વિશ્વમાતૃત્વની જાગૃતિ
માનવ સંસ્કૃતિને આજે હજારોને હજારો વર્ષો વીતી ગયા છે, તેમ છતાં આજે પણ આપણે સ્ત્રીને દ્વિતીય સ્થાન આપીએ છીએ. સમૂહની વ્યવસ્થાની સાંકળમાં અનેકવાર સ્ત્રી જન્મથી જ બંધાયેલી હોય છે. પુરુષે સર્જેલા નિયંત્રણની કાંટાળી વાડ મધ્યે, સ્ત્રીની કુશળતાની કળીઓ ખિલતા પહેલાં જ કરમાય જાય છે.
સ્ત્રી દુર્બળ બને તો તે તેના સંતાનને પણ તે બાધક બને છે. તેના સંતાનમાં તેજસ અને શક્તિ નાશ પામે છે. તે નિવીર્ય બને છે. સ્ત્રીને જયારે યોગ્ય ગૌરવ તેમજ આદર પ્રાપ્ત થાય માત્ર ત્યારેજ પ્રતિભાશાળી જનતા અને રાષ્ટ્રની રચના આપણે કરી શકીશું.
સમૂહના નિયમો અને ધાર્મિક રૂઢીઓનું રૂપાતંર પ્રાચીન કાળમાં, તે સમયના સંજોગોને અનુસરીને થયું હતું. તે સમયમાં સ્ત્રીની યોગ્ય ઉન્નતિ માટે બનાવેલા તે નિયમો, આજે પણ છે. એટલું જ નહિ, આજના યુગને અનુસરીને તેના વિકાસમાં તે નિયમો અવરોધો ઉત્પન્ન કરે છે. ધાર્મિક પરંપરાને પોતાનું મહત્વ હોય છે. આચારોને પ્રાધન્ય આપવું જોઇએ. તેમછતાં, તેના ઔચિત્યને સમજી, સમયને અનુસરી તેમાં ઉચિત પરિવર્તન લાવવા માટે આપણે તૈયાર રહેવું જોઇએ. બીજા અનેક કાર્યોમાં આપણે શું આમ નથી કરતા કે?
પુરુષોએ પુરુષો માટે રચેલી દુનિયામાં આજે સ્ત્રી જીવી રહી છે. આ લોકમાંથી બહાર આવી તેણે પોતાના એક સ્વતંત્ર વ્યક્તિત્વની સ્થાપના, તેણે કરવાની છે. તેમછતાં, ઇચ્છા મુજબ જીવવામાં, ધાર્યા મુજબ કરવા માટેની સ્વતંત્રતા સ્ત્રીને નથી. કૌટુંબિક જીવનની જવાબદારીઓમાંથી છટકવું એ સ્ત્રી સ્વાતંત્ર્ય નથી. સ્ત્રીની ઉન્નતિ તેણે સ્વયંમાં રહીને હાંસલ કરવાની છે, અને આ પુરુષનું અનુકરણ કરવાથી પ્રાપ્ત થતી નથી. સ્ત્રીમાં રહેલી શક્તિને જાગૃત કરવા, સર્વપ્રથમ તો તે પોતાની નબળાઇઓને સ્પષ્ટ જાણી લેવી જોઇએ. ઇચ્છાશક્તિ અને આત્મીય સાધના થકી તેણે આ નબળાઇઓથી પર થવાનું છે. સ્ત્રી સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી, તે પોતાના સ્ત્રીત્વનો નાશ કરી રહી છે. સ્ત્રીના વ્યક્તિત્વનો આવો સ્વભાવ આજે સામાન્ય રૂપે જોવામાં આવે છે. આ યથાર્થ સ્ત્રી સ્વાતંત્ર્ય નથી. આથી વિપરીત, આમાં તો તેનો અને સમાજનો પરાજય જ છે. સ્ત્રી પણ જો પુરુષ જેવી બનવાનો પ્રયત્ન કરે તો સમાજમાં પ્રશ્નોની વૃદ્ધિ જ થવાની. નૂતન સહસ્રકની આવશ્યકતા – સ્ત્રીએ પુરુષત્વ પ્રાપ્ત કરવાનું નથી. પરંતુ, પોતાનામાં માતૃત્વને વિકસાવી, આ સાથે પુરુષ ગુણોને પણ કેળવવાના છે. આ જ તો તેની સાચી પૂંજી છે. એક અન્ય દ્રષ્ટિએ જોઇએ તો, સ્ત્રીની સંકુચિત દુનિયા માટેનું કારણ સ્વયં સ્ત્રી જ છે. વેશભૂષા, બાહ્યસૌંદર્યને જરૂર કરતાં વધુ પ્રાધન્ય સ્ત્રી આપે છે. આમ કરી તે, પુરુષે રચેલી જાળમાં સ્વયં ફસાય છે. સ્ત્રીને, આ સંસાર અને સ્વયં પ્રતિ પણ એક ધર્મ છે. સમાજમાં ઉન્નતિ કરવા, પુરુષ તુલ્ય સ્થાન હાંસલ કરવા તેણે સ્વયં પ્રયત્ન કરવાનો છે.
ગૃહની ચાર દિવલોની વચ્ચે સ્ત્રીનું જીવન કટાઇને નાશ પામે તે કરતાં સમૂહમાં ઉતરી, પોતે આ વિશ્વને શું આપી શકે તેનો વિવેક વિચાર તેણે કરવાનો છે. પોતે આ સંસારમાંથી શું મેળવી શકે, આ ચિંતા કરતાં પોતે શું આપી શકે તે માટે તેણે પ્રયત્ન કરવો જોઇએ. જયારે આવો મનોભાવ તે કેળવશે ત્યારે ચોક્કસ તે આગળ આવી શકશે. તેણે કોઇ પ્રકારની ખેંચતાણ કરવાની આવશ્યકતા નથી. તેણે તો માત્ર જાગૃત થવાનું છે. ત્યારે સમૂહને આપવાને કે સમૂહ પાસેથી જે કાંઇ મેળવવાનું હોય, તે તેને સહજજ પ્રાપ્ત થશે.
સ્ત્રીની ઉન્નતિ માટે પુરુષ આવશ્યક છે, કારણ કે, સ્ત્રીનો નાશ તે પુરુષનો નાશ છે ; માનવજાતિનો નાશ છે. સ્ત્રી જયારે પોતાના અધિકાર મેળવવા, વિશ્વને તેની સેવા અર્પિત કરે છે, ત્યારે પુરુષે તેના માર્ગમાં બાધારૂપ ન બનવું જોઇએ. પુરુષે સ્ત્રીનો માર્ગ સરળ કરી તેનું માર્ગદર્શન કરવું જોઈએ.
વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન (જીનીવા – ૨૦૦૨) ભાગ ૮