બાળકો, આસપાસ નજર કરી જૂઓ. પરિસ્થતિનું વિશ્વ્લેષણ કરો. આજે સંસારની શું સ્તિથિ છે, તે સમજો. સંસારમાં આજે લોકો કેટ કેટલા પ્રકારના કષ્ટ સહન કરી રહ્યાં છે. આપણે તેમના જીવનને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.

એક વર્ષ પહેલાં બનેલી એક ઘટના અમ્માને અહીં યાદ આવે છે. મુંબઈની એક દીકરીએ અમ્માને આ બનાવ વિષે કહ્યું હતું. મુંબઈમાં એક જગ્યા પર એક માણસને ડાયાબિટીસની બીમારી હતી. તેમને પગમાં એકવાર ઘાવ થયો. ઘાવમાં ચેપ લાગતા, તે મોટો વ્રણ થયો. ડૉકટરને બતાવ્યું. ડૉકટરનું કહેવું હતું કે, “પગ કાપવો પડશે. અન્યથા ચેપ જો શરીરના ઉપરના ભાગમાં પ્રસરશે તો તે ખતરનાક હશે.” તેને બહુ દુઃખ થયું. ફક્ત પગ ખોવાનું દુઃખ નહિ, પરંતુ ઑપરેશન માટે રૂા.દસ પંદર હજારની જરૂર હતી. તેને કોઈ સ્થિર આવક હતી નહિ. જે કંઈ મળતું, તેનાથી મુશ્કેલીથી પરિવારનું ગુજરાન ચલાવતો. પગની બીમારી થતા, પહેલાંની જેમ તે કામ પર પણ જઈ શકતો ન હતો. ડૉકટરે કહેલી દવા ખરીદવા જેટલી રકમ પણ ન હોવાથી તે બહુ જ દુઃખી હતો. આવી સ્થતિમાં કોઈ કેવી રીતે ઑપરેશન માટે રકમ કાઢી શકે? એક દિવસ તે ગરીબ, રેલ્વેના પાટા પાસે જઈને બેસી ગયો. ટ્રેનનો આવવાનો સમય થતા, તેણે પોતાનો જખમી પગ પાટા પર આડો મૂકી દીધો. ટ્રેન આવી અને તેનો પગ કાપી નાખ્યો. પરંતુ, અત્યાધિક લોહી વહેવાથી તે મૃત્યુના દ્વાર પર પહોંચ્યો. લોકો તેને ઉંચકી હોસ્પિટલમાં લઈ ગયા. બનેલી ઘટના વિષે જયારે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું, “પગનું ઑપરેશન કરાવવા મારી પાસે પૈસા નથી. પગને કાપવામાં ન આવે તો આ બીમારીના કારણે જીવવું કઠિન હતું. ઑપરેશન માટે આવશ્યક રકમ ન હોવાથી, મારી સામે બીજો કોઈ ઉપાય ન હતો. માટે મારે આમ કરવું પડયું હતું.”

બાળકો, તે જીવન પર નજર કરી જૂઓ. આજે આપણી પાસે હોસ્પિટલો છે. બધાને મફત સારવાર તો આપી શકાય નહિ. તેમ છતાં, કેટલાક ગરીબોને આપણે મફત ઑપરેશન કરી આપીએ છીએ. પરંતુ, હોસ્પિટલોમાંથી સારવાર મેળવી, તેઓ જયારે પાછા ફરે છે, ત્યારે તેમને ઘણી દવાઓ લેવાની હોય છે. તે ખરીદવા માટે ઘણા લોકો પાસે પૈસા નથી હોતા. ઑપરેશન પછી તેમને અમુક દિવસો સુધી આરામ લેવાનો હોય છે. આમ તેઓ કામપર પણ નથી જઈ શકતા. તે પરિવારને ભૂખમરો સહન કરવો પડે છે. આજે આ બધું આપણે જોઈએ છીએ.

આજુબાજુ નજર કરો, તમને જોવા મળશે કે આ પ્રમાણે કષ્ટ અનુભવતા, દુઃખ અનુભવતા અસંખ્ય પરિવારો છે. એક ટંક પેટભરીને ખાવાને પણ તેમને નથી મળતું. આવા સમયે આડંબરમાં કે અન્ય અનાવશ્યક કાર્યો પાછળ જે ખર્ચ કરો, ત્યારે આ યાદ રાખશો. તે રકમથી કોઈ ગરીબ દવા ખરીદી શકે. કોઈ ગરીબ પરિવાર એક ટંક ખોરાક મેળવી શકે. કોઈ ગરીબ વિદ્યાર્થીને વિદ્યાભ્યાસ માટે સહાય કરી, તેનું ભવિષ્ય ઉજવળ બનાવી શકો.
આ મનોભાવ – પરસ્પર એકબીજાને પ્રેમ કરવો, એકબીજાને સહાય કરવી, એકબીજાની સેવા કરવી – આ મનોભાવ આજે આપણે આધ્યામિકતામાં કેળવવાનો છે.

(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)