સૌમ્યા : “ક્યારેક અહીંના નિયમો અતિશય કડક લાગે છે.”
અમ્મા : “નિયમો બહુ જરૂરી છે. ખાસ કરીને એક આશ્રમમાં કે જ્યાં ઘણા લોકો વાસ કરતા હોય અને મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય. દા.ત. છોકરા છોકરીઓએ એકબીજા સાથે મુક્તપણે વાતચીત ન કરવી જોઈએ. જે લોકો અહીં આશ્રમમાં રહે છે, તેમણે બીજા માટે દાખલો બેસાડવાનો હોય છે. આ ઉપરાંત, જે અહીં રહે છે, બીજા લોકો કરતા તેમનો સ્વભાવ પણ જુદો હોય છે. જે નવા આવ્યા છે, તેમનામાં જોઈએ તેટલું નિયંત્રણ નથી. તેમણે તો સાધના કરવાની શરૂઆત જ કરી છે. જે બાળકો પહેલાં આવ્યા છે, તેમણે અમુક હદ સુધી પોતાના મનપર નિયંત્રણ પ્રાપ્ત કર્યું છે. તેમને સંશય પૂછી શકો છો. એમા ખોટું નથી. પરંતુ, અમ્માનું કહેવું છે કે, એક હદ સુધી આમ કરી શકાય, એથી વધુ નહિ. જરૂર પૂરતું જ બોલવું, અધિક બોલવું ઉચિત નથી.”

સૌમ્યા : “અમ્મા, જે દિવસે તમો અમને જગાડો છો, તે દિવસે અમને સારી જાગૃતતા હોય છે.”
અમ્મા : “અમ્મા માટે જેને પ્રેમ છે, જે સાક્ષાત્કારની ઇચ્છા રાખે છે, તે ક્યારેય કોઈના બોલાવવાની રાહ નહિ જુએ અને સમયસર ઊઠી જશે. રાત્રે અમ્મા જ્યારે પોતાના ઓરડામાં પાછા ફરે છે, ત્યારે અનેક પત્રો વાંચવાના હોય છે. ત્યાર બાદ, બીજા દિવસ માટે આવશ્યક ચોખા, શાકભાજી, પૈસા વગેરે બાબતોની જાણ કર્યા વિના તેઓ સૂઈ શકે નહિ. અને જો કોઈ વસ્તુ પૂરતી ન હોય તો તે ખરીદવા માટેની આવશ્યક સુચનાઓ આપવાની હોય છે. આ ઉપરાંત, મુલાકાતીઓની સંભાળ લેવાની હોય છે. એટલું જ નહિ, અહીંના બાળકોની આવશ્યકતાઓ અને તેમના રોજબરોજના કાર્યો પણ અમ્માને
જોવાના હોય છે. આ બધું કર્યા પછી, તમને લોકોને જગાડવા તમારા દરેકના ઓરડામાં આવવું, અમ્માથી કેમ થાય?
“તમે જો અમ્માને પ્રેમ કરતા હો તો, અમ્માના વચનોનું કાળજીપૂર્વક અનુસરણ કરવું, એ પૂરતું છે. અમ્માની ખાતર અમ્માને પ્રેમ કરવાની જરૂર નથી. પરંતુ, તમે સાક્ષાત્કારની ઇચ્છા રાખતો હો તો, સર્વપ્રથમ અમ્મા માટે પ્રેમ હોવો જોઈએ, આશ્રમ માટે પ્રેમ હોવો જોઈએ, આ તૃષા તમારામાં હોવી જોઈએ. અમ્માને પ્રેમ કરવો તે અમ્માના વચનોનું અનુસરણ કરવાનું છે. તમને જ્યારે ગુરુ હોય, ત્યારે ગુરુ અને ગુરુની સ્થાપના સાથેનું બંધન, બાકી બધું વિસારી, તમને નિત્ય તરફ દોરી જવા સહાય કરે છે. તે ક્યારેય મિથ્યા નથી. બીજ માટીમાં મળે તો જ તે વૃક્ષ બની ઉગી શકે.”
સૌમ્યા : “અમ્મા, તમે શા માટે મારા પર ક્રોધ નથી કરતા?”
અમ્મા : “નહિ શું? શું દેવીભાવ દરમ્યાન કળરીમાં હું તારા પર ક્રોધ નથી કરતી?”
સૌમ્યા : “બહુ જ થોડો.”
અમ્મા (હસતા) : “પુત્રી, તારામાં અમ્મા માત્ર એક જ દોષ જુએ છે. અને તે છે, તું સવારે વહેલી નથી ઉઠતી. મોડીરાત સુધી કામ કરી, તું સૂવે છે. દર્શન સમયે બધો સમય તું ત્યાં ઊભી રહે છે. નહિ શું? બીજુ, સાક્ષાત્કારને લક્ષ્યમાં રાખી, પુત્રી તું બહુ શ્રમ કરે છે. કૃત્યનિષ્ઠ રહેવા તું પ્રયત્ન કરે છે. છટકવું કે આળસ કરવો, એવું તું કાંઈ કરતી નથી. માટે જ, ક્રોધ કરવાનો વારો આવતો નથી.”