આજે માનવતા ઘણા અસાધારણ પડકારોનો સામનો કરી રહી છે. સૂક્ષ્મ સ્તર પર પણ અનેક પડકારો છે, જે સમજવા કે ગ્રહણ કરવા આપણે અસમર્થ હશું. અહીં મનુષ્યને બે ગુણ આવશ્યક છેઃ સમસ્યાને ઓળખવાનો વિવેક અને તેને સુધારવા માટેની માનસિકતા અને બુદ્ધી.
દુર્ભાગ્યવશ આપણે તે વિદ્યાર્થી જેવા છીએ જે પરીક્ષાના આગલા દિવસે ભણવાની શરૂઆત કરે છે. આપણે જ્યારે કોઈ આપત્તિની અણી પર હોઈએ ત્યારે જ ઉચિત રીતે વિચાર કરીશું. ત્યારે જ આપણને સમજાશે કે, આપણે કંઈ કરવું જોઈએ.
કોવિડ મહામારી પરીક્ષણનો એક સમય હતો, જે ત્રણ વર્ષ ચાલ્યો હતો. આ સંઘર્ષમાંથી જ્યારે આપણે પસાર થઈ રહ્યાં હતા, ત્યારે લોકોએ નિશ્ચિત કર્યું કે,ભવિષ્યમાં આપણે વધું સારી રીતે કાર્ય કરવું જોઈએ. બગાડ કરવાની આપણી વૃત્તિ, પ્રકૃતિ પ્રત્યેનો અનાદર અને ક્ષીણ થઈ રહેલા આપણા સંસાધનો પર આપણી નિર્ભરતામાં પરિવર્તન લાવવાનું પ્રણ આપણે લીધું. પરંતુ આ પ્રકારના નિર્ણયો લાંબો સમય ટકતા નથી. લોકો અનિવાર્યપણે જૂની આદતોમાં પાછા ફરે છે.
ભવિષ્ય જે વિભાજીત છે, એવા કોઈ એક કે એકાંકીનું નથી. ભવિષ્ય તો તેમનું છે જે બધા સાથે મળી, બધાને સહયોગ સહકાર આપે છે. રાષ્ટ્રો અને સમાજ જે પોતાની મેળે ઊભા થવા પ્રયત્ન કરે છે, તેઓ ચોક્કસ નિષ્ફળ રહેવાના. આ મનુષ્યને પ્રકૃતિની ચેતવણી છે. માટે આપણો મંત્ર “ભળવાનો”(mingle) રહે અને નહિ કે, “એકાંકી”(single)નો.
મનુષ્યને અમુક હદ સુધી પોતાની પસંદગી અનુસાર જીવન જીવવાની સ્વતંત્રતા છે. પરંતુ, પ્રકૃતિના નિયમો આપણે ટીવી ચેનલો બદલવાની જેમ આપણી મરજી પ્રમાણે બદલી શકીએ નહિ. સર્વને સમાવિષ્ટ કરવા, એ ઈશ્વર અને પ્રકૃતિની રીત છે. બાકાત કરવું એ તો ફક્ત મનુષ્યની રીત છે.
આ દુનિયામાં જે બધા જીવે છે, તેમણે પ્રકૃતિનો સમાવેશનો નિયમ પાળવો જ જોઈએ. આપણે જો જબરજસ્તી બાકાતનો નિયમ લાદીએ, તો તેનું પરિણામ કેવળ અસંવાદિતા અને ખતરો જ હશે. આજે આપણે જે અનુભવ કરી રહ્યાં છીએ, તે ઘણા લોકો દ્વારા વિશ્વના વણાટમાં કરવામાં આવેલ દખલગીરીનું પરિણામ છે.
બદલવા માટેનો પરિશ્રમ અને પ્રકૃતિ સંરક્ષણ સાથે આપણે આપણી માનસિકતા પણ બદલવાને તૈયાર હોવું જોઈએ. પહેલાંના દિવસોમાં માતાપિતા પોતાના બાળકોને આ પ્રકારની શિખામણ આપતા કે, “સારું વર્તન કરવાનું, સાચું બોલવાનું, બધા પ્રતિ પ્રેમાળ રહેવાનું, બીજાની સહાય કરવાની અને સરસથી ભણવાનું.” પરંતુ આજે, આપણે માતાપિતાને પોતાના બાળકોને આ રીતે શીખ આપતા સાંભળીએ છીએ કે, “હોંશિયાર, સમજદાર, વિજયી રહેવાનું અને તમારાથી નિમ્ન લોકો સાથે આદાન પ્રદાન કે આપલે કરવી નહિ.” ત્યારે પૂર્વે માતાપિતા પોતાના બાળકોને કેવી રીતે મોટા કરતા હતા?
દુનિયામાં લોકો બે પ્રકારની ગરીબી અનુભવે છે. પ્રથમ ખોરાક, વસ્ત્ર અને આશ્રયના અભાવની ગરીબી છે. તો બીજી પ્રેમ અને કરુણાના અભાવની ગરીબી છે. આપણામાં જો પ્રેમ અને કરુણા હશે, તો આપણે પ્રથમ જૂથના લોકોને ગરીબી મુક્ત કરી શકીશું. આ જ તે ગુણ છે, જે આપણે કેળવવા જ જોઈએ, અને આ જ કારણ છે કે, આપણી આધુનિક સંસ્કૃતિએ આધ્યાત્મિક મૂલ્યોને સમ્મિલિત કરવા જ જોઈએ.
આજે દુનિયામાં દયાળું અને સહાયક હોવું, આને કદાચ નબળાઈની નિશાની તરીકે જોવામાં આવે. ત્યારે છળ અને કપટને તાકત તરીકે જોવામાં આવે છે. દા.ત. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ પોતાના દુષ્ટ પુત્ર દુર્યોધનને આ પ્રકારની તર્કહીન માનસિકતા સાથે મોટો કર્યો હતો. આજે આપણો સમાજ આ જ દિશામાં આગળ વધી રહ્યો છે.
વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આવેલ પ્રચંડ પરિવર્તન અને આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઈંટરનેટ અને નશીલી દવાઓનો દુરુપયોગ, આ બધું આજે જે સંકટનો આપણે સામનો કરી રહ્યાં છીએ, તેનું કારણ છે.
ટેકનોલોજીનો દાખલો લઈએ. આથી મનુષ્ય જીવનમાં ખરેખર ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે, પરંતુ તેની નકારાત્મક બાજું મનુષ્યના ભવિષ્ય પ્રતિ ભયજનક ચિંતાઓ ઊભી કરે છે. આજે આપણે અંતરાત્મા અને નૈતિક મૂલ્યો વિહીન એક નવી પેઢીને વિકસતી જોઈ રહ્યાં છીએ. અને શું છે તેનું પરિણામ? વિધ વિધ નામ અને રૂપમાં હિંસામાં વધારો!
ટેકનોલોજી બહું મહત્વની છે. આથી સુવિધાઓમાં વધારો થયો છે અને જીવન આરામદાયક બન્યું છે. પરંતુ આ સાથે ટેકનોલોજીના દુરુપયોગમાં પણ વધારો થયો છે. આમ તેમાં પણ તેના ખતરાઓ સમાયેલા છે.
આ જ કારણસર કોઈપણ નવી શોધ કે આવિશ્કારોને મોટી સંખ્યામાં લોકો સમક્ષ ઉતારતા પહેલાં તેના નકારાત્માક પ્રભાવ પર વિસ્તારથી સંશોધન થવું જોઈએ. “નૂતન”ને ક્યારેય “પુરાતન” ને કચડવા દેવું ન જોઈએ. અહીં આ કહેવત કે, “ઉપચાર કરતાં અટકાવ વુંધું સારું.”(It is better to prevent than to cure. ) બંધ બેસે છે.
નવી શોધખોળનો અર્થ અનોખું, નવું જોખમ, એવો પણ થાય. આ શોધખોળ સમાજ માટે માથાનો સ્થાયી દુઃખાવો બને, તે પહેલાં તેમાં રહેલાં સંભાવ્ય નકારાત્મક પ્રત્યાઘાતો અને તેમાંથી પ્રત્યક્ષ થતાં ખતરાઓ, તેનાં નિવારણો આપણે શોધવા જોઈએ.
આ વિશ્વ આપણને અગણિત અનુભવો આપે છે. સારા અને માઠાં બંને. આ બંનેને આપણે આત્મનિરિક્ષણ માટેના અવસરો માની સ્વીકારવા જોઈએ. ૐ
(નાગપુરમાં આયોજીત સી૨૦ના આરંભક સમારોહમાં અમ્માનો સંદેશઃ તા.૨૦ માર્ચ ૨૦૨૩)

