પ્રેમસ્વરુપ, આત્મસ્વરુપ આપ સહુંને અમ્મા પ્રણામ કરે છે.
માનનયિ કેંદ્ર મંત્રી શ્રી અમિત શાહ અને અન્ય માનનીય મહેમાનોને નમસ્કાર. ભારતના પૂર્વ પ્રધાન મંત્રી શ્રી અટલ બિહારી વાજપાયીએ ૨૫ વર્ષ પહેલાં આ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. બહું જ હર્ષ થાય છે કે, આજના આ હૉસ્પિટલના રજતોત્સવ સમારોહમાં ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ આપણી સાથે છે. હું હૃદયપૂર્વક તેમનું અભિવાદન કરું છું.

આ બધા વર્ષો ડૉક્ટર બાળકો, નર્સ બાળકો અને અન્ય બાળકોએ પૂર્ણ નિષ્ઠા અને પૂર્ણ સમર્પણના ભાવ સાથે અહીં સેવા આપી છે. તેમના પ્રતિ મારો આભાર પ્રકટ કરવા શબ્દો પર્યાપ્ત નથી. હું હૃદયથી તેમને નમન કરું છું.
સ્વાસ્થ્ય, એ માનવતાની પ્રાથમિક આવશ્યકતા છે. રોગ અત્યંત દુઃખદાયક અવસ્થા છે. અત્યંત ધીરજ અને પ્રેમ પૂર્વક રોગીઓની સંભાળ લેવી જોઈએ. તેમના માટે હૉસ્પિટલ અભય,સાંત્વન અને આશાનું સ્થાન છે.
એક રોગી માટે ડૉક્ટર મનુષ્ય રૂપમાં ભગવાન છે અને નર્સો અને અન્ય અર્ધ-તબીબી જેઓ હૉસ્પિટલમાં સેવા આપે છે, તેઓ પણ ભગવાનને તુલ્ય છે. વેદના સહન કરી રહેલ કોઈ વ્યક્તિને સાંત્વન આપવું, એ પણ આશીર્વાદ છે.
આ જ કારણસર અમ્મા કહેતા હોય છે કે, હૉસ્પિટલમાં સેવા આપતા ડૉક્ટરો, નર્સ બાળકો અને અન્ય બાળકોએ હૃદયથી સ્મિત કરવું જોઈએ.
અમ્મા જાણે છે કે, ડૉક્ટરો, નર્સો અને અન્ય બાળકો જેઓ રોગીઓની સંભાળ લે છે, તેમને પોતાની પારિવરિક જવાબદારીઓ પણ હોય છે. તેમ છતાં, પ્રત્યેક રોગીની સારવાર કરતી વખતે જાણે તમે તમારા પોતાના બાળકની સારવાર કરી રહ્યાં છો, એવો મનોભાવ રાખવો સારું હશે. અમ્મા જાણે છે કે, તમો આમ કરો છો. અમ્મા તો ફક્ત પુનરાવર્તન જ કરી રહ્યાં છે.
જીવનનું સહુંથી મહાન નુકસાન, સેવાના અવસરો હાથમાંથી જવા દેવામાં છે. જે રીતે ચાતક પક્ષી વર્ષાના બિંદુ માટે તૃષાતુર હોય છે, આ વિશ્વ પણ નિઃસ્વાર્થ, કાળજીભર્યા સેવાના કાર્યો માટે તૃષાતુર છે. આ વિશ્વ સહૃદયી લોકો માટે તરસી રહ્યું છે. ફૂલની સુગંધ, પવન જે દિશામાં વાય, તે દિશામાં પ્રસરે છે. પરંતુ પ્રેમ અને સેવાની સુવાસ તો સમાનરૂપે સર્વત્ર પ્રસરે છે.
અમ્મા છેલ્લા ૫૦-૬૦ વર્ષોથી માનવતાની પીડા સાંભળી રહ્યાં છે. અમ્માએ જ્યારે હૃદયની ખોડ સાથે જન્મેલ બાળકોને જોયા, ત્યારે આ હૉસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. તે સમયે ભારતમાં જ તૈયાર કરવામાં આવેલ હૃદયના વાલ હતા નહિ. પરદેશથી વાલ મંગાવવા પડતા હતા.
ઑપરેશનનો ખરચ પહોંચી વળવું અશક્ય હોવાથી જેઓ ૮૦ વર્ષ જીવી શક્યા હોત, તેઓ ૪૦ની ઉંમરે મૃત્યુ પામતા હતા. માટે હું આ પ્રકારની રીસર્ચ – હૉસ્પિટલ શરૂ કરવા અને રીસર્ચ માટે ઝંખતી હતી. આ પ્રમાણે આ હૉસ્પિટલે આકાર લીધો હતો.
કરોના સમયે એક વૃદ્ધ દંપતિ હતા, જેમના માટે તેમને મળતા પેંશનથી પોતાની દવાનો ખરચ પહોંચી વળવો મુશ્કેલ હતું. તેમની દવા અને સારવારનો ખરચ પ્રતિ માસ રૂા.૧૦,૦૦૦/- હતો. બંને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડિત છે. જાગૃકતાના અભાવના કારણે તેઓ બ્લડ પ્રેશરની દવા ક્યારેક જ લેતા હતા. આજે જો તેઓ ગોળી લે તો પછી બીજે દિવસે તેઓ ગોળી લેતા નહીં. આ કારણસર બંનેને સ્ટ્રોક આવ્યો અને આજે તેઓ લકવાથી પીડાય છે. બીજા મૃત્યુ પામ્યા છે.
આજે આપણે આપણી ઇચ્છાઓ પાછળ દોટ મુકીએ છીએ અને નહિ કે આપણી આવશ્યકતાઓ પાછળ. આપણે રૂા.૧૦,૦૦૦ની ઘડીયાળ લઈએ કે રૂા.૧ લાખની કિંમતની ઘડીયાળ લઈએ, સમય તો બંને એક જ બતાવે છે. માટે આપણને જે આવશ્યક હોય, તે જ આપણે લેવું જોઈએ અને બચત કરેલી રકમથી કોઈ જરૂરતમંદની સહાય કરવી જોઈએ.
આ પ્રકારનું મન જો આપણે કેળવી શકીએ, તો તે ઘણું સારું અને સહાયક હશે. હું કોઈ પર દબાણ નથી કરતી. હું ફક્ત કહું છું. આપણે જો સંયમથી જીવીએ તો સમાજમાં સંવાદિતા લાવી શકીએ.
લોકો પૂછી શકે, “અમ્માએ શા માટે હૉસ્પિટલ શરૂ કરવાની?”
અમ્મા હંમેશા કહેતા આવ્યા છે કે, સનાતન ધર્મમાં સૃષ્ટી અને સૃષ્ટા બે નથી. સૂરજને મીણબત્તીના પ્રકાશની જરૂર નથી. ઈશ્વરને આપણી પાસેથી કશાની જરૂર નથી. કુંડળ અને હાર – બંનેમાં સોનું રહેલું છે; આ જ પ્રમાણે સોનામાં કુંડળ અને હાર રહેલા છે.
સનાતન ધર્મ કહે છે, ઈશાવાસ્યમિદં સર્વ – આ બધામાં ઈશ્વર વ્યાપ્ત છે. ઈોશ્વર સિવાય કંઈ જ નથી. વિમાનના ઈંજીનમાં ખરાબી હોય અથવા તેનો એક નાનો સ્ક્રુ પણ યથા સ્થાન પર ન હોય તો વિમાન ઉડાણ કરી શકે નહિ. સનાતન ધર્મમાં કંઈજ તુચ્છ કે બિન મહત્વનું નથી. સનાતન ધર્મ આપણને બધામાં ઈશ્વરના દર્શન કરી, બધાને પ્રેમ અને સેવા કરવાને કહે છે.
એ તો આપણા ઋષિઓ, આપણા પ્રાચીન દ્રષ્ટાઓ હતા, જેમણે આયુર્વેદની બધી દવાઓની શોધ કરી હતી. લક્ષ્મણ જ્યારે યુદ્ધભૂમિમાં બેભાન થઈ પડી ગયા, ત્યારે રામ તેમની નજીક હોવા છતાં તેમણે હનુમાનને ઔષધ લેવા મોકલ્યા હતા. આ બતાવે છે કે, ઔષધ જરૂરી છે.
કહેવાય છે કે, શ્રીકૃષ્ણ આયુર્વેદના પિતા એવા શ્રી ધનવંતરી મુર્તિ તરીકે અવતરિત થયા હતા.
જે રીતે ક્ષુધા સંતોષવા આહાર આવશ્યક છે, રોગ નિવારણ માટે મંત્ર અને ઔષધ, બંને જરૂરી છે. ૐ
(અમૃતા હૉસ્પિટલનો રજતોત્સવ સમારોહમાં અમ્માનો સંદેશ ભાગ-૧)

