બાળકો, આધ્યાત્મિક ગુરુજનો મસ્તક કરતાં હૃદયને વધુ મહત્વ આપે છે. બુદ્ધી પણ જરૂરી છે. અમ્મા ક્યારેય વિપરીત નહીં કહે. વાસ્તવમાં, મસ્તક અને હૃદય બે નથી. આપણી પાસે જો વિવેક યુક્ત બુદ્ધી હશે, તો આપણું મન સહજ જ વિશાળ બની જશે. વિશાળતામાંથી નિખાલસતા, સમાધાન માટેની તૈયારી, વિનમ્રતા અને પરસ્પર સહયોગનો મનોભાવ ઉદ્‌ભવે છે. આપણું હૃદય વિશાળતાનું પર્યાય છે.

પરંતુ, આજે આપણી બુદ્ધી અનેકવાર ક્ષુદ્ર બની જાય છે. સ્વાર્થતા અને અહંકાર આપણી વિચારણા પર શાસન કરે છે અને આ જ આપણા જીવનમાં બધા જ દુઃખોનું કારણ છે. અહંકારમાં વૃદ્ધિ થાય ત્યારે આપણા મન વધું સંકુચિત બને છે અને આપણે બાંધછોડ કરવા કે સમાધાન કરવાને ઇચ્છુક નથી હોતાં.

ભૌતિક જીવનમાં કે આધ્યાત્મિક જીવનમાં, વિશાળ અને અનુકૂલિત મન આવશ્યક છે. દા.ત.કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં અમુક યમ નિયમો લાગું કરેઃ તેની પત્નીએ અમુક રીતે જ જીવવું જોઈએ, અમુક રીતે જ બોલવું જોઈએ અને અમુક રીતે જ વર્તવું જોઈએ. કારણ કે, તે તેની પત્ની છે. તે જો જબરજસ્તી કરે કે, તેની પત્નીએ આ નિયમોનું પાલન કરવું જ જોઈએ, તો ઘરમાં શાંતિ હશે શું? નહિ! ધારો કે તે ઑફિસેથી ઘરે પાછો ફરે અને પત્ની કે બાળકો સાથે એક શબ્દ પણ બોલે નહીં. ઘરે પણ તે કોઈ અધિકારી જેવું વર્તન કરે, પોતાના ઓરડામાં જઈ કામના કાગળો પર નજર કરે, તો શું તેનો પરિવાર તેનું આ વર્તન માન્ય રાખશે? તે જો એમ કહીં પોતાના આ વર્તનને ન્યાય આપે કે, આ તેની રીત છે, તો શું તેના પરિવારના લોકો તેની આ શૈલી સ્વીકારી શકશે શું? નહિ! આમ ન કરતા, તે જો તેની પત્ની સાથે પ્રેમથી વાત કરે અને બાળકો સાથે થોડો સમય વિતાવે, તો ઘરના બધા કેટલા ખુશ હશે. ઘરમાં શાંતિ હશે. આપણે જ્યારે હૃદય વિશે કહીંએ છીએ, ત્યારે આ મનોભાવનો ઉલ્લેખ કરીએ છીએ.

આજે સ્વાર્થતા આપણો સર્વોપરી ગુણ બની ગયો છે અને તેણે વિવેકને નેવે મૂક્યો છે. આ ખોટ આપણે જીવનમાં અનુભવિએ છીએ. કોઈ પણ સમાજમાં “આપવું અને લેવુ”ના મનોભાવ વિના શાંતિ અને વિકાસનું સુખ અનુભવવું મુશ્કેલ છે. જે રીતે કોઈ યંત્રને નિયમિત ગ્રીસ લગાવવું જરૂરી છે, જેથી તે કટાઇ ન જાય, આપણે પણ જીવન યાત્રા સરળ બનાવવા વિનમ્ર રહીં, સમાધાન સાથે રહેવાને તૈયાર રહેવું જોઈએ. એવો પણ સમય હોય છે, જ્યારે આપણે બુદ્ધીપૂર્વક કોઈ કાર્ય કરવું અનિવાર્ય હોય છે, પરંતુ આપણે વિવેકપૂર્વક આ કરવું જોઈએ. આ જ પ્રમાણે, જ્યારે એવા કોઈ સંજોગો ઊભા થાય જે હૃદયને માગી લે, ત્યારે, હૃદયને તેને યોગ્ય મહત્વ આપવું જોઈએ.

આપણે જ્યારે હૃદયને તેને યોગ્ય મહત્વ આપીએ છીએ, ત્યારે આપણી અંદર વિનમ્રતા અને સહયોગનો મનોભાવ વિકસે છે. શાંતિ અને સંતૃપ્તિ ખીલી ઊઠે છે. આધ્યાત્મિકતાનું એક લક્ષ્ય મનની વિશાળતા પણ છે. કારણ કે, વિશાળ મનવાળી વ્યક્તિ જ ઈોશ્વર સાક્ષાત્કાર કરી શકે. આત્મા તર્ક અને બુદ્ધીની પકડની પહોંચ બહાર છે. આ એક સ્વલક્ષી અનુભવ છે. આપણે જો આત્માનું માધુર્ય માણવા ચાહતા હોઈએ, તો આપણે બુદ્ધી કરતાં હૃદયના ગુણ કેળવવા જ રહ્યાં.