આપણા જીવનમાં અનેક પરિસ્થિતિઓનો સામનો કરવાનું થાય છે. અમુક પરિસ્થિતિઓમાં કાર્ય કરવાનો આપણો ક્રમ નક્કી કરવાની સ્વતંત્રતા આપણને હોય છે. કેવી રીતે કાર્ય કરવું, તેની પસંદગી કરવાની સ્વતંત્રતા આપણને હોય ત્યારે સર્વકાંઈ ઈશ્વર ઇચ્છા અનુસાર બને છે, એમ કહીં નિષ્ક્રિય બેઠા રહેવું ન જોઈએ. આવી પરિસ્થિતિઓમાં આપણા વિવેકનો ઉપયોગ કરી, ઉચિત કાર્ય કરવું જોઈએ.

દા.ત. પરીક્ષામાં જો નપાસ થઈએ, ત્યારે એમ કહીં ભણવાનું છોડી દેવું કે, “એ તો ઈશ્વર ઇચ્છા છે,” ખોટું હશે. આપણે ફરીથી બધું સરસથી ભણી, પહેલાં કરતાં વધું સરસથી પરીક્ષા લખી, સારા માર્કસ સાથે પાસ થવું જોઈએ. પરંતુ એવા પણ સંજોગો હોય છે, જ્યાં કાર્ય કરવાની પસંદગી આપણા હાથમાં નથી. આવા સંજોગોમાં કે જ્યાં આપણી કોઈ પસંદગી નથી, અહીં આપણે તેને ઈશ્વર ઇચ્છા માની, સ્વીકારી લેવા પ્રયત્ન કરવો જોઈએ.

દા.ત.આપણે ચાહીએ કે આપણી ઊંચાઈ છ ફૂટની હો, પરંતુ આનુવાંશિક પ્રમાણે આપણી ઊંચાઈ કેવળ પાંચ ફૂટ જ હોય શકે. માટે, અહીં કઠોર પરિશ્રમ કરીએ તો પણ આપણી ઊંચાઈમાં એક ઈંચ પણ નહિ ઉમેરી શકીએ. ભલે આપણે ઊંધા માથે ઊભા રહીએ અથવા હાથપગ તાણીએ કે પછી દવા ખાઈએ તો પણ આપણે ચાહીએ તેટલી ઊંચાઈ આપણી નહી બને.

આ પ્રકારના બિનજરૂરી કાર્યો, આપણી શક્તિ અને સમયનો વ્યય જ કરશે અને જીવનમાં વધુ ગુંચવણો ઊભી કરશે.

કેટલાક કર્મ પ્રાર્થના દ્વારા દૂર કરી શકાય, કેટલાક પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત દ્વારા દૂર થાય છે. પણ કેટલાક કર્મ, પ્રાયશ્ચિત અને પશ્ચાતાપ પછી પણ પાછા આવે છે.

આ જ પ્રમાણે કોઈ બીમારી દવાથી દૂર થાય છે. કેટલિક બીમારીમાં ઑપરેશનની જરૂર પડે છે. કેટલિક તો ઑપરેશન કર્યા પછી પણ ફરી ફરી આવે છે. ત્રીજા સ્ટેજના કેંસર જેવી બીમારી ફરી થાય છે. આવી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? આપણે તો ફક્ત તેને સ્વીકારી શકીએ. તેમછતાં, સ્વયંને પરમાત્માને અર્પિત કરી, આપણે પ્રયત્ન કરી શકીએ.

અન્ય કોઈ નિર્ણયની જેમ, ખુશ રહેવું એ પણ એક નિર્ણય છે. આપણે હસીએ કે રડીએ, સમય તો પસાર થવાનો જ છે. આગલા શ્વાસ પણ આપણા હાથમાં નથી. જીવન એક પરપોટા જેવું છે, કોઈ પણ સમયે ફૂટી શકે. આપણે પ્રત્યેક ક્ષણ વિવેક સાથે જીવવી જોઈએ. ત્યારે જ આપણે સાચા અર્થમાં જીવીએ છીએ.

આ સમજી આપણે શું કરી શકીએ, તે પર ચિંતન કરવું જોઈએ. શું આપણે સારાં મનુષ્ય બનવા પ્રયત્ન ન કરવો જોઈએ? સારા કર્મ કરવા આપણાથી થવું જોઈએ. આ એક જ નિત્ય બાબત છે, જે આપણને અંદર અને બહાર મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જાય છે.

આ સાથે પશ્ચિમ દેશોમાં રહેતા ઘણા અમ્માના ભક્તો જીવિત જ્યારે વીલ તૈયાર કરે છે, ત્યારે તેમાં લખે છે, “મને જો કંઈ થાય, તો મારા શરીરના અવયવો કોઈને દાન કરવામાં આવે.”

અહી એક ઘટના મને યાદ આવે છે. એક મા, જેણે પોતાના પુત્રનું મૃત્યુ થતાં, તેના નેત્રો દાન કર્યા હતા. તેણે મને કહ્યું, “અમ્મા, હું જ્યારે ઉદાસ હોઉં છું, ત્યારે હું તે બાળકની આંખોમાં જોઉં છું કે જેને મારા પુત્રની આંખો મળી છે. આ સમયે હું સ્વયંને કહું છું, “આ મારા પુત્રની આંખો છે… આ મારા પુત્રની આંખો છે,” અને હું જ્યારે તે આંખોમાં જોઉ છું, ઘણી રાહત અનુભવું છું.”

આપણે ત્યાં હાથોનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. તે છોકરો જેને હાથ મળ્યા હતા અને જેના હાથ આ છોકરાને પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા, તે છોકરાની મા મને મળવા આવી હતી. તે મહિલા મને વારંવાર કહેતી, “આ મારા પુત્રના હાથ છે… આ મારાં પુત્રના હાથ છે.” તે પણ રાહત અનુભવતી હતી.

આપણું મૃત્યુ થાય પછી આપણું આ શરીર મુઠીભર રાખ બની જાય છે, અથવા સડે છે અને તે કીડા ને ઈયળનો ખોરાક બની જાય છે. તે સ્વયં ઈયળ બની જાય છે. આ પ્રમાણે તેનો અંત લાવવા કરતા, આપણા અવયવો જો કોઈને દાન કરીએ તો મૃત્યુ પછી પણ આ શરીર જીવિત રહી શકે. અને ત્યારે આપણા જીવનનું મહત્વ જીવતા હોવા કરતાં પણ ક્યાંય વધારે હશે. આપણા મૃત્યુ પછી આપણું આ શરીર અન્ય લોકો થકી જીવિત રહે છે. દાનકર્તા પોતાના આ સદ્‌કર્મનું પુણ્ય પ્રાપ્ત કરે છે.

કરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી અમ્મા સતત માતા પિતાના વિલાપ સાંભળતા આવ્યા છે. તેમના બાળકો મોબાઈલ ફોનમાં ચોંટીને રહે છે અને તેઓ ડ્રગસના આદી બની ગયા છે. તેઓ ઊંઘી નથી શકતા અને ભણવામાં તેમને કોઈ રસ નથી. તેઓ પોતાના ઓરડાના બારણા બંધ કરી અંદર બેઠા રહે છે. નિરાશ માતાપિતા મને પૂછે છે, “અમ્મા, અમારે શું કરવું?”

બાળકો તે ફૂલ છે, જેને પોતાની સુવાસ સમસ્ત વિશ્ચમાં પ્રસારવાની છે. પરંતુ આજે આ ફૂલ જે હજું કળી છે, ચીમળાઈને ખરી રહ્યાં છે. હું મારા વહાલા બાળકોને યાચના કરું છું, તમારા પગ પકડીને વિનંતી કરું છું કે, કૃપયા ડ્રગસ લેશો નહીં. સરકારને મારું કહેવું છે કે, ડ્રગસના વ્યસનનો ભય હોવો જોઈએ, જે યુદ્ધ કરતાં પણ ક્યાંય ભયાનક છે.

આપણે હંમેશા આ વિશ્વનું કૃતજ્ઞ રહેવું જોઈએ, જેણે આપણને મોટા કર્યા અને આપણું પોષણ કરી, આજે જે આપણે છીએ, તે આપણને બનાવ્યા. આ વિશ્વ પ્રતિ અને તેમાં જીવિત બધા જ જીવો પ્રતિ આપણી એક જવાબદારી છે. આ ધરતી આપણી માતા છે. પ્રકૃતિ આપણી માતા છે. આપણી મા પ્રત્યેનું આપણું કર્તવ્ય આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ.

આપણા ભાઈઓ અને બહેનોના દર્દભર્યા પોકારો આપણે સાંભળવા જોઈએ. તેમનું કષ્ટ દૂર કરવા, તેમને રાહત આપવા આપણાથી બને તે કરી છૂટવું જોઈએ. આ માટે ખૂબ ધન સંપત્તિ કે સમાજમાં ઉચ્ચ સ્થાન માન જરૂરી નથી. પ્રેમભર્યા બે શબ્દ, કરુણાભરી એક નજર, એક મૃદુ સ્મિત, સહાય કરવા એક નાનું કાર્ય જ સહી, આપણાથી શક્ય એ રીતે તેમનું માર્ગદર્શન કરવું, પર્યાપ્ત હશે.

આ કૃત્યો તેમના અને આપણા, બંનેના જીવન પ્રકાશિત કરે છે. આ જીવનનું મૂલ્યાંકન આપણે શું મેળવ્યું એથી નહીં પણ આપણે શું આપી શક્યા, આથી નક્કી થાય છે. આપણે જો એક ક્ષણ માટે પણ એક જીવને આનંદ આપી શકયા, તો તેટલી હદ સુધી આપણું આ જીવન પૂર્ણ થયું.

મારા વહાલા બાળકો,આપણે બધા હૃદયથી પ્રાર્થના કરીએ કે, આપણા પ્રત્યેક કાર્ય આપણે જાગરૂકતા સાથે કરી શકીએ.

બધાને સ્વસ્થ શરીર અને હિમતવાન મન પ્રાપ્ત થાય.

બધા માટે બધા કરુણા અનૂભવે.

ઈોશ્વરકૃપા હરકોઈને અનુગ્રહિત કરે.

ૐ લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ

(અમૃતા હૉસ્પિટલનો રજતોત્સવ સમારોહમાં અમ્માનો સંદેશ ભાગ-૨)