આ અવસરનો લાભ લેતા તે પરિવારના પિતાએ પોતાના બાળકોના વિદ્યાભ્યાસ વિષે અમ્માને બતાવતા કહ્યું, “અમ્મા, આ પુત્રી એક અક્ષર નથી ભણતી. તેને થોડો ઉપદેશ આપો.(પત્ની તરફ સંકેત કરતા) આ તેને લાડ કરીને બગાડે છે.”
પત્ની : “અમ્મા! તે હજુ બાળક છે. અમે બંને મળીને તેને મારીએ, મને તે ઉચિત નથી લાગતું. માટે હું તેને કંઈ જ કહેતી નથી.”
એક ભક્ત : “આજે સામાન્યતઃ માતાઓ જ બાળકોને લાડ કરીને બગાડતી હોય છે.”
અમ્મા : “શા માટે ફક્ત માતાઓને જ દોષ આપો છો? બાળકોના ઉછેર કોઈ ધ્યાન નથી આપતા. બાળકોને પ્રેમ કરતા વાલીઓએ, તેમના સ્વભાવપ્રત્યે પ્રથમ ધ્યાન આપવું જોઈએ. તેમનામાં સારાં સંસ્કર કેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આ માટે બાળકોને આધ્યાત્મિક બાબતોથી ઉપદેશિત કરવા જોઈએ. તત્વ ધરાવતી વાર્તાઓ તેમને કહેવી જોઈએ. જપ, ધ્યાન વગેરે કરવાની તેમનામાં ટેવ પાડવી જોઈએ. સાધનાથી તેમની બુદ્ધિ અને યાદશક્તિમાં વૃદ્ધિ થાય છે. એક વર્ષમાં જે બધું શીખ્યા હોય, તે ફક્ત ચોપડી ખોલીને નજર ફેરવવા માત્રથી યાદ આવી જશે. પ્રશ્ન પૂછવામાં આવે તો, કમ્પ્યુટરની જેમ મનમાં જવાબ પ્રકાશિત થશે. આ સાથે તેમનો સ્વભાવ પણ સારો હશે. ભૌતિક રીતે અને આધ્યાત્મિક રીતે, તેઓ ઉન્નતિ કરે છે.”
કામ પૂરું થયા પછી, અમ્મા પાસેની નારિયેળીની નીચે જઈને બેઠા. ભક્તજનો સંતોષપૂર્વક અમ્માની આસપાસ વિંટળાઈને બેસી ગયા. આ પહેલાં આવી ગયેલા એક ભક્તે, પહેલીવાર આશ્રમ આવી રહેલા એક નવયુવકનો અમ્મા પાસે પરિચય કરાવતા કહ્યું,
ભક્ત : “આ મલપુરમ્થી આવે છે. બધો સમય પ્રકૃતિ સંરક્ષણ માટેની પ્રવૃત્તિઓમાં જ વિતાવે છે. મંદિરો અને મંદિરોની તળાવડીના સંરક્ષણ માટે તે અને તેના થોડા મિત્રો પ્રયત્ન કરી રહ્યાં છે.”
સ્મિત કરી, વિનયપૂર્વક તે નવયુવકે બંને હાથ જોડી પ્રણામ કર્યા.
અમ્મા : “આ બધી જગ્યા અમે લોકોએ સાથે મળી પ્રયત્ન કરી, પાછોતરા જળપ્રવાહમાંથી પુનઃપ્રાપ્ત કરી છે. જ્યાં ક્યાંય બની શકે ત્યાં બાળકોએ નારિયેળી, કેળ અને પુષ્પના છોડવાઓ ઉગાડયા છે.”
એક કપમાં પાણી લઈ, પોતાના હાથ ધોઈ, અમ્મા કળરી તરફ ચાલવા લાગ્યા. બીજા ભક્તો તેમની પાછળ ચાલ્ય.
અમ્મા કળરીના વરાંડામાં નીચે બેઠા. ભક્તજનો દંડવત કરી, ત્યાં તેમની પાસે બેસી ગયા. પેલા નવાંગતુકે પ્રશ્ન પૂછયો.
યુવક : “આજે બધા પ્રકારની ભૌતિક સંપત્તિ હોવા છતાં, લોકો દુઃખી છે. અમ્મા, આમ શા માટે? સુખ ક્યાં શોધવું?”
અમ્મા : “હા, એ સત્ય છે. આજે વિશ્વમાં અધિકાંશ લોકોમાં શાંતિ અને સમાધાન નથી જોવા મળતા. વિશાળ બંગલાઓ બાંધી, તેમાં વાસ કરતા લોકો આત્મહત્યા કરે છે. બંગલાઓ, ધન સંપત્તિ, એશઆરામ કે મદ્યપાનમાંથી આનંદ પ્રાપ્ત થતો હોય, તો પછી આ પ્રમાણે દુઃખી થઈને મરવાની કંઈ જરૂર ખરી? માટે, એ તો ચોક્કસ કે આ વસ્તુઓમાં સાચું સુખ નથી. શાંતિ અને સમાધાન તો મન પર આધાર રાખે છે. તે મન શું છે? તેનો ઉદ્ભવ ક્યાં છે? જીવનનું લક્ષ્ય શું છે? શા માટે આ જીવન? જીવન કેવી રીતે જીવવું? આ આપણે જાણતા નથી. આ જાણી લઈએ, અને તે અનુસાર જીવન જીવીએ, તો પછી શાંતિની શોધમાં આપણે ક્યાંય ભટકવાની જરૂર નથી રહેતી. આજે બધા બહારી વસ્તુઓમાં શાંતિ અને આનંદ શોધે છે. અમ્માને એક કથા યાદ આવે છે,
“એક વૃદ્ધ માજી પોતાના ઘરના આંગણામાં જાણે કોઈ બહુમૂલ્ય વસ્તુ ખોવાઈ ગઈ હોય, તેમ ગંભીરતાથી કંઈક શોધી રહ્યાં હતા. આ જોતાં, ત્યાંથી પસાર થતા એક વટેમાર્ગુએ પૂછયું, “માજી, શું શોધી રહ્યાં છો?” “મારું કાનનુ એક બૂટિયું ખોવાઈ ગયું છે, તે શોધી રહી છું.” માજીએ જવાબ આપ્યો.
માજીને મદદ કરવાના હેતુથી, તે વટેમાર્ગુ પણ આંગણામાં શોધવા લાગ્યો. બધે શોધી વળ્યા, પણ ક્યાંય બૂટિયું દેખાયું નહિ. વટેમાર્ગુએ માજીને પૂછયું, “માજી, તમને યાદ છે કે. અહીં કઈ જગ્યા પર બૂટિયું પડયું હતું?” માજી બોલ્યા, “દીકરા, તે તો ઘરની અંદર ક્યાંય પડયું હતું.”
“માજીનો ઉત્તર સાંભળી, વટેમાર્ગુને ક્રોધ આવ્યો, “બૂટિયું જ્યાં પડ્યું હતું, ત્યાં ન જોતાં, તેને અહીં આંગણામાં શોધવાથી તે કેવી રીતે મળશે?”
“માજી બોલ્યા, “દીકરા, અંદર ઓરડામાં ભારે અંધારું છે. અહીં તો કેવું મજાનું અજવાળું છે. માટે હું અહીં શોધી રહી છું.”
“આપણે આ માજી જેવા છીએ. જીવનમાં શાંતિ અનુભવવી હોય તો, તેના યથાર્થ સ્રોતને જાણી, ત્યાં તેની શોધ કરવી જોઈએ. બાહ્યલોકમાંથી શાંતિ પ્રાપ્ત કરવી અશક્ય છે. શાંતિ અને સમાધાન તો વ્યક્તિના મન પર આધાર રાખે છે.”
(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)