વિષુ પર્વની ઉજવણી પર અમ્માનો સંદેશ
તા.૧૪ એપ્રિલ, ૨૦૨૧ – અમૃતપુરી

વિષુનો તહેવાર મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના ગાઢ સંબંધની ભવ્ય ઉજવણી છે. વિષુકણી અને કન્નીકોન્ના ફૂલ, આપણા સુખ અને સંમૃદ્ધિ ખાતર ઈશ્વરે આપણા પર ન્યોછાવર કરેલ સંપત્તિના પ્રતિક છે. સમસ્ત ભૂમિ પર વર્ષના આ સમયે કન્નીકોન્નાના ફૂલ તેમની સુવર્ણ પ્રભા પ્રસારે છે. પ્રકૃતિનો આ વૈભવ જે આંખ અને મન માટે ઉજાણી છે, તે સૌંદય અને સમૃદ્ધિની ઘોષણા કરે છે.

વિષુ વર્ષનો તે સમય છે, જ્યારે વાર્ષિક પાકની ખેતરોમાં વાવણી થાય છે. આ સાથે આપણે આપણા મનમાં સારપના બી પણ વાવવા જોઈએ. આ બીની જો યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો તેમાંથી પ્રાપ્ત થતો પાક અનેકગણો હશે.

પ્રકૃતિ એક ખુલી કિતાબ છે. તે અક્ષય જ્ઞાનનો ભંડાર છે. પરંતુ, પ્રકૃતિનું આ જ્ઞાન કેવળ બુદ્ધી દ્વારા જ ગ્રહણ કરવું શક્ય નથી. આ માટે હૃદય પણ જરૂરી છે. ત્યારે જ આ જ્ઞાન પૂર્ણ થઈ શકે.

આપણે જ્યારે કોઈ નાના રોપાને જોઈએ, ત્યારે તે રોપા પ્રતિ પ્રેમ અનુભવવો જોઈએ. જ્યારે વૃક્ષોને જોઈએ, ત્યારે તેમના પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ અનુભવવો જોઈએ. જ્યારે વૃક્ષો અને જનાવરોને જોઈએ ત્યારે સહૃદયતાનો ભાવ અનુભવવો જોઈએ. પરંતુ, આજે મનુષ્ય કેવળ બુદ્ધિના સ્તર પર જ રહે છે. હૃદય સોય જેવું છે, જે તૂટેલું કંઈ ભેગું કરી સીવીને જોડે છે. ત્યારે મન કાતર જેવું છે. તે કેવળ કાપીને વિભાજીત જ કરે છે.

સેંકડો ખીલેલા ફૂલવાળા બગીચામાં પણ કોઈ ફક્ત સડેલા ફૂલ જ જુએ છે. તેઓ સરળમાં સરળ બાબતને પણ અત્યંત ગૂંચવણભરી બાબતમાં પરિવર્તિત કરી દેશે.

ભારતના કેટલાક પ્રાંતમાં વિષુનો આ તહેવાર નવવર્ષને સૂચવે છે. જુદા જુદા રાજ્યોમાં આ જુદા જુદા નામથી જાણીતો છે અને તેને ઉજવવાની રીત પણ એક એક રાજ્યમાં જુદી જુદી છે.

કેરાલામાં નવવર્ષના પ્રથમ પ્રભાતમાં આપણે શુકનવંતા કન્નીના ફૂલ અને ભગવાન શ્રીકૃષ્ણના સુંદર સ્વરુપને જોઈએ છીએ. ઈશ્વરને સર્વોપરી સ્થાન આપવું અને ઈશ્વરને જ આપણા જીવનમાં અન્ય કશા કરતાં મહત્વપૂર્ણ માનવા, આ કેવળ વિષુની ઉજવણીને જ સીમિત નથી. આ તો ભારતીય સંસ્કૃતિનું પ્રમાણ છે. આપણા બધા જ તહેવારો અને ઉજવણી, આપણી કલાકૃતિઓ અને રમતો, આપણું સાહિત્ય અને શાસ્ત્ર – આ બધું જ ઈશ્વર તરફની મનુષ્યની યાત્રાનો હિસ્સો તરીકે માનવામાં આવેલ છે. ઈશ્વર અને ધર્મને કેંદ્ર બિંદુમાં રાખી આપણે આપણા પારિવારીક અને સામાજીક જીવન વ્યતીત કરીએ છીએ.

વિષુના સંદેશમાં જીવન માટે આવશ્યક સર્વકાંઈનો સમાવેશ થાય છે. તેમાં ઈશ્વર-સસ્મરણ અને ભક્તિના પાઠ છે, તો સાથે પ્રતિદિન પાળવાના સુનિયમોનો પાઠ પણ છે. તેમાં પ્રતિદિન પોષ્ટિક ખોરાક લેવાનો પાઠ છે તો સાથે વિવેકપૂર્વક સુખી પારિવારિક જીવન જીવવા માટેનો સંદેશ પણ છે. તેમાં પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી માટેના પાઠ પણ છે. આ પ્રમાણે વિષુનો તહેવાર આપણને શરીર અને મન, બંને સંતૃપ્ત કરવાની અનુભૂતી આપે છે.

વિષુના દિવસે ફરી એકવાર ઉનાળાના આ સમયે પક્ષીઓ માટે પાણી રાખવાનું ભૂલશો નહિ. એક નાનો બાઉલ અથવા નાળિયેરની કાચલીમાં પાણી ભરી તેને વૃક્ષોમાં લટકાવશો. આ પર્યાપ્ત હશે.

પ્રતિદિન ઓછામાં ઓછું એક વૃક્ષ કે રોપાને ચુંબન આપશો. પ્રેમથી તેમની સાથે વાતો કરશો. આ મનોભાવ કેળવવા પ્રયત્ન કરશો. આ તમને હૃદય ખુલુ કરવા સહાય કરે છે. આ તમારી અંદરના બીજને પાણી આપવા જેવું છે, જેથી તે અંકુરિત થાય અને વિકસે. અત્યારે આ બી રણમાં પડયું છે. તેને અંકુરિત થવા પ્રેમ અને કરુણાના પાણી આવશ્યક છે.

ઈશ્વરના સર્જનને પ્રેમ કરવો અને તેમની સેવા કરવી, આ આપણા હૃદયને વિશાળ કરવાનો સરળમાં સરળ ઉપાય છે. વિષુના મૂલ્યોને આપણા જીવનમાં કેળવી, આપણા જીવન અર્થપૂર્ણ બને, એ જ પ્રાર્થના.

આમ બનવા કૃપા મારા બધા જ બાળકોને અનુગ્રહિત કરે!

                       ॥લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ॥