બાળકો, આજનો આ દિવસ પરસ્પર સમર્પણનો દિવસ છે, ઐક્યનો દિવસ છે. તે દ્વારા જ યથાર્થ આનંદ પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં આજનો દિવસ આનંદ માણવાનો દિવસ છે. આ જ કારણ છે કે, ઓણમના તહેવાર પર લોકો કહેતા હોય છે કે, “ઓણમ મનાવો, આ માટે ભલે પછી તમારી જમીન વેચવી પડે.” આ પાછળ એક મહાન તત્વ રહેલું છે. જીવનમાં આપણે ફક્ત સંઘરવામાં જ રસ રાખીએ છીએ. આહાર અને નિદ્રાનો ત્યાગ કરી, પરસ્પર મત્સર કરી, ઘરનાઓ અને મિત્રોને પ્રેમ ન કરતા, આપણે ફક્ત સંપત્તિ જ ભેગી કરીએ છીએ. કામ અને પૈસાનો જ વિચાર કરીએ છીએ. પરંતુ, જે બધું આપણે સંઘરીને રાખ્યું છે, તેમાંનું કંઈ જ અંત સમયે આપણી સાથે નહિ આવે. જે લોકોના વિચાર ફક્ત સ્વાર્થના જ છે, તેમના જીવન પર નજર કરો તો જોવા મળશે કે તેઓ વાસ્તવમાં નરકમાં જીવે છે. અને મૃત્યુ પછી પણ તેઓ નરક જ પ્રાપ્ત કરે છે. માટે મારા બાળકો, જે બધાથી સર્વોત્તમ છે, જે સ્થાન, માન, ધન અને સત્તાથી શ્રેષ્ઠ છે, શાશ્વત છે, તે છે પ્રેમ.
એક વખત એક પતિ પત્ની પરસ્પર વાતચીત કરી રહ્યાં હતા. પતિએ કહ્યું, “હું એક મોટો ઉદ્યોગ શરૂ કરવાનો છું. ભવિષ્યમાં આપણે ખૂબ પૈસાદાર બનીશું.”
આ સાંભળતા પત્ની બોલી, “શું અત્યારે જ આપણે ધનિક નથી કે?”
“એ કેમ, અત્યારે આપણી પાસે જે છે, તેનાથી મુશ્કેલથી ગુજારો કરીએ છીએ?”
પતિનો ઉત્તર સાંભળી પત્ની ફરી બોલી, “પ્રિયે, તમે મારી સાથે છો, અને હું તમારી સાથે, આપણને પછી શેની અછત હોઈ શકે.” પત્નીના પ્રેમભર્યા વચનો સાંભળી તે બધું ભૂલી ગયો અને પ્રેમના આંસુ સારતા પત્નીને આલિંગન આપ્યું. બાળકો, પ્રેમ જ યથાર્થ સંપત્તિ છે, યથાર્થ જીવન છે.
આજે લોકો પાસે ભલે ગમે તેટલી સંપત્તિ હોય, પણ તેઓ નરકમાં જ જીવે છે. કારણ કે, પરસ્પર પ્રેમ નથી. તેમની વચ્ચે ફક્ત સ્વાર્થ જ વિકસે છે.આનો અર્થ એમ નથી થતો કે, ધન ભેગું કરવા પ્રયત્ન ન કરવો કે સંપત્તિ ન જોઈએ, એવું નથી. પરંતુ, હંમેશા આ યાદ રાખશો કે આમાંનું કંઈ જ આપણી સાથે નહિ રહે, કંઈ જ આપણી સાથે નહિ આવે. આ સમજ જો આપણામાં હશે, તો પછી અત્યાધિક સંપત્તિ મળતા આનંદથી ઉછળશું નહિ અને તે નાશ પામે ત્યારે જહાજની જેમ તૂટી પડશું નહિ. ભૌતિક સંપત્તિ નાશ પામે તો પણ પ્રેમની અનશ્વર સંપત્તિ આપણા જીવનમાં હંમેશા શાંતિ અને સમાધાન પ્રસારતી રહેશે.
ઓણમનો વિચાર કરતા ઘણાનો આ અભિપ્રાય હોય છે કે, મહાબલિ સાથે અન્યાય થયો હતો. તેમનું કહેવું છે કે, “શું ભગવાનને સર્વકાંઈ સમર્પિત કરનાર મહાબલિને ભગવાને પગેથી કચડી પાતાળમાં ધકેલ્યો ન હતો?” એ સાચું છે કે, મહાબલિએ જે કંઈ ભૌતિક હતું, તેનું સમર્પણ કર્યું હતું. પરંતુ, તેમ કરતી વખતે “હું આ કરું છું,”નો ભાવ તેનામાં હતો. તેણે તેનો ત્યાગ કર્યો ન હતો. અને તે “હું”ને ભગવાને દાનમાં માગ્યું હતું. ભક્તોની રક્ષા કરવી એ ભગવાનનું કર્તવ્ય છે. કહેવાય છે કે, અહંકારનું સ્થાન મસ્તકમાં છે. બીજા લોકોની સામે જયારે આપણે મસ્તક નમાવીએ છીએ, ત્યારે તેનો અર્થ થાય છે કે, આપણા અહંકારનો આપણે નાશ કરી રહ્યાં છીએ. આ ભાવ તરત કોઈનામાં આવતો નથી. મહાબલિએ ભગવાનની સામે મસ્તક નમાવવાની સાથે શરીર બોધનો ત્યાગ કરી, આત્મલોક તરફ ગમન કર્યું હતું. આ કથામાંથી આ આદર્શને આપણે ગ્રહણ કરવાનો છે.
એક વખત એક ધનિકને સંન્યાસ લેવાની ઇચ્છા થઈ. તેણે પોતાની બધી જ સંપત્તિ દાનમાં આપી દીધી. પછી એક પર્વતની ચોટ પર તપ કરવા માટે એક ઝૂંપડી બાંધી અને ત્યાં તે રહેવા લાગ્યો. પર્વતની ચોટ પર એક નવા સંન્યાસિ વાસ કરી રહ્યાં છે, આ સાંભળી ઘણા લોકો તેમને મળવા માટે આવ્યા. તે બધાને સંન્યાસિ આ પ્રમાણે કહેતા, “તમે જાણો છો, હું કોણ છું? મારી પાસે કેટલી સંપત્તિ હતી, જાણો છો? ત્યાં જે બધું દેખાય છે, તે બધું જ મેં દાનમાં આપેલું છે.” તે બધું આપીને આવ્યા છતાં, મનમાંથી “હું” ગયો ન હતો! મહાબલિનું પણ આમ જ હતું. પરંતુ, ભક્તની રક્ષા કરવી એ ભગવાનનું કર્તવ્ય બને છે. વિશાળ મન ધરાવતા, દાનશીલ પોતાના ભક્તની લક્ષ્યપ્રાપ્તિમાં જે બાધા નાખતું હતું, તે “હું”નો ભાવ હતો. તેમાંથી મુક્ત થવું અને અહંકારનો ત્યાગ કરવો હોય તો વિનય અને મહાત્માના આશીર્વાદ વિના શક્ય નથી.
બાળકો, કોઈ પણ કહાણી હશે, પરંતુ તે બધાનો આધાર પ્રેમ માત્ર જ છે. એકબીજાને પ્રેમ કરો, હૃદય ખોલીને પ્રેમ કરો. કોઈપણ પ્રકારની પ્રતીક્ષા વિના, આશા વિના પરસ્પર પ્રેમ રાખો. યથાર્થ સ્વર્ગ પ્રાપ્ત કરવા, પછી અન્ય કયાંય ભટકવાની જરૂર નથી.
અમૃતપુરીમાં ઓણમની ઉજવણી પર અમ્માનો સંદેશ ૧૯૯૫