બાળકો, આપણામાં એવું કોઈ છે કે, જેને હસવું ન ગમે? નહિ! ક્યારેય જે હસે નહિ, એવું જો કોઈ હોય, તો તેનું કારણ હશે કે, તેમના અંતર દુઃખથી અને કઠણાઈઓથી છલોછલ ભરાયેલા છે. તે જો દૂર થાય, દુઃખ ઓછા થાય, તો તેઓ આપમેળે હસવાની શરૂઆત કરશે. પરંતુ, આપણામાં એવા કેટલા છે જે હૃદય ખોલીને હસી શકે છે? કોઈ મજાક કરે અથવા મિત્રોને મળીએ, ત્યારે આપણા ચહેરા પર હાસ્ય ખીલી ઊઠે છે. પરંતુ, આ સાથે અંદરને અંદર ક્યાંય એક થોડું દર્દ આપણે અનુભવતા હોઈએ છીએ. સાચું હાસ્ય તો હૃદયમાંથી આવવું જોઈએ. આ પ્રકારનું હાસ્ય, જે આપણી નજીક ઊભું હશે, તેની અંદર પણ પ્રકાશ પાથરશે. શું આપણાથી આ થઈ શકે છે?

આજે આપણામાંના ઘણાખરા લોકોના હાસ્ય, ચહેરાના સ્નાયુઓના સંકોચન અને વિકાસની ક્રિયા માત્ર જ છે. ત્યાં હૃદયની શુદ્ધી નથી. બીજા લોકોએ કરેલી ભૂલોને યાદ કરી, હસવું એ યથાર્થ હાસ્ય નથી. આપણા હાથે જે ભૂલ થાય છે, તેને યાદ કરી ખડખડાટ હસવાને થવું જોઈએ. સર્વકાંઈને વિસરી, તે પરમ તત્વને યાદ કરી હસવાને થવું જોઈએ. તે જ યથાર્થ હાસ્ય છે. આનંદનું હાસ્ય છે. આજે આપણે બીજા લોકોના દોષ યાદ કરી અથવા બીજા લોકોનું ખરાબ બોલીને હસીએ છીએ. બાળકો, આપણે જ્યારે બીજાનું ખરાબ બોલીએ છીએ, ત્યારે તે સ્વયંનું ખરાબ બોલવા જેવું થયું.
અમ્માને એક કહાણી યાદ આવે છે. એક ગુરુને બે શિષ્યો હતા. બંને શિષ્યો એક સમાન અહંકારી હતા. એટલું જ નહિ, પરસ્પર એકબીજાનું ખરાબ બોલતા રહેતા. ગુરુએ ઘણા સમજાવ્યા છતાં, તેમના સ્વભાવમાં કોઈ પરિવર્તન આવ્યું નહિ. છેવટે ગુરુએ એક ઉપાય શોધી કાઢ્યો. એક દિવસ રાત્રે, જયારે તેઓ બંને ગાઢ નિદ્રામાં હતા, ત્યારે ગુરુએ તેમના ચહેરા વિવિધ રંગોથી, વિદૂષક જેવા રંગી દીધા. સવારે તેમાંનો એક ઊઠયો. પાસે સૂતેલા બીજાને જોઈ મોટેથી ખડખડાટ હસવા લાગ્યો, “હા..હા.. હી.. હી…” એમ. હાસ્યનો અવાજ સાંભળતા બીજો શિષ્ય જે હજુય સૂતો હતો, જાગી ગયો. આંખ ચોળીને જોયું તો તેની સામે તેનો સહપાઠી હાસ્ય કરતો બેઠો હતો. તેનો ચહેરો જોઈ, બીજો શિષ્ય મોટેથી અટ્ટહાસ્ય કરવા લાગ્યો. બંને એકબીજાના ચહેરા જોઈ મોટેથી ગર્જના કરતા હસવા લાગ્યા. આ વચ્ચે કોઈ કયાંયથી એક અરીસો ઉપાડી લાવ્યો અને તે બંનેમાંથી એકને દેખાડતા કહ્યું, “અરે, જો તો ખરા…” તેણે તે અરીસો પોતાના હાથમાં લીધો અને તેને ફેરવી બીજાના મુખ પર દેખાડતા કહ્યું, “પહેલાં તું તો જો..” આ સાથે બંને જણ હસતા બંધ થયા.
બાળકો, આપણે પણ આવા જ છીએ. આપણે જયારે બીજાના દોષ કાઢી હસીએ છીએ, ત્યારે તેઓ આપણી ભૂલોને જોઈ પરિહાસ કરે છે. આ આપણે નથી જાણતા.
બાળકો, બીજા લોકોના દોષ જોવા અને તે પર હસવું, સરળ છે. પરંતુ, આમ ન કરતા આપણે તો આપણી પોતાની ખામીઓને જોઈ ખડખડાટ હસવાને થવું જોઈએ. તે જ આપણને પ્રગતિ તરફ દોરી જાય છે.
સુખનું પણ આમ જ છે. આપણે બે રીતે સુખી થઈએ છીએ. સુખ મળતા થતું સુખ અને અન્યને દુઃખ આવતા આપણને થતું સુખ. આ પ્રમાણે દુઃખ પણ બે પ્રકારના છે. આપણું દુઃખ અને આ સાથે બીજાનું સુખ, એ આપણું દુઃખ હોય છે.
એક વેપારી હતો. તેણે પાડોશી દેશમાં જહાજભરીને સામાન મોકલ્યો. પણ તેનું જહાજ ડૂબી ગયું. આ સમાચાર સાંભળતા તે વેપારીને એટલું તો દુઃખ થયું કે તેના બેહાલ થયા. ખોરાક નહિ, નિદ્રા નહિ, બોલવું નહિ. જહાજ ડૂબી જતાં થયેલી નુકસાનીનો જ એક વિચાર હતો. ઘણા ડૉકટરો અને મનોવિજ્ઞાનીઓએ તેમને જોયા. છતાં તેમની બીમારીમાં કે દુઃખમાં કોઈ પરિવર્તન આવ્યું નહિ. મુંગાની જેમ તે તેની પથારીમાં પડયો હતો. આમ એક દિવસ તેનો પુત્ર દોડતો આવ્યો અને કહ્યું, “બાપા, બાપા, તમને કાંઈ ખબર પડી. વેપારમાં જે હંમેશા તમારી વિરૂદ્ધ બોલી, તમને પડકાર કરતો હતો, તેના કારખાનામાં આગ લાગી. કંઈ જ બાકી નથી રહ્યું. બધું ભસ્મ થઈ ગયું.” આ સાંભળતા જ જેનાથી પાણી સુધ્ધા પીવાને થતું ન હતું, મુંગાની જેમ જે પથારીમાં પડયો હતો, તે વેપારી ઊછળીને બેઠો થઈ ગયો. મોટેથી અટ્ટહાસ કરતા તે કહેવા લાગ્યો, “સારું થયું. તે તો એ જ લાગનો છે. હું હંમેશા વિચારતો હતો કે તેના અહંકારને લીધે, આવું જ કંઈ થવું જોઈએ. પુત્ર, જા બાપા માટે ખાવાને કંઈક લઈ આવ.” ખોરાક નહિ, નિદ્રા નહિ, વાચા નહિ, તે વ્યક્તિને જયારે જાણ થઈ કે બીજાની સંપત્તિ નાશ પામી, તો તે સુખમાં પોતાનું દુઃખ ભૂલી ગયો.
બાળકો, આજે આપણું સુખ આવું છે. બીજાના દુઃખમાં આપણું હાસ્ય રહેલું છે. આ યથાર્થ હાસ્ય નથી. આપણે તો બીજાના દુઃખમાં દુઃખી, અને સુખમાં સુખી થવું જોઈએ. બધાને પોતાના આત્માના અંશ તરીકે જોવાને આપણાથી થવું જોઈએ. નિઃસ્વાર્થતા દ્વારા, પ્રેમ દ્વારા, આપણા હૃદયને શુદ્ધ કરીએ, તો જ આનંદ કે જે આપણો સહજ સ્વભાવ છે, આપણે તે અનુભવી શકીએ. ત્યારે આપણાથી હૃદય ખોલીને હસવાને થઈ શકે. ત્યાં સુધી આપણું હાસ્ય કેવળ એક યાંત્રિક કર્મ જ છે. આપણે ક્યારેય તેમાં સાચો આનંદ અનુભવતા નથી.

