પ્રેમસ્વરુપી તેમજ આત્મસ્વરુપી, એવા ઉપસ્થિત અહીં સહુને પ્રણામ.
મહાત્મા ગાંધી અને માર્ટીન લૂથર કીંગ, આ બંને મહાન વ્યક્તિઓની સ્મૃતિ છે આ ઍવાર્ડ. અમ્મા આ અવસરપર પ્રાર્થના કરે છે કે, વિશ્વમાં શાંતિ અને સમાધાન સ્થાપવા માટે આગ્રહ રાખનારાઓને, આ પુરસ્કાર પ્રચુર માત્રામાં પ્રોત્સાહન અર્પે. તેઓની પ્રવૃત્તિઓને અધિક ને અધિક જાગૃતતા અને બળ પ્રાપ્ત થાય. આ લોકો વતી અમ્મા આ ઍવાર્ડને સ્વીકારે છે. વિશ્વમાં શાંતિ અને સમાધાન સ્થાપિત કરવા વધુ ને વધુ લોકો પ્રવૃત્ત થાય. અમ્માનું જીવન તો આ વિશ્વને સમર્પિત છે માટે અમ્મા કોઇ હક કે દાવો કરતા નથી.
કાળા ધોળાનો ભેદભાવ રાખ્યા વિના, મનુષ્યને મનુષ્યની જેમ નીરખી, પ્રેમ કરી, અંગીકાર કરવો, એવા એક વિશ્વનું સ્વપ્ન – મહાત્મા ગાંધીએ અને રેવરેન્ડ માર્ટીન લૂથર કીંગે જોયું હતું. તેઓ બંનેને યાદ કરી, અમ્મા પણ, એક એવા સમાજને નિહાળી રહ્યાં છે કે જયાં પક્ષીની બંને પાંખોની જેમ, સ્ત્રી અને પુરુષ, સમાનરૂપે સમૂહમાં પ્રવૃત્તે. આમાં જ માનવજાતિની ઉન્નતિ અને વિકાસ સમાયેલા છે.
ડાઁ.કીંગ લૂથર, સિંહ જેવા ધીર હતા. તેમ છતાં તેમનું હૃદય પુષ્પની સમાન કોમળ હતું. સમાજમાં સ્નેહ અને સમાનતાને પુનઃ સ્થાપિત કરવા, પોતાના દેશ સાથે, જીવના જોખમે તેઓએ યુદ્ધ કર્યું હતું.
ગાંધીજી, ભાષણમાં નહિ પણ પ્રવૃત્તિમાં વિશ્વાસ ધરાવતા હતા. ગાંધીજીનું જીવન શાંતિ અને સમાધાન માટે સમર્પિત હતું. ભારતના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ બનવાને, જો તેઓએ ધાર્યું હોત તો બની શક્યા હોત. પરંતુ, તેઓને સ્થાન, માન કે પ્રતિષ્ઠાની કોઇ ઇચ્છા ન હતી. ભારતને જે દિવસે સ્વતંત્રતા મળી, તે દિવસે પણ તેઓએ કોઇ ઉજવણીમાં ભાગ લીધો ન હતો. આ સમયે, ગાંધીજી કોમી હુલ્લડથી ગ્રસિત સ્થળોનું સંદર્શન કરી, લોકોને આશ્વાસન આપી રહ્યાં હતા.
ઊંઘી રહેલાઓને જગાડવા આસાન છે, ત્યારે જે ઊંધવાનો ઢોંગ કરે છે તેમને જગાડવા, ઘણું જ કઠિન છે. આજે સમૂહમાં ઊંધી રહેલાઓની સંખ્યા અધિક છે. ઊંઘવાની આ ક્રિયાનો હવે અંત આણવો જોઇએ. જયારે આપણે જાગશું, ઊભા થશું અને પ્રવૃત્ત થશું, માત્ર ત્યારે જ આપણા સ્વપ્નોને સાક્ષાત કરી શકીશું. શાંતિ અને સમાધાનથી સભર એવી એક સુંદર આવતીકાલનું સ્વપ્ન આપણે બધા જ સેવીએ છીએ. આ સ્વપ્નને સાક્ષાત કરવા માટે, આધ્યાત્મિક અભ્યાસ દ્વારા આવશ્યક ધૈર્ય અને દ્રઢનિશ્ચય આપણે કેળવવાના છે, કે જેથી કરીને વિશ્વમાં યોગ્ય પરિવર્તન આપણે લાવી શકીએ. આ માટેનો પ્રયત્ન આપણે અહીંથી, આ ક્ષણથી, શ્રદ્ધા અને સમર્પણબુદ્ધિ સાથે આરંભ કરવાનો છે.
અમ્મા માટે સ્ત્રી અને પુરુષ, બંને સમાન છે. આ વિષયની સત્યતા અમ્મા વ્યકત કરશે. અહીં કહેવામાં આવતા હરકોઇ કાર્ય બધાજ પુરુષો કે સ્ત્રીઓને સમાનરૂપે લાગુ ન પણ પડે. માટે, સામાન્યતઃ જે જોવામાં આવે છે તે કાર્યો વિશે અમ્મા કંઇક કહેશે.
આજે મોટા ભાગની સ્ત્રીઓ નિદ્રામાં છે. સ્ત્રીએ જાગૃત થવાનું છે. તેનું પુનરુત્થાન થવું જોઇએ. આ જ તો આજના યુગની મહત્વની અગત્યતા છે. તેમ છતાં આ જાગૃતિ, અવિકસિત રાષ્ટ્રોની સ્ત્રીઓમાં આવવી જરૂરી છે. ભૌતિક ચિંતા ધરાવતા દેશોની સ્ત્રીઓએ આધ્યાત્મિકતામાં જાગૃત થવાનું છે. સ્ત્રી કે જે ધાર્મિક રૂઢિઓની સંકુચિત ચાર દિવાલો વચ્ચે બંધિત છે, તેણે આધૂનિક વિચારમાં જાગૃત થવાનું છે. આપણી આવી માન્યતા રહી છે કે, વિદ્યાભ્યાસ અને ભૌતિક વિચાર દ્વારા, સ્ત્રી, તેની આસપાસનો સમૂહ અને સંસ્કાર જાગૃત થાય છે. પરંતુ, સમયે આપણને આ પાઠ શીખવ્યો છે કે, આપણો આ વિશ્વાસ ખોટો છે. કેવળ ધાર્મિક ગ્રંથો વાંચવાથી કે શીખવાથી આપણામાં આ જાગૃતિ નથી આવતી. સ્ત્રીશક્તિને જાગૃત કરી, પ્રવૃત થવા માટે આધુનિક વિદ્યાભ્યાસ સાથે સનાતન આત્મજ્ઞાન, બંને જરૂરી છે. સ્ત્રીઓને જાગૃત કોણ કરશે? તેની જાગૃતિમાં શું બાધક છે? વાસ્તવમાં તો કોઇપણ બાહ્યશક્તિ તેના જન્મસિદ્ધ માતૃત્વની લાગણીઓ જેમ કે, પ્રેમ, સહાનુભતિ અને ધૈર્ય, બાધક બની શકે નહિ. સ્ત્રીએ જ સ્વયંને જાગૃત કરવાની છે. તેનું બાધક તેનું મન છે.
નિયમો અને અંધવિશ્વાસો કે જે સ્ત્રીનું અધઃપતન કરતા રહ્યા છે, આજે પણ તે ધારણાઓ કેટલાક રાષ્ટ્રોમાં પ્રચલિત છે. સ્ત્રીઓનું શોષણ કરતી એવી પુરુષોએ રચેલી તે પ્રાચીન રીતભાત અને રૂઢિઓ આજે પણ જીવીત છે. તે રૂઢીઓ અને અંધવિશ્વાસના તાંતણામાં આજે પણ સ્ત્રીઓનું મન ગૂંચવાયેલું છે. આટલા લાંબા સમયના અનુભવના ભીષણ સ્વપ્નથી આજે પણ સ્ત્રીઓ ભ્રમિત છે. સ્ત્રી સાથે થયેલા ભયાનક કૃત્યોનો ઇતિહાસ ઘણો ઊંડો છે. સ્ત્રીએ સ્વયં પોતાના મનને હિપ્નોટાઇઝ કરી મુક્યું છે. આ અંધકારમાંથી બહાર આવવા, સ્ત્રીએ સ્વયંને મદદરૂપ થવાનું છે.
મોટા મોટા વૃક્ષોને મૂળથી ઉખેડી નાખવાની શક્તિ ધરાવતા હાથીનો જ દાખલો લઇએ. હાથી જયારે નાનો હોય છે, ત્યારે તેને મોટી સાંકળ વડે, મોટા વૃક્ષો સાથે બાંધવામાં આવે છે. આ સમયે વૃક્ષોને ઉખેડવા કે તેમને તોડી પાડી, સ્વતંત્ર બનવાની શક્તિ બાળહાથીમાં નથી હોતી. જંગલોમાં સ્વતંત્ર રૂપે ફરવાને આદી, બાળહાથી બંધન તોડવાને અનેક પ્રયત્ન કરે છે. જયારે તે આ જાણી લ્યે છે કે તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ છે, વ્યર્થ છે, ત્યારે તે પ્રયત્નો બધા સ્થગિત કરી શાંત બને છે. પણ જયારે હાથી મોટો થાય છે, ત્યારે તેને નાના એવા વૃક્ષ સાથે પણ બાંધી શકાય. આ નાના વૃક્ષને વિના પ્રયાસે ઉખેડી, સ્વતંત્ર થવું હાથી માટે કોઇ મોટી વાત નથી. પણ તે આમ નથી કરતો. આ પહેલાંના અનુભવે તેના મનને બાધ્ય કરી મુક્યું છે. તેના મનની આ ધારણાને કારણે તે સ્વતંત્ર થવાનો પ્રયત્ન નથી કરતો.
સ્ત્રીઓ સાથે પણ આમ જ બન્યું છે. આપણે તેનામાં આત્મશક્તિને જાગૃત થવા દેતા નથી. તે મહામાતાની શક્તિને, બાળહાથીની શક્તિની જેમ આજના સમૂહે સ્થગિત કરી મુકી છે.
આ પ્રકૃતિદત્ત અનંત શક્તિ, સ્ત્રી અને પુરુષમાં સમાન છે. સ્ત્રી જો ચાહે તો સમાજે તેનાપર લાદેલા નિયમો અને પૂર્વાગ્રહોની સાંકળને તોડવી તેને માટે અશક્ય નથી. સૃષ્ટિ કરવી અને તેનું પાલન કરવાની શક્તિ, માતૃત્વની પરિશુદ્ધતા હંમેશા સ્ત્રી સાથે રહેલી છે. આ શક્તિ, સ્ત્રીને સમૂહમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા, પુરુષ કરતાં કયાંય વધુ સહાયરૂપ નીવડે છે.
જે નિયંત્રણો સ્ત્રીપર લાદવામાં આવ્યા છે, તે સત્ય નથી, મિથ્યા છે. સ્ત્રીએ પોતાની શક્તિ એકત્રિત કરી, ધારણાઓના આ ભ્રામિક નિયંત્રણોથી પાર આવવાનું છે. સ્ત્રી પાસે આ માટેની શક્તિ અને સામર્થ્ય બંને છે. જયારે આ શક્તિ જાગૃત થશે, ત્યારે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સ્ત્રી અસાધ્ય પ્રગતિ કરી શકશે. તેમની આ સશકત આગેકૂચમાં બાધક બનવાની હિમ્મત કે સામર્થ્ય કોઇનામાં નથી.
વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન (જીનીવા – ૨૦૦૨) ભાગ ૧