દૂરવર્તી સ્થળોમાં કામ કરવા ડૉક્ટરો અને શિક્ષકો મળવા મુશ્કેલ છે. પચીસ વર્ષ પહેલાં માનંદવાડીમાં અમે એક ધર્માદ હૉસ્પિટલની સ્થાપના કરી હતી. બહું મુશ્કેલી પછી કેમ પણ કરી, દેવદૂતો સમાન ત્યાં કામ કરવા માટે અમને બે ડૉક્ટરો મળ્યા. સેવાનો ઉત્સાહ અને તે માટેના ઊંડા પ્રેમ સાથે તેઓ માનંદવાડી આવ્યા હતા. પણ કોઈ બીમાર કે રોગી હૉસ્પિટલ આવવાને ઇચ્છતું ન હતું. આ ડૉક્ટરોને બહાર આદીવાસીઓની ઝૂપડપટ્ટીમાં ખોરાક અને અન્ય વસ્તુઓ સાથે જવું પડતું. તેઓ ઘરે ઘરે રોગીઓને તપાસવા અને તેમની સેવા આપવા જતા હતાં.

આ પ્રમાણે, જુદા જુદા સમુદાયના લોકો સાથે તેમણે સારા સંબંધ સ્થાપિત કર્યા અને આજે પ્રતિદિન ત્રણ સો રોગીઓ હૉસ્પિટલ આવે છે. પરંતુ આજે પણ ડૉક્ટરોએ આદિવાસી લોકોને ફોસલાવી પટાવી પોતાના સ્વાસ્થ્યની રક્ષા ખાતર હૉસ્પિટલની મુલાકાત લેવાને કહેવું પડે છે. બધા લોકોને યોગ્ય સ્વાસ્થ્ય સંભાળ અને ઔષધ મળી રહે, આ માટે તેઓ હજુય ઘરે ઘરે જાય છે, મને લાગે છે કે, જ્યાં ડૉક્ટરો નથી, ત્યાં આપણે વાહનોમાં મોબાઈલ ક્લિનીક સેવા પહોંચાડી શકીએ અને દૂરવર્તી પ્રદેશોમાં અવાર નવાર હેલ્થ કેમ્પનું આયોજન કરવું જોઈએ. દૂરવર્તી નિદાન માટે ટેલે મેડિસિન સેવા આપી શકાય અને ટેલેકમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા રોગીઓની સારવાર કરી શકાય. દૂરવર્તી રોગીઓની દેખરેખ તેમના મનને રાહત આપે છે.

અન્ય એક બાબત જે પ્રતિ આપણે ત્વરિત ધ્યાન આપવું જોઈએ, તે છે કોવિડ મહામારી પછી બાળકોનું માનસિક સ્વાસ્થ્ય. બાળકો પહેલાં જે હતા, એથી ઘણા જાુદા છે. ૪૦% બાળકોનો દેખાવ જ સાવ જુદો છે. તેમની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ.

ગ્રામ્ય પ્રદેશમાં અજ્ઞાનવશ તેઓ આ પ્રકારની વર્તણૂકને “વડગાડ” કહેશે અથવા કોઈ મેલી વિદ્યાનો પ્રભાવ કહેશે. તેઓ જે સહન કરી રહ્યાં છે, આ ડીપ્રેશનની શરૂઆત છે અને ચિંતા અને વ્યાધિ છે જે સ્માર્ટ ફોનના વધારે પડતા ઉપયોગથી ઉદ્‌ભવે છે. તેમને વિદ્યાભ્યાસમાં કોઈ રસ નથી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ડ્રગ્સના આદિ બની ગયા છે. જો શરૂઆતમાં જ આપણે આ સમસ્યાને પકડી, તેનું નિવારણ કરી, સમયસરની સલાહ-પરામર્શ આપીએ તો આને માનસિક સમસ્યામાં વિકસતા અટકાવી શકીએ. અન્યથા તેઓ જીવનભર માટે મનોરોગી બની જશે.

એક ઉપાય.. મનોવિજ્ઞાનીઓ અને ચિકિત્સકો જેઓ હૃદયથી સેવા કરવા માગે છે, તેઓ સ્કૂલો અને કૉલેજો સાથે સંપર્ક કરી, આ પ્રકારના વિદ્યાર્થીઓને દર અઠવાડિયે બે ત્રણ કલાક મફત કાઉન્સકિંગ આપી શકે. પંદર વર્ષ પહેલાં અમુક દેશોમાં અમ્માએ ભક્તોને તેમના શહેરના અંતરતમ્‌ભાગમાં આવેલી સ્કૂલોના વિદ્યાર્થીઓને આ પ્રકારની સેવાઓ આપવાને કહ્યું હતું. આ બાળકોમાં આવેલ પરિવર્તનના અનુભવ પર આધારિત અમ્મા આ સૂચન આપે છે.

દસ વર્ષ પહેલાં અમે ૧૦૮ ગામડાઓ દત્તક લીધા હતા. આ અમે ગામડાઓમાંથી ગરીબી દૂર કરવા અને સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપવા કર્યું હતું. આજે અમે ૫૦૦ ગામોમાં કામ કરીએ છીએ. તેમની સામાજીક વ્યવસ્થા અને તેમનો દ્રષ્ટિકોણ સમજવા, તેમજ સામાજીક લાભદાયક ઉકેલ લાવવા અમે દરેક ગામમાંથી ઓછામાં ઓછા બે માણસને કામ પર રાખ્યા છે.

આજે ત્રણસોથી પણ વધુ ગ્રામીણ કામદારો ગામડાઓમાં કામ કરે છે. તેઓ આ પરિવર્તન લાવવા અમારા સ્વયંસેવકો સાથે કામ કરે છે. અન્યથા અમારા સ્વયંસેવકો જ્યારે અમારી સંસ્થાઓમાંથી આ પ્રદેશોમાં જાય ત્યારે ભલેને આ લોકો ગમે તેટલા કરૂણાશીલ કે પ્રેમાળ હો, ગામના લોકો અમને જાણે અમે કોઈ બીજા ગ્રહમાંથી આવ્યા હોય, એ રીતે જુએ છે!

અમે જ્યારે ગામડાઓમાં સામુહિક મીટીંગો રાખી હતી, ત્યારે પુરુષો અને મહિલાઓ, બંને આ મીટીંગમાં હાજર રહ્યાં હતાં પણ કેવળ પુરુષો જ બોલતા હતા. ત્યાંની પંચાયતની પ્રમુખ મહિલા હોવા છતાં આ હતી પરિસ્થિતિ. મહિલાઓ ચૂપ રહેતી. અમને જ્યારે લાગ્યું કે, કોઈ સામાજીક કાર્ય માટે અમને મહિલાઓનો અભિપ્રાય નહિ મળે, તો મહિલાઓ સાથે અલગ મીટીંગ રાખવાનું શરૂ કર્યું. અમારા આશ્ચર્ય વચ્ચે અમે જોયું કે, મહિલાઓ સ્વયંને વિસ્તારથી સ્પષ્ટ વ્યક્ત કરતી હતી. આ બતાવતું હતું કે, સામાજીક બંધારણના કારણે પુરુષોની સામે બોલવાને તેઓ સ્વતંત્રતા અનુભવતી ન હતી.

પહેલીવાર જ્યારે આપણે કોઈ નવા ગામમાં જઈએ ત્યારે સર્વપ્રથમ જે સામાજીક નિયમો અને રીત રિવાજો તેઓ અનુસરે છે, તે આપણે સમજવા જોઈએ. આ સમજ પર આધારીત તેમની સાથેની આપણી કાર્યશૈલી હોવી જોઈએ. ત્યારે જ આપણે તેમને તેમના જીવન અને તેમના પરિવારનું ભવિષ્ય સુધારવા માટે, તેમને ટેકનોલોજી, વિદ્યાભ્યાસ અને સ્કીલ ટ્રેઈનિંગનો લાભ લેવા પ્રોત્સાહિત કરી શકીએ.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેંન્દ્ર મોદીએ અનેક મહત્વની યોજનાઓ લાગું કરી છે. જેમ કે જનધન યોજના. આ એક ક્રાંતિકારી આર્થિક યોજના છે. જે અનુસાર રકમ સીધી સમાજના ગરીબ તેમજ ઓછી આવકવાળા વર્ગના લોકોના ખાતામાં જાય છે. આ ઉપરાંત સ્કીલ ઈંડીયા મિશન, આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્શ્યોરેન્સ સ્કીમ… આ યાદી અંત રહિત છે. લોકોમાં આ યોજનાઓનો લાભ લેવા માટે આવશ્યક જાગરૂકતા હોવી, એ પણ મહત્વનું છે. ડાયાબિટીસથી પીડિત રોગીને ફક્ત દવા ખાવી માત્ર પર્યાપ્ત નથી, આ સાથે નિયમિત સંતુલિત આહાર લેવો પણ જરૂરી છે. આ જ પ્રમાણે જે લાભ લોકોને મળી રહ્યો છે, તેનો યોગ્ય રીતે ઉપયોગ તેઓ કરી રહ્યાં છે કે કેમ, તે પ્રત્યે પણ સજાગ રહેવું જરૂરી છે.

સમગ્રતાલક્ષી દ્રષ્ટિકોણ ધરાવતા ઉમદા નેતાની આજે તાતી જરૂર છે. જે યુદ્ધની ભાષા બોલે, આપણને તેની જરૂર નથી. પરંતુ એવા નેતાની જરૂર છે, જે શાંતિનો સંદેશ પ્રસારે છે. સમસ્ત વિશ્વ તેમના તરફ સહાય માટે જુએ છે. વિશ્વને આજે જુદાઈ કે વિભાજનની નહિ, પણ જોડાણ અને એકીકરણની જરૂર છે.

મન, કાતર જેવું છે અને હૃદય સોય જેવું. પહેરી શકાય એવો કોઈ પોષાક બનાવવા આપણને કાતરથી કાપવું અને વિભાજીત કરવું પડે અને સોયથી ભેગા સીવવાનું હોય છે. મનનું પોતાનું સ્થાન છે, ત્યાં તેનો ઉપયોગ કરવો જોઈએ અને હૃદયને તેના સ્થાન પર ઉપયોગ કરવો જોઈએ. હૃદય પેરાચુટ જેવું છે. તે જો ખુલુ થાય નહિ, તો આપણે સ્વયંને જોખમમાં મુકી શકીએ. આપણા બધાના હૃદય વિશાળ હો, જેથી આપણે લોકોને ભેગા લાવી શકીએ અને બધા જ ભેદભાવને દૂર કરી શકીએ.

ઈંડિયા, ભારત આધ્યાત્મિકતાની ભૂમિ છે. આપણા પ્રાચીન ઋષિઓના તપ અને ત્યાગના સ્પંદનો આજે પણ અંતરીક્ષમાં વ્યાપ્ત છે. ઋષિઓની આ સમજ કે, “સર્જનની પ્રત્યેક વસ્તુમાં, ચર કે અચરમાં વ્યાપ્ત આત્મા, ચેતના એક જ છે અને હું જ તે પરમ સત્ય છું.” આનો સાક્ષાત્કાર કરી, તેમની પ્રાર્થના આ પ્રમાણે હતીઃ

સર્વેભવન્તુ સુખીનઃ
સર્વેસંતુનિરામય
સર્વે ભદ્રાણીપશ્યંતુ
મા કશ્ચિતદુઃખભાગભવેત.

બધા જ જીવો સુખી રહે અને કોઈ દુઃખ ન રહે,
બધા જ સર્વકાંઈમાં જે સારું છે, તે જ જુએ.

આજે જ્યારે આપણે સાયન્સ, ટેકનોલોજી અને ઈંટરનેટ સાથે જોડાવા ઉતાવળ કરીએ છીએ, ત્યારે એવા કેટલાક ક્ષેત્રો છે, જેનાથી આપણે પૂર્ણરૂપે વિખૂટા પડી ગયા છીએ. આપણે આપણા સ્વ આત્માથી વિખૂટા પડી ગયા છીએ. આપણે આપણા પર્યાવરણથી અને પ્રકૃતિથી વિખૂટા પડી ગયા છીએ.

આપણે પ્રેમ અને જીવનથી વિખૂટા પડી ગયા છીએ, એ સમજ્યા વિના કે, તે બે નથી પણ એક જ છે. અને આને આપણને ઈશ્વરથી વિખૂટા પાડી દીધા છે. સહુંથી મહત્વની વાત તો એ કે, આપણે આધ્યાત્મિક મૂલ્યોથી વિખુટા પડી ગયા છીએ, કે જે આપણા જીવનના બધા જ વિચ્છેદોનો ઈલાજ કરી શકે.

આજીવિકા માટે એક વિદ્યાભ્યાસ છે અને જીવન માટે એક વિદ્યાભ્યાસ છે. ભૌતિક દ્રષ્ટિએ અને શૈક્ષણિક દ્રષ્ટિએ સફળ રહેવા આજીવિકા માટેનો વિદ્યાભ્યાસ આવશ્યક છે. ૩૫ વર્ષ પહેલાં પ્રથમ અમૃત વિદ્યાલયમના ઉદ્‌ઘાટન સમારોહમાં અમ્માએ વિદ્યાભ્યાસના આ બે પ્રકાર વિશે કહ્યું હતું.

આ સિદ્ધાંતના આધાર પર સમસ્ત અમૃતા શૈક્ષણિક તંત્રની સ્થાપના થઈ છે. જીવન માટેનો વિદ્યાભ્યાસ મનને એર-કંડિશન કરે છે, ત્યારે આજીવિકા માટેનો વિદ્યાભ્યાસ બહારી એર-કંડિશન કરે છે. બહારી એર-કંડિશન સીમિત સુખ આરામ લાવે છે. ઘણા લોકો એર-કંડિશન ઓરડાઓમાં આત્મ-હત્યા કરે છે અથવા ઊંઘની ગોળી વિના તેમને ઊંઘ નથી આવતી. શાંતિ મન પર નિર્ભર કરે છે. જીવન માટેનો વિદ્યાભ્યાસ તે સિદ્ધાંતોને શીખવે છે, જેથી મન શાંત અને એર-કંડિશન બને છે.

મનુષ્ય પક્ષીની જેમ ઉડવાને અને માછલીની જેમ તરવાને શીખી ગયો છે. પણ તે મનુષ્યની જેમ ચાલવાને અને જીવવાને ભૂલી ગયો છે. સૃષ્ટા અને સૃષ્ટિ બે નથી પણ એક જ છે. જેમ કે, સોનાના દાગીનામાં સોનુ અંતર્નિહિત છે અને સોનામાં સોનાનો દાગીનો અંતર્નિહિત છે. બધામાં ભગવાનના દર્શન કરો અને બધાને તે રીતે પ્રેમ કરો અને બધાની તે રીતે સેવા કરો.

સૂરજને પોતાનો માર્ગ પ્રકાશિત કરવા મીણબત્તીની જરૂર નથી. આ જ પ્રમાણે, ઈશ્વરને આપણી પાસેથી કશાની જરૂર નથી. આ પ્રકારનો મનોભાવ આપણે કેળવવો જોઈએ. આ જ્યારે આપણે સમજશું, અને સમસ્ત સર્જનને પ્રેમ કરી, સેવા કરવાનું શરૂ કરીશું, ત્યારે આપણે ઈશ્વરકૃપાને પાત્ર બનીશું.

આપણે સંભાળીને ડ્રાઈવ કરતા હશું. પણ બીજું કોઈ લાપરવાહીથી ડ્રાઈવ કરી, આપણી સાથે અથડાય શકે. માટે જ, પ્રત્યેક પરિસ્થિતિમાં ઈશ્વરકૃપા બહું જરૂરી છે. આ કૃપા પ્રાપ્ત કરવા આપણા તરફથી સકારાત્મક કર્મ આવશ્યક છે.

આપણા આ વિશ્વના આધારમાં એક તાલ છે. આ વિશ્વ અને તેમાં જીવતી એક એક વસ્તુનો પરસ્પર એક અતૂટ નાતો છે. આ બ્રહ્માંડ એક વિશાળ, પરસ્પર જોડાયેલું નેટવર્ક છે. એવી એક જાળની કલ્પના કરો જેના ચારે ખૂણા ચાર માણસોએ પકડીને રાખ્યા છે. જો તેનો એક ખૂણો પણ સ્હેજે હલાવવામાં આવે, તો તેના સ્પંદનો સમસ્ત જાળમાં અનુભવાય છે.

આ જ પ્રમાણે, ભલે આપણે જાણતા હોઈએ કે નહિ, આપણા બધા જ કર્મ સમસ્ત સૃષ્ટિમાં પડઘાં પાડે છે. ભલે પછી તે એક વ્યક્તિ દ્વારા કે સમૂહ દ્વારા કરવામાં આવ્યું હોય. માટે એમ વિચારશો નહિ કે, તેઓ બદલાય પછી હું બદલીશ. આમ ન વિચારતા, આ પ્રમાણે વિચારશોઃ તેઓ ન બદલે તો પણ આપણે જો બદલીએ, તો આપણે બીજામાં પરિવર્તન લાવી શકીએ.

પ્રાચીન કાળથી, “આ વિશ્વ એક પરિવાર છે” આ ભારતની માટીનો મંત્ર છે. આજે પણ છે, અને ભવિષ્યમાં પણ રહેશે. જી૨૦ રાજ્યોનું અધ્યક્ષપદ આ સત્યને જગત સામે રાખવાનો એક અપૂર્વ અવસર છે.

માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વની સરકાર દ્વારા લેવામાં આવેલ આ પહેલ સમસ્ત વિશ્વના દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવવાને પ્રેરિત કરે.

અહીં ચાલો આપણે પરિવર્તનનો એક નવો દીપક પ્રગટાવીએ. આ જ્યોતમાંથી અસંખ્ય દીપ પ્રજ્વલિત થાય અને તેમને વિશ્વભરમાં લઈ જવામાં આવે. આ મહાન યજ્ઞના શંખનાદના પડઘા સમસ્ત વિશ્વમાં સંભળાય. આ બંધ મનુષ્ય હૃદયના દ્વાર ખુલા કરે! સર્વત્ર પ્રકાશ લાવે! તમે તે પ્રકાશ બનો! કૃપા મારા બાળકોને અનુગ્રહિત કરે!

॥ લોકાઃ સમસ્તઃ સુખીનો ભવન્તુઃ ॥