એક મહિલા પોતાના બાળક સાથે અમ્માના દર્શન માટે આવી હતી.
વર્ષોથી તે બાળક માટે ઝંખતી હતી પણ તેને બાળક થતું ન હતું. છેવટે, અમ્માને
મળી, ઘણી પ્રાર્થનાઓ પછી અમ્માના સંકલ્પથી તેને એક બાળક થયું હતું.
આજે તે પોતાના સગાવહાલા સાથે બાળકના પ્રથમ અન્નપ્રાશન સંસ્કાર માટે
અમ્મા પાસે આવી હતી. અન્નપ્રાશન પછી તેને તેના સગાવહાલા સાથે જ પાછું
ફરવું હતું.

તે મહિલાએ અમ્માને કહ્યું, “અમ્મા, મારાં બાળકને હમણા જ અન્નપ્રાશન
કરાવો. નાના બાળકની સાથે રાત રોકાવું મૂશ્કેલ છે. ઘોડીયા વિના તે ઊંઘશે
નહિ. તેને આપવાને હું દૂધ પણ નથી લાવી. અન્નપ્રાશન કરાવીને જો અમે
અત્યારે જ અહીંથી નિકળીએ તો સાંજ પડતા પહેલાં ઘરે પહોંચી શકીએ.”

અમ્મા : “પુત્રી! આ રીતે બોલ નહિ. ઈશ્વરના આશીર્વાદથી તને બાળક
થયું છે. તું ઈશ્વરના ધામમાં આવી છો. હંમેશા લોકો જ્યારે આવી કોઈ જગ્યાયે
આવે છે, ત્યારે અચાનક જ તેમને પાછા જવાની ઉતાવળ આવે છે! કોઈ મંદિર
કે ગુરુકુળમાં પહોંચતા જ તેમને તરત જ પાછા ફરવાનું મન થાય છે.
હોસ્પિટલમાં જાઓ ત્યારે તમે ડૉક્ટરને કહેશો કે, “અમારે જલ્દીથી પાછું
ફરવાનું છે, માટે જલ્દીથી તપાસ જો!” નાના બાળકને લઈ જાઓ ત્યારે,
“ડૉક્ટર, મારાં બાળક માટે હું ઘોડીયું કે દૂધ લાવી નથી, તેને ઊંઘ આવે છે,
માટે જલ્દીથી જોઈને અમને પાછા વાળો,” એમ કહેશો શું? કોઈ આશ્રમ કે
મંદિરમાં જાઓ ત્યારે આપણામાં સમર્પણનો મનોભાવ હોવો જોઈએ. પુત્રી, અનેક
સારાં કાર્યો કરવાથી, આપણે મંદિરો કે આશ્રમોમાં જઈએ છીએ. ઈશ્વાર સ્મરણ
દ્વારા આપણા કેટલાય પ્રારબ્ધો ઓછા થાય છે. તું શા માટે આ પ્રમાણે વિચાર
નથી કરતી?”

“અહીંથી તું ઉતાવળ કરીને પાછી ફરીશ, અને રસ્તામાં જો તારી બસ
ખોટકાય, તો તું કોની પાસે ફરિયાદ કરીશ? આજે વર્ષોથી તું અહીં આવે છે.
તને આ રીતે બોલતા સાંભળી અમ્માને ઘણું દુઃખ થાય છે. પુત્રી, ક્યારેય આ
પ્રમાણે બોલવું ન જોઈએ. હંમેશા જે બને છે, તે ઈશ્વર ઇચ્છાનુસાર જ બને છે,
એમ વિચારવું જોઈએ. શા માટે તું એમ નથી વિચારતી કે, “અમ્માને જ્યારે
યોગ્ય લાગશે, ત્યારે તેઓ મારાં બાળકને અન્નપ્રાશન કરાવશે!” તે જ સમર્પણ
છે. હમણા જો તું પાછી ફરીશ, તો રસ્તામાં તને ઘણી મુશ્કેલીઓ પડશે. માટે
અમ્મા તને હમણા નહિ જવાદે.”

પહેલીવાર તે સ્ત્રીએ અમ્માને આ રીતે ગંભીરતાથી બોલતા સાંભળ્યા
હતા. અને તેનો ચહેરો ઝાંખો પડી ગયો. આ જોતાં અમ્માએ તેને પોતાની પાસે
બોલાવી, અને કહ્યું, “બાળકો સાથેની છૂટને કારણે અમ્માએ આ પ્રમાણે કહ્યું
હતું. તું ખોટું નહિ લાગાડતી,” આ સાંભળતા તેના મુખપર પ્રસન્નતા છવાઈ
ગઇ.

પહેલાં ના પાડી હોવા છતાં, સ્હેજે મોડું ન કરતા અમ્માએ તરત જ
બાળકને અન્નપ્રાશન સંસ્કાર કરાવ્યા. અને તેમને પાછા વાળ્યા જેથી તેઓ
રાત પડે તે પહેલાં ઘરે પહોંચી શકે.