અમ્માએ આ અનેકવાર કહ્યું છે, આપણે મંદિરમાં જઈ કૃષ્ણ..કૃષ્ણ… કૃષ્ણ… એમ પોકાર કરી, મંદિરની ત્રણવાર પ્રદક્ષિણા કરીશું. પરંતુ, મંદિરના દ્વાર પર ઊભેલો ભિખારી, “ભૂખ લાગી છે, કંઈક ખાવાને આપો…” એમ કહીં પોકારતો હશે, તેના તરફ ધ્યાન ન આપતા, “હટ… છેટો ઊભો રે…” એમ કહેશું, તેના તરફ દયાભરી એક દ્ર્શ્ટિ કરવાને પણ આપણે તૈયાર નહિ હોઈએ.

 

 

એક ગુરુને એક શિષ્ય હતો. તે શિષ્યને કંઈ પણ દાન ધર્મ કરવું સ્હેજેય ગમતું નહિ. આ જાણતા ગુરુ એક દિવસ ભીખારીનો વેશ ધારણ કરી, શિષ્યના ઘરે આવ્યા. આ સમયે શિષ્ય ગુરુની છબિ સામે દૂધ અને કેળાનો નૈવેદ્ય ધરી રહ્યો હતો. ગુરુએ પોકાર કર્યો, “માઇબાપ, ભિક્ષામાં કંઈક આપો”. “અહીં દેવાને કંઈ જ નથી.” એમ કહી શિષ્યે ભિખારીના વેશમાં તેના દ્વાર સામે ઊભા રહેલા ગુરુને ત્યાંથી ભગાડયા. ગુરુએ ધારણ કરેલો ભીખારીનો વેશ ઉતારી દીધો. પોતાના ગુરુને સામે ઊભેલા જોઈ, શિષ્યથી રહેવાયું નહિ. તે ગુરુના ચરણકમળોમાં દંડવત કરતો ઢળી પડયો. બાળકો, આપણામાંનું હર કોઈ તે શિષ્ય જેવું છે. આપણે છાયાને પ્રેમ કરીએ છીએ, ચૈતન્યને પ્રેમ નથી કરતા. છબિની સામે દૂધ કેળા ને દૂધપાક ધરીશું. પણ ભીખારીને પાંચ પૈસા પણ નહિ આપીએ. તેમને ખોબા ભરી ભરીને પૈસા દેવાને અમ્મા નથી કહેતા. ધર્મ કરતી વખતે, વિવેક જરૂરી છે. ભીખારીને પૈસા આપશો, તો મોટાભાગના ભીખારીઓ તેને મદ્યપાનમાં, ગાંજો સેવવામાં ખરચ કરશે. માટે, તેમને ખોરાક આપો, વસ્ત્રો આપો, સારા બે વચનો કહો. આ જ ઈશ્વર પ્રત્યેનું આપણું કર્તવ્ય છે. માટે બાળકો, જે ભૂખ્યા છે, તેને ખોરાક આપો.  દુઃખી અને પીડિતોની સહાય કરો.

ઈશ્વર તો સર્વત્ર છે. તે સર્વકાંઈમાં વ્યાપ્ત છે. આપણે તેને શું આપી શકીએ? ગરીબ પ્રત્યેની કરુણા, એ જ તો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ છે. બાળકો, અમ્માનો સંદેશ તો દુઃખીઓને આશ્વાસન આપવું અને ગરીબોને દાન ધર્મ કરવું, એ છે. ગરીબોના મોંઢા પર તેમની હાંસી ઉડાવવી, એ ભક્તિ નથી. અન્ય લોકોને દુઃખી કરી, બીજા લોકોનું બૂરું બોલી, ગમે તેટલી પ્રાર્થના કરો છતાં કોઈ લાભ નહિ મળે. કોઈ તમારી પાસે પોતાનું દુઃખ કહે, તો તેમને સાંત્વન મળે એવા વચનો કહેશો; તેમને જોઈ સ્મિત કરશો. ગર્વનો ભાવ છોડી, વિનય પ્રકટ કરશો. તેમના હાથે જો કોઈ ભૂલ થાય તો બને ત્યાં સુધી ક્ષમા કરવા પ્રયત્ન કરશો. આ બધું, પ્રાર્થનાના વિવિધ ભાવ છે. આ પ્રકારની પ્રાર્થના ઈશ્વર સ્વીકારશે. આથી વિપરીત, બીજા લોકો પર ક્રોધ કરી, અન્યને કચડી દૂર કરી, કોઈ કરોડો મંત્ર જાપ કરે, ગમે તેટલી જાત્રાઓ કરે, ઈશ્વર નહિ મળે. પાત્રને સાફ કર્યા વિના તેમાં દૂધ રેડવામાં આવે, તો તે બગડી જશે. એ તો સત્કર્મ જ છે, જે મનને શુદ્ધ કરે છે.

માટે મારા બાળકો, મારી તમને આ વિનંતી છે. આ મારી આજ્ઞા નથી. તમને આજ્ઞાકિંત કરવાને અમ્મા શક્તિમાન નથી. કોઈ પણ એક ખરાબ આદત અથવા આડંબરનો ત્યાગ કરવા માટે તમારે પ્રતિજ્ઞા લેવી જોઈએ. જે પ્રાર્થના આપણે કરીએ છીએ, તેને ફળદ્રુપ કરવા આ સિવાય અન્ય કોઈ માર્ગ નથી.

આપણા સઘળા પ્રયત્નો એવું એક હૃદય કેળવવા માટે હોવા જોઈએ જે,  પીડિતોની સહાય કરવા તેમજ દુઃખીઓને આશ્વાસન આપવા તત્પર હોય. “ભૂખ્યાને ખોરાક આપવો જોઈએ, નહિ કે અપમાનભર્યા શબ્દો.” આ આપણા મનને વિશાળ કરવા માટે છે.  સંકટના સમયે જે આપણી સહાય કરે છે, આપણે  તેમનો ચહેરો હંમેશા યાદ કરીશું. આપણા હાથે જ આપણને  આંખમાં વાગે, તો  આપણે આપણો હાથ કાપીને ફેંકી નથી દેતા. તે જ હાથેથી આપણે ઘાયલ આંખને પંપાળીશું. કારણ કે, “તે આંખ મારી છે, તે હાથ મારો છે.”

બાળકો, આ જ પ્રમાણે અન્ય લોકોની ભૂલોને ક્ષમા કરો. તેમને શક્ય તેટલો પ્રેમ કરી શકે એવું એક મન આપણે કેળવવું જોઈએ.  આપણા માટે આ જ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ છે. તેમના માટે તે ઈશ્વર કૃપા છે.

કેટલાક બાળકો અમ્મા પાસે આવીને કહેતા હોય છે,  “અમ્મા, મારે અમુક અમુક કષ્ટ છે. અમ્મા મારા માટે સંકલ્પ કરશો.” આ કહેનારાઓ દારૂના પીઠા તરફ જતાં જોવા મળશે. તો કેટલાક પીને પાછા ફરતા જોવા મળશે. અમ્માને તેમના તરફ કોઈ દ્વેષ નથી. અમ્મા તેમના અધિકારને કોઈ પ્રશ્ન કરતા નથી. તેમના માટે પણ અમ્મા સંકલ્પ કરે છે. પરંતુ, તેનું ફળ સ્વીકારવાને તેઓ અસમર્થ છે. તેમના મન પથ્થર જેવા છે. તેમના જીવન સ્વાર્થથી ભરેલા છે.

 

( ૧૯૯૦- અમ્માના ૩૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)