ઓણમ, એક ભક્તનું પરમાત્મામાં વિલીન થયાનું સ્મરણ કરાવતો  દિવસ છે. આપણા મન જો પૂર્ણરૂપે ઈશ્વરને સમર્પિત કરીએ, તો જ આપણે તે શ્રીચરણોમાં વિલીન થઈ શકીએ. પરંતુ, મનને કેવી રીતે સમર્પિત કરી શકાય? આપણું મન આજે જેની સાથે અત્યાધિક બંધાયેલું છે, તેનું સમર્પણ કરવાથી, તે મનનું સમર્પણ કરવા બરાબર છે. આજે આપણા બધાના મન સહુથી વધારે આપણી સંપત્તિ સાથે બંધાયેલા છે. કોઈ નિસાર વસ્તુનું સમર્પણ કરવાને પણ મન નહિ થાય. જાત્રામાં જઈશું ત્યારે ભીખારીને દાનમાં પૈસા આપવા માટે થોડા સિક્કા હાથમાં રાખીશું. આ માટે બને ત્યાં સુધી એક પૈસો કે બે પૈસા ભેગા કરીને રાખીશું.પાંચથી વધે નહિ તેનું ખાસ ધ્યાન રાખીશું. દાનનો ઉદ્દેશ સ્વાર્થભર્યા મનને નિઃસ્વાર્થ કરવાનો છે. આ સાથે ગરીબોને પણ જેની જરૂર હોય, તે મળી રહે છે. અહીં પણ આપણે કંજુસાઈ કરીએ છીએ. મંદિરમાં ભગવાનને ભેટ ધરીએ છીએ, ત્યાંય આપણે કન્જુસાઇ કરીએ છીએ. ઈશ્વર પ્રત્યેનું સમર્પણ  ફક્ત શબ્દોમાં સીમિત ન રાખતા, તેણે આપણા કાર્યમાં પ્રકટ કરવું જોઈએ. જેને ઈશ્વરમાં પૂર્ણ સમર્પણ છે, તે જ યથાર્થ ભક્ત છે. આજે ભક્ત શબ્દ ઉચ્ચારવા માટેની લાયકાત પણ આપણામાં નથી. પરંતુ, મહાબલિ જુદો હતો. તેણે પોતાનું સર્વકાંઈ એક ઈશ્વરને સમર્પિત કર્યું હતું. પછી પરમપદમાં લીન થવા માટે કોઈ કઠણાઈ ન હતી. કહેવાય છે કે, મહાબલિને કચડીને પાતાળમાં પહોંચ્ડયો હતો. પરંતુ, વાસ્તવમાં આ કથા આ પ્રમાણે નથી. ભગવાને મહાબલિના આત્માને પોતાનામાં વિલીન કર્યો હતો. અજ્ઞાનમાંથી ઉત્પન થયેલ શરીરને તેને યોગ્ય લોક મળ્યો હતો.

મહાબલિ અસુર વંશમાં જન્મેલ હોવા છતાં, તેનામાં ઘણા સારા ગુણ હતા. તે ભક્ત પણ હતો. પણ, “હું રાજા છું. દાનમાં કંઈ પણ દેવાને હું સંપન્ન છું.”  આ અહંકારનો ભાવ પણ તેનામાં હતો. આ અહંકારના કારણે, પોતાને જે કંઈ પ્રાપ્ત છે, તે બધું નાશ પામશે, આ તે જાણતો ન હતો. પોતે દાનવીર હોવા છતાં, આ અહંકારના ભાવના કારણે તેને તે પ્રાપ્ત થયું નહિ, કે જે માટે તે યોગ્ય હતો.

ભક્તોનો અહંકાર દૂર કરવો, એ ભગવાનનું કર્તવ્ય છે. ભગવાન વામન રૂપમાં મહાબલિ પાસે આવ્યા. તેમણે મહાબલિ પાસે ફક્ત ત્રણ ડગલા જમીન માગી. મહાબલિએ ત્રણ ડગલા જમીનને નિસાર વાત માની. પણ વામન ભગવાને હજુ બે ડગલા ભર્યા કે જે કંઈ  મહાબલિ તેનું પોતાનું કહેતો હતો, તે બધું જ ચાલ્યું  ગયું. કારણ કે, તે બે ડગલામાં તેનું આખું રાજય આવી ગયું હતું. આ સમયે તેને બોધ થયો કે, “ભગવાનની સામે મારી સંપત્તિ કેટલી નિસાર છે. તેની સામે હું કંઈ જ નથી.” આમ જયારે તેનું અભિમાન દૂર થયું, મહાબલિમાં યોગ્ય વિનય ભાવ જાગૃત થયો. “મારામાં હવે કોઈ લાયકાત રહી નથી. જે કંઈ છે, તે બધું હવે તેમનું છે.” ભગવાનની સામે મસ્તક નમાવી અહંભાવ નાશ પામેલ મહાબલિ પૂર્ણરૂપે આ સમયે પરમાત્મામાં વિલીન થયો. ભગવાનની કરુણાથી “હું અને મારું”નો ભાવ દૂર થયો,  મહાબલિ પરમાત્માના ચરણોમાં લીન થયો. અને નહિં કે ભગવાને તેને પગેથી કચડી નીચે પાતાળમાં નાખ્યો હતો.

છેવટે ભગવાને મહાબલિને પૂછયું, “તારી કોઈ ઇચ્છા છે?”  મહાબલિએ જવાબ આપ્યો, “મારી એક જ ઇચ્છા છે કે, પેટભરીને ભોજન કરી, નવા વસ્ત્રો ધારણ કરી, આબાલવૃદ્ધ બધા જ પ્રજાજનો સાથે મળી આનંદથી નૃત્ય કરે. સર્વત્ર સંતોષ અને સમાધાન રહે.” આ હોય છે, એક સાચા ભક્તની ઇચ્છા. ભક્ત સાક્ષાત્કાર કે મોક્ષની ઇચ્છા કરતો નથી. વિશ્વના બધા જ જીવો સુખેથી રહે. આ જ એક તેની ઇચ્છા હોય છે. આધ્યાત્મિકતાના માર્ગ પર વળનાર લોકો માટે ઘણા આ પ્રમાણે ફરિયાદ કરશે કે, મુક્તિ માટે, સ્વર્ગ માટે  તેમણે બધાનો ત્યાગ કર્યો છે. શું આ સ્વાર્થતા નથી? એક ભક્ત સંસારની સેવા કરવા, બધા જ જીવોને પ્રેમ કરવા ઈશ્વરમાં આશ્રય લે છે. આ માટે તે તપ કરે છે. પ્રભુના ગુણ ગાઈ બધા આનંદ કરે એવાં એક જગતનું સર્જન – આ જ એક ભક્ત ઇચ્છે  છે.

આજનો આ દિવસ તો પૂર્ણ સમર્પણનો  દિવસ છે. જયાં સુધી “હું”નો ભાવ છે, પ્રભુ ચરણમાં લીન થવાય નહિ. સ્વાર્થતા પૂર્ણરૂપે દૂર થવી જોઈએ.
એક કહાણી છે. મગધરાજ્યમાં જયદેવન નામના એક રાજા હતા. તેમને ત્રણ પુત્રો હતા. વૃદ્ધાવસ્થા આવતા રાજાએ વાનપ્રસ્થમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું. પ્રજાજનોને જે નિષ્કામભાવથી પ્રેમ કરી શકે, તે પુત્રને રાજા બનાવવો જોઈએ. આ હતી તેમની ઇચ્છા. સામાન્યતઃ રાજા બનવાનો અધિકાર જ્યેષ્ઠ પુત્રનો છે. પણ તેમણે ત્રણેય પુત્રોને બોલાવ્યા અને પૂછયું, “તમારામાંના કોઈએ હાલમાં કોઈ સારું કામ કર્યું છે?”.

જ્યેષ્ઠ પુત્રે કહ્યું, “મેં એક ઘણું સારું કામ કર્યું છે. મારા એક મિત્રે મને ઘણા બહુમૂલ્ય રત્નો સંભાળીને રાખવા માટે સોંપ્યા હતા. પછી જ્યારે તે પાછો આવ્યો અને તે રત્નો માગ્યા, ત્યારે તેમાંથી એક પણ ઓછું ન કરતા, મેં તે બધા જ પાછા આપ્યા હતા.” રાજાએ પૂછયું,
“તેમાં શું મહાન?”
“હું તેમાંથી ચાહુ તો થોડા ચોરી કરી શક્યો હોત.”
“તો પછી શા માટે ન ચોર્યા?”
“જો ચોરી કરું તો  મેં કરેલા ખોટા કાર્યનું મારું મન સાક્ષી હોત. જેથી પછી મને દુઃખ જ મળ્યું હોત.”
“આનો અર્થ થયો કે, દુઃખથી બચવા માટે તેં ચોરી કરી નહિ.”.

રાજાએ બીજા પુત્રને પૂછયું, “તેં કોઈ સારું કાર્ય કર્યું છે?”
“નદીના પ્રવાહમાં એક બાળકને તણાઈ જતા મેં જોયો હતો. તે નદીમાં ઘણા મગર હતા. ત્યાં ઘણા લોકો હોવા છતાં મગરના ભયથી કોઈ તે યુવકની રક્ષા કરવાને તૈયાર ન હતું. પણ મેં તે નદીમાં કુદકો માર્યો, અને તે યુવકના પ્રાણ બચાવ્યા હતા.”
“તે યુવકની રક્ષા કરવા, શા માટે તું તારી પોતાની બલિ આપવાને તૈયાર થયો?”
“હું જો તેમ ન કરું અને ત્યાંથી ચાલ્યો જાઉં, તો લોકો નહિ કહે કે, રાજાનો પુત્ર હોવા છતાં ભયનો માર્યો હું ત્યાંથી ભાગી ગયો. તેઓ પછી મને ભીરૂ નહિ કહે?”
“આનો અર્થ થયો કે, લોકોની પ્રશંસા અને કીર્તિ માટે તે યુવકના પ્રાણ બચાવ્યા હતા.”.

રાજાએ ત્રીજા પુત્રને બોલાવ્યો અને પૂછયું, “તેં કોઈ સારું કાર્ય કર્યું છે શું?”
નાના રાજકુમારે કહ્યું, “મેં જો કંઈ કર્યું હોય, તો મને તે યાદ નથી.”
આ સાંભળતા રાજાને બહુ દુઃખ થયું. શંકા થતા રાજાએ પ્રજાજનોને બોલાવ્યા અને તેમને પૂછયું, “નાના રાજકુમારે કોઈ સારું કાર્ય કર્યું હોય, તેની તમને કોઈ જાણ છે?”
તેમનામાના હરેકે કહ્યું, “તે અવારનવાર અમારા કુશળક્ષેમ પૂછે છે. જયારે કોઈ પૈસાની જરૂર પડે તો પૈસા આપી અમારી મદદ કરે છે. ભૂખ્યા હશું તો ખોરાક પહોંચાડશે, રહેવાને જેને ઘર ન હોય તેને ઘર બાંધી આપશે. તે જે સારા કાર્યો કરે છે, તેને જો કહેવાને બેસીએ, તો કયારેય ખૂટશે નહિ. આ સાથે તેની સ્પષ્ટ સૂચના રહેતી કે, તેણે કરેલા કાર્યો વિષે ક્યારેય કોઈને કહેવાનું નહિ.”

રાજાને સમજાયું કે તેના ત્રણેય પુત્રમાં, નાનો પુત્ર જ ઉત્તમ હતો.  રાજાએ નાનાપુત્રને રાજ્યનો ભાર સોંપતા કહ્યું,  “તું જ મારો ઉત્તમ પુત્ર છે.”
બાળકો, આપણે કોઈ પણ કાર્ય કરીએ, “મેં કર્યું”નો ભાવ રાખશો નહિ. આપણે જે કર્મ કરીએ તે બીજાને દેખાડવા માટે ન હોવું જોઈએ. આપણા કર્મને ઈશ્વરપૂજા તરીકે જોવું જોઈએ. એ તો તેની જ શક્તિ છે, જેથી આપણે કંઈ કરી શકીએ છીએ. કૂવો કહેશે, “જોયું ને, લોકો મારું પાણી પીવે છે. મારા પાણીથી ન્હાય છે, વાસણ માંજે છે, કેટલા બધા કાર્યો માટે તેઓ મારા પાણીનો ઉપયોગ કરે છે.” પણ પોતાને પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે, તેનો વિચાર કૂવો નથી કરતો.

બાળકો, આપણે તો ફક્ત એક ઉપકરણ માત્ર જ છીએ. સર્વકાંઈ તેની જ શક્તિ છે. આ કયારેય ભૂલશો નહિ. ઈશ્વરમાં પૂર્ણ સમર્પણ સાથે આગળ વધો. તે આપણી સંભાળ લેશે.

બાળકો, આપણે એક ઈશ્વર સાથે બંધન અને પ્રેમ વિકસાવવા જોઈએ. આજે જેને આપણે પોતાના માનીએ છીએ, આપણા બંધુ માનીએ છીએ, કોઈ નિસાર સંજોગો ઊભા થતા તેઓ આપણી ઉપેક્ષા કરી ચાલ્યા જશે. આપણા સાચા સગા સંબંધી અને સખા તો એક ઈશ્વર માત્ર જ છે. તે એક જ શાશ્વત છે. હંમેશા આપણામાં આ બોધ હોવો જોઈએ. પરંતુ, કયારેય દુઃખી થશું નહિ.
અમ્મા, હું જો તારો હાથ પકડીને ચાલું, તો કોઈ રમકડુ દેખતા, શક્ય છે હું તારો હાથ છોડી તે વસ્તુની પાછળ ચાલ્યો જાઉં. આ સંસારના સુખ દુઃખના કળણમાં પડી જાઉં અને આ જન્મમાં ફરી કયારેય ઊભો ન થઈ શકું. પણ તું જો મારો હાથ થામે, તો આવું કંઈ જ નહિ બને. કારણ કે, તું હંમેશા મારી સાથે હશે.  તારા હાથમાં હું સુરક્ષિત છું.”  બાળકો, આ પ્રમાણે કહી પ્રાર્થના કરો. એક ક્ષણ માટે પણ ઈશ્વર સ્મરણ ન છુટે, તે યાદ રાખશો. એક ઈશ્વરમાં સમર્પિત થાઓ. ચોક્કસ તે પરમાત્માના શ્રીચરણોને તમે પ્રાપ્ત કરશો.

અમૃતપુરીમાં ઓણમના અવસર પર અમ્માનો સંદેશ