તા.૨૩ જુલાઈ,૨૦૨૧ના રોજ અમૃતપુરી આશ્રમમાં ગુરુપૂર્ણિમા મનાવવામાં આવી હતી. આ અવસર પર અમ્માએ પાઠવેલો વાચકો માટે સંદેશ.

ગુરુ પૂણિૅમા કેવળ એક બાહરી ઔપચારિકતા ન હોવી જોઈએ. આ તે પરિવર્તન છે, જે આપણી અંદર બનવું જોઈએ. ત્યારે જ તમે નિત્ય નિરંતર ગુરુનું સાનિધ્ય અને આશીર્વાદ અનુભવી શકો.

એક સદ્‌ગુરુને દ્રશ્યમાન એવું શારીરિક સ્વરૂપ છે, અને આ સાથે અદ્રશ્ય આધ્યાત્મિક ઉપસ્થિતિ પણ છે. દ્રશ્યમાન સ્વરુપ મહત્વનું છે. પરંતુ, અદ્રશ્ય ઉપસ્થિતી સહુંથી વધું મહત્વ રાખે છે. પવન જ્યારે વાય છે, ત્યારે વૃક્ષની શાખાઓ અને પાન હલે છે. આ પવનના સ્વરુપને સૂચવે છે. પરંતુ, પવન સર્વત્ર છે અને સર્વવ્યાપ્ત છે. આ જ અંતર છે, સદ્‌ગુરુની શારીરિક ઉપસ્થિતી અને આધ્યાત્મિક ઉપસ્થિતી વચ્ચે.

શિષ્યને ગુરુમાં જો શ્રદ્ધા અને આત્મ-સમર્પણ હોય, તો જ ગુરુ-શિષ્ય બંધન પૂર્ણ બને છે. ગુરુ-સિદ્ધાંત, ગુરુનું સાનિધ્ય અને ગુરુ કૃપા, સમય અને સ્થાનના અપવાદ વિના હંમેશા હાજર જ છે. તે સર્વત્ર છે, સર્વકાંઈમાં વ્યાપ્ત છે. જે રીતે ગર્ભમાં વિકસતા બાળકને અનુકૂળ બનવા માનો ગર્ભાશય વિકસે છે, તે રીતે શિષ્યનું હૃદય પણ વિશાળ થવું જોઈએ. નમ્રતા, શ્રદ્ધા અને યોગ્ય વિવેક ત્યાં વિકસવા જોઈએ. ત્યારે જ પથ્થરમાં, પવનમાં, સમુદ્રમાં અને માટીના કણકણમાં શિષ્ય ગુરુના દર્શન કરે છે. પરંતુ આ ગુણને કેળવવો સહેલો નથી. માટે જ કહે છે કે, જો શિષ્યનું અસ્તિત્વ હોય તો જ ગુરુનું અસ્તિત્વ છે.

જેઓ શિષ્ય બનવા ચાહે છે, ગુરુને પોતાના ખાસ મિત્ર તરીકે ગણવાને તેમનાથી થવું જોઈએ. એક સાચો મિત્ર જે આપણને ખરેખર સાચા દીલથી પ્રેમ કરે છે, આપણે તેની સલાહ સરળતાથી સાંભળીશું અને અનુસરીશું. આપણે તેમને ધ્યાન દઈને, ખુલા હૃદયથી સાંભળીએ છીએ. કારણ કે, આપણે જાણીએ છીએ કે, આપણા હીતમાં જે હશે. તે જ કરવાની સલાહ આપણો મિત્ર આપણને આપશે. મિત્ર માટેની આપણી સમજ, પ્રેમ અને વિશ્વાસ આપણને પ્રેરણા આપે છે અને આપણામાં શક્તિ પૂરે છે. આપણા ગુરુને પણ જો આ રીતના આપણા ખાસ મિત્ર તરીકે જોઈએ, તો ક્રમશઃ આ આપણામાં શિષ્યત્વ, આ સાથે ભક્તિ અને સમર્પણ વિકસાવવા સહાય કરશે.

આ વિશ્વમાં સર્વકાંઈ સારા અને ખરાબ ગુણોનું મિશ્રણ છે. પરંતુ ગુરુ કેવા પણ પ્રકારની ત્રુટીઓ કે ખામીઓથી પૂર્ણરૂપે મુક્ત છે. ગુરુ પૂર્ણ છે, સંપૂર્ણ છે. માટે, ગુરુ જે કંઈ પણ કરે છે, તે શિષ્યના સારા માટે જ હોય છે. સૂર્યનો પ્રકાશ અંધકાર દૂર કરે છે, આ સાથે સૂર્યના કારણે લૂ પણ થાય છે. પરંતુ, ચંદ્ર આમ નથી. તે અંધકાર દૂર કરે છે, આ સાથે તે શીતળતા પણ પ્રદાન કરે છે. તે સૌંદર્યથી પૂર્ણ છે અને જોનારને આનંદથી ભરી દે છે. ગુરુ પણ આવા જ છે. ગુરુ પૂર્ણિમાના તેજસ્વી ચંદ્ર જેવા છે, જેમાં કોઈ દાગ નથી. ગુરુની કરુણા આપણા પર મૃદુ ચંદ્રના કીરણોની જેમ પ્રસરે છે. સદ્‌ગુરુમાંથી કેવળ સારું અને કલ્યાણકારી જ ઉદ્‌ભવી શકે. આનો અર્થ એવો નથી થતો કે, શિષ્ય જો કોઈ ભૂલ કરે, તો તેને ઠપકો નહિ મળે. તેને કદાચ ઠપકો મળે પણ ખરો, પણ આ તેના સારાં માટે જ હોય છે.

એક સાધકની સહુંથી મહાન સંપત્તિ, સમય. સમયનો બગાડ કર્યા વિના, સમર્પણના મનોભાવ સાથે, મારાં બાળકો પણ ગુરુના નિર્દેશોનું પાલન કરી, પોતાનું જીવન અર્થપૂર્ણ બનાવે. આ સિદ્ધ કરવા ઈશ્વરકૃપા આપ સહુંને અનુગ્રહિત કરે, એ જ પ્રાર્થના. ૐ