પ્રજ્વલિત કરવો જરૂરી છે. અહીં ગુરુરૂપિ દીપકની જરૂર પડે છે. જો આવશ્યક પ્રયત્ન કરવામાં આવે તો દિવ્ય કૃપાના દ્વાર ચોક્કસ ખુલશે.
આ કૃપાને પ્રાપ્ત કરવા જેટલી શક્તિ અને આશીર્વાદ મારા બાળકોને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. બધાને ઈશ્વર કૃપા અનુગ્રહિત કરે.
અનિવાર્ય એવા આ પડકારથી પાર આવવા, તેની સાથે મંથન કરતા, આખું વર્ષ પસાર થઈ ગયું. હવે એક નવા વર્ષની શરૂઆત થઈ છે. વાસ્તવમાં ૨૦૨૦ની સાલ માનવતા માટે કસોટીનો સમય હતો. અનેક જીવન નષ્ટ પામ્યા, તેમછતાં નિરાશ થયા વિના, આત્મ-વિશ્વાસ સાથે, હૃદયમાં પ્રાર્થના સાથે આપણે આ મહામારીનો સામનો કરી રહ્યાં છીએ. જેમ જેમ ૨૦૨૧ની શરૂઆત થાય છે, ઈશ્વર અને પ્રકૃતિએ આપણને જે કઠોર ચેતવણીઓ આપી છે,તેને કદાપી ભૂલ્યા વિના, આશા સાથે આપણે આગળ વધીએ.
આજે ઘણા લોકો જાણે ગહન અંધકારમાં ડૂબેલા જંગલમાં ખોવાય ગયા હોય, તે રીતે જીવન જીવે છે. સૂર્યની પ્રથમ કીરણોની એ આશા સાથે રાહ જોઈ રહ્યાં છે, કે નવવર્ષની પ્રથમ કીરણો, ૨૦૨૦ સાલના બધા અંધકારને પાછળ મૂકી, જીવન ફરી પહેલાંની જેમ સામાન્ય સ્થિતિમાં પાછું ફરશે. અમ્મા પરમાત્માને પ્રાર્થના છે કે, તેઓશ્રીના બધા જ બાળકોની પ્રાર્થનાઓ અને ઇચ્છાઓ સત્ય બને. વિશ્વભરમાં સર્વત્ર સુખ, શાંતિ અને સુસ્વાસ્થ્ય રહે. અમ્મા ફરી ફરી પરમાત્માને પ્રાર્થના કરે છે કે, આ વિશ્વને કોરોનાના વાયરસની પકડમાંથી મુક્ત કરે, કે જેણે સેક્ડો હજારો લોકોના જીવ લીધા છે.
આપણને લાગશે કે બહારની દુનીયા અંધકારથી ઘેરાયેલી છે. પરંતુ, આ સમય આપણી અંદર પ્રકાશના દીપકને પ્રજ્વલિત કરવા અને બહારી અંધકારને આપણા આ આંતરિક પ્રકાશથી દૂર કરવાના ઉત્તમ અવસરો બક્ષે છે. આ આંતરિક જ્યોતને પ્રજ્વલિત કરવા હર કોઈ પ્રયત્નશીલ રહે.
અહીં આ અનિવાર્ય છે કે, આપણે ધીરજ, મનોબળ અને આશાવાદી વિશ્વાસ જેવા ગુણને વિકસાવીએ, જે આપણને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવા સહાય કરે છે. આ ગુણ જો આપણે કેળવીએ, તો ચોક્કસ આપણે આપણી બહારી પરિસ્થિતિઓમાં પણ સહજ જ પરિવર્તન લાવી શકીશું.
ફકત નવવર્ષના દિવસે ઉત્સાહ અને જોશ હોવો પર્યાપ્ત નથી. આપણે તો આ વાતની ખાતરી કરવાની છે કે, નવવર્ષના એક એક દિવસ આ આપણી સાથે રહે. આમ જ્યારે આપણે કરીશું, ત્યારે તે ફક્ત આપણા જીવન જ નહિ પરંતુ આપણી આજું બાજું હરકોઈમાં ઉત્સાહ અને ઉમંગ પ્રસારે છે. આ પ્રમાણે આપણે આપણી આસપાસ સર્વત્ર વસંત કુસુમિત કરી શકીએ.
અમ્માના બધા જ બાળકો આ ધરા પર પ્રેમ અને શાંતિના દૂત બને! મારાં બધા જ બાળકોના જીવન સુખ અને શાંતિથી સભર હો! કૃપા અમ્માના બધા જ બાળકોને અનુગ્રહિત કરે! ૐ
“અમ્મા ભલે શારીરિક રીતે તમો બાળકોના હસતા ચહેરા નથી જોઈ શકતા, પરંતુ અમ્મા આપ સહુંમાંના એક એકને પોતાના હૃદયમાં નિહાળી રહ્યાં છે. અમ્મા હંમેશા આપના જ વિચાર કરે છે અને તેઓ આપ સહું માટે પ્રાર્થના કરે છે.”
અમ્માએ આગળ કહ્યું હતું કે, “મનુષ્યની સ્વાર્થતા અને પ્રકૃતિનું હદબહાર શોષણ, કોવીડ-૧૯ મહામારી માટે જવાબદાર છે.
“પ્રકૃતિ આજે થોડા સમયથી આ વિશેની સૂચનાઓ આપણને મોકલતી રહી છે. પરંતુ, મનુષ્યે તે જોવાને, સાંભળવાને કે તેમાં રહેલા અત્યંત ગંભીર સંદેશને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જે ખરાબ આદતો આપણે કેળવી છે, તે હવે આપણો સ્વભાવ બની ગઈ છે. તે આદતોએ ક્રમશઃ આપણી વર્તણુક અને આપણી જીવન રીતને આકાર આપ્યો છે. આપણો અહંકાર આપણને બદલવા નથી દેતો. આપણે વિચાર્યું હતું કે, આ પરિસ્થિતિ વધું સમય નહિ રહે, પરંતુ આપણી બૌધિક ગણતરીઓ અને આધુનિક વિજ્ઞાન પણ ખોટા પડયાં છે. કોરોના વાયરસ સામે મનુષ્ય નિઃસહાય અને અરક્ષિત બની ગયો છે.”
અમ્માએ કહ્યું કે, “બીજાના દોશ શોધવા કે પશ્ચાતાપ કરવાનો આ સમય નથી. અત્યારે જેની જરૂર છે, તે આળસને એકબાજું પર મૂકી, પૂર્ણ જાગરૂકતા અને હિમ્મત સાથે ધાર્મિક કાર્યો કરવાના છે. અમ્માએ પછી માનવતાને આગળ વધવા અનુસરવાને સાત મુદ્દાઓ કહ્યાં હતાં.
આ સાત મુદ્દાઓ આ પ્રમાણે છેઃ ૧. શક્ય તેટલું તમારા શરીર અને મનને નિયંત્રણમાં રાખો. ૨. નિયમિત થોડી ઘણી પણ આધ્યાત્મિક સાધના કરવાનું રાખો. ૩. પ્રકૃતિ સંરક્ષણને તમારા નિત્ય દૈનિક ક્રમનો ભાગ બનાવો. ૪. પ્રકૃતિની શક્તિઓને તુચ્છ માની, તેને નિમ્ન માનશો નહિ. ૫. જીવનને વિશાળ દ્રષ્ટિકોણથી જૂઓ. ૬. તમારી સ્વાર્થી અને નિસ્વાર્થ જરૂરીયાતો વચ્ચે સંતુલન બનાવશો. ૭. ઈશ્વર-પરમેશ્વર દ્વારા બનાવવામાં આવેલ વૈશ્વિક નિયમોને સમજો અને તેનું પાલન કરશો.
મનુષ્યની સ્વાર્થતા વિશે સમજાવતા અમ્માએ આગળ કહ્યું, “ફેંકી દેવાના ઉત્પાદનો માટે એક સમાન પદ વાપરવામાં આવે છેઃ ઉપયોગ કરો અને ફેંકી દો, (યુસ એન્ડ થ્રો). વાસ્તવમાં આ કથન, આજે આપણે જે કાળમાં રહીએ છીએ, તેનું વર્ણન કરે છે. આજે સમાજમાં આ પ્રકારના મનોભાવનું વર્ચસ્વ છે. આ પછી જે વસ્તુ આપણે ખરીદીએ તે વિશે હોય અથવા પ્રકૃતિ કે પછી આપણા સંબંધો વિશે હોય. આ દ્રષ્ટિકોણ સ્વાર્થતામાંથી જન્મ લે છે. સ્વાર્થતા સ્વયં રચીત રોગ જેવી છે, જ્યાં આપણા શરીરના જીવકોશ સ્વયં આપણા પર આક્રમણ કરે છે, અને આપણા જ શરીરનો નાશ કરે છે. અન્ય લોકોની ભાવનાઓ અને અધિકારોને ધ્યાનમાં લેવાની આપણી ક્ષમતા નાશ પામે છે. પોતાના નીજી લાભ ખાતર પાડોશીઓ કે પ્રકૃતિને નુકશાન પહોંચાડવામાં લોકો સ્હેજેય ખેદ કે પસ્તાવાની લાગણી અનુભવતા નથી. પરંતુ, આ પ્રમાણે અપ્રમાણિકતાથી પ્રાપ્ત કરેલ લાભથી ક્યારેય કોઈનું ભલું થયું નથી.” સ્પષ્ટ કરતા અમ્માએ કહ્યું હતું કે, “કોવીડ પ્રકૃતિ પાસેથી મળેલી સજા નથી. પરંતુ, મનુષ્યને સ્વયંને સુધારવા સહાય કરવા માટેની ચેતવણી છે.
“આપણને લાગશે કે, સંઘર્ષનો આ સમય પ્રકૃતિ તરફથી પ્રાપ્ત સજા છે. પરંતુ, આ રીતે તેને લેશો નહિ. આને આપણી જીવન રીત સુધારવા માટે પ્રકૃતિની હાકલ સમજશો. આપણે વધું ખરાબ કાર્યો ન કરીએ, તે માટે આ ઈશ્વર પાસેથી પ્રાપ્ત શોક ટ્રીટમેન્ટ છે, એમ વિચારશો. ધરતી માતા અને પ્રકૃતિ માતા, બંનેને ધીરજના મૂર્ત સ્વરૂપ માનવામાં આવ્યા છે. પરંતુ મનુષ્યે આ ધીરજને, બધા જ પ્રકારના અત્યાચાર કરવા માટેની પરવાનગી માની લીધી છે. આ ભૂલને સુધારવાનો સમય થઈ ચૂક્યો છે.”
પોતાના સંદેશના અંતમાં અમ્માએ કરુણાની તાતી જરૂર પર ભાર દેતા કહ્યું હતું, “પવન જે દિશામાં વાય છે, ફૂલની સુંગંધ પણ તે દિશામાં જ પ્રસરે છે. પરંતુ, સારપની સુવાસ તો બધી જ દિશાઓમાં સમાનરૂપે પ્રસરે છે. આ વિશ્વમાં બધા જ લોકોને સહાય કરવાને આપણાથી કદાચ ન થાય, પણ જો આપણી આજું બાજુંના થોડા લોકો પ્રતિ આપણે કરુણા પ્રકટ કરી શકીએ, તો તેઓ અન્ય લોકો પ્રતિ તેને પસાર કરશે અને પછી બહું જ જલ્દી સાંકળની કડીની જેમ તે પ્રસરવા લાગશે. આ કરુણાનો વાયરસ, કરોનાના વાયરસ પર વિજય મેળવવાને સક્ષમ છે. આ જ તો તે વાયરસ છે, જેને આજે સમસ્ત વિશ્વમાં પ્રસારવો જરૂરી છે.” અમ્મા પછી બધા આશ્રમવાસીઓને વિશ્વ શાંતિ માટેની પ્રાર્થનામાં દોરી ગયા હતા. આ ધ્યાનમાં બધા આશ્રમવાસીઓએ આકાશમાંથી શાંતિના સફેદ ફૂલની વૃષ્ટી થઈ રહી છે, એવી કલ્પના કરી હતી. વાસ્તવમાં ઘણા વર્ષો પહેલાં અમ્માએ વારંવાર ચેતવણી આપી હતી કે, ૨૦૨૦ માનવતા માટે અત્યંત કષ્ટદાયક વર્ષ હશે. ૐ
એક બ્રહ્મચારી સાધના માટેના પ્રાયોગિક નિર્દેશો મેળવવા અમ્મા પાસે આવ્યો. ધ્યાન માટેના આવશ્યક નિર્દેશો આપી, અમ્માએ કહ્યું, “પુત્ર, કુટસ્થમાં ધ્યાન કરવું ઉત્તમ છે. અરીસામાં જેમ તમારું પ્રતિબિંબ જુઓ છો, તે જ પ્રમાણે કુટસ્થમાં ઈષ્ટદેવને જોવા જોઈએ. અહીં (બ્રહ્મચારીના કુટસ્થ પર પોતાની આંગળી રાખતા,) એક મંદિરની કલ્પના કરી, ઈષ્ટદેવ મંદિરમાં અંદર બેઠા છે એવી ભાવના કરવી.
“સમયપત્રકની જેમ, કામ પૂરું કરવા ખાતર જે ધ્યાન કરે છે, તેમને ક્યારેય ઈશ્વર મળતા નથી. આહાર અને ઊંઘનો ત્યાગ કરી, રાતદિવસ ઈશ્વર દર્શન માટે રડે, તેમને જ ઈશ્વરાનુભૂતિ થાય છે. આટલો વૈરાગ્ય આવવો જોઈએ. શરીર પર મરચાનો લેપ લગાડયો હોય, તો તેની બળતરામાંથી છુટકારો મેળવવા તમે કેટલા વ્યાકુળ હશો, તેવી વ્યાકુળતા ઈશ્વર સાક્ષાત્કાર માટે હોવી જોઈએ. ઈશ્વર દર્શન માટે પળ પળ સતત રડવું જોઈએ. ત્યારે જ, ગાઢ નિદ્રામાં જેમ બધા વિચારો અદ્રશ્ય થાય છે, તેમ સર્વકાંઈ ભૂલીને તમે દિવ્યાનુભૂતિના સ્તરપર પહોંચો છો.”
“નૌકાને સમુદ્રમાં તરતી મૂકવા, માછીમારો આંખ બંધ કરી, મોટેથી એક સાથે બૂમ મારતા સમુદ્રના મોજાંની વિરૂદ્ધ નૌકાને પૂર્ણ શકિત સાથે ધક્કા મારે છે. જ્યાં સુધી મોજાંની પાર ન પહોંચે, તેઓ અટકયા વિના, બૂમો મારી, સતત હલેસા મારતા હોય છે. મોજાંની પેલે પાર પહોંચ્યા પછી તેઓ હલેસાને એક બાજુપર રાખી, વિશ્રામ લઈ શકે છે. બંને બાજુ એક જ સમુદ્ર છે. પરંતુ, એક બાજુ મોજાંથી અસ્થિર છે અને બીજી બાજુ, નિશ્ચલ છે. અત્યારે આપણે કિનારાપર ચાલીએ છીએ. એક ક્ષણ માટે પણ વિશ્રામ ન લેવો જોઈએ. એટલી જાગરૂકતા આપણામાં હોવી જોઈએ. પૂર્ણ સાવધાની સાથે પરિશ્રમ કરવાનો છે. તો જ આપણે તે નિશ્ચલાવસ્થાને પ્રાપ્ત થશુઁ.
“તોતાપુરી, અદ્વૈતમાં સ્થિર હતા. ચારે બાજુ ચક્રાકારમાં અગ્નિ પ્રગટાવી, તેની મધ્યે ઊભા રહી તેઓ તપ કરતા હતા. શ્રી રામકૃષ્ણે સતત ઈશ્વર સ્મરણ દ્વારા સાક્ષાત્કાર કર્યો હતો. સાક્ષાત્કાર મેળવવા, ઈશ્વરને સતત તમારાં વિચારોમાં રાખવા જોઈએ. એક યથાર્થ સાધક, સમય જોઈને જપ કે ધ્યાન કરતો નથી. ઈશ્વર પ્રત્યેનો તેનો પ્રેમ બધા જ નિયમોથી પર છે. શરૂઆતમાં સાધકે નિયમોને પ્રેમ કરવો જોઈએ. પણ તે કોઈ ફરજ અદા કરતા હોઈએ, એ રીતનો ન હોવો જોઈએ. ઈશ્વરપ્રેમ માટે રડી રડીને પ્રાર્થના કરવી જોઈએ. ઈશ્વર ખાતર રડવું એ કોઈ નબળાઈ નથી. વાસ્તવમાં ઈશ્વર માટે જ રડવું જોઈએ. રામકૃષ્ણ કેવા હતા? કેવી હતી મીરા?”